: ક્ષણના ચણીબોર : : ગોળમેજી પરિષદ : નિષ્ફળતામાં સફળતાની ગાથા :

જગતની દ્રષ્ટિએ અને ગાંધીની દ્રષ્ટિએ ૧૯૩૧ ની ગાંધીજીની યુરોપયાત્રા રાજકીય રીતે સફળ રહી ન હતી. બાપુ ૨૯મી ઓગસ્ટ, ૧૯૩૧ ના દિવસે ‘રાજપૂતાના’ સ્ટીમરમાં બેસીને મુંબઇથી ઇંગ્લાંડ જવા નીકળ્યા. ગાંધી પોતે પણ આ ગોળમેજી પરિષદ (૧૯૩૧) માં જવા તૈયાર ન હતા. બ્રિટિશ સત્તાધિશોની કૂટનીતિનો તેમને પૂર્ણ અણસાર હતો. આથી આવી કોઇ પરિષદની સફળતા બાબત તેઓ સાશંક હતા. બાપુની ધારણા હતી તેવુંજ નિરાશાજનક પરિણામ પણ આવ્યું. બાપુએ પોતે ઇંગ્લાંડથી ભારત પાછા આવતા પેરિસના એક સમારંભમાં કહ્યું : 

‘‘ હું વિલાયતથી ખાલી હાથે પાછો આવ્યો છું. પરંતુ કાળા હાથ કરીને નથી આવ્યો. તેથી મને જરાપણ દિલગીરી થતી નથી. હું દેશનું નાક કપાવીને આવ્યો હોત તો ધરતીમાં સમાઇ જવાનુંમન થાત… પરંતુ મારા એક પણ શબ્દ કે કૃત્યથી શરમાતો નથી. ’’ 

ગાંધી ભલે ખાલી હાથે પાછા આવ્યા. પરંતુ યુરોપ – અમેરિકાની પ્રજાના દિલ જીતીને આવ્યા. ઝેરનો ઘૂંટડો ગળીને તેઓ દેશમાં પાછા આવ્યા. લંડનમાં તેઓ દ્રઢ નિશ્ચય કરીને સરકારના અતિથિ બનવાને બદલે ગરીબોના લત્તામાં જઇને રહ્યા. એ લોકોના જીવનમાં ભળી ગયા. જગતને આ મહાત્માએ બતાવી આપ્યું કે લંડનના ગરીબો અને હિંદના કંગાળો વચ્ચે એક અદ્રષ્ય લાગણી કે અનુકંપાનો તાંતણો છે. લેંકેશાયરના મિલમજૂરોને તેમણે હિન્દના ગરીબો માટે ખાદીના વસ્ત્રોના કાર્યની અનિવાર્યતા સમજાવી. જે મજૂરોને પોતાની રોજી ગુમાવ્યાનો રોષ હતો તેઓ ગાંધીની સત્યકથા સાંભળીને હિન્દના કંગાળ ભાંડુઓ માટે ગદગદિત થયા. જગતના તમામ ગરીબોની મહાવ્યથા એ તેમની ગરીબીજ છે એ વાતની પ્રતિતિ ગાંધી સિવાય કોઇ કરાવી શકે તેવી સંભાવના ઓછી છે. બંકિંગહામ પેલેસમાં રાજાના ભવ્ય મેળાવડામાં પણ તેઓ પોતાનો પહેરવેશ બદલ્યા સિવાય ગયા. ઇંગ્લાંડના રાજવી સાથેની વાતચીતમાં પણ તેમની પોલાદી દ્રઢતાના દર્શન થયા. મોઢામોઢ સત્ય સંભળાવવાની તેમની શક્તિનું દર્શન તેમના ઇંગ્લાંડથી વળતા પ્રવાસમાં ઇટલીના જગપ્રસિધ્ધ શાસક મુસોલીનીને પણ થયું. મુસોલીની ગાંધીજીને પૂછે છે : ‘‘ મેં જે ફાસિસ્ટ ઢબનું લશ્કરી રાજ્ય ઊભું કર્યું છે તે વિશે તમે શું માનો છો ? ’’ સત્ય અને નિર્ભયતાના પુજારી ગાંધી મુસોલીનીને સણસણતો જવાબ વાળે છે. ગાંધીજી કહે છે : ‘‘ મને તો લાગે છે કે તમે આ ગંજીફાનો મહેલ ઊભો કરી રહ્યા છો. ’’ પોતડીધારી દૂબળા દેહમાં રહેલી આ અસાધારણ આત્મશક્તિ આ સંવાદમાં ઝળાહળા થઇ રહેલી છે. ઓગસ્ટના ઐતિહાસિક માસમાં બાપુની ગોળમેજી પરિષદની સાથે સંકળાયેલી અનેક વાતો સ્મરણમાં આવે તે સ્વાભાવિક છે. 

દેશની મુક્તિના દ્વાર ઓગસ્ટ મહિનામાં જ ખુલ્યા. લાલ કિલ્લા પરથી એક નવલા પ્રભાતની ઘોષણામાં દેશના કરોડો માનવીઓની આકાંક્ષાઓનો પ્રતિભાવ પડઘાતો હતો. દેશના ભાગલાની લોહીયાળ ઘટના પણ આજ સમયમાં જગતે જોઈ. અનેક નિર્દોષ લોકોનો અકારણ ભોગ આ વિભિષિકાએ લીધો. આઝાદીનો ઉત્સવ દેશમાં ઉજવાતો હતો ત્યારે આ સોનેરી સ્વતંત્રતાના જનક ગાંધીજી બંગાળમાં ડહોળાયેલી સ્થિતિની વચ્ચે દુ:ખી ભાંડુઓની વચ્ચે જઈને ઊભા હતા. આ માસમાં જ ગુજરાતના સમર્થ સંશોધક-લેખક પત્રકાર તથા લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો. (તા.૨૮ ઓગસ્ટ-૧૮૯૬) કેટકેટલી અસાધારણ ઘટનાઓની સ્મૃતિ ઉરમાં સંઘરીને કાળદેવતા ઊભા હશે !

ગોળમેજી પરિષદમાં બાપુ જતા હોય તેની કથાનો કડીબધ્ધ ઈતિહાસ લખવા સૌરાષ્ટ્રના તે સમયના નિષ્પક્ષ તથા નીડર પત્રકારત્વના મશાલચી અમૃતલાલ શેઠ તલપાપડ થતા હોય તે સ્વાભાવિક છે. તેમના ‘સૌરાષ્ટ્ર’ અખબારના માધ્યમથી ગોળમેજી પરિષદની ઘટના સાથે વણાયેલા અસંખ્ય રાજકીય તાણાંવાણાં ઉકેલીને તે રજૂ કરવાનો શેઠ સાહેબનો પ્રયાસ હતો. પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે સમગ્ર પ્રસંગના કેન્દ્ર સમાન ગાંધીજીના મનોજગતનું ચિત્રણ કોણ કરી શકે? તંત્રી અમૃતલાલ શેઠ જાણતા હતા કે આ કામ માત્ર મેઘાણી જ કરી શકે! મેઘાણીભાઈ કવિ હતા. દ્રષ્ટા હતા. તેમની તીક્ષ્ણ અને જાગૃત દ્રષ્ટિએ આ પ્રસંગને અનુરૂપ એક અમર રચનાનું સર્જન થયું. રચના એવી ધારદાર કે તે ગાંધીને પણ સ્પર્શી ગઈ તેની પ્રતિતિ મહાદેવભાઈના લખાણ પરથી થાય છે. બાપુની ગોળમેજી પરિષદના પ્રયાણના આખરી સમયે જ ગીત રચાયું. ગીતની કેટલીક પ્રતો કઢાવીને આ ગીતના શબ્દો તાબડતોબ મુંબઈ પહોંચાડવાનો અર્થપૂર્ણ પ્રયાસ થયો. મુંબઈ બંદર પરથી ગાંધીજીની વિદાયના ટાણે ગીતની પ્રતોની વહેંચણી થઈ. પ્રસંગનું ગાંભીર્ય તો હતું જ. પરંતુ આ ઉજળા પ્રસંગને ચાર ચાંદ લગાડવાનું  વિરાટ કાર્ય મેઘાણીની નીવડેલી કલમે કર્યું. રાષ્ટ્રપિતાના મનોભાવો તથા વેદનાનું આવું ચિત્રણ કદાચ કોઈ પણ ભાષાના પદ્ય કે ગદ્યમાં મળવું મુશ્કેલ છે. સમગ્ર હિન્દુસ્તાન પૂરા આદરથી ગાંધીને ‘ખુદા હાફીઝ’ કહે છે. સત્યની આફરી તાવણી માટે ઝેરનો કટોરો પી જવા માટે કવિ આગ્રહ કરે છે !

છેલ્લો કટોરો ઝેરનો ! આ: પી જજો બાપુ

સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો બાપુ

સુર અસુરના આ નવયુગી ઉદધિ- વલોણે

શી છે ગતાગમ રત્નના કામી જનોને !

તું વિના શંભુ ! કોણ પીશે ઝેર દોણે

હૈયા લગી ગરવા ગરલ ઝટ જાઓ રે બાપુ !

ઓ સૌમ્ય-રૌદ્ર ! કરાળ-કોમલ! જાઓ રે બાપુ !

બાપુની વિરાટ પ્રતિભા મેઘાણીભાઈના શબ્દોમાં કાળા વાદળોની વચ્ચે વિજ ચમકે તેમ આ કૃતિમાં ચમકી રહે છે. ‘રાજપૂતાના’ સ્ટીમરે પંથ ખેડવાનો પ્રારંભ કર્યો તે પછી મહાદેવભાઈ અનેક પત્રો સાથે મેઘાણીભાઈનું આ કાવ્ય પણ બાપુને વાંચવા આપે છે. આ રચના વાંચીને ગાંધીજીએ કહ્યું: ‘‘મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.’’ આરપાર જોઈ શકવાની આવી કવિ દ્રષ્ટિ જગતે બહુ ઓછા કિસ્સામાં જોઈ હશે. 

મુંબઈ બંદરથી ગાંધી નીકળ્યા ત્યારે જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. જાણે ઈન્દ્ર વિદાયના આંસુ સારી રહ્યો હતો. પરંતુ બાપુને વળાવવા આવેલો વિશાળ માનવ સમુદાય પોતાની જગાએથી ખસતો ન હતો. હિન્દના હ્રદય સમ્રાટની ઐતિહાસિક યાત્રાનું આ દ્રષ્ય સાચે જ હ્રદય પિગળાવનારું બની રહ્યું હતું. લંડનની સડક પર શરદઋતુની ટાઢમાં ખાદીની પોતડી પહેરીને તથા શાલ ઓઢીને લોકોએ ગાંધીને ફરતા જોયા હતા. આમ પ્રજાની વચ્ચે તેઓ કિંગ્સલી હોલમાં રહ્યા તેની પણ એક મોટી અસર ઊભી થવા પામી. અનેક સામાન્ય જનોના દિલોદિમાગ પર વિજય મેળવીને આ મહામાનવ હિન્દુસ્તાન પાછા આવ્યા.

વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૨૭/૦૬/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑