કવિ રમેશ પારેખ સમર્થ સર્જક તથા સંશોધક મેઘાણી માટે લખે છે:
‘‘ તિમિરકાળમાં તમે ઘીના દીવા જેમ પ્રગટ્યાતા મારા સોરઠ કેરા રંક ખોરડે ’’ પરંતુ ઘીના દીવા જેમ પ્રગટેલા આ વ્યક્તિત્વ થકી કેવું કામ થયું તે પણ રમેશ પારેખના શબ્દોમાં સાંભળવું ગમે તેવું છે.
‘‘ સુક્કા તળમાં જળ છલકાવ્યા
ટોડલિયે મોરાં ગહેકાવ્યા. ’’
મેઘાણી આપણી ભાષાને મળ્યા તેને કાકાસાહેબ આપણી માતૃભાષાનું સદ્દભાગ્ય ગણે છે. કાકાસાહેબના મતે લોકમાનસ, લોકજીવન તથા લોકસાહિત્યની એકાગ્ર નિષ્ઠાથી સેવા કરનાર મેઘાણી જેવા વ્યક્તિત્વનો જોટો જડવો મુશ્કેલ છે. ઉપવનમાંથી દ્યિજરાજ ઊડી જાય તેમ મેઘાણીની અકાળે ચિર વિદાયને કાકાસાહેબે વ્યથાપૂર્ણ ગણાવી છે.
મેઘાણીના માનસમાં સામાન્ય જન કેન્દ્રસ્થાને રહેલો છે. જન સામાન્ય એજ આ સર્જકનો આરાધ્ય દેવ છે. વંચિતો તેમજ પીડિતોની વાત મજબૂતી તેમજ અસરકારકતાથી કરીને આ સર્જકે અસમાનતા ઊભી કરનારા તથા તેનું જતન કરનારાને વંચિતોના પુણ્યપ્રકોપ સામે ચેતવ્યા છે.
‘‘ અમે ખેતરને વાડીએથી
જંગલને ઝાડીએથી
સાગરથી ગિરિવરથી
સુણી સાદ આવ્યા.
અમે કંટકનો પુનિત તાજ
પહેરી શિર પરે આજ
પીડિત દલિતોનું રાજ
રચવાને આવ્યા.
જાગ જાગ ઓ રે અંધ !
કાળ સૈન્ય આવ્યા.
લોકસાહિત્ય એકઠું કરવા આ સર્જક ઝોળી લઇને ગામડે-ગામડે તથા નેસડે-નેસડે ભટક્યા છે. બગવદર એ આવીજ એક ઘટના છે. બગવદરના મેરાણી ઢેલીબેનને ત્યાં અને ગામ સમસ્તમાં એક ઇંતેજારીનો તથા ઉત્સુક્તાનો માહોલ ઊભો થયો છે. મેઘાણી જેવા મહેમાન ઢેલીબેનને ત્યાં આવીને ઉતર્યા છે. ‘‘ધોળા ધોળા લૂગડામાં મોટી મોટી આંખો વાળા’’ મેમાનને જોઇનેજ આવકાર દેવાનું મન થાય તેવી પ્રતિતિ ઢેલીબેનને થઇ છે. ઢેલીબેન તેમના મીઠા કંઠે અસલ ઢાળમાં લોકગીતો ગાતા જાય અને મહેમાન સ્ફુર્તિથી પોતાની નોંધપોથીમાં આ ગીતો ટપકાવતા જાય. ગાયા સિવાય ઢેલીબેનને ગીતોના શબ્દો સૂઝે નહિ એટલે ગાતા જાય અને મેઘાણી પૂરી પ્રસન્નતા સાથે આ ગીતો ઝીલતા જાય. સ્વાન્ત: સુખાયનો કેવો મોટો અનુભવ આ બન્ને સાહિત્યના જીવોને થયો હશે ? પરંતુ હવે મેમાન જમવા બેસે છે એ પ્રસંગ તો ઢેલીબેનના શબ્દોમાંજ સાંભળવો વિશેષ ગમે તેવો છે.
‘‘ (મેઘાણીભાઇ) જમવા બેઠા. મહેમાન માટે રીવાજ પ્રમાણે પાટલો ઢાળ્યો હતો. પણ આ મહેમાન પાટલે ન બેઠા ! હું ચુલા પાસે નીચે બેસીને રોટલા ઘડતી હતી તેથી પોતે પણ પાટલો ખસેડીને ભોંય પર બેઠા. પાટલા પર બેસવાનો આગ્રહ કર્યો તો કહે : રોટલા ઘડનાર નીચે બેસે અને ખાનાર ઊંચે – પાટલા ઉપર બેસે એ ક્યાંનો ન્યાય ? ’’ શ્રી નરોત્તમભાઇ પલાણ ઢેલીબેનની રૂબરૂ મુલાકાતનો સંદર્ભ આપીને લખે છે : ‘‘ વયો વૃધ્ધ ઢેલીબેનની આંખમાંથી મેઘાણીભાઇની જીવંત તસવીર મેં પીધી ! ’’ વર્ષો પછી પોતાના મોંઘેરા મહેમાનને યાદ કરી ઢેલીબેન ભાવ વિભોર થયા હતા.
લોકસાહિત્યને મેઘાણી જેવા રુજુ હ્રદયના સંશોધક મળ્યા તે સાહિત્યનો એક વિરલ તથા સુખદ યોગાનુયોગ છે. ધારદાર સાહિત્યનું નિર્માણ કે તેનું અસરકારક સંશોધન સુવિધાપૂર્ણ જગાએ બેસીને ન થાય તે માટે તો ધરતીનો ખોળો ખૂંદવો પડે. મેઘાણીભાઇએ તેમ કર્યું. હજુ જાણે ગઇકાલેજ આપણી વચ્ચેથી અલવિદા કહીને ગયેલા એવા કર્મશીલ લેખક – વિચારક મહાશ્વેતાદેવીએ પણ આમજ કર્યું. અણખેડ્યા પંથ અને અણદીઠી ભોમની ખેપો કરીને શબ્દના મેઘાણી નામધારી આ સોદાગરે સાહિત્ય એકઠું કર્યું. કવિ શ્રી પિંગળશીભાઇ લીલાએ લખ્યું છે તેમ મેઘાણીએ ધરણીના પડને ઢંઢોળીને નેકટેકની ખાતર ખપી ગયેલા અનેક વીરલાઓની વાતોને જગત સમક્ષ રજૂ કરી છે.
કોણ હવે કોદાળી લઇ
ધરણી – પડ ઢંઢોળે,
કોણ હવે સમશાન જગાડી
ખપી ગયેલાં ખોળે,
કોણ હવે કહેવાનો
ગરવી ગૌરવની કહાણી
અમર લોકથી આવ્ય
અમારા શાયર મેઘાણી.
આપણાં સાહિત્યને જન જન સુધી પહોંચાડવાના કામમાં આકાશવાણી (AIR) એ ખૂબ મહત્વનું અને સુદીર્ઘ યોગદાન આપેલું છે. Public Broudcuster ની જવાબદારી સ્વીકારી અને તેનું હેતુપૂર્ણ રીતે વહન કરવું તે પડકારયુક્ત કાર્ય છે. સાહિત્યના – સંગીતના પ્રસારણ માટે આકાશવાણીમાં થયેલા અનેક પ્રયાસો એ એક અલગ તથા ઉજળા ઇતિહાસનો વિષય છે. કોઇપણ સાહિત્યીક કૃતિનું રેડિયો નાટકના સ્વરૂપે પ્રસારણ સાંભળીએ ત્યારે તેમાં મહત્વનું યોગદાન આપનાર ચં. ચી. મહેતા સૌની નજર સામે તરે છે. આપણાં વિશાળ દેશમાં દરેક પ્રદેશની વિશેષ સંસ્કૃતિને અનુરૂપ ભિન્ન ભિન્ન પ્રકારનું સાહિત્ય હોય છે. તુકારામની છાપ જે મરાઠી ભાષાના પદને લાગી હોય કે નરસિંહની ભાત જે ગુર્જરી ગીતોમાં ઊભરી હોય તે આપણી મોંઘેરી વિરાસત છે. રેડિયો તથા લોક કલાકારોના માધ્યમથી તે લોક સુધી પહોંચી શકી છે. નાનજી મિસ્ત્રી જેવા કસબીઓની કમાલ જાહેર કાર્યક્રમો ઉપરાંત આકાશવાણીના માધ્યમથી જનસમૂહ સુધી અસરકારક રીતે પહોંચી છે. આજ રીતે ઢેબરભાઇ તથા રતુભાઇ જેવા સાહિત્યપ્રેમીઓની દીર્ઘદ્રષ્ટિને કારણે રાજકોટને રેડિયો સ્ટેશન મળ્યું. રાજકોટ રેડિયો સ્ટેશન તરફથી સાહિત્યના અનેક સ્વરૂપોની સાથે લોકસાહિત્યનું જે પ્રસારણ થયું છે તેણે મેઘાણીભાઇના બળકટ લોકસાહિત્યને પાંખો પૂરી પાડી છે. રજૂઆતની શૈલિનું પણ એક આગવું મહત્વ હોય છે તે વાત સર્વ સ્વીકૃત છે. મેઘાણીભાઇ રચીત તથા સંશોધિત સાહિત્યની તેમજ સંતવાણીની સરવાણીને હેમુ ગઢવી – યશવંત ભટ્ટ અને મુગટલાલ જોશી તથા કચ્છના પનોતા પુત્ર વેલજી ગજ્જર જેવા સમર્થ વાહકોનો કંઠ મળ્યો તે સોનામાં સુગંધ મળ્યા જેવું કાર્ય થયું. મેઘાણીભાઇના ગીતો જાણે હેમુભાઇના કંઠમાં સોળે કળાએ મહોરી ઊઠ્યાં હતા. આજે પણ આ ગીતો એટલાજ કર્ણપ્રિય લાગે છે.
આભમાં ઊગેલ ચાંદલો ને
જીજાબાઇને આવ્યા બાળ
બાળુડાને માત હિંચોળે
ઘણઘણ ડુંગરા ડોલે.
શિવાજીને નિંદરું નાવે
માતા જીજાબાઇ ઝૂલાવે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૭/૦૬/૨૦૧૯.
Leave a comment