: ક્ષણના ચણીબોર : : ઘસાઇને ઉજળા થવાનો જીવનમંત્ર : કવિ કાગની વાણી :

કવિઓ દ્રષ્ટા હોય છે. જગતના અન્ય લોકોને જેની પ્રતિતિ કદાચ ન થાય તે બાબત કવિ કે સર્જકની સંવેદનામાં ઝીલાય છે. ક્રોંચ વધની સંવેદનામાંથીજ સમગ્ર માનવ જાતને ઋષિ – કવિના અમૂલ્ય સર્જનની પ્રસાદી મળી. કવિ દુલા ભાયા કાગ આપણાં એક એવા સર્જક છે કે જેમણે આવા લોકહૈયાના ભાવને બારીકાઇથી ઝીલ્યા છે. ત્યારપછી તેને શબ્દોમાં પ્રગટ કર્યા છે. જે કવિની અંતર ચેતનાની જ્યોત પ્રજ્વલિત થાય તેની લેખનીમાંથી જગતને ઉત્તમ રચનાઓ મળે છે. તુલસી કે કબીર આથીજ લોકમાનસમાંથી કદી ભૂંસાવાના નથી. 

દરેક માનવીને શુભ વિચારો તો આવતા હશેજ કારણ કે ઋષિઓએ માનવીને ‘‘અમૃતનો પુત્ર’’ ગણેલો છે. જ્યાં પણ તક મળે ત્યાં કંઇક શુભ કરવાની, સારું કરવાની માનવીની વૃત્તિ તેના જીવનને એક ગરિમા તથા ખૂમારીનો અનુભવ કરાવે છે. રક્તદાનની જે પ્રવૃત્તિ ગુજરાતમાં થાય છે તેના પ્રમાણની પ્રશંસા તથા તે પરત્વેનો અહોભાવ ઠોસ આંકડાઓ સાથે અવારનવાર માધ્યમોમાં ચમકે છે. તેથી ભામાશાના આ સીધા ગુજરાતી વારસદારો અમૂલ્ય ચીજનું સ્વેચ્છાએ દાન કરીને મનુષ્યત્વનું ગૌરવ વધારતા હોય તેમ લાગે છે. ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ની વાતમાં અપ્રતિમ શ્રધ્ધા ધરાવતા અનેક સ્થાનોએ ભેદભાવ સિવાય તમામ પ્રવાસીઓ કે દર્શનાર્થીઓને ભાવથી ભોજન પીરસવામાં આવે છે. કિડીયારા પૂરવાની પ્રથા કે જેમાં કિડીઓ – નાના જીવજંતુઓ માટે ખાદ્ય વસ્તુઓ વગડે કે નક્કી કરેલી જગાઓએ વેરી દેવામાં આવે છે તેમાં સૃષ્ટિના તમામ જીવો માટે લાગણીના દર્શન થતાં જોવા મળે છે. પર્યાવરણવિદો જે વાત હવે વિશેષ ભારપૂર્વક કરે છે તે બાબતના સંસ્કાર કેટલાયે લોકોના લોહીમાં પડેલા હોય તેમ લાગ્યા કરે છે. આપણી આસપાસ રહેલી bio-divercity નું જતન તેની લગોલગ વસવાટ કરનારા માનવીઓ થકી થયેલું છે. સમયમાં તથા જીવન જીવવાના ધોરણોમાં ઘણાં પરિવર્તનો થવા સ્વાભાવિક છે છતાં કેટલીક ઉમદા બાબતો કે પ્રથાઓ આજે પણ કાળના પ્રવાહ સામે ટકી રહેલી જોઇ શકાય છે.

કવિ શ્રી કાગ આપણાં સાહિત્યને અનેક યાદગાર સર્જનોની મોંઘેરી ભેટ ચડાવીને ગયા છે. આથી માનવી તરફ ચેતવણીના સૂરો રેલાવતા કહે છે કે કુદરતના દરબારમાં જે દિવસે લેખાં – જોખાં થશે ત્યારે જીવતરમાં કોઇક સત્કાર્ય કર્યું હશે તોજ ઉન્નત શિરે જવાબ આપી શકાશે. તેમ નહિ હોય તો કુદરતની કસોટીના સમયે હોંકારો દેતા વાણી ધ્રૂજવા લાગશે. મજાદરની મોંઘી માટીની સુગંધ દાઢીવાળા દુલા કાગના ભાતીગળ કાવ્ય સ્વરૂપે જગતમાં પ્રસરી છે અને આજે પણ હૈયા સોંસરવા ઉતરી જાય તેવા શબ્દોમાં મહેકી રહી છે. ભગતબાપુ લખે છે કે જો જીવનમાં શક્ય હોય એટલા સત્કાર્યો કરવાની તક ચૂકી જઇશું તો જગત નિયંતાને જવાબ આપવો દુષ્કર બનશે. કયામતના દિવસે જ્યારે જગત નિયતા હિસાબ માંગશે ત્યારે જીવનમાં જે કંઇ શુભ કે ઇષ્ટ કર્યું હશે તેનીજ ગણતરી થશે.

વાલા ! તે દી ધ્રૂજશે વાણી,

પ્રભુ તુને પૂછશે પ્રાણી. 

આંખ દીધી એને ઓળખવા, 

વળી શુભ જોવાને કાજ.

એ… દોષ જોયા દુનિયા તણાં તેંતો, 

એવું કર્યું અકાજ, 

સદા રિયો નેણ ચડાવી 

નિરમળતા આંખમાં નાવી… 

કર દીધા તને સુકૃત કરવા 

દીનને દેવા દાન 

એ… ભજીયા નહિ ભગવાનને રે તેંતો, 

ઝાઝા લીધેલા જાન 

હાથે હરામ તેં ચાખ્યા, 

માળા સાથે રુસણાં રાખ્યા… 

કામ કર્યા તેં કોપ કરામણ, 

જીવ ! હવે તું જાગ 

એ… એક દી તારે ઊડવું જોશે,

કાંક કરી લેને કાગ.

કવિ કહે છે તેમ કાળના અવિરત પ્રવાહમાં જીવન સતત ગતિશીલ રહે છે. સુકૃત્યો કરવા હોય તો તેના શુભ ચોઘડિયાની રાહ જોવી તે ભ્રમણામાં જીવવા બરાબર છે. ગંગાસતીની વીજળીના ચમકારે મોતીડા પરોવવાની શીખ વિસરવા જેવી નથી. કવિ કહે છે કે અનેક પ્રકારના સુકૃત્યો કરી શકાય તે માટે સમય તથા સાધન કુદરતે યોજનાપૂર્વક આપેલા છે. આપણે જીવનના સામાન્ય વ્યવહારમાં તેનો સદઉપયોગ કરીએ છીએ ખરા ? વાણી જો શુભ તત્વ સાથે તેમજ ઉત્તમ કરણી સાથે અનુસંધાન કરે તોજ ઉપકારક અભિવ્યક્તિનું પુષ્પ ખીલે છે. આવું પવિત્ર અનુસંધાન ન થાય તો વાણીના પાણીને પણ ભક્ત કવિ દયારામે નિરર્થક ગણાવેલું છે. 

કૃષ્ણ ભજો કૃષ્ણ કહો

કૃષ્ણ સુણો પ્રાણી

કૃષ્ણના કૃષ્ણના સંબંધ વિના,

વંધ્યા સહુ વાણી.

જેમને શબ્દોની કિંમત છે તેમના થકી શબ્દોને ગરીમા તથા ગૌરવ પ્રાપ્ત થયા છે. શબ્દોના ફૂલો વેરનારના જીવનની વાસ્તવિક કરણી જો શબ્દોની પછવાડે હોય તો આવા શબ્દો ચમત્કાર સર્જી શકે છે. આથીજ ગાંધીના શબ્દો ઉપર દેશના અનેક લોકો સત્યાગ્રહના માર્ગે ફના થવા તૈયાર થયા. સુભાષબાબુની હાકલે આઝાદ હિન્દ ફોજમાં કામ કરવા તેમજ બલિદાન આપવા કંઇ કેટલાયે યુવક – યુવતીઓએ કેસરીયા કર્યા. કટોકટીના સૌથી પ્રતિકૂળ સંજોગોમાં વિશ્વયુધ્ધને વળાંક આપવામાં ચર્ચિલના શબ્દોએ જાદુ પાથર્યો હતો. ‘‘શેરીઓમાં આપણે સાથે લડીશું’’ તેવો જુસ્સો સ્વને જોડીને ચર્ચિલ પ્રગટાવી શક્યા હતા. કથની તથા કરણીના સાયુજ્યની પવિત્રતા જાળવીને ઇશ્વરે આપેલા જીવનની અમૂલ્ય ભેટ – સોગાદોને જાળવવા તેમજ તે માધ્યમોથી શક્ય તેટલા સુકૃત્યો કરવા કવિએ સૌને ધોરીમાર્ગ બતાવ્યો છે. એમ કરવાનું ચૂકી જઇશું તો કવિ ‘મીન પિયાસી’ (શ્રી દિનકરાય વૈદ્ય) કહે છે તેમ જીવન અર્થહીન બની રહેશે. પસંદગીનો હક્ક આપણો છે. એમ નહિ કરીએ તો ગેંગેં ફેંફેં કરવી પડે તેવી પૂરી સંભાવના છે. 

પરમેશ્વર તો પહેલું પૂછશે

કોઇનું સુખદુખ પૂછ્યું તું ?

દર્દભરી દુનિયામાં જઇને

કોઇનું આંસુ લૂછ્યું તું ?

ગેંગેં ફેંફેં કરતા કહેશો

હેં હેં હેં હેં શું શું શું ?

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ

કોયલ કૂજે કૂ કૂ કૂ.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૬/૦૫/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑