ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જર દેશ !
કૃષ્ણચન્દ્રની કૌમુદી – ઉજળો
કીધ પ્રભુએય સ્વદેશ:
અમારો ગુણિયલ ગુર્જર દેશ !
દલપત પુત્ર મહાકવિ નાનાલાલે ધરા ગુર્જરીની ગાથા ઉપરના સુંદર શબ્દોમાં ગાઇ છે. કવિની આ રચના અમરત્વને પામી છે. નાનાલાલ એ આપણાં અર્વાચીન ગુજરાતના અગ્રહરોળના કવિ છે. પ્રતિભા સંપન્ન તેમજ અનેક ઊર્મિગીતોના સર્જક આ કવિના અનેક સર્જનોએ આપણી ભાષાને રળિયાત કરી છે. અમદાવાદમાં ૧૬મી માર્ચ ૧૮૭૭ ના રોજ જન્મેલા કવિ નાનાલાલ સ્વદેશાભિમાન તથા આત્મસન્માનથી ઉજ્વળ જીવતર જીવીને અમર થયા છે. ગુડીપડવાના દિવસો પણ નજીકમાં છે. તીથિ મુજબ ગુડીપડવો એ મહાકવિની જન્મજયંતિ છે. અનેક સાહીત્યપ્રેમી લોકોના મનમાં કવિની પાવક સ્મૃતિ આ દિવસોમાં વિશેષ થાય તે સ્વાભાવિક છે. નાનાલાલે નાનપણમાંજ જોયું તથા અનુભવ્યું કે પિતાને એક કવિ તરીકે અનોખું સ્થાન તથા સન્માન મળે છે. બાળક નાનાલાલને પણ કવિ થવાની મહેચ્છા જાગી તથા તેઓ પણ એક મોટા ગજાના કવિ તરીકે પ્રસ્થાપિત થયા. એમનું ઉચ્ચ શિક્ષણ મુંબઇ યુનિવર્સિટીમાં થયું હતું. યુનિવર્સિટી સાથે તેમને વિશેષ લગાવ પણ રહેલો હતો. ‘‘મુંબઇ યુનિવર્સિટી છે તો ન્હાનાલાલ છે’’ એવી લાગણીસભર વાત તેમણે કરી હતી. રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે અધ્યાપનનું કાર્ય કર્યું હતું. મહાકવિ નાનાલાલની કલમે સાહિત્યના અનેક સ્વરૂપોનું સર્જન કર્યું છે. વિદ્વાનો તેમની કાવ્યશક્તિને શ્રેષ્ઠ ગણાવે છે. ગુજરાતને ખૂણે ખૂણે ફરીને ધરતી સાથેની એકરૂપતા તેમણે કેળવી હતી. તેમની કાવ્યધારામાં તેની પ્રતિતિ પણ થાય છે. ગુર્જર ધરામાં તેમને વિભિન્ન ભાતીગળ રંગોનું સ્વસ્થ સંયોજન જોવા મળેલું છે.
ઇસ્લામી યાત્રાળુંનું આ
મક્કાનું મુખબાર :
હિન્દુ, મુસલમિન, પારસીઓને
અહીંયા તીરથદ્વાર,
પ્રભુ છે એક, ભૂમિ છે એક,
પિતા છે એક માત છે એક
આપણે એકની પ્રજા અનેક
ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ.
દેશ પરાધિન થયો હતો તે કપરા કાળમાં આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવશે કે કેમ તથા તેમ થશે તો પણ ક્યારે થશે તેની અનિશ્ચિતતા તથા ચિંતા ઘણા લોકોના મનમાં હતી. ગોરી હકૂમતની નાગચૂડ સખત હોય તેવો એ સમય હતો. અનેક નાનામોટા રજવાડાઓ ગોરા અમલદારોની નારાજગી વહોરવી પડે નહિ તેની સંપૂર્ણ તકેદારી રાખીને પોતાનો વહીવટ ચલાવતા હતા. હતા. એક નાનો શિક્ષિત વર્ગ બહોળા આમ સમુદાયની પિડા સમજવા માટે સજ્જ ન હતો. ગાંધીરૂપી સૂર્યોદય થયો ત્યાં સુધી અનેક આગેવાનો પણ પૂર્ણ સ્વરાજ્યની કલ્પના કરી શક્યા ન હતા. આ કપરા સમયમાં પણ દ્રષ્ટા કવિ નાનાલાલ મુક્ત ભારતના વિચારના સમર્થ વાહક બન્યા હતા. કાળક્રમે ગાંધીજી દેશના નક્શા ઉપર દેખાયા અને જોત જોતામાં છવાઇ ગયા હતા. કવિ નાનાલાલ (૧૮૭૭ – ૧૯૪૬) ગાંધીજી કરતા આઠ વર્ષ નાના હતા. ૧૯૧૯ માં ગાંધીજીની ૫૦મી જન્મજયંતિ દેશભરમાં અનેક લોકો પોત પોતાની રીતે ઉજવતા હતા. આ અવસરે કવિ નાનાલાલે ગાંધીજીને ઉમળકાભેર અંજલિ આપતું એક સુંદર તથા અર્થપૂર્ણ કાવ્ય ‘‘ગુજરાતનો તપસ્વી’’ લખીને પ્રગટ કર્યું. આ કાવ્યને ગુજરાતી ભાષામાં ગાંધીજી વિશે લખાયેલું આ પ્રથમ કાવ્ય માનવામાં આવે છે. આ કાવ્ય જેવા ગાંધી વિશે બીજા કાવ્યો ભાગ્યેજ જોવા મળે તેવું સાહિત્યના અભ્યાસુઓનું તારણ છે. જે સમયે કવિએ આ કાવ્ય લખ્યું ત્યારે તેઓ બ્રિટિશ સરકારની નોકરીમાં હતા. કવિ સૌરાષ્ટ્રની બ્રિટિશ એજન્સીના શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ પદ સાથે પ્રતિષ્ઠા તથા સારું એવું આર્થિક વળતર જોડાયેલા હતા. આવું કાવ્ય ગાંધીજી માટે લખ્યા પછી ગોરી સરકારની નારાજગી વહોરવી પડશે તેની પૂરી પ્રતિતિ પણ કવિને હતી, પરંતુ આ દલપત પુત્ર આવી બધી બાબતોને ગણકારે તેવા ન હતા. કવિને આ સત્યકથનની આકરી કિમ્મત ચૂકવવી પડી. મહાકવિને નોકરી છોડવી પડી. ૧૯૨૧માં નોકરી છોડીને કવિએ અમદાવાદમાં નિવાસ શરૂ કર્યો. વાત આટલેથી પૂરી થઇ ન હતી. ૧૯૨૨ માં કવિની ધરપકડ કરવા માટે મુંબઇ સરકારે વોરંટ કાઢ્યું. બ્રિટિશ સત્તાધિશો દેશના મુક્તિ સંગ્રામના મરજીવાઓ સામે કોઇ ઢીલું વલણ દર્શાવવા માંગતી ન હતી, પરંતુ આ બ્રિટિશ અમલદારોમાં પણ કેટલાંક અધિકારીઓ સંવેદનશીલ તથા સૂઝ બૂઝ વાળા હતા. કવિશ્વર દલપતરામના આજીવન મિત્ર ફાર્બસ આ બાબતનું એક આવુંજ જ્વલંત ઉદાહરણ છે. કવિ નાનાલાલની ધરપકડ કરવા અંગેના વોરંટ બાબતમાં પણ અમદાવાદના તત્કાલિન કલેકટર શ્રી ચેટફિલ્ડે મુંબઇ સરકારને એક વિગતવાર પત્ર લખ્યો. આ પત્રમાં કવિ તરીકેની નાનાલાલની ઉચ્ચ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને તેમની સામેનું વોરંટ રદ કરવા કલેકટરે આગ્રહપૂર્વક રજૂઆત કરી. મુંબઇ સરકારે આ ભલામણ માન્ય રાખીને કવિ સામેનું વોરંટ રદ કર્યું. મહાકવિના વ્યક્તિત્વની આવી અનોખી પ્રતિભા હતી. મહાકવિનું બિરુદ કવિને લોકસમૂહે પ્રેમ તથા આદરપૂર્વક આપેલું હતું. ૧૯૨૧ માં સારા પગાર તથા સુવિધાઓ વાળી સરકારી નોકરી છોડી જીવનના શેષ પચીસ વર્ષ કવિએ આર્થિક સંકડામણ વચ્ચે ગાળ્યા. પરંતુ સરસ્વતીની અખંડ આરાધના કરવાના નિશ્ચયમાં કદી શિથિલતા કે નિરાશા તેમના જીવનમાં દેખાયા નથી. કલમને ખોળે માથું મૂકીને જીવવાના આવા આકરા તપ ભાગ્યેજ જોવા મળે છે. ‘‘વીર સત્ય ને રસિક ટેકીપણું’’ વાળી કવિ નર્મદની વાત મહાકવિ નાનાલાલને પૂર્ણત: લાગુ પડે છે.
મહાકવિ નાનાલાલ ટ્રસ્ટ તરફથી દર વર્ષે ગુડી પડવાના દિવસે કવિશ્રીની જયંતી ઊજવાય છે. તે માટે આ ટ્રસ્ટના સભ્યશ્રીઓ તેમજ મહાકવિના કુટુંબીજનો અભિંદનને પાત્ર છે. ગુડી પડવાના દિવસે અનેક સાહિત્યપ્રેમી લોકો કવિશ્રીની સ્મૃતિને વંદન કરી તેમના જીવન તથા કવન વિશે વિચાર વિનિમય કરે છે. આવો કાર્યક્રમ નિયમિત સ્વરૂપે યોજવામાં આવે છે તે પણ નોંધપાત્ર બાબત છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૬/૦૩/૨૦૧૯.
Leave a comment