: સંસ્કૃતિ : : પોરબંદરના મહારાણા નટવરસિંહજીની સ્મૃતિ વંદના :

પોરબંદરના રાજવી નટવરસિંહજીને જણાવવામાં આવે છે કે મહાકવિ નાનાલાલ પોરબંદરની મુલાકાત માટે આવે છે. આમતો રાજ્યમાં કોઇ કવિનું આગમન એ શાસક માટે મોટી કે મહત્વની સામાન્ય રીતે ગણાતી નથી, પરંતુ અહીંની વાત જુદી હતી. મહારાજા નટવરસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે કવિ નાનાલાલ ત્યાં અધ્યાપક હતા. આથી મહાકવિ નાનાલાલના આગમનના સમાચાર સાંભળી મહારાજાના કાન ચમકે છે. કવિ કયા દિવસે આવે છે તેની વિગત મેળવે છે. મહાકવિના આગમન પ્રસંગે લોકો માટે તથા રાજ્યના અધિકારીઓ માટે એ આશ્ચર્યની ઘટના હતી કે મહારાજા જાતે મહારાણી સહિત મહાકવિને ‘ભલે પધારો’ કહેવા પોરબંદરના રેલ્વે સ્ટેશન પર હાજર હતા. વિવેકપૂર્વક મહાકવિ અને પોતાના અધ્યાપકનું આવું સન્માન કરીને મહારાજાએ સહજ રીતેજ પોતાના વિદ્યાવ્યાસંગી તથા ગરીમાપૂર્ણ વ્યક્તિત્વના દર્શન કરાવ્યા હતા. સ્વભાવથીજ શાલિન એવા પોરબંદરના આ છેલ્લા રાજવીએ સત્તા ત્યાગ તો કર્યો પરંતુ વ્યાપક લોકસમૂહના દિલોદિમાગ ઉપર આજીવન પ્રેમના હક્કથી શાસન કર્યું હતું. રવીન્દ્રનાથ ટાગોર પણ પોરબંદર આવ્યા ત્યારે તેમનો વિવેકપૂર્ણ સત્કાર કરવા મહારાજા નટવરસિંહજી પોરબંદરના સમુદ્ર તટે આદર ભાવ સાથે હાજર રહ્યા હતા. આ વાતો કદાચ નાની કે ઓછી મહત્વની પણ કોઇને લાગે પરંતુ સાંપ્રત સમયમાં તેનું મૂલ્ય છે. સમાજજીવન કે જાહેરજીવનમાંથી સૌજન્યનો અભાવ એ આજના સંદર્ભમાં સાલે એવો છે. ત્યારે આ વાતો વિશેષ પ્રસ્તુત છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે ગોંડલના રાજવી ભગવતસિંહજી પણ આવા શીલભદ્ર શાસકોના ઉજળા ઉદાહરણ સમાન છે. સુદામાપુરી કહેવાતા પોરબંદરનાજ એક અકીંચન પરંતુ શ્રધ્ધાવાન મિત્ર ભૂદેવને સત્કારવા મહારાજ કૃષ્ણ સામે દોડીને આ દૂબળા દોસ્તને મળ્યા હતા. શાસ્ત્રોની આ જાણીતી કથાનું સમયાંતરે પુનરાવર્તન થતું રહે છે. પાત્રો અને સંદર્ભ કાળના ચક્ર અનુસાર બદલાતા રહે છે પરંતુ સૌજન્ય તેમજ શાલીનતાનો મજબૂત ધાગો આવી ઘટનાઓને સાંકળીને ઊભો છે. ગુરુતાકે લઘૂતાના ભાવો અહીં ફરક્યા નથી. માનસમાં તુલસીદાસજીએ ગાયું છે તેમ અહીંતો ગુરુતાએ નમીને પોતાનું તેજ વિસ્તાર્યું છે. તુલસી કહે છે : 

બડે સનેહ લઘૂન પર કરહી

ગિરી નિજ શિષ સદા તૃન ધરહી.

મહારાજા નટવરસિંહજીનો શાસનકાળ લગભગ અઢી દાયકાનો રહ્યો. દેશ આઝાદ થયો ત્યારે કેટલાક રાજવીઓએ સત્તા છોડવામાં આનાકાની કરી હતી, પરંતુ ભાવનગર રાજ્ય સાથે નજીકના સગપણ તથા સંસ્કારથી સંકળાયેલા મહારાજા નટવરસિંહજીએ યુનિયન ઓફ ઇન્ડીયામાં પોતાના રાજ્યનું સમર્પણ મુક્ત મને કર્યું હતું. ૨૬મી જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે પોરબંદર રાજ્યની ગાદી ઉપર નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો. પોરબંદરના આ છેલ્લા રાજવીએ જે કામો કર્યા તેમાં તેમની ઊંડી સૂઝ તથા અનેક વિષયોમાં રસ લેવાની વૃત્તિનું દર્શન થાય છે. નટવરસિંહજીને ક્રિકેટની રમત પ્રિય હતી. તેઓ ક્રિકેટની રમતના નિષ્ણાત હતા. રાજવી પોતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ૧૯૩૨ માં ઇંગ્લાંડ રમવા ગયેલા તેવી નોંધ શ્રી નરોતમ પલાણે કરેલી છે. રાજ્યના યુવાનોને ક્રિકેટની તાલીમ મળે તથા તેઓ તેમાં આગળ આવે તેવું આ રાજવીનું સ્વપ્ન હતું. આ હેતુને ધ્યાનમાં રાખીને નટવરસિંહજીએ પોરબંદરમાં સાધન સુવિધા વાળી ક્રિકેટ સ્કૂલની સ્થાપના કરી હતી. જામનગર વિશ્વવિખ્યાત ક્રિકેટર તથા મહારાજા રણજીના ભત્રીજા દુલીપસિંહજીના નામથી તે સ્કૂલની શરૂઆત કરવામાં આવી. સ્કૂલનું ઉદઘાટન પણ દુલીપસિંહજીના વરદ્હસ્તે કરવામાં આવ્યું. ગુજરાતની પણ આ એક જૂની તથા ગણનાપાત્ર શાળા ગણાય છે. ભારતીય ક્રિકેટમાં જેમનું મોટું નામ છે તેવા વિજય મરચંટના હસ્તે વિજય પેવેલિયન ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રકારના અલગ અલગ વિષયના કેટકેટલા કામો આ દ્રષ્ટિવાન રાજવીએ કર્યાતે જોતાં તેમના તરફ અહોભાવ થાય તેવું છે. અનેક રાજવીઓમાં આવી દ્રષ્ટિ જોવા મળી નથી. 

પોરબંદરને સમૃધ્ધ તથા સંસ્કાર નગરી બનાવવાનું રાજવીનું જીવન લક્ષ રહ્યું. તે માટે તેમના પ્રયાસો પણ નક્કર તેમજ પરિણામદાયક રહ્યાં. ઋજુ હ્રદયના તેમજ સંગીતના સાધક આ રાજવી રાજાશાહી મીજાજથી તદ્દન અલગ વ્યક્તિત્વ ધરાવનારા હતા. રાજવી નટવરસિંહજીનો જન્મ ૩૦ જૂન ૧૯૦૧ના દિવસે થયો હતો. આથી જૂન માસમાં એક પ્રજાવત્સલ રાજવીને યાદ કરી તેમની સ્મૃતિ તાજી કરવી તે પણ એક લહાવો છે. 

નટવરસિંહજી કળાપ્રિય રાજવી હતા. રાજ્યની શાળાઓમાં સંગીત અને ચિત્રકળાના વિષયોને ખાસ સ્થાન હતું. જે અન્ય રાજ્યોમાં તે સમયે જોવા મળતું ન હતું. જનસમૂહને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવાની નટવરસિંહજીની અગ્રતા હતી. ગામડાઓમાં વસતા લોકોના પ્રશ્નો સમજવા માટે રાજ્યના લગભગ પ્રત્યેક ગામડાંની મુલાકાત લેનાર આ દુર્લભ રાજવી હતા. આડેધડ થતા ગેરકાનૂની ખનનનો પ્રશ્ન આજે પણ આપણી સામે પડકાર સ્વરૂપે ઊભો છે. નટવરસિંહજીએ પોતાના કાળમા આવી પ્રવૃત્તિ અસરકારક પગલાં ભરીને અટકાવી હતી. રાજ્યમાં મુંગા પ્રાણીઓના બલીની પ્રથા અટકાવીને એક સુધારાવાદીને છાજે તેવું કાર્ય તેમણે કર્યું હતું. સ્વસ્થ અને સૂઝવાળા શાસકને છાજે તેવો ઉત્તમ વહીવટ તેમણે પૂરો પાડ્યો. આર્યકન્યા ગુરુકુળ જેવી સંસ્થા ઊભી કરવામાં તેઓ નાનજીભાઇ મહેતા સાથે એક પૂરક બળ બનીને ઊભા રહ્યાં. અનેક બાળાઓનું શૈક્ષણિક ઘડતર આ સંસ્થાએ કર્યું. એક સુધારાવાદી શાસક તરીકે પણ તેમની કાર્ય પધ્ધતિ જનમતને જાગૃત કરીને લોકોને સુધારાના માર્ગ તરફ દોરવાનો તેમનો વિશિષ્ટ પ્રયાસ હતો. સત્તાની જગાએ સમજપૂર્વકના સંવાદથી તેમણે આવા કામ કર્યા હતા.

વહીવટી કુશળતા તેમજ દીર્ઘદ્રષ્ટિને કારણે દેશના રજવાડાઓનું ભારતીય સંઘમાં એકત્રિકરણ કરવાનું અઘરું કાર્ય સરદાર સાહેબ કરી શક્યા. દેશ વધારે ટુકડાઓમાં વિભાજીત ન થાય તે માટેના સરદાર સાહેબના પ્રયાસો સફળ થયા એ આપણાં ઇતિહાસનું તેજસ્વી પાસું છે. સરદાર પટેલના પ્રયાસોમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરનાર રાજવી કૃષ્ણકુમારસિંહજી કે મહારાણા નટવરસિંહજી એ આ ઉજળા ઇતિહાસના મહાનાયકો છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૪/૦૫/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑