: સંસ્કૃતિ : : ઇસરોની ઉજળી અર્ધી સદી અને ડૉ. વિક્રમ સારાભાઇની પાવન સ્મૃતિ :

ગુજરાતે જેમ શ્રેષ્ઠિઓની એક વણઝાર જગતને ચરણે ધરી છે તેવીજ રીતે ગુજરાતે સમર્થ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇની ભેટ આપણાં દેશને ચરણે ધરી છે. ઇસરોની બેંગલુરુની મુખ્ય ઓફીસમાં પ્રવેશ કરો કે તરતજ ડૉ. વિક્રમ સારાભાઇની પ્રતિમા જોઇને મનમાં ગૌરવની લાગણી થાય છે. અમદાવાદના રીવર ફ્રંટ પર પણ તેમની પ્રતિમા સમગ્ર રીવર ફ્રંટની શોભામાં પૂર્તિ કરે છે. માનવીય અભિગમ ધરાવતા આ વૈજ્ઞાનિકનો ફાળો ભારતના અવકાશી વિજ્ઞાનના વિકાસમાં અતિ મહત્વનો છે. દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અવકાશી વિજ્ઞાનના જ્ઞાતા ડૉ. અબ્દુલ કલામે અમદાવાદની તેમની દરેક મુલાકાત સમયે ડૉ. સારાભાઇની અપ્રતિમ સિધ્ધિને હમેશા આદર સહ યાદ કરી છે. ૧૨મી ઓગષ્ટ ૧૯૧૯ના રોજ આ મહામાનવનો જન્મ થયો. વિક્રમભાઇને બાળપણથીજ પિતાના ખુલ્લા વિચારોનો વારસો મળ્યો. તેથી તેઓ પણ જીવનમાં વ્યાપક તેમજ સર્વસમાવેશક દ્રષ્ટિવાળા બન્યા. વિક્રમભાઇના પિતા અંબાલાલ સારાભાઇના ઉત્તમ સંસ્કારો તેમજ નિર્બંધ વિચારોનું બીજ તેમના સંતાનોમાં રોપાયું તેમજ સતત પાંગરતું રહ્યું. જે યુગમાં સદીના મહામાનવ ગાંધીને પોતાનો કોચરબ આશ્રમ ચલાવવા માટે નાણાંની ખાસ જરૂરિયાત હતી ત્યારે સહજ રીતે તેમજ નામ આપ્યા સિવાય સહાય કરનાર અંબાલાલ સારાભાઇ વિશાળ દ્રષ્ટિવાળા હતા. ગાંધીનું મૂલ્ય તેઓ પૂર્ણત: સમજી શક્યા હતા. ગાંધીજી સાથેના કૌટુંબિક સબંધના કારણે સારાભાઇ પરિવારના મહેમાનોમાં ગુરુદેવ ટાગોર, ગોપાળકૃષ્ણ ગોખલે ગોખલેતેમજ એની બિસેન્ટ જેવા સુવિખ્યાત લોકોનો સમાવેશ થતો હતો. 

ઇસરોની ઉજ્વળ યાત્રાના પચાસ વર્ષ (૧૯૬૯-૨૦૧૯) થયા છે. ડૉ. વિક્રમ સારાભાઇના ઉલ્લેખ સિવાય ઇસરોની સ્થાપના તથા વિકાસની વાત પૂરી થઇ શકતીનથી. આવનારી પેઢીઓ તેમજ વિકાસની ભવિષ્યની અનિવાર્ય જરૂરિયાતોને લક્ષમાં રાખીને ઇસરો જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થાનું સર્જન કરવામાં આવ્યું. દેશને આઝાદી મળી ત્યારબાદ ડૉ. હોમી ભાભા તેમજ ડૉ. વિક્રમ સારાભાઇએ દ્રષ્ટિસંપન્ન કાર્ય કરીને દેશના સ્પેસ સાયન્સ તથા ન્યૂકિલીયર સાયન્સના ભાવિ આયોજન માટેના પગલાં ભર્યા. ઇસરોની સ્થાપના પછી ભારત સરકારે પૂરતી સમજ સાથે ઇસરોના ચેરમેન તરીકે ડૉ. વિક્રમ સારાભાઇની નિયુક્તિ કરી. દેશમાં અવકાશી ક્ષેત્રે કે અણુ વિજ્ઞાન ક્ષેત્રે જે પ્રગતિ થઇ છે તેનો યશ ડૉ. હોમી ભાભા તેમજ ડૉ. સારાભાઇને ફાળે જાય છે. ઘણી બધી વિચારણા તેમજ ચકાસણી બાદ થુમ્બાની ઉપગ્રહ લોંચિંગ સ્ટેશન તરીકે પસંદગી કરવામાં આવી. થુમ્બામાં જે કામગીરી શરૂ કરવામાં આવી તે દરમિયાનજ અવકાશી ઉપગ્રહો ભ્રમણમાં મૂકવા માટે ડૉ. સારાભાઇએ શ્રીહરિકોટાની પસંદગી કરી. આમ અવકાશી વિજ્ઞાનના ક્ષેત્રે બન્ને સેન્ટરો સમયસર પસંદ કરીને સ્થાપના કરવામાં ડૉ. વિક્રમ સારાભાઇએ સિંહફાળો આપ્યો હતો. ફેબ્રુઆરી-૨૦૧૭ માં એકસાથે ૧૦૪ ઉપગ્રહો તરતા મૂકીને એક નવા રેકોર્ડની સ્થાપના ઇસરોએ કરી. ડૉ. વિક્રમ સારાભાઇએ જે વૃક્ષનુંબીજ રોપીને સંવર્ધન કર્યું હતુંતે વૃક્ષ આજે પૂર્ણત: મહોરી ઉઠ્યું છે. વિક્રમભાઇનું આ શ્રેષ્ઠ સ્મારક છે.

અમદાવાદની ગુજરાત કોલેજમાં અભ્યાસ પૂરો કરીને ડૉ. વિક્રમ સારાભાઇ કેંબ્રિજમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા. ડૉ. સારાભાઇના કેંબ્રિજ પ્રવેશ માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ભલામણ કરી હતી તે એક ઐતિહાસિક ઘટના છે. ડૉ. વિક્રમ એક વૈજ્ઞાનિકહોવા ઉપરાંત અનેક કળાઓમાં રસ ધરાવનારા હતા. તેમના કલા પ્રત્યેના આ લગાવને કારણેજ મૃણાલિનીબહેનના પરિચયમાં બેંગલોરમાં આવ્યા. બન્નેએ લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કર્યું. અહીં મહત્વની વાત એ છે કે લગભગ સાત – આઠ દસકા પહેલા એક નૃત્યાંગના પુત્રવધુને આવકારીને તેનો ઉમંગભેર સ્વીકાર કરવાનું વિક્રમભાઇના પિતા –માતાનું વલણ તેમના વિચારોની વિશાળતાની શાક્ષી સમાન છે.

અમદાવાદના અનેક શ્રેષ્ઠિઓએ સફળ ઉદ્યોગ ગ્રહોની સ્થાપના કરી છે. દુનિયાએ ગુજરાતીઓની વ્યાપાર – વાણિજ્ય સબંધિત સૂઝને પ્રમાણી છે. એજ રીતે વિદ્યાલયો કે ઉત્તમ પ્રકારની સામાજિક કે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનામાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. વિક્રમ સારાભાઇ પણ એક ઉત્તમ ઇન્સ્ટીટયૂશન બિલ્ડર હતા. કાપડની મિલોના આધુનિકરણ માટે કસ્તુરભાઇ લાલભાઇ તેમજ ડૉ. વિક્રમ સારાભાઇએ અટીરાની સ્થાપના કરી. વિક્રમભાઇએ અટીરાના પ્રારંભ કાળમાં તેના નિયામક બનીને સંસ્થાના ઊંડા પાયા નાખ્યા. કાપડની મિલોમાં ગુણવત્તા નિયંત્રણ તેમજ મોડર્ન મેનેજમેન્ટ માટે અટીરાનું નિર્માણ કરવામાં આવ્યું. અટીરાનું નિર્માણ તેમજ તેની કામગીરીનું શ્રેય કસ્તુરભાઇના ડૉ. વિક્રમ સારાભાઇ તરફના સંપૂર્ણ વિશ્વાસમાં રહેલું છે. આજ રીતે ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના તેમજ વિકાસમાં ડૉ. સારાભાઇએ પાયાની કામગીરી કરી. ‘‘દર્પણ અકાદમી’’ પણ અમદાવાદ શહેરની શોભા સમાન છે જેની પાછળ મૃણાલિનીબહેન તથા વિક્રમભાઇની દ્રષ્ટિ છે. જે જે સંસ્થાઓની સ્થાપના કરવામાં વિક્રમભાઇનું યોગદાન છે તે દરેક સંસ્થામાં સંચાલનમાં ઉત્તમ મૂલ્યો તેમજ વહીવટી કાર્યદક્ષતાનું જતન કરવામાં આવેલું છે. આજ રીતે ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઇ.આઇ.એમ.)ની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી તેમાંપણ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા તેમજ ડૉ. વિક્રમ સારાભાઇના પ્રયાસોનું બળ રહેલું હતું. ડૉ. હોમી ભાભાના આકસ્મિક અવસાન પછી એટમીક એનર્જી કમિશનના અધ્યક્ષ તરીકે પણ ભારત સરકારે ડૉ. સારાભાઇની નિમણુંક કરી. વિક્રમભાઇના ભાતીગળ જીવનની રૂપેરી ઘટમાળમાં અનેક સિધ્ધિઓના મનભાવન પુષ્પો વિખરાયેલા છે. તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીના વિક્રમભાઇ પ્રત્યેના પૂર્ણ વિશ્વાસને કારણે વિક્રમભાઇની કામગીરી વધારે સરળ તથા ઝડપી બની હતી. 

વિક્રમભાઇને અનેક કાર્યો સંપન્ન કરવાનું સ્વપ્ન હતું. કામનુંપ્રમાણ પણ અમર્યાદિત હતું. ‘‘ થાકે ન થાકે છતાંયે ઓ માનવી ! ન લેજે વિસામો ’’ એ વાત તેમના જીવનમાં સાંગોપાંગ ઉતરી હતી. નાદુરસ્ત તબિયત છતાં ૧૯૭૧ ના ડીસેમ્બરમાં તેઓ એક મહત્વની મીટીંગ માટે દિલ્હી ગયા. ત્યારબાદ ફરી થુમ્બાની મુસાફરી કરવાની આવી. કાળે પોતાનું કામ કર્યું. ડૉ. વિક્રમ સારાભાઇ કર્મઠ જીવતર પૂર્ણ કરીને અનંતની યાત્રાએ ગયા. ઇસરોના આ મહાન નાયકની ઇસરોની અર્ધી શતાબ્દીની યાત્રાના પડાવ સમયે સ્મૃતિ થયા કરે છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૦/૦૫/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑