: સંસ્કૃતિ : : નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા : : શાશ્વત કવિતાઓના સર્જક :

યુવાનીના ઊંબરે હજુ સ્થિર પણ થયા નથી તેવા કવિ કલાપી પુષ્પની લાગણી શબ્દોમાં પ્રગટ કરીને ભ્રમરને ઉદ્દેશીને કહે છે : 

‘ આ સ્વપ્ન ટૂંકું છે

તુ ગુંજીલે હું ખીલી લઉં ’

જીવનમાં સમય ક્યાં અને ક્યારે જતો રહે છે તેનો હિસાબ પણ મળતો નથી. કલાપી કે રાવજીને જે પ્રતિતિ થઇ તે લાગણીઓ ચિરંજીવી થવા માટે શબ્દ સ્વરૂપે પ્રગટી અને અમર સાહિત્યકૃતિઓ જગતને મળી. ગંગાસતીએ ગાયેલું વીજળીને ચમકારે મોતીડા પરોવવાનું કવિ કર્તવ્ય કલાપી અને રાવજી જેવા ધન્યનામ સર્જકો કરીને ગયા. આ બધી ચિરંજીવી કૃતિઓની હરોળમાં મૂકી શકાય તેવી ભાતીગળ રચના નરસિંહરાવ દિવેટિયા પણ કરીને ગયા. સીવીલ સર્વીસના આ અધિકારીએ સાહિત્ય જગતમાં પણ અધિકારપૂર્વક સ્થાન પ્રાપ્ત કર્યું. 

નરસિંહરાવ દિવેટિયાની કેટલીક રચનાઓની લોકપ્રિયતા કાળના સતત વહેતા પ્રવાહમાં પણ ઓછી થઇ નથી. આવી જ એક સુપ્રસિધ્ધ રચના કવિ નરસિંહરાવની છે. આ રચના ‘‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી..’’ ખૂબ લોકપ્રિય પ્રાર્થના બની છે. આ કાવ્યની રચના પાછળની ઘટના કવિએ આલેખી છે તે પણ જાણીતી છે. કવિશ્રી લખે છે કે તેઓ તા.૧૫-૦૯-૧૯૧૫ ના રોજ ગાંધીજીને અમદાવાદ આશ્રમમાં મળ્યાં. ગાંધીજીએ આ સમયે આશ્રમ (સત્યાગ્રહ આશ્રમ) માં આશ્રમ જીવનની શુભ શરૂઆત કરી હતી. ગાંધીજી નરસિંહરાવને કહે : ‘Lend Kindly Light’ એ ભજનનું ગુજરાતી ભાષાંતર કરી આપશો ? ગાંધીજીની કામ કઢાવી લેવાની આવડતના પ્રતાપે ગુજરાતી ભાષાને તેની ચિરકાળ યુવાન રચના મળી : 

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવન પંથ ઉજાળ.

નરસિંહરાવના તમામ સર્જનોનું અનોખું મૂલ્ય તથા વિશિષ્ટ છાપ છે. પરંતુ ‘‘મંગલ મંદિર ખોલો’’ તથા ‘‘પ્રેમળ જયોતિ તારો દાખવી’’ એ બે રચનાઓ લોકહ્રદયના સિંહાસને બિરાજે છે. અનેક સ્થળોએ શાળાઓની પ્રાર્થનાઓમાં આ રચનાનો ગૂંજારવ થયા કરે છે. ભાષાંતર-ભાવાંતરની પણ એક અનોખી શોભા હોઇ શકે છે તેની પણ આ રચનાઓ પ્રતીતિ કરાવે છે. ‘‘મંગલ મંદિર ખોલો’’ એ રચના જીવન તથા મરણના સંધિકાળની રમણિયતાનું દર્શન કરાવે છે.

મંગલ મંદિર ખોલો

દયામય ! મંગલ મંદિર ખોલો

જીવન-વન અતિ વેગે વટાવ્યું,

દ્રાર ઊભો શિશુ ભોળો,

તિમિર ગયું ને જયોતિ પ્રકાશ્યો,

શિશુને ઉરમાં લો.. લો… દયામય…

નામ મધુર તમ રટયો નિરંતર

શિશુ સહ પ્રેમે બોલો,

દિવ્યતુષાતુર આવ્યો બાળક,

પ્રેમ-અમીરસ ઢોળો..

દયામય ! મંગલ મંદિર ખોલો.

સામાન્ય વ્યવહારમાં જગતના લોકોનું વલણ મૃત્યુની ક્ષણને આકરી તથા સંતાપ ઉત્પન્ન કરનારી ગણવાનું છે. મૃત્યુને એક અણગમતી તથા આઘાતજનક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. આ રચનામાં આપણાં આ ઋષિદ્રષ્ટા કવિ તે ક્ષણને અંધારાથી અજવાળા તરફથી ગતિ તરીકે ગણાવીને મૃત્યુને પણ આદર સાથે અનિવાર્ય ઘટના તરીકે સ્વીકારીને તેની ગરીમા વ્યક્ત કરે છે. અકાળે ગયેલા પોતાના ભોળા શિશુ માટે પ્રેમ-અમીરસની પ્રાપ્તિ માટેની પ્રાર્થના જગતના નિયંતા સમક્ષ કરે છે. મરણની ઉપયોગિતા, અનિવાર્યતા તથા સૌંદર્યનો કવિ અનોખો મહિમા કરે છે. પોતાના જ પુત્રના અકાળ મૃત્યુ પ્રસંગની સહજ વેદનાને પચાવીને આવી મંગલમય પ્રાર્થના નરસિંહરાવ જેવા કવિજન જ કરી શકે. જીવન હોય ત્યાં સંકટ અને સંતાપ તો હોય પરંતુ મરણ તો ચિરસ્થાયી વિસામો આપતું મંગલ તથા તેજોમય દર્શન છે. જીવનના સળંગ અસ્તિત્વનો તે અનિવાર્ય મધ્યાન્તર છે. આ દર્શનની ક્ષણે પ્રાર્થના તો દયામય પાસે જ કરી શકાય. અંગત જીવનની આકરી કસોટીની ક્ષણે કવિનું આ દર્શન સમતાપૂર્ણ તથા અદ્વિતિય લાગે છે. મૃત્યુની ક્ષણે વ્યાકૂળતા કે શોક સંતાપને સ્થાન ન હોઇ શકે. મૃત્યુની પળને પણ એક આગવી સુંદરતા છે તેનું દર્શન ખૂબ જ રોચક તથા રમણિય છે. મરણની ક્ષણ સુધી પરમ તત્વની ઓળખ તેમજ પ્રાપ્તિ માટે અનેક લોકોએ પ્રયાસો કર્યા છે. આવા લોકોનું જીવન તથા મરણ બંન્ને ધન્ય બને છે. કવિ શ્રી કરશનદાસ માણેકના હંમેશા કહેવા સાંભળવા ગમે તેવા શબ્દો આ સંદર્ભમાં યાદ આવે. 

એવું જ માગું મોત ,

હરિ હું તો એવું જ માગું મોત !

અંતિમ શ્વાસ લગી આતમની

અવિરત ચલવું ગોત

ઓતપ્રોત હોઉ આપ મહી જયારે

ઉડે પ્રાણકપોત !

હરિ, હું તો એવું જ માગું મોત !

કવિ નરસિંહરાવ આમ તો સીવીલ સર્વિસના અધિકારી પરંતુ મોટા ગજાના સર્જક તેમજ નિવૃત્તિ બાદનું તેમનું અધ્યાપન કાર્ય વર્ષો સુધી એકનિષ્ઠાથી ચાલ્યું. જીવનના અનેક અંગત આઘાતોને કવિએ ઝીલ્યા અને જીરવ્યા પણ ખરા. ‘‘આ વાદ્યને કરૂણગાન વિશેષ ભાવે’’ એવી તેમની સહજ અભિવ્યક્તિ કવિના જીવનમાં બનેલા કરુણ પ્રસંગો તથા તે સામે પ્રગટ થયેલ અસાધારણ મનોબળની સાક્ષી પૂરે છે. વિપુલ માત્રામાં તેમનું સાહિત્યસર્જન છે તથા વૈવિધ્યસભર છે. શ્રી સુન્દરમ્ યથાર્થ રીતે નરસિંહરાવને ‘‘પ્રતિભાશીલ કવિ કરતા કવિતાના એક અતિ સહ્રદય ભક્ત’’ તરીકે ઓળખાવે છે. કવિની ‘‘મંગળ મંદિર ખોલો’’ રચના અમર રહેવા સર્જાયેલી છે. મરણને એક મંગળ પ્રસંગ ગણીને તેને વધાવી લેવાની વાત આપણી ભાષાના અનેક સર્જકોએ ભિન્ન ભિન્ન છતાં આકર્ષક સ્વરૂપે રજૂ કરેલી છે. મરણની આ મૂલ્યવાન ક્ષણ માટે કહેવાયેલા જનાબ ગની દહીંવાલાના શબ્દો યાદ કરવા ગમે તેવા છે. 

અહીં શ્વાસ છોડયા કે બીજી જ ક્ષણમાં

લપેટાઇ જાશું નવા આવરણમાં

નરસિંહરાવથી નિરંજન ભગત સુધીની તેમજ ત્યારપછી પણ વહેતી સાહિત્યની શાશ્વત ધારાએ આપણી માતૃભાષાને રળિયાત કરી છે. ભાષાંતર કર્મથી જગતની ઉત્તમ સાહિત્ય કૃતિઓમાં સ્થાન પામી શકે તેવું તેનું પોત છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૯/૦૫/૨૦૧૯. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑