: વાટે….ઘાટે…. : : મેઘભીની ધરતીની અનેરી સુગંધ : : કવિ મુકુન્દરાય પારાશર્યની સ્મૃતિ : 

કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય.  

‘‘ મરને તળિયે જીવીએ, દૂનિયા દેખે નૈં ,

મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.’’

પ્રસિધ્ધિની રજમાત્ર પરવા કર્યા સિવાય માત્ર કર્મની કેડીએ ડગ માંડવાના સંસ્કાર આ ભાવનગરી કવિને વિચક્ષણ દિવાન સર પ્રભાશંકર પટ્ટણીના જીવનમાંથી મળ્યા હોય તે બનવા જોગ છે. સંસારમાં રહીને, સાંસારીક જવાબદારીઓ નિભાવીને પુષ્પની જેમ સતત સંસ્કારની સુગંધ પ્રસરાવતા આ નખશીખ સૌજન્યશીલ અને સૌમ્ય સર્જકને ગુજરાતીઓ કદી વિસરી શકશે નહીં. માળા ફેરવતા મોટીબા પાસેથી વાતો સાંભળીને કથાઓ લખી. અનેક વિદ્વાનોએ આ સત્યકથાઓને વિશ્વસાહિત્યના દરજ્જામાં મૂકી શકાય તેવી ગણી. એમની ભાતીગળ સ્મૃતિ એમના સર્જનો થકી રંગ રેલાવતી રહેશે. મકરંદી ગુલાલ એમણે પણ રેલાવી જાણ્યો છે.

અમે તો જઇશું અહીંથી પણ આ

અમે ઉડાડયો ગુલાલ રહેશે.

‘સત્યં પરમ્ ધીમહિ’નો મંત્ર જીવી જનાર આ સર્જક સત્યકથાઓ લખીને સમાજ પર પોતાનું રૂણ ચડાવીને ગયા છે. તેઓએ માત્ર સત્યકથાઓ લખી હોત તો પણ અમરત્વને વર્યા હોત એ નિર્વિવાદ છે. પરંતુ તેમણે તો અનેક સર્જનો થકી આપણા સાહિત્યની શોભા વધારી છે. એમની રચનાઓમાં ભાવ સહજતા તથા પ્રવાહીતાનો સુભગ સમન્વય જોવા મળે છે. આપણી સંતવાણીની ભાતીગળ રચનાઓમાં સ્થાન પામે તેવી તેમની એક રચના છે. 

એની ગાંઠે ત્રણે ભોમનું નાણું

સાધુડા ! જેના મનડામાં મોતી બંધાણું

મોતી બંધાણું એનું દળદર દળાણું વ્હાલા !

છુટયું સંસારનું સરાણું,

હું પદના બંધવાળુ, કંચનકામિનીવાળું

જીવતર છે રાખનું છાણું …. સાધુડા ! ….

આજે જ્યારે સમગ્ર માહોલમાં સ્વ મહિમા પ્રસ્થાપિત કરવાની હોડ ચાલી છે ત્યારે એક સર્જકે લખેલા નીચેના શબ્દો એ સર્જકને જગતથી જુદો તારવી બતાવે છે. 

ઓછામાં ઓછું જે બોલે

રહસ્ય વિસ્તરતું જે બોલે

સહુથી અદકુ જીવન તોલે

તે મારે મન કવિ.

મુકુન્દ પારાશર્યની આ વાત સાંભળીએ તો આદર તેમજ વિસ્મય થાય. પરંતુ આ કવિ તેમણેજે લખ્યું છે તેનેજ અનુરૂપ જીવન જીવીને ગયા. કવિતો વહેલા ગયા પરંતુ હમણાંજ આપણી વચ્ચેથી દક્ષાબેન પટ્ટણી અનંતની યાત્રાએ ઉપડી ગયા. આ દક્ષાબેન પણ કીર્તિ કે પ્રસિધ્ધિની રજમાત્ર પરવા કર્યા સિવાય એક ઉત્તમ અધ્યાપકને છાજે તેવું જીવન જીવીને ગયા. કવિ મુકુન્દરાયના બહેન પ્રાધ્યાપક દક્ષાબેનને પણ આવાજ સંસ્કાર મળેલા હતા. આથી મહાત્મા ગાંધીને અને તેમના વિચારોને એક નૂતન દ્રષ્ટિકોણથી રજૂ કરવાનું પડકારરૂપ કાર્ય દક્ષાબેન પર્ણ દક્ષતાથી કરી ગયા. એક ઉજળા તથા ભાતીગળ વારસાના આ બન્ને ભાઇ બહેન પ્રતિનિધિ હતા. દક્ષાબહેન જેવા અધ્યાપક કે મુકુન્દરાય જેવા સર્જક એ ધોમધખતા રણમાં વીરડી બનીને જીવ્યા અને જગતની તેમજ સાહિત્યની ઉપાસના કરી.

સર્જક મુકુન્દરાયની સાહિત્ય ભોમમાં જ્યારે જઇએ ત્યારે સર્જકના ઉજળા તથા ઉમદા પોતના દર્શન થયા કરે છે. તેમના જીવનની ગતિ નદીની ધારા સમાન સ્થિર તથા જીવંત રહી છે. તેઓ આ ધારાની સ્થિરતાને પ્રમાણનારા સર્જક છે. એક સ્થળે તેમણે લખ્યું છે : 

‘‘ નદીનો ધર્મ વહેવાનો છે. સિંધુની પ્રાપ્તિ એ તેનું લક્ષ્ય છે, તરંગો ઉછાળવા કે ગર્જના કરવી એ નથી નદીનો ધર્મ કે તેનું લક્ષ્ય. ગર્જના કે તરંગ એ તો તે પ્રકારના માર્ગમાંથી વહન કરવાને અંગે સ્વત: ઊભા થતા પરિણામ છે. ’’ 

સાહિત્યના સર્જનમાં પણ એક ધોરણ જળવાય તે દરેક કાળમાં અપેક્ષિત છે. જે સાહિત્યમાં સત્વનું મજબૂત પોત છે તેજ સાહિત્ય જગતમાં ટકે છે. સર્જક મુકુન્દરાયની સત્યકથાઓમાં જે ઉજળા ચરિત્રોનું મજબૂત પોત જોવા મળે છે તેનાકારણે તેનું ચિરંતન મૂલ્ય છે. કોઇ દૈવયોગે જગતમાં ઉમદા સર્જકોનું અવતરણ થતું હશે તેમ મુકુન્દરાય પારાશર્ય જેવા સર્જકને જોતાં લાગે છે. સ્વને ઉન્નત કરનારું સાહિત્ય જગતમાં ટકી રહે છે. તુકારામ કે તુલસી તેથી આજેજ પણ લોકહૈયે બીરાજેલા છે. સર્જક પારાશર્યે એક સરસ વાત લખી છે : 

‘‘ શ્રેયમાં આસ્વાદ તેમજ પ્રીતિ ઉત્પન્નકરે અને હોય તો તેને વિકસાવે તે કળા…. ન સમજાય તેવી ચાલાકીથી આશ્ચર્ય ઉપજાવે તે તો જાદુગર. ’’ 

મુકુન્દરાય પારાશર્યે સર પ્રભાશંકર પટ્ટણીના જીવનની અનેક ઘટનાઓ આલેખીને આપણે ઋણી બનાવ્યા છે. કોઇ દીવાનના ઘરમાંથી ઘરકામ કરનાર વ્યક્તિ કદાચ ઘરેણાંની ચોરી કરે તે તો સમજી શકાય. પરંતુ ત્યારપછી એ વ્યક્તિનો ગુનો માફ કરી તે વ્યક્તિમાં પુન: હતો તેવોજ વિશ્વાસ મૂકવાની શક્તિ તો સર પટ્ટણી જેવા મહામાનવમાંજ હોય. એટલુંજ નહિ પરંતુ પટ્ટણી સાહેબને એવી પ્રતિતિ પણ થાય કે કોઇને મોહ ઉત્પન્ન કરે તેવી વસ્તુઓનો વૈભવ શા કામનો ? આજે જ્યારે આપણાં દેશ સહિત વિશ્વના અનેક ભાગોમાં કદરૂપી લાગે તેવી અસમાનતા જોવા મળે છે ત્યારે આ વાત ઘણી પ્રસ્તુત અને પ્રાસંગિક લાગે છે. સમાજમાં વિખવાદ કે વિસંવાદિતતા પણ આવા સંપત્તિના વૈભવ પ્રદર્શન થકીજ શરૂ થવાનો સંભવ છે. મુકુન્દભાઇએ ટાંકેલી સર પટ્ટણીની બીજી એક સુપ્રસિધ્ધ પંક્તિ પણ હમેશા સ્મરણમાં રહે તેવી છે. 

દુ:ખી કે દર્દી કે કોઇ

ભૂલેલા માર્ગવાળાને

વિસામો આપવા ઘરની

ઉઘાડી રાખજો બારી.

સર પટ્ટણીના ઉદાર સ્વભાવ તેમજ મદદ કરવાની વૃત્તિનું અહીં દર્શન થાય છે. પરંતુ સહાય દરવાજા કે મોટા ડેલા મારફત નહિ પરંતુ કોઇને અણસાર પણ ન આવે તે રીતે નાના દ્વાર, ડેલી કે બારી વાટે આ સહાય આપવાની વાતમાં મદદ સ્વીકારનારનું પણ ગૌરવ જળવાય તેવી ખેવના છે. સર પટ્ટણી તેમજ બીજા અનેક ઉજ્વળ પાત્રોનો પરિચય કરાવનાર સર્જક મુકુન્દરાય પારાશર્યની સ્મૃતિ મનમાં પ્રસન્નતાના ભાવ પ્રગટાવે છે.

વી. એસ. ગઢવી 

ગાંધીનગર. 

તા.૨૦/૦૫/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑