સોરઠ ધરા જગ જૂની
ગઢ જૂનો ગિરનાર
સાવઝડા સેંજળ પીએ
નમણાં નર ને નાર.
અનેક વખત અગણિત લોક સાહિત્યના ડાયરાઓમાં ઉપરનો દોહો આપણે સૌએ સાંભળ્યો છે. વારંવાર સાંભળ્યો છે. દોહાને રજૂ કરનારા અલગ અલગ મર્મી કલાકારો હશે પરંતુ દોહાના શબ્દો તેના તે જ છે. આમ છતાં આવા પુનરાવર્તનથી કંટાળો કે અણગમો અનુભવ્યા સિવાય લોકસાહિત્યના અગણિત ચાહકોએ લોકસાહિત્યના આવા અનેક દોહાઓ કે લોકગીતોને મનભરીને માણ્યાં છે અને મુક્ત કંઠે તેને દાદ આપી છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે લોકસાહિત્યના આવા પ્રચલિત સર્જનોમાં લોકને પોતાના મૂળના દર્શન થાય છે. આ સાહિત્ય લોકોને ગમે છે. કારણ કે તેમને તે પોતીકું લાગે છે. લોકસાહિત્ય એ લોકની શાશ્વત સંપત્તિ છે તેવું કાકાસાહેબનું અવલોકન યથાર્થ છે. આ સાહિત્યનું સર્જન પણ લોક થકી થયું તથા તેનું પોષણ અને સંવર્ધન પણ વિશાળ લોકસમૂહે કર્યું. લોકસાહિત્યે કૃત્રિમ વાડાબંધીની દિવાલને ભેદીને સર્વગ્રાહી તેમજ સાર્વત્રિક માનવજીવનનું ઝળહળાં દર્શન કારવ્યું છે. ગાંધી વિચારોનો સૂર્યોદય થયો તે પહેલા લોકજીવનને એક ધાગે પરોવી લેવાનું કાર્ય લોકસાહિત્યે યથાશક્તિ કરેલું છે. લોકસાહિત્યનો મહત્વનો હિસ્સો એવા લોકગીતોની વાત કરીએ તો લોકગીતોની સરવાણી આજે પણ જીવંત તેમજ ધબકતી રહી છે. લોકગીતો વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે ગવાતા રહ્યા છે અને ઝીલાતા રહ્યા છે. લોકસાહિત્યના રસથાળને પીરસતા અનેક પ્રકાશનો પણ થયા કરે છે. આ સંદર્ભમાં ગુજરાત રાજ્યના માહિતી વિભાગે તાજેતરમાં પ્રસિધ્ધ કરેલું ‘‘ ચાંદો ઊગ્યો ચોકમાં ’’ એક મહત્વનું તેમજ નોંધપાત્ર પ્રકાશન છે. સુશિક્ષિત તથા સુપ્રસિધ્ધ લોકગાયક ભાઇ નીલેશ પંડ્યાએ આપ્રકાશનના માધ્યમથી ગુજરાતી લોકગીતોનું ભાતીગળ રસદર્શન કરાવેલું છે. સામાન્ય રીતે લોકસાહિત્ય કંઠસ્થ રહેલું છે. આથી આવા લોકોને ગમતા એવા લોકગીતોનું રસદર્શન સાથેનું સંકલન એ વધાવી લેવા જેવી ઘટના છે. માહિતી વિભાગે ભાઇ નીલેશ પંડ્યાના સહયોગથી ઝવેરચંદ મેઘાણીએ કંડારેલા કેડા પર ડગલાં ભરવાનો પ્રયાસ કર્યો છે તે પ્રશંસનીય પ્રયાસ છે. ‘‘ હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ ’’ જેવા લોકગીતોથી ભૂતકાળની લોકજીવન સાથે જોડાયેલી ઘટના ઉપર નૂતન દ્રષ્ટિથી પ્રકાશ પાડેલો છે. લોકસાહિત્યના અનેક મર્મજ્ઞોને આ પુસ્તક ગમશે તે નિર્વિવાદ છે.
‘‘ ચાંદો ઊગ્યો ચોકમાં ’’ એ પુસ્તકના સંદર્ભમાં લોકસાહિત્યની વાત કરીએ તો લોકજીવન સાથે જોડાયેલી આ વાત છે. લોક સાથે જોડાયેલી પ્રત્યેક વાત એ લોકની જેમજ જીવંત હોય છે. ધબકતી હોય છે. વ્યક્તિઓ તો આવે અને જાય પરંતુ લોક એ શાશ્વત છે, કાળજયી છે. લોક સાહિત્યની રચનાઓના કોઇ લેખક નથી હોતા. આવી કૃતિઓ લોકમાં ગવાતી રહે છે અને હોંશેહોંશે ઝીલાતી રહે છે. લોકગીતોની લોકપ્રિયતા ઓછી થતી નથી. સામૂહિક ઉમંગની આરપાર અભિવ્યક્તિ લોકગીતો થકી થઇ શકી છે.
સવ્વા બસેરનું મારું દાતરડું લોલ
ઘડ્યું ઓલ્યા લાલીયા લુહારે,
મુજા વાલમજી લોલ, હવે નહિ જાઉં
વીડી વાઢવા રે લોલ.
આવી તો અનેક રચનાઓ કંઠો-પ-કંઠ, કર્ણો-પ-કર્ણ ગવાતી – સંભાળતી અને ઝીલાતી રહે છે. લોકસાહિત્યની આ શાશ્વતીનો સાદ આથીજ મીઠો લાગે છે. ગમતો રહે છે. લોક સાહિત્યના જાણીતા ધૂળધોયા સંશોધકોમાં ઝવેરચંદ મેઘાણીનું કાર્ય અગ્રસ્થાને મૂકવું પડે તેવું વ્યાપક તથા સર્વ સમાવેશક છે. કવિ દુલા ભાયા કાગે મેઘાણીના આવા ભાતીગળ કાર્યને બીરદાવતાં લખ્યું :
સુતા જઇ સ્મશાનમાં
એની સોડ્યું તે તાણી
વધુ જીવાડ્યા વાણીયા
કંઇક મડદા મેઘાણી.
કવિ પિંગળશીભાઇ લીલાએ મેઘાણી માટે લખ્યું :
ગિરા કંદરા પહાડ ગજવતો
ગાંડો તુર થઇ ગાતો,
સાવજને ચારણ કન્યાનું
યુધ્ધ નીરખવા જાતો,
ચૌદ વરસની ચારણ કન્યા
જગદંબા શી જાણી
અમરલોકથી આવ્ય અમારા
શાયર મેઘાણી.
લોકગીતોએ સમાજના વિભિન્ન વર્ગોના જીવતરને કેન્દ્રમાં રાખીને તેનું રસપાન કરાવેલું છે. શ્રમિકોના શ્રમમાં, માતાના વહાલમાં, ભાઇના જવતલમાં કોઇક કારણોસર સાસરીમાં ઊંડી વેદનાથી પીડાતી કોઇ વહુવારૂના આર્તનાદમાં આ ગીતો પ્રગટ્યા છે. જીવનના ઉલ્લાસ સાથે પણ આ સાહિત્ય મહોર્યું છે અને મનોવેદનાની પાનખરમાં પણ લોક સાહિત્ય વિચલિત થયા સિવાય લોક સાથે ઊભું છે. પેલી શ્રમિક બહેન ગાય છે :
પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ
મેં રે વાઢ્યા છે દસ વીસ મુંજા વાલમજી લોલ
આ જાણીતા લોકગીતમાં ખુમારીની વાત તો હવે પ્રગટ થાય છે
પરણ્યે ભર્યું છે એનું પેટીયું રે લોલ
મેં તો જમાડ્યો મારો વીર…મુંજા…
લોકગીતોની જેમ લોકસાહિત્યનોજ એક ભાતીગળ પ્રદેશ એટલે લોકવાર્તનો પ્રદેશ. આવી વાત આમતો એક વ્રતાંત છે. તેના મૂળમાં કોઇ દંતકથા પણ હોઇ શકે. કાળના લાંબા પટ ઉપર જ્યારે આ કથા બોલાય ત્યારે તેમાં શ્રધ્ધાનું તત્વ ઉમેરાય છે. કંઠોપ કંઠ કહેવાતી આ વાતોમાં કોઇ કોઇ સ્થળે અતિશયોક્તિ થવાની સંભાવના છે. સુપ્રસિધ્ધ ઇતિહાસવિદ્ કર્નલ ટોડે ચારણી સાહિત્યના આવા સાહિત્યમાંથી અનેક વાતોનો યોગ્ય સંદર્ભ ઇતિહાસ આલેખવા લીધો છે. આ રીતે આ વાતો- કથાઓ ઇતિહાસને પૂરક બની છે. બહારવટિયાઓ પણ ખુમારીયુક્ત વર્તન દાખવતા હોય તેવી અનેક કથાઓ છે. રવિશંકર મહારાજે આ બાબત ઠોસ વિગતો સાથે જગત સમક્ષ રજૂ કરી છે. મહીકાંઠાના પાટણવાડીયાઓ અને બારૈયાઓ તે સમયની બ્રિટીશ હકુમતના જાહેરનામાને કારણે ગુનેગાર ગણાતી જાતિઓ હતી. પરંતુ આ લોકોમાંજ પડેલી ખુમારી તથા ઉદારતાના ભાવ રવિશંકર દાદા જોઇ શક્યા. દાદા અને મેઘાણીભાઇના રસપ્રદ વાર્તાલાપમાંથી વિશ્વ સાહિત્યમાં સ્થાન પામી શકે તેવી કૃતિ ‘‘માણસાઇના દીવા’’ જગતને મળી.
લોક સાહિત્યનો સ્વસ્થ તથા નિર્મળ પ્રવાહ નિરંતર વહેતો રહે તે ઇચ્છનિય છે. સમાજમાં માનવીય મૂલ્યોની ચેતના જીવંત રાખવામાં તળનું સાહિત્ય ઉપયોગી બને છે. નવી પેઢી સુધી પણ આ સાહિત્યની સૌરભ પહોંચાડવાનું પડકારરૂપ કાર્ય કરવા જેવું છે. ‘‘ ચાંદો ઊગ્યો ચોકમાં ’’ પુસ્તકનું ઉમળકાભેર સ્વાગત છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૫/૦૩/૨૦૧૯.
Leave a comment