: સંસ્કૃતિ : : પિંગળશીભાઇ લીલા : સૌજન્ય મૂર્તિ સર્જક :

કરતા વિચારો આજકાલ

જિંદગી જાતી રહી,

કોને ખબર છે કાલની

કેટલી મુદત બાકી રહી

ક્યારે જવાનું કેમ થાશે

હાડ કે આ ચામનું

આ જગતની ઝંઝાળ જીતવા

શરણ લે શ્રી રામનું.

જ્યારે જ્યારે કોઇ સૌજન્યની મૂર્તિ સમાન કવિ કે લોકસાહિત્યકારની વાત થશે ત્યારે જામનગરના પિંગળશીભાઇ લીલા ઉપરાંત કચ્છના શંભુદાનજી અયાચી તથા ભાવનગરના બળદેવભાઇ નરેલાની સ્મૃતિ સૌની નજર સમક્ષ તરવરતી હશે. ભૂજની ભાતીગળ વ્રજભાષા પાઠશાળાના છેલ્લા આચાર્ય તરીકે શંભુદાનજીએ કવિઓના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો. એજ રીતે લોકસાહિત્ય વિદ્યાલયના આચાર્ય તરીકે પિંગળશીભાઇ લીલાએ જાણીતા લોકકલાકારોના ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું. મેઘાણંદ બાપાના તેજસ્વી સંતાન તથા મેરૂભા જેવા દિગ્ગજ વ્યક્તિત્વવાળા વિદ્યાપુરુષના લઘુબંધુ પિંગળશીભાઇ પોતાના હક્કથી સાહિત્યની દુનિયામાં પોતાનું નામ તથા સર્જનનું કામ અંકિત કરતા ગયા. કવિ પિંગળશીભાઇના જન્મશતાબ્દીના વર્ષમાં (૨૦૧૫) તેમની સ્મૃતિ અનેક સ્થળે તાજી કરવામાં આવી હતી.

એ બાબત સર્વસ્વીકૃત છે કે સંસ્થાઓની સ્થાપના ઉમદા હેતુઓને ધ્યાનમાં લઈને કરવામાં આવે તથા તેના સંચાલન માટે યોગ્ય સાધનો તથા માનવબળ જોડવામાં આવે તો આવી સંસ્થાઓનું યોગદાન ઐતિહાસિક રીતે મહત્વનું તથા તેના હેતુઓને સિધ્ધ કરતુ ઉપયોગી અને યાદગાર બની રહે છે. કચ્છની રાવ લખપતજી પાઠશાળા કે ક.મા. મુનશીનું ભારતીય વિદ્યાભવન તેના બે ઉજળા ઉદાહરણો છે. આજ રીતે જુનાગઢમાં તે સમયની સૌરાષ્ટ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ લોકસાહિત્ય વિદ્યાલય (૧૯૫૬-૧૯૬૫) આવું જ એક ઉજળું ઉદાહરણ છે. શ્રી રતુભાઈ અદાણી કે જેઓ લોકસાહિત્યના ઉમદા મર્મજ્ઞ હતા તેમજ તે વખતની સરકારમાં સ્થાન ધરાવતા હતા તેમના પ્રયાસો તેમજ શ્રી જયમલ્લાભાઈ પરમારની દીર્ધદ્રષ્ટિને કારણે આ વિદ્યાલયનો જન્મ થયો હતો. આ વિદ્યાલયના આચાર્ય તરીકે કવિ શ્રી પિંગળશી મેઘાણંદ લીલાની પસંદગી ખૂબ જ ઉચિત તથા અર્થસભર હતી. લગભગ ૬૦ થી વધારે લોકસાહિત્યના કલાકારો-કસબીઓ આ વિદ્યાલયના કારણે સમાજને પ્રાપ્ત થયા. આ કલાઘરોને ગુજરાતે મન ભરીને માણ્યાં તથા લોકસાહિત્યની સરવાણી તેનાથી સતત વહેતી રહી તેમજ જીવંત રહેવા પામી. લોકસાહિત્ય વિદ્યાલયની કથા ભાઈ શ્રી રાજુલ દવે એ આલેખી છે તે જોતાં આ વિદ્યાલયની અનેકવિધ દ્રષ્ટિએ ઉપયોગીતાનો સારા એવા પ્રમાણમાં પરિચય મળે છે. ગુજરાતના મૂકસેવક શ્રી રવિશંકર મહારાજે આ વિદ્યાલયની મુલાકાત લઈને પચાવેલા જ્ઞાનની પીરસણી જયાં થતી રહી તેવા વિદ્યાલયને અંતરના ઉમળકાથી બીરદાવ્યું હતું. કવિ શ્રી કાગ તથા મેરૂભાના નિયમિત સંપર્કનો લાભ પણ આ વિદ્યાલયને સતત મળતો રહ્યો. સૌરાષ્ટ્રની તત્કાલિન સરકારના જવાબદાર પદાધિકારી રતુભાઇ અદાણી લોકસાહિત્યના મર્મજ્ઞ તેમજ દ્રષ્ટા હતા. તેઓ એ બાબત સમજી શક્યા કે ચારણી સાહિત્ય તેમજ લોકસાહિત્ય આપણાં તળના સાહિત્ય પ્રકારો છે. અનેક ઉજળી પરંપરાના વાહક સમાન આ સાહિત્યને જીવંત રાખવા તેમજ તેનું દ્રઢિકરણ કરવા માટે જૂનાગઢના લોકસાહિત્ય વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. સમય તથા સંજોગો અનુસાર ભૂજની વ્રજભાષા પાઠશાળા તથા જૂનાગઢનું લોકસાહિત્ય વિદ્યાલય બંધ થયા. જોકે રાજકોટમાં ઝવેરચંદ મેઘાણી કેન્દ્રની સ્થાપના કરીને રાજ્ય સરકારે સાહિત્યની આ ધારાને સંકોરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

કવિ શ્રી પિંગળશીભાઈ લીલાએ તેમની ભક્તિ રચનાઓ થકી પણ પોતાના અમૂલ્ય સાહિત્ય સર્જનને શોભાવ્યું છે. કવિને સચરાચરમાં ઈશ્વરનું અનાયાસ દર્શન થયા કરે છે.

દીઠો દીઠો ઈશ્વર દીઠો

કયાં કયાં દીઠો?

સૃષ્ટિની શોભામાં દીઠો

વેધૂની વાણીમાં દીઠો

સુરજના કિરણોમાં દીઠો

પહાડોની ખીણોમાં દીઠો

સંધ્યાને ઉષામાં દીઠો

દશેય આ દિશામાં દીઠો

સાગરને ઘુઘવાટે દીઠો,

વાયુને સુસવાટે દીઠો

દ્રષ્ટિનો જો દોશ નિવારી

નિર્મળ નજરું કરી

જ્યાં જોયું ત્યાં ઈશ્વર દીઠો

ભ્રમણાં ભાંગી પડી.

પિંગળશીભાઇ રચિત નર્મદાશતક સરદાર સરોવર નર્મદા નિગમે ૨૦૦૭ માં પ્રસિધ્ધ કરાવ્યું. આ શતક સરળ તેમજ સુંદર શબ્દોથી મઢાયેલું હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં વસનાર ખેડૂતોને પણ નર્મદા યોજનાનું મહત્વ સર્વાંગ રીતે સમજાય છે. કવિને નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી સમાન લાગી છે અને તેથી તેમની વાણીમાં નર્મદા ભક્તિ સુપેરે પ્રગટ થઇ છે. પુષ્કર ચંદરવાકરે લખ્યું છે કે કવિનું ભક્ત હ્રદય નર્મદાના જળ પર ઝળુંબી પડ્યું છે. પશ્ચિમની ગંગા તરીકે ઓળખાતી ભાદર નદીનું માહત્મ્ય પણ કવિએ મુક્ત મને ગાયું છે : 

સદા સર્વદા સમૃધ્ધિદાતા સરિતા

મહામંગલં કારણી લોકમાતા

દયાધામ તું દીસતી બ્રહ્મજ્યોતી

ધરા માનવીના મહાપાપ ધોતી.

આજકાલ જ્યારે આકરી ગરમીમાં ભૂજળના તળ ડૂકી ગયા છે ત્યારે નર્મદાના નીર અનેક ગામોને પીવાના પાણીનો અમૂલ્ય સ્ત્રોત પૂરો પાડે છે. પિંગળશીભાઇએ લખ્યું છે : 

પડે કાળ આદેશવાસી પિડાતા,

દુ:ખી અન્ન પાણી વિના ખૂબ થાતાં,

બધી વ્યાધિઓ સાવ દીધી વિસારી,

નમો નર્મદા માત કલ્યાણકારી.

ભગવત ગીતાનો સમશ્લોકી અનુવાદ પણ પિંગળશીભાઇએ સરળ ભાષામાં કર્યો છે. ઉપરાંત ‘જીવતરના જોખ’ તેમજ ‘પ્રાગવડના પંખી’ જેવા પુસ્તકોથી કેટલીક ખમીર તેમજ ખાનદાનીની ઉમદા કથાઓ પિંગળશીભાઇએ પોતાની આગવી શૈલિથી લખી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પિંગળશીભાઇનું જાહેર સન્માન ૧૯૬૯ માં કરીને કવિના યોગદાનની વધામણી કરી હતી. ઘેડ પંથકના છત્રાવા ગામના કવિ પિંગળશીભાઇ લીલા તેમના સાહિત્ય સર્જન થકી આપણી સ્મૃતિમાં ચિરંજીવી થયા છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૪/૦૫/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑