: ક્ષણના ચણીબોર : : સંતવાણી : સવ્યસાચિ એવોર્ડ અને ડૉ. નિરંજન રાજ્યગુરુ :

આપણાં સમર્થ સંશોધક તથા સર્જક ઝવેરચંદ મેઘાણીને સંતસાહિત્ય તરફ એક વિશેષ આકર્ષણ રહ્યું હશે. મેઘાણીના સર્જનો તો અનેકવિધ તેમજ અનેક દિશાના હતા. પરંતુ આ બધી વ્યસ્તતા વચ્ચે પણ ભજનિક સંતોની વાણીને કેન્દ્રમાં રાખીને કામ કરવાની તેમની મહેચ્છા રહી હશે. આથીજ જીવનની આથમતી સંધ્યાએ પોતાનીજ નોંધપોથીઓમાંથી જતનથી ટપકાવેલી રચનાઓમાંથી ત્રણ ચાર સંગ્રહો કરવાની તેમની અંતરની ઉમેદની વાત મહેન્દ્ર મેઘાણીએ ‘સોરઠી સંતવાણી’ પુસ્તકના નિવેદનમાં લખી છે. નીયતિનો ક્રમ જુદો હતો. મહેન્દ્રભાઇએ લખ્યું છે તેમ ભજનવાણીમાં મેઘાણીના પ્રાણ વિરામ મેળવી રહ્યા હતા. પરંતુ ઓચિંતાજ આ સર્જક ચિર વિરામ મેળવવા માટે સંતોના સાનિધ્યમાં સદાકાળ રહેવા અનંતની યાત્રાએ ઉપડી ગયા. મહેન્દ્ર મેઘાણીએ પોતાના પિતાની લાગણીને લક્ષમાં રાખીને મેઘાણીની પ્રથમ માસિક પુણ્યતિથિએ ‘‘સોરઠી સંતવાણી’’ જગતના લોક સમક્ષ મૂકી. સંતવાણી તરફનો આવો ઉત્કટ ભાવ એ સર્જક મેઘાણીના હર્યા ભર્યા વ્યક્તિત્વનો અભિન્ન ભાગ હતો. ભજનવાણીના આ અમૃત રસને માણી લેવા ગંગાસતીએ પણ પાનબાઇને સાનમાં સમજાવ્યું હતું. 

માણવો હોય તો રસ

માણી લેજો પાનબાઇ !

હવે આવી મૂક્યો પિયાલો.

કહેવું હતું તે કહી દીધું પાનબાઇ !

હવે રહેણી પાળવા હેતથી હાલો-

રહેણી થકી રામ રીઝે, પાનબાઇ !

રહેણી થકી રોમરોમ ભીંજાય.

સંતવાણીની આ ઉજળી પરંપરાને સમૃધ્ધ કરીને નિરંતર વહેતી રાખવામાં ડૉ. નિરંજન રાજ્યગુરુનું એક આગવું પ્રદાન છે. આથીજ પદ્મભૂષણ ડૉ. ધીરુભાઇ ઠાકર સવ્યસાચી એવોર્ડ ૨૯ જૂન – ૨૦૧૯ ના દિવસે વિશ્વકોશમાં ડૉ. નિરંજન રાજ્યગુરુને આપવામાં આવ્યો તે નિરંજનભાઇની અવિરત સંશોધન યાત્રાને મળેલું ઉચિત સન્માન છે. નિરંજનભાઇએ પણ ડૉ. ક્ષિતિમોહન સેન તેમજ મેઘાણીભાઇના માર્ગે સતત પ્રયાસો કર્યા. વિસરાતા જતા વારસાને મેળવીને તેને જાળવવાનો આ એક ઐતિહાસિક પ્રયાસ હતો. નિરંજનભાઇએ ભાવી પેઢીઓ સુધીઆ અમૂલ્ય સાહિત્ય સરળતાથી પહોંચે તે માટે વેબસાઇટ પણ વિકસાવીને જગતભરના મર્મીઓ સમક્ષ સાહિત્યનો આ અમૂલ્ય ખજાનો ધરી દીધો. આ સદ્દકાર્યથી જગતના સાહિત્ય મર્મીઓ તો લાભાન્વીત થશેજ. પરંતુ નિરંજનભાઇ તો મકરંદી મીજાજથી આ કાર્ય આટોપીને આગળની યાત્રામાં ગતિશીલ રહ્યાછે. જે વાવ્યું છે તે ઉછેરવા – ઉઝેરવાનું કામ તો કુદરત કરશેજ. મકરંદભાઇએ લખ્યું છે : 

‘‘ વેર્યા છે બીજ અમે છૂટ્ટે હાથે

હવે વાદળ જાણેને વસૂંધરા ’’

પદ્મભૂષણ ડૉ. ધીરુભાઇ ઠાકરના વ્યક્તિત્વના અનેક ઉજળા હીસ્સા હતા પરંતુ આમાનો એક મહત્વનો ભાગ તે તેમના ‘ઇન્સ્ટીટ્યૂશન બીલ્ડર’ તરીકેના કાર્યનો હતો. વિશ્વકોશનું નિર્માણ કરવા ઉપરાંત કુમારપાળ દેસાઇ તેમજ કવિ ચન્દ્રકાન્ત શેઠ જેવા સમર્પિત લોકોને આ કાર્યમાં જોડીને તેમણે વિશ્વકોશને સ્થાયી સ્વરૂપ આપવાનું દીર્ઘદ્રષ્ટિયુક્ત કાર્ય કર્યું. રાજ્ય સરકાર તેમજ શ્રેષ્ઠીઓએ પણ ધીરુભાઇની કાર્યનિષ્ઠામાં વિશ્વાસ રાખીને મોકળા મને આર્થિક સહાય કરી. આજે બાળવિશ્વકોશના સમૃધ્ધ નિર્માણ ઉપરાંત વિશ્વકોશનું બિલ્ડીંગ અનેક પ્રવૃત્તિઓથી સતત ધબકતું રહે છે. વિશ્વકોશ એ અમદાવાદ શહેરની શોભા છે. 

ડૉ. નિરંજન રાજગુરુ જેવા સૌજનયશીલ તેમજ તળના માણસનું સન્માન એ ઘણી આવકારપાત્ર બાબત છે. નિરંજનભાઇ એ ઘોઘાવદર ગામની ઓળખ સમાન છે. પરંતુ ઘોઘાવદરનું નામ લઇએ કે તરતજ દાસી જીવણનું સ્મરણ થાય છે. ઘોઘાવદર ગામ એ ગોંડલની નજીક એટલે ગોંડલના પ્રજાપ્રિય રાજવી ભગવતસિંહજીનું પણ સ્મરણ થાય. નિરંજનભાઇને સાંઇ મકરંદ દવેના સંપર્કનો પણ લાભ મળ્યો. દાસી જીવણના ભજનો વિશે થીસીસ લખીને નિરંજનભાઇએ ડૉકટરેટ મેળવ્યું. આ બાહ્ય પદવી મળી તે તો ખરુંજ પરંતુ દાસી જીવણના સર્જનો મારફત નિરંજનભાઇએ સંતવાણીના ઉચ્ચ તેમજ દૈદીપ્યમાન શીખરોનું દર્શન કર્યું. નિરંજનભાઇને અનેક એવોર્ડ મળ્યા છે. સવ્યસાચી સન્માનથી તેઓ વિશેષ વિભૂષિત થયા છે. તેમને મળો તો તરતજ સમજાય કે આ માણસ સન્માનને પચાવી જાણે છે. 

લોકસાહિત્ય કે સંતસાહિત્ય એ કંઠોપકંઠ કહેવાતી અને ઝીલાતી પ્રથા હોવાથી તેના સુરેખ દસ્તાવેજીકરણનું કામ ઓછું થયું છે. જે થયું છે તે માત્ર સમુદ્રમાં રહેલી હીમશિલાની બહાર દેખાતી ચોટી જેટલું છે. બહુરત્ના વસુંધરાના અનેક પ્રતાપી સંતાનોએ જોકે આ સંશોધન – સંપાદન કાર્યને ઝાંખુ પડવા દીધું નથી. સૌરાષ્ટ્રના લોકસાહિત્ય કે સંતસાહિત્ય માટે મેઘાણી ઉપરાંત જયમલ્લ પરમાર, ડૉ. પુષ્કર ચંદરવાકર, રતુભાઇ રોહડીયા, જોરાવરસિંહ જાદવ કે ડૉ. બળવંત જાની જેવા અનેક ધન્યનામ લોકોએ કાર્ય કર્યું છે. નિરંજનભાઇ આ ઉજળી સાંકળની એક મજબૂત કડી સમાન છે. મોટર સાઇકલ ઉપર સવારી કરીને લાંબી મુસાફરીઓ નિરંજનભાઇએ કરી છે. મરજીવાની જેમ ઊંડા તળ તપાસીને તેમણે મોતી ગોત્યા છે. આ કાર્ય નિષ્ઠા તેમજ નિર્ધારના સમન્વયથીજ થઇ શકે તેવું છે. લોકસાહિત્ય કે લોકસંસ્કૃતિ સાથે જોડાયેલા આવા એક સાધકને સાતમો સવ્યસાચી એવોર્ડ જાય છે તેમાં એવોર્ડ ચયન સમિતિની વિશાળ દ્રષ્ટિનું દર્શન થાય છે. શિષ્ટ સાહિત્ય સાથેજ લોકસાહિત્યના વધામણા એ સાચી દિશાનો તેમજ સમજપૂર્વકનો પ્રયાસ છે. ઠાકર સાહેબની સ્મૃતિને વંદન કરીને નિરંજનભાઇને અભિનંદન તેમજ શુભેચ્છાઓ આપવાનો આ સમય છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૧/૦૭/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑