: વાટે….ઘાટે…. : : પહેલી મે અને ડૉ. જીવરાજ મહેતાનું પાવન સ્મરણ :

પહેલી મે નો દિવસ જોકે આંતરરાષ્ટ્રીય રીતે પણ એક અલગ મહત્વ ધરાવે છે. ગુજરાત માટે આ દિવસનું કેટલું મહત્વે છે તે વાતની સ્પષ્ટતા ભાગ્યેજ કરવી પડે. રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન પૂરું થતાં અનેક લોકોએ નર્મદની આ અમર પંક્તિઓનું ફરી ફરી રટણ કર્યું હશે.

જય જય ગરવી ગુજરાત

દિસે અરુણું પ્રભાત

ધ્વજ પ્રકાશે ઝળળ કસુંબી

પ્રેમશૌર્ય અંકિત,

તુ ભણણ ભણણ નીજ સંતતિ સૌને

પ્રેમ ભક્તિની રીત

ઊંચી સુંદર તવ જાત

જય જય ગરવી ગુજરાત.

નર્મદના આ અર્થસભર શબ્દો સાથેજ પહેલી મેના દિવસે અનેક ગુજરાતીઓના મનમાં રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક તથા શીલભદ્ર વ્યક્તિત્વ ધરાવતા અમરવલ્લી (અમરેલી)ના પનોતા પુત્ર ડૉ. જીવરાજ મહેતાની સ્મૃતિ તાજી થાય છે. ઇન્દુચાચાએ ગુજરાત મેળવવા જન સામાન્યમાં ન્યાય માટેની લડાઇ લડવાનો વીરભાવ જાગૃત કર્યો. મહારાજે રાજ્યની સ્થાપનાનો દિવો ગાંધી ચેતનાની શાક્ષીએ પ્રગટાવ્યો અને ભાવિ માર્ગનું સુચારું દર્શન કરાવ્યું. જ્યારે મહાત્મા ગાંધી અને પંડિત મોતીલાલ નહેરુના પણ તબીબ એવા ડૉકટર જીવરાજ મહેતાએ નવા સ્થપાયેલા રાજ્યની ધૂરા સંભાળી. નિષ્ણાત તબીબ અને વડોદરા રાજ્યના આ વિચક્ષણ દીવાને ગુજરાતના ભાવિ વિકાસના ઊંડા પાયા નાખ્યા. ગાંધીની સાદગી અને સરદારની વહીવટી સૂઝના સમન્વય સમાન આપણાં રાજ્યના આ પ્રથમ સુકાનીએ વહીવટના ઉમદા આદર્શોનું જતન કરીને બાળરાજ્યનું કાળજી તથા ભાવથી સંવર્ધન કર્યું. પહેલી મેનો દિવસ ડૉ. જીવરાજ મહેતાની સ્મૃતિને વંદન કરવાનો દિવસ છે. આવું અનાસક્ત તથા નમ્ર વ્યક્તિત્વ એ જાહેર જીવનમાં ઓછી જોવા મળતી ઘટના છે. ૧૯૮૭ માં જીવરાજભાઇની જન્મ શતાબ્દીએ અનેક લોકોએ તેમના આદર સહ યાદ કર્યા હતા. માનવ મનની લાગણીઓને ઝીણવટપૂર્વક સમજનાર આ તબીબ મહાત્મા ગાંધીના ખરા અર્થમાં જીવંત પ્રતિનિધિ હતા.  

ગુજરાત જ્યારે મુંબઇ રાજ્યનો ભાગ હતું ત્યારની એક બનેલી ઘટના ધૈર્યચન્દ્ર બુધ્ધે લખી છે. ડૉ. જીવરાજ મહેતા ત્યારે મુંબઇ રાજ્યના નાણાં મંત્રી હતા. ડૉ. મહેતા ગુજરાત રાજ્યની રચના (૧૯૬૦) થયા પછી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી થયા હતા તે સુવિદિત છે. આથી ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાના સમયની આ ઘટના છે. મહેતા સાહેબ મુંબઇ રાજ્યના નાણાં મંત્રી હતા ત્યારે એક વખત વડોદરાની મુલાકાતે આવેલા હતા. સ્વાભાવિક રીતેજ નાણાં મંત્રીશ્રીનો સત્કાર કરવા અનેક લોકો રેલ્વે સ્ટેશન પર હાજર હતા. સ્ટેશનની બહાર નીકળવા ડૉ. મહેતા પ્લેટફોર્મ પરના ઓવર બ્રીજના પગથિયા ઉતરતા હતા. સાહેબે જોયું કે તેમની આગળ એક બહેન પગથિયા ઉતરતા હતા. બહેને એક બાળક તેડેલું હતું અને બીજા હાથથી તેઓ પાણી ભરેલું વાસણ ઊંચકીને પગથિયા ઉતરતા હતા. બાળકને એક હાથથી સંભાળીને બીજા હાથથી પાણી ભરેલા વાસણનો બોજ ઉપાડવાની તેઓ મુશ્કેલી અનુભવતા હતા. ગાંધીની જેમ ઝીણી નજરે જોનારા આ માનવતાવાદી ડૉ. મહેતાની નજરથી એક સામાન્ય મહીલાની મુશ્કેલીની વાત છટકી શકી નહિ. તેઓ થોડા ઝડપથી ચાલ્યા અને પેલા બહેનના હાથમાંથી પાણીનું વાસણ સહજ રીતે ઊંચકી લીધું. બહેનના ચહેરા પર રાહતનો ભાવ ઉભરી આવ્યો. પગથિયા ઉતર્યા પછી પેલા બહેન પાણીનું વાસણ મહેતા સાહેબ પાસેથી લઇને રાહત સાથે આગળ ચાલ્યા. ડૉ. મહેતા પણ સ્વાભાવિક રીતેજ સરકારી ગાડીમાં બેસીને સરકીટ હાઉસ તરફ ગયા. 

ઉપરની ઘટના કદાચ નાની દેખાય પરંતુ તેના મૂળમાં નજર નાખવાની જરૂર જણાય છે. એક માનવી બીજા માનવી તરફ સંવેદના ધરાવતો હોય તો આજની અને કોઇપણ કાળની મોટા ભાગની સમસ્યાઓનો તેમાં ઉકેલ છે. સંવેદનાનો અભાવ હોય તો સાધનો અને સંપત્તિ વધે ખરા પરંતુ સમાજની સુખાકારીનો ગ્રાફ ઊંચો આવે નહિ. એક ટોચના નેતા જ્યારે આવું વર્તન સ્વાભાવિક પણેજ કરે ત્યારે તેનો સંદેશ પણ સમાજમાં અસરકાર રીતે ઝીલાતો હોય છે. ડૉ. જીવરાજ મહેતાએ જે કર્યું તેવું સદ્દભાવનું કૃત્ય સહજપણે કરવાની ઇચ્છા મોટા ભાગના નાગરિકોને થાય તો સ્વસ્થ સમાજ જીવન ઊભું કરવાની દિશામાં ગતિ કરી શકાય. ગુજરાત રાજ્યની સ્થાપનાના મહિનામાં સંવેદનશીલ ડૉ. જીવરાજ મહેતાની સ્મૃતિને ફરી વંદન કરવાનું મન થાય છે. મોંઘા મૂલના આવા માનવીઓ એક તેજ લીસોટા જેવું જીવતર જીવીને ગયા. વિજળીના ચમકારે મોતી પરોવી લેવાનું ગંગાસતીનું વચન ડૉકટર સાહેબ જીવીને ગયા. કવિ રમેશ પારેખે આવા જીવન જીવી જનારા લોકોના સંદર્ભમાં લખ્યું છે તે ફરી ફરી યાદ આવે તેવું છે. 

પડે ન સ્હેજે ખુદનો ડાઘો

એમ જગતને અડે

દુર્ભલ એ દરવેશ કે

જેના કાળ સાચવે પગલાં.

ડૉ. જીવરાજ મહેતાની સ્મૃતિમાં અમરેલી જિલ્લા વિદ્યાસભા તરફથી મહેતા સાહેબને ‘‘ સમતાના મેર ’’ તરીકે બીરદાવતું પુસ્તક પ્રગટ કરવામાં આવેલું છે તે મહેતા સાહેબના સંદર્ભમાં કાળજીથી તૈયાર કરવામાં આવેલું એક નોંધપાત્ર દસ્તાવેજીકરણ છે. 

ગુજરાતના આ પ્રથમ મુખ્યમંત્રી ગાંધીજીના પણ હમેશના વિશ્વાસપાત્ર અને પ્રીતિપાત્ર તબીબ હતા. ગાંધીજીને તેમનામાં ભારે શ્રધ્ધા હતી. ગાંધીજીના જીવન દરમિયાન બાપુની તબીયત અંગેનો આખરી અભિપ્રાય   ડૉ. જીવરાજ મહેતાનો લેવામાં આવતો હતો. બાપુના સહવાસ તેમજ પોતાના સંસ્કારના કારણે બાપુની નિર્ભયતા પણ જીવરાજભાઇની રગેરગમાં ઉતરી હતી. કોઇપણ બાબતમાં સ્પષ્ટ વક્તા હોવાના કારણે તેમની રાજકીય કારકીર્દિમાં તેમને સહન કરવાનો સમય પણ આવ્યો હતો. ડૉકટર સાહેબને ગુજરાતનું મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું તે એક દૂર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પરંતુ આ ગાંધીના ગોવાળને તે અંગે કદી રંજ થયો ન હતો. 

ગાંધીની ગુજરાતના એ સદનસીબ ગણાય કે ડૉ. જીવરાજ મહેતા જેવા બાહોશ સુકાની રાજ્યને નૂતન ગુજરાતના પહેલા મુખ્યમંત્રી તરીકે મળ્યા હતા. મહેતા સાહેબ તથા તેમના સહધર્મચારિણી હંસાબેનનો સિંહફાળો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની સ્થાપનામાં રહ્યો છે. આ પુણ્યશ્લોક દંપતી એમ. એસ. યુનિવર્સિટી જેવા ભવ્ય સ્મારકોના માધ્યમથી આજે પણ જીવંત છે.   

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૦૧/૦૪/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑