કમળાબહેન પટેલે મહાત્મા ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમના પોતાના કેટલાક સંભારણા લખ્યા છે તેમાંનો એક પ્રસંગ ફરી ફરી યાદ કરવો ગમે તેવો છે.
કમળાબહેન લખે છે કે આશ્રમ જીવનના નિયમો પ્રમાણે તેઓ તેમને સોંપવામાં આવેલું કામ કરતા હતા. મોટા ભાગે આશ્રમના સફાઇ કામની કેટલીક જવાબદારી કમળાબહેનના શિરે હતી. એક દિવસ કમળાબહેનના સહકર્મી બીમાર હોવાથી કમળાબહેનના ભાગે બેવડું કામ કરવાની જવાબદારી આવી. વધારે કામ કરવાથી તેમને થાક લાગ્યો. પોતાનું કામ પૂરું કર્યા બાદ જમવા જવા માટેનો ઘંટ વાગ્યો. પરંતુ થાકના કારણે કમળાબહેનને રસોડા સુધી ચાલીને જવાની પણ ઇચ્છા થઇ નહિ. આથી પોતાના રૂમમાં શેતરંજી પાથરીને થાક ઉતારવા સૂતા અને ઘસઘસાટ ઊંઘી ગયા. બીજી બાજુ જમનારની પંગતમાં કમળાની ગેરહાજરી બાપુના ધ્યાનમાં તરતજ આવી. કમળા જેવી મા વગરની દિકરીઓના બાપુ મા હતા. બાપુએ પૂછપરછ કરી કે કમળા જમવા કેમ નથી આવી ? બાએ જણાવ્યું કે કમળાએ સફાઇનું કામ તો પૂરું કર્યું હતું અને નહાવા ગઇ હતી. હમણાં આવી જશે તેમ પણ કોઇએ બાપુને સમજાવવા કહ્યું. પણ આ મહાત્મા એમ માની લે તેવા ન હતા. એ તો કમળાના રૂમ તરફ થોડા સમય પછી ઉતાવળા પગલે ગયા. કેમ સૂતી છો તેવા બાપુના પ્રશ્નને કારણે કમળાબહેન સફાળા જાગી ગયા. કમળાબહેને ‘પેટમાં દુ:ખે છે’ તેવું બાળ સહજ હાથવગું બહાનું રજૂ કરી છૂટવા પ્રયાસ કર્યો. આ બહાનાને કારણે તેઓ ગાંધી નામના આ તબીબની સ્નેહ જાળમાં આબાદ ફસાઇ ગયા. બાપુનો હુકમ છૂટ્યો. ‘‘ કમળા, જીભ બતાવ ! ’’ જીભ જોઇ કહે સફેદ છે. બાપુ પોતાની સાથે કમળાબહેનને પોતાની ઘરગથ્થુ દવાઓ રહેતી હતી ત્યાં લઇ ગયા. ત્યાં પડેલા દિવેલની શીશીમાંથી એક મોટો ચમચો દિવેલનો કાઢી કમળાને કહે : ‘‘ કમળા, મોં પહોળું કર ’’ કમળાબહેને આ અપ્રિય ઇલાજથી છટકવા માટે લગભગ બૂમ પાડીને કહ્યું : ‘‘ ના બાપુ, દિવેલ મારાથી નહિ પિવાય. ’’ કમળાની વહારે કસ્તુરબા આવ્યા. બાપુને કહે : બપોરે મારા માટે કૉફી બનાવીશ ત્યારે કમળાને કૉફીમાં દિવેલ પિવરાવી દઇશ.’’ પરંતુ બાની આ પ્રયુક્તિ ચાલી નહિ. બાપુએ બાને કહ્યું : ‘‘ બહાદુર દીકરીને તું ખોટા લાડ ન કરાવીશ.’’ ફરી પાછા આ તબીબ કમળાની થોડી રાહત માટે પોતાના થરમોસમાંથી ગરમ પાણીના બે કોગળા કમળાને કરાવે છે. બાપુના આ પ્રયાસથી તેમજ કદાચ બાના સૂચનથી કમળાને આ મુશ્કેલીમાંથી છૂટવાની એક આશા જાગી. પરંતુ આવી આશા ક્ષણિક નીવડી. હજુ પણ દિવેલનો ભરેલો ચમચો બાપુના હાથમાં જોઇને કમળાની થોડી ઘણી આશા પણ અદ્રશ્ય થઇ ગઇ. બાપુએ કમળાની મુશ્કેલી ઓછી કરવા માટે તેની જીભ પર મીઠાની એક ચપટી ભરીને મૂકી. રડતી સૂરતે કમળાએ દિવેલનો ચમચો પેટમાં ઉતાર્યો. જોકે ગરમ પાણી તથા થોડા મીઠાને કારણે કમળાની તકલીફ થોડી ઓછી થઇ તે ખરું. એક નાની એવી આ ઘટનામાં ગાંધી નામના આ મહામાનવની નાનામાં નાના સાથી તરફની જાગૃત સંવેદનાના ઉજળા દર્શન થાય છે. ‘‘ ઝીણી નજરે ’’ જોનારા આ મહાત્માની અનેક વાતો કમળાબહેને ‘‘સાબરમતી આશ્રમના મારાં સંભારણાં’’ (૧૯૨૫-૧૯૩૧) નામની પુસ્તીકામાં સરળ તથા રસાળ શૈલિમાં આલેખ્યા છે.
કમળાબહેન પટેલ એ આપણાં ગાંધીયુગના એક વિરાંગના છે. જેમની જીવનકથા નવી પેઢી સુધી લઇ જવા જેવી છે. કમળાબહેનના માતાનું અવસાન થયું. તેમના પિતાને બાપુએ સરદાર સાહેબની સહાય માટે બારડોલી મોકલ્યા. માતાપિતાની ગેરહાજરીમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં કમળાબહેન તેમજ તેમની બહેનોએ રહેવું તેમ નક્કી થયું. નડિયાદથી સાબરમતી આશ્રમમાં કમળાબહેન ગાંધીજીની નજર હેઠળ રહેવા ગયા. બાપુનું ધ્યાન આ મા-બાપ વગરની દિકરીઓ તરફ સતત રહેતું હતું. કમળાબહેને આશ્રમજીવનના પોતાના સંભારણાના પ્રસંગો લખ્યા છે તેમાં ગાંધી નામના આ મહામાનવના વ્યક્તિત્વનું એક વિશેષ દર્શન થાય છે. આશ્રમજીવન એ ગાંધીજીના જીવનનો એક વિશિષ્ટ પ્રયોગ હતો. આશ્રમજીવનના માધ્યમથી ચિત્તશુધ્ધિ તથા જીવનશુધ્ધિના લક્ષને કેન્દ્રમાં રાખીને આશ્રમવાસીઓ એક પ્રકારે કહો તો ઉપાસનાથી ભરપૂર જીવન જીવતા હતા. અહિંસા, સાધનશુધ્ધિ તેમજ પરિશ્રમના પાઠો આશ્રમવાસીઓ સહેજે સહેજે શીખતા તથા સમજતા હતા. આથી આશ્રમજીવનને સંબંધિત વાતો તેમજ કથાઓ મહાત્માના આભિનવ પ્રયોગ વિશે જાણવી ગમે તેવી માહિતી પૂરી પાડે છે.
ભારતને આઝાદી તો મળી પરંતુ દેશના વિભાજનને કારણે અનેક માનવીય સમસ્યાઓનો જન્મ થયો. સુંદર તેમજ વિશાળ એવી આ દેશની ભૂમિ પર સૈકાઓથી ભાઇચારાના ભાવે રહેતી બે કોમ વચ્ચે વેરઝેર ફેલાયા. દેશના કેટલાક ભાગોમાં પાશવી તોફાનો થયા. આપણી માનવતા લાજી. કમળાબહેન લખે છે કે પંજાબની મહીલાઓએ જે યાતનાઓ વેઠી તેનાથી સમગ્ર પુરુષજાત પર ધિક્કારની ધિક્કારની લાગણી થઇ. જો કે નરી પાશવતામાં પણ કોઇ કોઇ પ્રસંગોમાં જાગૃત માનવતા ડોકીયા કરી રહી હતી. નવા રચાયેલા બન્ને દેશોના અમૂક ભાગમાં આ ઘટનાઓ બની.
બાપુની નજર હેઠળ જેમનું જીવતર ઘડાયું હતું તેવા કમળાબહેને યુવાનવયે આવી પડકારરૂપ પરિસ્થિતિમાં દેશના ભાગલા પછી બન્ને દેશોની શોષિત મહિલાઓ માટેજે કામગીરી કરી તે ઐતિહાસિક ઘટના છે. મૃદુલાબહેન સારાભાઇ સાથે રહીને કમળાબહેને કરેલી કામગીરીનો સવિસ્તર અહેવાલ ‘મૂળ સોતાં ઉખડેલાં’ પુસ્તકમાં જોવા મળે છે જે કમળાબહેને લખેલુંછે. કસ્તુરબા તેમજ મણીબહેન પટેલની હરોળમાં બેસી શકે તેવા મૃદુલાબહેન તથા કમળાબહેનની જીવનગાથા સદાકાળ યશસ્વી તેમજ પ્રેરણાદાયક છે.
વી.એસ.ગઢવી
ગાંધીનગર.
તા.૦૮/૦૪/૨૦૧૯.
Leave a comment