: ક્ષણના ચણીબોર : : ગાંધીયુગના તેજસ્વી તારક : : દક્ષાબહેન પટ્ટણીની વસમી વિદાય :

ગાંધીજીને ગયા તેને તો ઘણો સમય પસાર થઇ ગયો. ગાંધીજીની હત્યા કરવામાં આવી ત્યારે ભાવવિભોર થયેલા પંડિત જવાહરલાલ નહેરુ એ કહ્યું કે આપણાં જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે. એ વાત ખરી હતી પરંતુ એ નિયતિનો નિર્ધાર હતો. ગાંધીજીના ગયા પછી કેટલાક ગાંધી વિચાર વાહકોએ મહાત્મા ગાંધીના વિચારોના વાસ્તવિક અમલીકરણ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો. વિનોબાજીથી શરૂ કરી રવિશંકર મહારાજ સુધીના અનેક ધન્યનામ લોકોએ ગાંધી વિચારબીજનો વટવૃક્ષ સમાન પ્રસાર કર્યો. કેટલાક ગાંધીના અનુયાયીઓએ ગાંધી વિચારની સૌરભ ઉચ્ચતમ લખાણ કે પ્રવચનો દ્વારા જન જન સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કર્યો. આવા પુણ્યશ્લોક લોકોમાં નારાયણ દેસાઇનું નામ સ્વાભાવિક રીતેજ યાદ આવે. પરંતુ આવાજ એક વિચારક તથા આજીવન પ્રાધ્યાપક ભાવનગરના દક્ષાબહેન પટ્ટણીની તાજેતરમાંજ ચિરવિદાય થઇ તેનો ભરપૂર રંજ અનેક લોકોના મનમાં થયો. ગાંધી વિચાર પરના ઊંડા તથા આરપારના અધ્યયનને કારણે દક્ષાબહેને જે લખ્યું તે અમૂલ્ય છે. જીવનમાં એક કમીટમેન્ટને કારણે દક્ષાબહેનના શબ્દોમાં ઓજસ્વીતા છતાં સરળતાનો સુયોગ જોવા મળે છે. દક્ષાબહેનનો જન્મ ભાવનગરમાં ૪ નવેમ્બર ૧૯૩૮માં થયો. ગાંધીજીના ચિંતનને કેન્દ્રમાં રાખીને સંશોધન નિબંધ તૈયાર કર્યો. ડૉકટરેટ મેળવ્યું. ૧૯૬૯ થી ૧૯૯૪ સુધી સતત અધ્યાપન કાર્ય એક નિષ્ઠાથી કર્યું. ત્યારપછી પણ ગુજરાત વિદ્યાપીઠ તેમજ લોકભારતી સણોસરા જેવી સંસ્થાઓમાં વિઝીટીંગ પ્રોફેસર તરીકે ગાંધી વિચારના મુક્તકોની પેટ ભરીને લહાણી કરી. કોઇ પ્રસિધ્ધિની ખેવના ન રાખવી તેવા લોહીના સંસ્કાર હોવાથી માન – સન્માન તેમજ ભભકાવાળા સમારંભોથી સજગતાપૂર્વક દૂર રહ્યા. મળીયે ત્યારે વંદન કર્યા સિવાય રહી શકાય નહિ તેવા સંસ્કારતેમજ સૌમ્ય વ્યક્તિત્વથી બહેન ઝળાહળા હતા. કાળના અવિરત વહેતા પ્રવાહ પર પોતાની આગવી ફૂટપ્રિન્ટ મૂકીને દક્ષાબહેન ગયા. કવિ રમેશ પારેખે લખ્યું છે તેમ કાળ પણ તેમના પાવન પગલાંની છાપ જતનથી જાળવી રાખશે. 

પડે ન સહેજે ખુદનો ડાઘો

એમ જગતને અડે

એવા કોઇ દરવેશ

જેના કાળ સાચવે પગલાં.

ડૉ. દક્ષાબહેન પટ્ટણીએ અલગ અલગ સ્થળો તેમજ પ્રસંગોએ કરેલા પચાસ જેટલા પ્રવચનો વિખ્યાત સામયિકોમાં છપાયા છે. જન સામાન્ય સુધી પહોંચ્યા છે. દક્ષાબહેનના પી.એચ.ડી.ના માર્ગદર્શક તરીકે મનુભાઇ પંચોળી – દર્શક – તેમજ સી. એન. પટેલ હતા. તે બાબતજ સૂચવે છે કે બહેનના શોધ નિબંધની કક્ષા કેવી હશે. એક યાદગાર તથા ઐતિહાસિક ઘટનાનો અહીં ઉલ્લેખ કરવો અસ્થાને નથી. નારાયણ દેસાઇના પુસ્તક ‘‘ મારું જીવન એજ મારી વાણી ’’ જેનું પ્રકાશન ૨૦૦૩ માં થયું હતું. નારાયણભાઇના આ ગ્રંથનું પ્રથમ વિમોચન પૃથ્વી થીયેટર્સ મુંબઇમાં થયું. બીજું વીમોચન સાબરમતી આશ્રમ અમદાવાદમાં થયું. રાષ્ટ્રીય શાળા – રાજકોટ તેમજ ભાવનગરમાં ત્રીજા તેમજ ચોથા વિમોચન સમારંભો થયા. નોંધપાત્ર બાબત એ છે કે આ બધાજ વિમોચન પ્રસંગોએ પુસ્તક પરિચય આપવાનું કાર્ય માત્ર એકલા દક્ષાબહેને કર્યું. જેનું જીવન ગાંધીના ખોળામાં વિત્યું છે તેવા ગાંધીના ‘‘બાબલા’ (નારાયણ દેસાઇ)ની ગાંધી જેવી ઝીણી તથા સ્વસ્થ દ્રષ્ટિએ દક્ષાબહેનની માત્ર વિદ્વતાજ નહિ પરંતુ તેમના સમૃધ્ધ આંતરિક સત્વની પણ પરખ કરીને આવું આયોજન કર્યું તે જોઇને પ્રસન્નતા અને ગૌરવની લાગણી થાય છે. 

‘ગાંધીજીનું ચિંતન’ એ દક્ષાબહેનનો મહાનિબંધ છે. આ નિબંધ ડૉકટરેટની પદવી માટે ૧૯૭૬ માં ગુજરાત યુનિવર્સિટીમાં માન્ય કરવામાં આવ્યો. બહેનના આ મહાનિબંધ માટે આજીવન ગાંધી તથા રવિશંકર મહારાજના આદર્શોને અનુસરીને ચાલેલા મ. જો. પટેલે કરેલું અવલોકન ધ્યાનમાં લેવા જેવું છે. મ. જો. લખે છે : 

‘‘ ગાંધી જીવન તથા વિચારના લગભગ તમામ પાસાને આવરી લેતું આવું મૂલ્યાંકન અન્ય ભાષાઓમાં જ્વલ્લેજ જોવા મળશે. હિંદી – અંગ્રેજીમાં કદાચ આ પ્રકારના મૂલ્યાંકનો થયા હશે પરંતુ મારા વાંચવામાં આવ્યા નથી. ગુજરાતીમાં તો કોઇ લેખક કે સંશોધકે આવું કાર્ય કર્યાનું જાણમાં નથી. ’’    મ. જો.નું આ અવલોકન યથાર્થ છે. દક્ષાબહેને મુક્ત તથા ન્યાયી રીતે મહાત્મા ગાંધીની અપૂર્ણતાઓની પણ ચર્ચા કરી છે. એ રીતે અપૂર્ણતાથી પૂર્ણત્વને પામવાનો ગાંધીનો જીવનભરનો પ્રયાસ અહીં આલેખાયો છે. 

બાપુ તથા આચાર્ય કૃપલાની વચ્ચેનો એક સુંદર સંવાદ દક્ષાબહેને ટાંક્યો છે. આચાર્ય કૃપલાનીએ ગાંધીજીને કહ્યું :

‘‘ બાપુ, આમ અહિંસક આંદોલનથી દુનિયાનો કોઇ દેશ સ્વતંત્ર થયો હોય એવું ઇતિહાસમાં બન્યું નથી. ’’ ગાંધીજીએ સૂચક જવાબ આપ્યો :        ‘‘ કૃપલાની, તમે ઇતિહાસ ભણાવો છો પણ આપણે તો નવો ઇતિહાસ રચવાનો છે. ’’ આત્મવિશ્વાસ, નમ્રતા તેમજ જવાબદારીની સભાનતા સાથેનો ગાંધીજીનો આ જવાબ ચિરકાળ સુધી સ્મૃતિમાં રહે તેવો છે. 

દક્ષાબહેનનો ભવ્ય તથા ઉજ્વળ કૌટુંબિક વારસો પણ સહેજે આદર થાય તેવો છે. ભાગવતની કથાઓ તેમજ સાહિત્યના સંસ્કાર તેમને ગળથૂથીમાં મળ્યા હતા. ‘‘ મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે ’’ એ ગાંધીજીને પ્રિય ભજન હતું. આ ભજન બહેનના પિતાના કાકા કેશવરાય હરિરામ ભટ્ટે લખેલું હતું. જેમનો પરિચય ભાગ્યેજ આપવો પડે તેવા સર પ્રભાશંકર પટ્ટણીપણ દક્ષાબહેનના પિતાના પિતરાઇ ભાઇ હતા. બહેનના પિતા વિજયશંકર પટ્ટણી સંસ્કૃત તથા ગુજરાતીના વિદ્વાન હતા. 

કાળનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે. નારાયણ દેસાઇ ગયા. મીરાબહેન ભટ્ટ (ભાવનગર) પણ ચિરયાત્રાએ નીકળી ગયા. ચુનીકાકા જેવા કર્મશીલે પણ વસમી વિદાય લીધી. હવે જ્યારે દક્ષાબહેને દૂરના પ્રયાણ આદર્યા છે ત્યારે મનમાં ખિન્નતાનો ભાવ થાય તે સંભવિત છે. ગાંધીવિચારની આ મશાલ ઝાંખી પાંખી ન થાય તે જોવાની આપણી સામૂહિક જવાબદારી છે. દક્ષાબહેનને ‘આવજો’ કહેવું ગમે તેવું નથી પણ એજ કાળની ગતિ છે. 

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૦૮/૦૪/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑