છએક દાયકા પૂર્વે ગુજરાત રાજ્યની રચના એક અવિરત સંઘર્ષ પછી થઇ. ‘‘મળતા મળી ગઇ મોંઘેરી ગુજરાત’’ જેવી લાગણીથી અનેક લોકોએ રાજ્યના નિર્માણની ઘટનાને અંતરથી વધાવી. ગુજરાતીઓની સૂઝ તથા શક્તિ તેમજ ગત છ દાયકાના દ્રષ્ટિવાળા શાસકોના સંયુક્ત પ્રયાસોથી કેટલાક સીમાચિન્હ રૂપી કાર્યો પણ થયા. આવું એક કાર્ય ગણાવવું હોય તો નર્મદા યોજનાના નિર્માણ કાર્યનું ગણાવી શકાય. હજારો કિલોમીટરમાં ફેલાયેલી નર્મદાની નહેરો થકી તૃષાતુર ભૂમિ તેમજ તૃષાતુર લોકો તૃપ્ત થયા. આ ઘટના ઐતિહાસિક છે. રાજ્યની સ્થાપના બાદના આ સમયગાળામાં નર્મદા યોજનાની ભવ્યતાની જોડાજોડ મૂકી શકાય તેવી ઉજળી કામગીરી એ વિશ્વકોશના નિર્માણની છે. વિશ્વકોશ બીજી કેટલીક ભાષાઓમાં છે અને આપણી ભાષામાં ન હતો તેની ખોટ ધીરુભાઇને સાલી અને એક વિરાટ કાર્યનો સુઆયોજિત પ્રારંભ થયો. પૂજ્ય મોટા તેમજ સાંકળચંદ પટેલ જેવા પુણ્યશ્લોક લોકો વિશ્વજ્ઞાનયજ્ઞના યાજ્ઞિક ઠાકર સાહેબના સહયોગમાં તન – મન અને ધનથી ઊભા રહ્યા. વિશ્વકોશની આ ગૌરવયાત્રા જાન્યુઆરી-૨૦૧૯ માં અમદાવાદના નગરજનોએ માણી તથા જ્ઞાનની ઉપાસના કરનાર અનેક લોકોના મસ્તક ગૌરવભેર ઊંચકાયા. ૧૯૮૯ ના ડિસેમ્બરથી ૨૦૦૯ ના ડિસેમ્બર સુધીની વિશ્વકોશની અવિરત કર્મયાત્રાના કારણે વિશ્વ નિવાસી ગુજરાતીઓને પચીસ દુર્લભ ગ્રંથો પ્રાપ્ત થયા. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વિશ્વકોશ આપનાર રતનજી શેઠના ગણાય છે. નર્મદે ભારે જહેમત લઇને ‘નર્મકોશ’ ની ભેટ સમાજના ચરણે ધરી, પરંતુ તે શબ્દકોશ છે. આ પૂર્વભૂમિકામાં ગુજરાત યુનિવર્સિટી પાસે પૂ. મોટાએ વિશ્વકોશની રચના માટે અપાયેલી દાનરાશી પડી રહી હતી. જાણે પૂજ્ય મોટાની ઉમદા ભાવનાને મૂર્તિમંત કરવા કાળ ધીરુભાઇ ઠાકરની પ્રતિક્ષામાં હતો. ધીરુભાઇએ આ પડકાર ઝીલ્યો. જીવનના નવ દાયકાથી પણ વધારે સમય માટે સદાકાળ યુવાન કર્મયોગી ધીરુભાઇ ઠાકરે આપણી માતૃભાષાની તેમજ વિદ્યાના ઉપાસકોની એક અમૂલ્ય સેવા કરી. વિશ્વકોશના દ્રષ્ટા તેમજ સૃષ્ટા ધીરુભાઇ તો ૨૦૧૪ માં અનંતની યાત્રાએ ઉપડી ગયા. પરંતુ તેમનો ઉડાડેલો ગુલાલ આપણાં સૌની ભાવસૃષ્ટિમાં અનંતકાળ સુધી ભાતીગળ સ્વરૂપે જીવંત રહેશે. વિશ્વકોશમાં વ્યાપક ફલક ઉપર શક્ય હોય તેવા તમામ વિષયોનું જ્ઞાન ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે તે તેની જ્વલંત સિધ્ધિ છે. વિદ્યાપુરુષ તેમજ ઇન્સ્ટીટયૂશન બિલ્ડર ધીરુભાઇ ઠાકરના પગલે ચાલતી વિશ્વકોશની પ્રવૃત્તિ આજે પણ જીવંત તથા ધબકતી છે તે આપણું સદ્દભાગ્ય તેમજ ગૌરવ છે.
૨૦૧૯ની પાંચમી જાન્યુઆરીએ ગુજરાતી ભાષામાં પોત તથા પ્રતિભાનું ઉમેરણ કરનાર વિશ્વકોશ ગ્રંથશ્રેણીની ગૌરવયાત્રાનું આયોજન એ અનેક રીતે અભૂતપૂર્વ હતું. લોકનો એક વિશાળ સમુહ પોતાના શહેરમાં જેનું નિર્માણ થયું છે તેવી ગ્રંથશ્રેણીને વધાવે તે પ્રસંગથી શહેરની શોભામાં વૃધ્ધિ થઇ હતી. વિશ્વકોશનો આકર્ષક ટેબ્લો સૌનું ધ્યાન ખેંચે તેવો હતો. વિશ્વકોશના જનક ધીરુભાઇ ઠાકર તેમજ સાકળચંદ પટેલ જેવા સમર્પીત લોકોનું સ્મરણ કુમારપાળ દેસાઇએ સૌને કરાવ્યું અને તેમનો ઋણ સ્વીકાર કરવાનો એક સુંદર અવસર ઊભો થયો. ધીરુભાઇ ઠાકરના આજીવન સક્રિય તથા સમર્પીત કાર્યથી વિશ્વકોશનું વટવૃક્ષ દૈદિપ્યમાન બન્યું છે. પૂજ્ય મોટા જેવા દીર્ઘદ્રષ્ટા તેમજ પ્રતિભાવંત સંતની વિશ્વકોશ અંગેની મહેચ્છા પણ ઠાકર સાહેબના અવિરત તથા આયોજિત પ્રયાસોથી પૂર્ણ થઇ શકી છે.
ગુજરાતી વિશ્વકોશના પચીસ ખંડોનું કાર્ય પૂર્ણ થયું ત્યારે ઠાકર સાહેબની ઉંમર ૯૧ વર્ષની હતી. તેઓ આ ઉજ્વળ કામગીરીનું શ્રીફળ હોમીને નિવૃત્તિનું જીવન જીવ્યા હોત તો તે સ્વાભાવિક પણ ગણાત. પણ ધીરુભાઇ નોખી માટીના માનવી હતા. વિશ્વકોશનું કામ પૂરું થયા પછી બાળ વિશ્વકોશનું દ્રષ્ટિ સંપન્ન કાર્ય ઉપાડ્યું. કવિ ચન્દ્રકાન્ત શેઠ જેવા કર્મઠ વ્યક્તિએ ધીરુભાઇને સંતોષ થાય તે રીતે બાળ વિશ્વકોશનું કામ ઝડપભેર આગળ વધાર્યું. જોતજોતામાં બાળ વિશ્વકોશના આઠ ખંડો ગુજરાતી ભાષાના આભૂષણ સમાન થઇને ઝળકી ઉઠ્યા. વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી ઉત્તમ પ્રકાશનોની શ્રેણીનુંકાર્ય તો ચાલુજ રહ્યું. ઉપરાંત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન – વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના માધ્યમથી ઉત્તમ પ્રકારના વ્યાખ્યાનોની હારમાળાએ વિશ્વકોશની સક્રિયતાને દીપાવી છે. ધીરુબહેન પટેલનું માર્ગદર્શન પણ પરીણામલક્ષી બની રહેલું છે. ગઇકાલ સુધી જેઓની વાણી તેમજ વ્યવહાર થકી આપણને મહાત્મા ગાંધીની સ્મૃતિ થતી હતી તેવા નારાયણ દેસાઇનું દેસાઇનું સર્વસાચી એવોર્ડથી સન્માન એ એવોર્ડનું ગૌરવ વધારે તેવી ઘટના હતી. નારાયણ દેસાઇએ ધીરુભાઇની સ્મૃતિસભામાં કહ્યું કે ધીરુભાઇના આજીવન પ્રયાસ વિવાદમાંથી સંવાદ તરફની ગતિ થાય તે માટેના હતા. ઉપરાંત પ્રાપ્ત થયેલા જ્ઞાનનો ઉપયોગ સમગ્ર સૃષ્ટિના મંગળ માટે થતો રહે તેવી લાગણી પણ નારાયણભાઇએ ધીરુભાઇના જીવનને ટાંકીને કરી હતી. આજના સંદર્ભમાં આ વાત ખૂબ મહત્વની છે. માહિતીના અઢળક સ્ત્રોતમાંથી ઉપલબ્ધ થતા જ્ઞાનનો ઉપયોગ સર્વજન હિતાય સર્વજન સુખાય કરવામાં આવે તો એ લાધેલું જ્ઞાન પણ સાર્થક થયું ગણાય. નીરક્ષીર વિવેક રાખીને આપણાં અધ્યાપકો તેમજ અભ્યાસુઓ આ જ્ઞાન ખજાનાનો ઉપયોગ કરે તો ધીરુભાઇ ઠાકરના અખંડ યજ્ઞની સાર્થકતા ગણાશે.
વિશ્વકોશના સંદર્ભમાં એક નોંધપાત્ર બાબત એ છે કે આ સમગ્ર કાર્ય દ્રષ્ટિ સંપન્ન લોકોના સહયોગ તથા કર્મઠ લોકોના પરિશ્રમ થકી આગળ વધ્યું છે. એ રીતે જોઇએ તો આ સમગ્ર પ્રવૃત્તિના વ્યાપ તેમજ વિસ્તારમાં લોક ભાગીદારીનું અનેરુ મહત્વ રહેલું છે. જુદા જુદા વિષયના અનેક તજજ્ઞોને એકતાંતણે બાંધીને આ કાર્ય મહોરી ઊઠ્યું છે. વિશ્વકોશના નિર્માણમાં જેમનું મહત્વનું યોગદાન છે તેવા સંનિષ્ઠ શિક્ષકોની એક ઉજળી ધરોહરના આપણે વારસદારો છીએ તેવી ગૌરવપ્રદ લાગણી થાય તેવો આ ઉજળો ઘટનાક્રમ છે. આપણી માતૃભાષાના ચલણ તેમજ વિકાસના સંદર્ભમાં આજે જ્યારે સાર્વત્રિક ચિંતાનો સૂર સંભળાય છે ત્યારે ધીરુભાઇના આ યજ્ઞકાર્ય થકી આશા તેમજ ઉત્સાહની જ્યોત પ્રજ્વલિત થઇ છે તેમ કહેવું યથાર્થ ગણાશે. આ જ્યોતનું જતન કરવાની આપણી સૌની સામુહિક જવાબદારી છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૨/૦૬/૨૦૧૯.
Leave a comment