: ક્ષણના ચણીબોર : : ધરતીની અમીરાત : જયમલ્લ પરમારની પાવન સ્મૃતિ :

છેલ્લા દોઢ દાયકાથી દર વર્ષે પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ની સ્મૃતિ વંદનાનો ગૌરવશાળી કાર્યક્રમ થાય છે. ભગતબાપુના ગામમાંજ તથા તેમની ચેતનાની શાક્ષીએ થતા મજાદર ગામના આ પ્રસંગમાં અનેક સાહિત્યપ્રેમી લોકો અંતરના ઉમળકાથી જોડાય છે. આ કાર્યક્રમમાં કાગ એવોર્ડ આપવા ઉપરાંત ‘કાગના ફળિયે કાગની વાતુ’ એ સૂચક તથા સુચારું નામથી કવિ કાગના જીવન તથા સાહિત્ય ઉપર વિદ્વાન વક્તાઓ પોતાના વક્તવ્ય રજૂ કરે છે. આ ઉપરાંત લોકસાહિત્યના સુવિખ્યાત કલાકારો પોતાની વાણીનો મુક્ત પ્રવાહ કાગની ભૂમિ પર વહાવે છે. આ વર્ષે તા.૧૦ માર્ચ ૨૦૧૯ના દિવસે આ કાર્યક્રમ થયો તેમાં સમર્થ વિદ્વાન તથા લોકસાહિત્યના મર્મજ્ઞ જયમલ્લભાઇ પરમારના પુન: મુદ્રિત પુસ્તક ‘ધરતીની અમીરાત’ નું વિમોચન પણ મોરારીબાપુના કરકમળોથી કરવામાં આવ્યું. કવિ કાગના મિત્ર તેમજ સહકર્મી એવા જયમલ્લ પરમારની સ્મૃતિ કાગના ફળિયે પુન: જીવંત થઇ એ અનેક લોકો માટે સુખદ સુયોગ સમાન વાત હતી. પ્રવીણ પ્રકાશન રાજકોટે કરેલી તથા નવસંસ્કરણ પામેલી આ કૃતિ જોતાં જયમલ્લ પરમારના સંશોધક – સંપાદક તરીકેના એક ભાતીગળ સ્વરૂપની પ્રતિતિ થાય છે. જયમલ્લ પરમાર તથા નિરંજન વર્મા (નાનભા બારહઠ્ઠ)ની મજબૂત જોડીએ રાણપુર જઇને ઝવેરચંદ મેઘાણીનો ભાર થોડો હળવો કર્યો હતો તે જાણીતી વાત છે. ‘‘ધરતીની અમીરાત’’ પુસ્તકમાં પ્રસિધ્ધ થયેલી કથાઓ સુંદર વિષય વસ્તુ ધરાવતી, મનોહર, સચોટ તેમજ વૈભવયુક્ત હોવાનું ખોડીદાસ પરમારનું વિધાન યથાર્થ છે. જયમલ્લ પરમાર ૧૯૩૯ થી ૧૯૪૨ દરમિયાન મેઘાણી સાથે રાણપુરમાં રહ્યા અને લોકસાહિત્યના વિભિન્ન વિષયોને લઇને સંશોધનની સ્વસ્થ તથા સમતોલ લેખમાળાઓ ચલાવી. ‘ઊર્મિ નવરચના’ ના માધ્યમથી પણ આ કામ આગળ ચાલ્યું. આ બધા લેખોની ‘ફૂલછાબ’ માં પ્રસિધ્ધ થયેલી લેખમાળાઓ સદાબહાર તેમજ લોકપ્રિય બની હતી તેમ ‘ફૂલછાબ’ ના પૂવ તંત્રી હરસુખ સંઘાણીની વાત આ લેખમાળાના લેખોની ગુણવત્તા તરફ નિર્દેશ કરે છે. ‘ધરતીની અમીરાત’ પુસ્તકમાં કથાઓનું આલેખન સરળ તેમજ નિરાડંબરી છે. જોગીદાસ ખુમાણને સંબંધિત એક કથામાં તેમજ તુલસીશ્યામના પવિત્ર સાધુ શામજી મહારાજનો સંવાદ વાંચીને બહારવટીયાના પણ દિલમાં રહેલી ખાનદાની તથા ખમીરના આબેહૂબ દર્શન થાય છે. આવી વાતોના  સંશોધન – સંપાદન થકી જે તે ધરતીની અનોખી સૌરભનો પરિચય આવતી અનેક પેઢીઓ સુધી વિસ્તરે છે. ‘ધરતીની અમીરાત’ જેવા પુસ્તકની તેમાંજ યથાર્થતા રહેલી છે.     

જયમલ્લભાઇ પરમાર એ એક વિરલ તથા ઉજળા સાહિત્ય સર્જક/સંપાદક છે કે જેઓ આજે પણ તેમના સર્જનો દ્વારા લોકસાહિત્ય પ્રેમીઓના દિલમાં જીવંત છે. વર્ષ ૨૦૧૧ ના નવેમ્બર માસમાં તેમની જન્મ શતાબ્દીની યાદગાર ઉજવણી કરવામાં આવી. ગુજરાતના અલગ અલગ શહેરોમાં કાર્યક્રમો થયા. શરૂઆત જયમલ્લભાઇની કર્મભૂમિ રાજકોટથી કરવામાં આવી. રાજકોટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મોરારીબાપુએ જયમલ્લભાઇનું એક સાહિત્યકાર તરીકે તેમજ એક માનવી તરીકે ઊંચુ મૂલ્યાંકન કર્યું. કોઇ સાહિત્યકારની જન્મ શતાબ્દીના સંદર્ભમાં તેમજ ત્યાપછીના વર્ષોમાં પણ આટલા કાર્યક્રમો થાય તેવી ઘટનાઓ ઓછી જોવા મળે છે. દરેક કાર્યક્રમમાં વ્યાપક જનસમૂહની હાજરી એ નોંધપાત્ર ઘટના ગણાય. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, રાજકોટના સહયોગથી પણ અનેક કોલેજોમાં જયમલ્લભાઇના સાહિત્યને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમો થાય છે. યુવાનો સુધી પહોંચવાનો આ પ્રશંસાપાત્ર પ્રયાસ છે. 

કવિ શ્રી કાગ (ભગતબાપુ)એ કહ્યું હતું કે મેધાણીભાઇએ સૌરાષ્ટ્રની રસધાર લખી તેમજ જયમલ્લભાઇએ સૌરાષ્ટ્રનો રસધોધ વહાવ્યો છે. તેમના વ્યક્તિત્વની ખરી ખૂબી એ છે કે તેઓ લોકસાહિત્યના પૂર્ણ અર્થમાં મર્મિ છે અને તેની કોઇ નબળી બાબતો જણાય તો તેને પણ તેઓ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. કેટલીક વખત લોકસાહિત્યના નામે કોઇ વિકૃત રજૂઆતો થતી હોય તો સ્પષ્ટ શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરે છે. ચોકસાઇ, પ્રમાણપ્રિયતા, તર્કબધ્ધતા તથા અનાગ્રહિતાના આધારે તેમણે સંશોધનનું કામ દિપાવ્યું છે. જયમલ્લ પરમાર ખરા અર્થમાં લોકસાહિત્યના ધૂળધોયા હતા. મેઘાણી પછી જયમલ્લ પરમારે લોકસાહિત્યના સંશોધન તથા સંપાદનનું કામ આગળ વધાર્યું છે.

આઝાદીના સંગ્રામમાં પણ ગાંધી ચીંધ્યા માર્ગે તેમજ રતુભાઇ અદાણીના માર્ગદર્શન પ્રમાણે લડત ચલાવવામાં જયમલ્લભાઇનો ઘણો મોટો ફાળો છે. એ સમયમાં જે લોક ચેતના પ્રગટી હતી તે અસાધારણ હતી. તેમણે તે કાળના જનજીવનની ચેતના વિશે લખતા સુંદર વાત કરી છે કે ગામડાના લોકો પણ ભયમુક્ત થઇને ગાંધીના સૈનિકોનું ભાવથી સ્વાગત કરતા. ખાદીના વસ્ત્રો ધારણ કરનારા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરનારા આ લોકસેવકો પ્રત્યે લોકો આદરથી – અહોભાવથી જોતા તથા તેમને ‘ગાંધીના માણસો’ તરીકે પ્રેમથી પોંખતા હતા. તેમનું સન્માન કરતા હતા. ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ લડતના સમયે અનેક આગેવાનો રાણપુર આવતા અને મહાસંગ્રામનો અગ્નિ સતત પ્રજ્વલિત રહે તેના પ્રયાસો કરતા રહેતા હતા. નેતાઓનો ઉતારો મોટાભાગે ‘ફૂલછાબ’ માં રહેતો. ‘‘સૌરાષ્ટ્ર’’ તથા ત્યારપછી ‘‘ફૂલછાબ’’ તે સમયે રાણપુરથી પ્રકાશિત થતા હતા. રાણપુરમાં પત્રકારત્વના જે ધોરણો ‘સૌરાષ્ટ્રના સિંહ’ કહેવાતા અમૃતલાલ શેઠ તથા ઝવેરચંદ મેઘાણી દ્વારા સ્થાપવામાં આવ્યા તે પત્રકારત્વના ઇતિહાસનું એક ઉજળું સોપાન છે. અમૃતલાલ શેઠ, મેઘાણીભાઇ તથા જયમલ્લભાઇની ત્રિપુટી આ લડતમાં મહત્વના સ્થાને હતા અને સતત સક્રિય રહેતા હતા. સૌરાષ્ટ્રના પછાત વર્ગના કલ્યાણ માટેનું બોર્ડ પણ ખરા અર્થમાં આ વર્ગોના ઉત્થાનનું કામ કરે તે માટે જયમલ્લભાઇએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ કોમોના ભાતીગળ ઇતિહાસની વાતો એકઠી કરવાનું તેમજ તેને ગ્રંથસ્થ કરવાનું ઐતિહાસિક કામ જયમલ્લભાઇએ પૂરી નિષ્ઠાથી કર્યું. એકયાશી વર્ષની અર્થપૂર્ણ રીતે જીવાયેલી જિંદગીમાં તેમણે કેટલા બધા કામો હાથ પર લીધા અને તેમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું ! કાગધામમાં ‘ધરતીની અમીરાત’ ના વિમોચનથી ફરી એક વખત જયમલ્લભાઇની મધુર સ્મૃતિ તાજી થઇ છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૨/૦૩/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑