કચ્છમાં જવું અને ‘કાકા’ (કાંતિસેન શ્રોફ)ને મળવું એ બન્ને બાબત હમેશા એક લહાવા સમાન છે. જેમ સ્થાયી તથા સ્થિર તીર્થસ્થાનોનું એક મહત્વ છે તેજ રીતે જંગમ તીર્થસ્થાનોનું પણ આગવું મૂલ્ય છે. આવા જંગમ તીર્થસ્થાનો વિશે માનસમાં તુલસીએ લખ્યું છે :
મુદ મંગલમય સંત સમાજુ
જો જગ જંગમ તીરથરાજુ.
સંતો કે સર્વ માટે મંગલમય સુકાર્યો કરનાર લોકોને મળવું એ તીર્થયાત્રા સમાન છે. એ રીતે જોઇએ તો કચ્છમાં કાકાને મળીએ ત્યારે તીર્થયાત્રા કર્યા જેવી પ્રસન્નતા તેમજ ગૌરવનો અનુભવ થાય છે. કર્મયોગી જીવનના નવ દાયકાનું સુદીર્ઘ આયુષ્ય વટાવીને આજે પણ કાન્તીભાઇ સતત પ્રેરણાના સ્ત્રોત સમાન છે. આવા વ્યક્તિત્વોને જંગમ તીર્થસ્થાન કહીએ તો એ અતિશયોક્તિ નહિ ગણાય એમ માનું છું.
નાના મોટા ઉદ્યોગગ્રહો પોતાને વ્યવસાયમાંથી મળતા નફામાંથી અમૂક ભાગ જન હીતાર્થે ખર્ચે તેવી એક કાનૂની જોગવાઇ કરવામાં આવી તે ઉચિત છે. પરંતુ આવી કોઇ કાયદાકીય જોગવાઇ ન હતી ત્યારે પણ નાનજી કાળીદાસ મહેતા કે અંબાલાલ સારાભાઇ જેવા દીર્ઘદ્રષ્ટા લોકોએ પોતે કમાયેલા નફામાંથી અમૂક ભાગ લોકસમૂહના કલ્યાણ માટે સ્વેચ્છાએ વાપરતા હતા. દેશની સરહદોની પાર પણ નાનજી કાળીદાસ મહેતાની ઉદાર સખાવતોથી સ્થપાયેલા અનેક જન ઉપયોગી સ્થળો આજે પણ કીર્તિગાન કરતા ઉન્નત શિરે ઊભા છે. કાન્તીકાકા આવી ઉજળી ધરોહરની મજબૂત કડી સમાન છે. કર્મયોગીના જીવનમાં નિવૃત્તિ શબ્દને સ્થાન નથી. આ વાત કાકાને અક્ષરસ: લાગુ પડે છે. કુદરતના અનેક સ્થાયી સ્વરૂપો પણ ક્યાં કદી રજા પાડે છે ? કવિ કાગે લખ્યું છે :
આભના થાંભલા રોજ ઊભા રહે
વાયુનોવીંઝણો રોજ હાલે
ઉદયને અસ્તના દોરડા ઉપરે
નટ બની રોજ રવિરાજ મહાલે
ભાગતી ભાગતી પડી જતી પડી જતી
રાત નવ સૂર્યને હાથ આવે,
કર્મવાદી બધા કર્મ કરતા રહે,
એમને ઊંઘવું કેમ ફાવે ?
કાકાનું જીવન આવું કર્મવાદી છે. કાકા વિશે વિદ્વત જન હરેશ ધોળકિયાએ લખેલી પુસ્તીકા ગોરધનભાઇ કવિ (વી.આર.ટી.આઇ. માંડવી-કચ્છ) એ સ્નેહથી મોકલી આપી અને તે પહેલા કાકાને મળવાનો પ્રસંગ પણ યોગાનુયોગ બન્યો. આથી કાકાના ઉજ્વળ જીવનની અનેક ભાતીગળ ઘટનાઓ નજર સામે તરવરતી રહી. જયકૃષ્ણ ઇન્દ્રજી તથા રાયસંગ માલમ જેવા દિગ્ગજોની કચ્છની આ ભૂમિમાંજ કાન્તીકાકાનું કાર્ય મહોરી ઊઠ્યું છે. કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ લખ્યું છે તેમ ઘરે ઊગેલું આ આંબા સમાન વ્યક્તિત્વ આભે પહોંચ્યું છે.
ઉછરેલા નવ આંબા ઊગે
ઘરે ઊગેલા આભે પૂગે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત સાપ્તાહિક ‘વીક’ (Week) દ્વારા છેક ૧૯૯૫માં કાકાને MAN OF THE YEAR તરીકે પસંદ કર્યા તે આ દિગ્ગજ માનવીનું ઉચિત સન્માન હતું. કાકાના પુત્ર દીપેશભાઇ તેમજ પુત્રવધુ પ્રીતિબેન શ્રોફ પણ પોતાનો સારો એવો સમય આરોગ્ય તથા શિક્ષણના લોક ઉપયોગી કામો માટે આપે છે.
કચ્છ એ વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો છે. પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં આજે પણ શિક્ષણ તથા આરોગ્યની વિશેષ કામગીરી કરવી જરૂરી છે. આ પડકાર કાકાએ કાકીના સંપૂર્ણ સહયોગ તેમજ સમર્પણના બળે ઝીલ્યો અને વીઆરટીઆઇના માધ્યમથી ઘણાં યશકલગી સમાન કાર્યો સમગ્ર જિલ્લામાં કર્યા. જાહેર વહીવટની કામગીરી દરમિયાન પીવાના પાણીનો વિભાગ સંભાળવાની જવાબદારી થોડા વર્ષો સુધી મારી પાસે રહી હતી. આથી અમારી ‘વાસ્મો’ સંસ્થાના સહભાગી તરીકે વિવેકાનંદ રીસર્ચ અને ટ્રેઇનીંગ સેન્ટરે (વી.આર.ટી.આઇ.) જે કાર્ય કર્યું તેનાથી પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવામાં ઠીક ઠીક કામ થઇ શક્યું. પાણીનો બચાવ, ઉપયોગ તેમજ સંગ્રહ એ સાંપ્રત સમયનું મોટું તેમજ મહત્વનું કામ છે. ઘણા વર્ષો પહેલા વી.આર.ટી.આઇ.માં તુલસીભાઇ ગજરાને કાર્ય કરતા જોયા હતા. આજે પણ આ સંસ્થા સમાન ગતિથી સુયોગ્ય દિશામાં હરણફાળ ભરી રહી છે. એક સંસ્થાગત માળખું ઊભું કરીને લોકસેવા માટેનું સુગ્રથિત કામ વીઆરટીઆઇએ કર્યું છે. કાકાએ વિનોબાજીને વીઆરટીઆઇ વિશે વાત કરી ત્યારે વિનોબાજીએ અંતરની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ વાત નોંધાયેલી છે. કોઇ ઉદ્યોગગ્રહ હેતુપૂર્ણ રીતે ચલાવવું તે પડકારજનક છે. પરંતુ લોક હીતાર્થે થતી સામાજિક પ્રવૃત્તિ ઉદ્યોગગ્રહનું સંચાલન કરવા જેટલીજ પડકારરૂપ છે. તેમાં પણ જ્યારે આવા કાર્યોમાં દ્રષ્ટિપૂર્વક લોકભાગીદારીનું સંકલન કરવામાં આવે ત્યારે આવી સામાજિક કામગીરી વધારે મજબૂત તથા ચિરંજીવી થતી હોય છે. વીઆરટીઆઇએ આ દિશામાં સફળતાપૂર્વક પગલા ભર્યા છે જે અન્ય સંસ્થાઓ માટે માર્ગદર્શક બને તેવા છે. ‘‘શ્રૃજન’’ ના વિકાસથી અનેક મહીલાઓમાં આત્મવિશ્વાસ તથા કાર્યકૂશળતાનો ભરપૂર સંચય થયો છે. કાકા જેવા માનવીને મનુષ્યની શક્તિમાં અતૂટ વિશ્વાસ છે. આથી માનવ પાછળનું તેમનું રોકાણ અનેક રીતે ફળદાયી થયું છે. કાકા તેમના સહજ વર્તન – વિચાર તેમજ આચરણથી ખરા કેળવણીકાર બની શક્યા છે. માણસની શક્તિને જાગૃત કરવાનો તેમનો નિષ્ઠાવાન પ્રયાસ નિષ્ફળ ગયો નથી. આવો ઉમદા પ્રયાસ નિષ્ફળ જતો પણ નથી. આવા પ્રયોગ અને પ્રયાસના બળેજ મહાત્મા ગાંધીએ સામાન્ય લોકોની શક્તિને સાચી દિશામાં જાગૃત કરીને બ્રિટીશ સત્તાને હંફાવી હતી તે વાતની ઇતિહાસ શાક્ષી પૂરે છે.
ગુજરાતમાં વિકાસ પામેલી મહાજન પરંપરાએ રાજ્યની સ્થિરતા તેમજ લોકની સાર્વત્રિક પ્રગતિને બળ આપેલું છે. તેનાથી સંઘર્ષ ઓછો થયો છે અને સંવાદિતા વધી છે. ગુજરાતમાં કામદારોની શાંતિ પાછળ આ ઉજળી મહાજન પરંપરા એક મહત્વના કારણ સમાન છે. મૃદુલાબહેન સારાભાઇ કે અનસુયાબહેન સારાભાઇ જેવા ધન્યનામ લોકોએ આ ઉજળી પરંપરાના વૃક્ષનું સિંચન શ્રધ્ધા તેમજ નિ:સ્વાર્થ ભાવે કરેલું છે. કાન્તીકાકા આ સુદીર્ઘ ઉજ્વળ પરંપરાના એક જીવંત સ્મારક સમાન છે. તેમના સ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુષ્ય માટે અનેક હાથ જોડાતા હશે તે નિર્વીવાદ છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૮/૦૫/૨૦૧૯.
Leave a comment