આભ ઉકેલે ભોં ભખે
વેધનકો હિય વેધ,
અગોચર ગોચર કરે
દુહો દસમો વેદ.
દુહો એ તમામ કાવ્ય પ્રકારોમાં સૌથી વિશેષ પ્રચલિત છે. આકાશી તત્વોને તેમજ ભૂમિ તથા તેના તળના જ્ઞાનને સમજવાનો તેમજ ઉકેલવાનો પ્રયાસ દુહામાં થાય છે. ગોચર અગોચરના ભેદી સ્વરૂપની યાત્રા દુહો કરાવે છે. લોક જે બોલે છે તેમજ વિચારે છે તેવી લોકજીવનના ભાવોની રસાળ શૈલિમાં અભિવ્યક્તિ દુહાના માધ્યમથી થાય છે. દુહાના બંધારણની અવગણના કરીને પણ દુહાઓ કહેવાયા છે અને બહોળા સમૂહમાં ઝીલાયા છે. સાંઇ મકરંદે લખ્યું છે કે દુહાની દુનિયા સંસાર જેટલી વિશાળ છે. હાસ્ય, શૃંગાર તથા વીર અને રૌદ્ર રસના અનેક માર્ગે દુહો ઘૂમી વળે છે. દલપતરામ જેવા આપણાં કવિએ માનવ પ્રકૃતિને સહજ એવી વાત દુહાના માધ્યમથી સરળ રીતે કરી છે.
મરતા સુધી મટે નહિ
પડી ટેવ પ્રખ્યાત,
ફાટે પણ ફીટે નહિ,
પડી પટોળે ભાત.
દુહાઓનું સંશોધન તેમજ સંકલન ઝવેરચંદ મેઘાણીએ મોટા પ્રમાણમાં કર્યું. જુદી જુદી લોકકથાઓ તેમજ લોકગીતોના સંદર્ભમાં કંઠોપકંઠ કહેવાતા પ્રાચીન દુહાઓ મેઘાણીના સંશોધન થકી ગ્રંથસ્થ થયા. ગોકુળદાસ રાયચુરા તેમજ જયમલ્લ પરમારે પણ આ દિશામાં નોંધપાત્ર કામ કર્યું. ‘‘સ્વર્ગ ભુલાવું શામળા’’ એ પુસ્તકના માધ્યમથી પ્રાધ્યાપક બળવંત જાની તેમજ ડૉ. અંબાદાન રોહડિયાએ દુહાની આ રસાળ ભૂમિનું રસદર્શન કરાવેલું છે. કવિ દુલા ભાયા કાગના દુહાઓ વ્યાપક રીતે લોકપ્રિય થયા. આ રીતેજ એક મર્મી માનવીનું સ્મરણ થાય કે જેના લખેલા દુહાઓ લોકજીભે સતત રમતા રહ્યા છે. આ મર્મી તથા દુહામાં વેધક વાતો વણી લેનાર પાલરવભા પાલિયાનો પરિચય કરવા જેવો છે. મેઘાણીનું બાળપણ જ્યાં ગયું તેજ પાંચાળ વિસ્તારના પાલરવભા તેમના કહેલા દુહાઓ થકી ચિરંજીવી થયા છે. પાલરવભાનો લખેલો નીચેનો દુહો તો લોકસાહિત્યના શોખીનો માટે અત્યંત પ્રિય તેમજ હાથવગો છે.
કાઠિયાવાડમાં કોક દિ,
ભૂલો પડ્ય ભગવાન,
મારો કરું મેમાન,
(તને) સરગ ભુલાવું શામળા.
આ દુહાના શબ્દો દેશ-વિદેશમાં ગૂંજ્યા છે અને ગુજરાતીઓએ તે વધાવ્યા છે. કવિનો સરળ તથા અર્થસભર શબ્દ કેવો વ્યાપક રીતે ઝીલાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
મેઘાણી આ અડીખમ દુહાગીરને અનેક વખત મળેલા હતા. મેઘાણીભાઇને અનેક દુહાઓની પ્રાપ્તિ પાલરવભા પાસેથી થઇ હતી. મેઘાણીએ ‘‘ પોકારીને પાલો ભણે ’’ એવા સૂચક શીર્ષક હેઠળ પાલરવભાના દુહાઓ તેમજ તેમના જીવન વિશે માહિતી આપી છે. મેઘાણીએ લખ્યું છે :
‘‘ પાંચાળનો એ પાલરવ ગઢવી પરજિયો ચારણ હતો… દુબળો – પાતળો દાઢીના શ્વેત કાતરા, ઝીણી આંખો અને સફેદ કપડાં. ’’ મેઘાણીભાઇએ અવલોકન કર્યું છે કે દુબળા-પાતળા એ દેહમાં પાલરવભા મૂંગા દુ:ખની ઊંડી વેદના સમાન હતા. છતાં કોઇ દિવસ પોતાના નિજી સંતાપની વાત કરીને રોદડા રોનાર આ સર્જક ન હતા. વાણીનું ગૌરવ અને જીવતરનું ગૌરવ એ બન્ને એક સાથે પાલરવભાના વ્યક્તિત્વમાંથી પ્રગટ થતાં હતા. દુ:ખોના કુંડા પી જઇને કવિતાના નરવા ઓડકાર ખાનાર પાલરવભા આપણાં સર્જકોમાં એક જુદી ભાત પાડે છે. પાલરવભા જ્યાં જ્યાં જતા ત્યાં સાહિત્યની મહેફીલો મંડાતી તેની અનેક વાતો પણ મેઘાણીએ નોંધી છે. પાંચાળના આ પરિવ્રાજક ચારણ અનેક મુશ્કેલીઓ વચ્ચે પોતાનું ગૌરવ સાચવીને જીવ્યો છે.
અનેક વિષયોને આવરી લઇને પાલરવભાએ દુહાઓ કહ્યા છે. જીવાતા જીવન અને તેના ચિંતનની આબેહૂબ પ્રતિતિ આ કવિના દુહાઓમાં થાય છે.
હરખ નથી તોય હાલવું,
હરમત નથી તોય હા,
નાથ કહેવાય નહિ ના
તારા સંદેશાને શામળા.
જીવનના અમીટ સત્યને પાલરવભાના ઉપરના દુહામાં સચોટ રીતે વ્યક્ત કરવામાં આવી છે. કાળદેવતાનું જ્યારે ફરમાન આવે ત્યારે અનંતની યાત્રાએ ઉપડી જવાનો ઉત્સાહ સામાન્ય રીતે કોઇને હોતો નથી. પરંતુ પાલરવભા કહે છે કે શામળાનો આ સંદેશો એવો છે કે કોઇ તેને નકારી શકતું નથી. છેવટના પરિયાણ એ કોઇની પસંદગીનો વિષય નથી. ઝૂંપડી કે મહેલમાં વસનાર તમામમાટે આ ફરમાન એક સરખુંજ છે. સાધનોની ગમે તેવી ઉપલબ્ધી હોય તો પણ આ અંતિમ મુસાફરી સૌએ પગપાળા કરવાની રહે છે. પરંતુ આ મર્મી માણસ પરમાત્માને કહે છે કે તું જ્યાં બોલાવે છે તે સ્વર્ગનું શહેર અમે જોયેલું નથી. આથી ભૂલા પડી જવાય તો ? તેથી કવિ ઇશ્વરને વિનવે છે કે તું મને લેવા માટે સામો આવજે !
સરગાપરનું શહેર
નથી ભાળ્યું અમે નજરે,
માધવ કરીને મહેર
(તું) સામો આવજે શામળા.
આ દેવીપુત્ર કવિને મનમાં એવી પણ લાગણી છે કે પોતાની અંત વેળાએ નટવર (કૃષ્ણ) એકલાં ન આવે. અહીં પણ ભાવ અને ભક્તિના હક્કથી પાલરવભા કહે છે કે પોતાના જીવનની અંતિમ ક્ષણોએ કૃષ્ણ સાથેજ તેમને રાધાના પણ દર્શન કરવા છે.
મારી અંતવેળાએ એકલો,
નટવર આવીશ ના,
મારી રાધા મા,
સાથે લાવજે શામળા.
જેના હૈયામાં ભક્તિની ભાગીરથી નિરંતર વહેતી હોય તેની વાણીમાંજ ઊર્મિના આવા મોઝા ઉછળતા હોય છે. માનવીના જીવનનો મોટો ભાગ પેટ પૂરતું પોષણ મેળવવા માટે વિતે છે. કવિ પોતાની પણ આ વાસ્તવિકતાથી સજાગ છે. આથી આ ચિંતા ઓછી થાય તોજ ભક્તિમાં ચિત પરોવી શકાય. આવા સંજોગોમાં પરમ કૃપાળુ પરમાત્મા પાસે ઉદર પોષણની વ્યવસ્થા માટે કવિ વિનંતી કરે છે.
હડસેલા હજાર
પેટ સારું ખાવા પડે,
દિયો તો અન્ન દાતાર,
સૂઝે ભક્તિ શામળા.
જે સર્જકોએ સાહિત્યના વિવિધ સ્વરૂપોનું ખંતપૂર્વક ખેડાણ કરેલું છે તે સૌ આપણાં આદરના અધિકારી છે. સાહિત્યના આવા વિવિધ રસોથી માનવજીવન વધારે સમૃધ્ધ થયું છે. પાલરવભાના દુહાઓ આપણા સમગ્ર સાહિત્યનો એક ઉજળો તેમજ ચિરંજીવી ભાગ છે.
વી.એસ.ગઢવી
ગાંધીનગર.
તા.૨૨/૦૪/૨૦૧૯.
Leave a comment