: વાટે….ઘાટે…. : : સંત કવિ ઇસરદાસજી અને હરિરસ :

ભજન તથા કથાઓનો ભંડાર એ આપણાં ઉજળા વારસાના અમૂલ્ય મણકા સમાન છે. આધુનિક ટેકનોલોજીનો ઉદય થયો તે પહેલા આપણાં ભજનિક સંતો તેમજ નાના-મોટા કથાકારોએ પોતાનીસાદી તેમજ સરળ શૈલિમાં વિશાળ શ્રોતાગ્રહને સંસ્કારની સરવાણીથી ભીંજવ્યા છે. આવા કથાકારો – ભજનીકોની તપસ્યા સમાન તેમજ સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ સિવાય જન જન સુધી શાસ્ત્રોની સરવાણી કદાચ પહોંચી શકી ન હોત. મધ્યયુગના આપણાં અનેક સંતોના સાદા જીવન તથા ઉત્તમ વિચારોથી પણ વ્યાપક જન સમૂહ પ્રભાવિત થયો છે તેમજ દોરવાયો છે. તુકારામ કે તુલસીદાસના જન સામાન્ય પરના પ્રભાવની વાત સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. તમામ કથાઓમાં રામકથાનું સ્થાન અગ્રેસર રહેલું છે. રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું અનેક પેઢીઓથી ફરી ફરી ગાન થયા કરે છે તે બાબત ફરી સ્મરણમાં આવે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. વ્યક્તિગત રીતે સમાજના અનેક નાગરિકો તેમની ગ્રહણ કરવાની શક્તિ મુજબ લાભાન્વીત પણ થતા રહે છે. આજ રીતે ભક્ત કવિ ઇસરદાસજીની પવિત્ર વાણીનો પ્રવાહ ‘હરિરસ’ નામના ગ્રંથના માધ્યમથી વર્તમાન સમયમાં પણ સતત વહેતો રહેલો છે. સંત કવિની રચનાઓ તો અનેક છે. દરેક રચનાને પોતાનું અલગ ભાવવિશ્વ છે. પરંતુ હરિરસ તેમજ જગદંબાની કૃપા પામવા માટેનો ગ્રંથ ‘દેવીયાંણ’ એ વિશેષ પ્રચલિત તથા લોકાદર પામેલા મૂલ્યાવન ગ્રંથ છે. ‘હરિરસ’ તથા ‘દેવીયાંણ’ ના આવા અનેરા મૂલ્યને વિશેષ સ્પષ્ટ કરવા માટે લીંબડી રાજ્યકવિ શંકરદાનજી દેથાએ સરળ તથા અર્થપૂર્ણ પંક્તિઓ લખી છે.

વાંચો શ્રીમદ્ ભાગવત

મોટો ગ્રંથ મહાન

કે આ હરિરસ નીત પઢો

શુભ ફળદાયી સમાન.

વાંચો દુર્ગા શપ્ત સતી

યા વાંચો દેવીયાંણ

શ્રોતા – પાઠીકો પરમ

સુખપ્રદ ઉભય સમાન.

હરિરસ કાવ્યની રચના કર્યા પછી ભક્ત કવિ ઇસરદાનજીએ આ કાવ્ય દ્વારકાધીશને અર્પણ કર્યાની માન્યતા છે. ઉપરોક્ત માન્યતા વ્યાપક રીતે સ્વીકૃત થયેલી છે. ‘‘ ગુજરાત ઇતિહાસ પરિષદ ’’ ના દ્વારકામાં યોજવામાં આવેલા છઠ્ઠા અધિવેશનમાં (૧૯૭૧) પરિષદની સ્વાગત સમિતિ તરફથી એક ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ ગ્રંથ વિદ્દવત જન શ્રી પુષ્કરભાઇ ગોકાણીએ દ્વારકા મંદિરનો સંક્ષિપ્ત ઇતિહાસ લખીને પ્રગટ કરેલો હતો. પ્રસ્તુત ગ્રંથમાં સંશોધનના આધારે નોંધાયું છે કે ઇ. સ. ૧૫૪૦ ના અરસામાં કવિ ઇસર બારોટે હરિરસ ગ્રંથ દ્વારકાનાથના મંદિરમાં સંભળાવીને પરમાત્માને અર્પણકર્યો. ઓખામંડળ પર લખવામાં આવેલા અન્ય ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે. અલબત્ત, ચોક્કસ સમય કાળ બાબતમાં તેમાં ભિન્ન મંતવ્ય છે જે આવા ઐતિહાસિક પ્રસંગોમાં મહદ્ અંશે જોવા મળતા હોય છે.

મધ્યયુગના ભક્ત કવિઓમાં એક મહત્વની ખૂબી એ રહી છે કે તેમણે કોઇપણ જાતના સામાજિક કે સાંપ્રદાયિક બંધનો કે પ્રથાઓને તોડીને ભક્તિરસની લહાણી સમાજના તમામ વર્ગો સુધી કરી છે. આ વાણીનો પ્રવાહ તેમજ તેનું સ્વરૂપ ગંગા – યમુનાના પાવન પ્રવાહ સમાન રહેલું છે. તમામ જીવંત હસ્તીઓ આ પવિત્ર પ્રવાહના પ્રભાવથી લાભાન્વીત થઇ છે. ભક્ત કવિ ઇસરદાસજીની વાણીનો પ્રવાહ પણ ગંગોત્રીની પવિત્ર ધારા સમાન અખંડ વહેતો રહેલો છે. હરિરસનો જ્ઞાન વૈભવ પરમ પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભાગવત જોડાજોડ મૂકી શકાય તેવો છે. મહાભારતના ભીષણ સંગ્રામમાંથી જેમ ભગવતગીતાની ઉત્‍પતિ સમગ્ર માનવજાતિના કલ્‍યાણ માટે થઇ તેજ રીતે ભક્ત શિરોમણી ઇસરદાસજીના આદ્યાત્‍મ ઉન્‍નતિ પ્રવાસ પથ પર હરિરસનું નિર્માણ લોક કલ્‍યાણ માટે થયું હોય તેમ જણાય છે. પરમ તત્‍વની ઉપાસનાનું આટલું અસરકારક અને સચોટ નિરૂપણ ઇસરદાસજી જેવા મહામાનવ જ કરી શકે. આચાર્ય બદ્રીપ્રસાદ સાકરીયાએ લખેલી એ વાત નિર્વિવાદ છે કે હિન્‍દી  સાહિત્‍યમાં જે સ્‍થાન ગોસ્‍વામી તુલસીદાસ કે કૃષ્‍ણભક્ત સુરદાસનું છે તેવુંજ સ્‍થાન સૌરાષ્‍ટ્ર-સિંધ-કચ્‍છ-થરપારકરના સાહિત્‍યમાં ઇસરદાસજીનું છે. ‘ઇસરા પરમેસરા’ તરીકેની તેમની ઓળખ તેમણે સર કરેલા અદ્યાત્‍મના ઉચ્‍ચ  શીખરોને કારણેજ પ્રસ્‍થાપિત થયેલી છે. મહાત્‍મા ઇસરદાસજીએ હરિરસ ઉપરાંત વિપુલ સાહિત્‍યનું સર્જન તેમના જીવનકાળ દરમ્‍યાન કર્યું. તેમનું સાહિત્‍ય ગુજરાત તથા રાજસ્‍થાનની સહિયારી સંપત્તિ છે. હરિરસ ઉપરાંત માતૃ ઉપાસનાનો અમૂલ્‍ય  ગ્રંથ ‘દેવીયાણ’ આજે પણ પ્રચલિત છે અને વ્‍યક્તિગત તથા સામૂહિક પ્રાર્થનામાં તેનો બહોળો ઉપયોગ થાય છે. મધ્‍યકાલિન યુગમાં જ્ઞાન, વૈરાગ્‍ય અને સંસ્‍કારના ફેલાવા માટે વિવિધ પ્રદેશોમાં થયેલા સંત-ભક્તોએ ખૂબજ મહત્‍વનો ફાળો આપ્‍યો છે. લોકો સમજી શકે તેવી સરળ ભાષા અને શૈલીમાં તેમણે સચોટ ઉદાહરણો સાથે વેદો અને ઉપનિષદોમાં પ્રબોધેલું જ્ઞાન લોકો સુધી પહોચતું કર્યું. 

આજે પણ સુરેન્દ્રનગરની હરિરસ સ્વાધ્યાય સભાને અનેક સ્થળો તથા પ્રસંગોએ હરિરસ પાઠના નિયમિત નિમંત્રણ મળ્યા કરે છે. પ્રખર વિદ્વાન તથા સૌજન્યની મૂર્તિ સમાન સર પ્રભાશંકર પટ્ટણીએ ૧૯૨૮ માં લખ્યું હતું કે હરિરસનું શ્રધ્ધાથી પાન કરનારને નવી દ્રષ્ટિ નવું બળ તથા નવું ચેતન મળી શકે છે. પૂજ્ય આઇ શ્રી સોનબાઇ મા ને ભક્તકવિઓના સાહિત્ય તરફ એક વિશિષ્ટ લગાવ હતો. ‘‘ચારણ’’ દ્વિમાસિકમાં એપ્રિલ-૧૯૫૫ના અંકમાં માતાજીના હરિરસ ગ્રંથ માટેના ઉદ્દગારો નોંધવામાં આવેલા છે. માતાજી લખે છે : (બધા સંત સાહિત્યમાં) ‘‘ ઇસરદાસજીની ભાત નોખી છે. ભક્તિ મહાસાગરના બહોળા પાણી એમણે નાનકડી ગાગરમાં ભર્યા છે. એમનું તત્વજ્ઞાન ભક્તિના રંગમાં રંગાયેલું છે. હરિરસ ભાગવતનું તત્વ છે અને સાચું રસાયણ છે. હરિરસને પચાવવાથી જન્મ-મરણના ફેરા ટળે છે. ’’  હરિરસ – દેવીયાંણ જેવા ગ્રંથો આપણાં સંત સાહિત્યના ભવ્ય તથા ઉદ્દાત શિખર સમાન છે.

વી. એસ. ગઢવી
ગાંધીનગર.

તા.૨૯/૦૩/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑