: ક્ષણના ચણીબોર : : સમર્થ સર્જક સરોદની સ્મૃતિ વંદના :

ઇતિહાસે ગાંધી તથા લીંકનને કાયદાના જાણકાર હોવા છતાં સાથે માનવીના મનની વેદનાને સમજનાર સંવેદનશીલ ધારાશાસ્ત્રીઓ ગણાવ્યા છે. કાયદાની સુષ્કતામાં માનવતાનું ઝરણું ક્યારેક ડૂકી જતું જોવા મળે છે. પરંતુ કાનૂની વ્યવસાયની સાથેજ માનવ હ્રદયની સંવેદનાને જીવંત રાખનાર અનેક ઉજળા નામોમાં કવિ મનુભાઇ ત્રિવેદી (સરોદ) નો સમાવેશ થાય છે. આ જજ સાહેબના અંતરના ઊંડાણમાં ભાવ અને ભક્તિનું ઝરણું સદાકાળ જીવંત તથા વહેતું રહેલું હતું. એક પ્રસંગ લખાયો છે જે આ વાતના પ્રમાણ સ્વરૂપ છે. એક કેસની સુનાવણી દરમિયાન કોઇ વકીલે મહિલા સાક્ષીને પ્રશ્ન કર્યોજે અજુગતો કહેવાય તેવો હતો. કેસની સુનાવણી કરનાર ન્યાયધિશની આંખમાં ઝળઝળિયા આવી ગયા. કોઇની પણ ગરીમા ઝંખવાય તેની પીડા પામે તેવા આ જુદી માટીના જજ હતા. તેમણે પ્રશ્ન પૂછનાર વકીલને વારતા કહ્યું : ‘‘ ભાઇ ! આ બહેન તમારા પરિવારમાંથી હોય અને તેમને જે પ્રશ્ન પૂછવા તમને ઉચિત લાગે તેવાજ પ્રશ્નો પૂછો’’ આપણા સુપ્રસિધ્ધ સર્જક કવિ મનુભાઇ ત્રિવેદીની આ વાત છે. ‘સરોદ’ ઉપનામથી ભજનો લખતા તેમજ ‘ગાફિલ’ ઉપનામથી ગઝલો લખતા આ સર્જક તેમની રચનાઓ થકી અમરત્વને પામેલા છે. સરોદના ભજનોમાં વિચારોનું ઊંડાણ મન ભરીને માણવા જેવું છે. કવિ લખે છે : 

પરગટ હુઆ સો પરમાણ

અવર છે મિથ્યા તાણાતાણ.

જોગજુગતથી જાણ મળે એ તો

કેવળ રજની જાણ

આપ મળ્યે આખું આયખું ઉજળે

જેમ ધરા ઊગે ભાણ

પરગટ હુઆ સો પરમાણ.

૧૯૭૨ના એપ્રિલ માસની નવમી તારીખે કાવ્ય પઠન કરતા કરતાજ આ કવિ અનંતમાં વિલીન થયા. અનેક સાહિત્ય પ્રેમીઓના મનમાં ઊંડે ઊંડે પણ આ ધન્યનામ કવિની સ્મૃતિ આજે જીવંત હશે. કવિની પુણ્યતીથિ નિમિત્તે પણ તેમની સ્મૃતિને વંદન કરવાનો આ સમય છે. ગાફિલ સાહેબની ગુજરાતી ભાષાની એક અમર ગઝલ રચના આજે પણ અનેક કાર્યક્રમોમાં ગવાતી અને ઝીલાતી જોવા મળે છે. 

જુદી જિંદગી છે મિજાજે મિજાજે

જુદી બંદગી છે નમાજે નમાજે

જીવન જેમ જુદા છે કાયા ય જુદી

છે મુત્યુત જુદા જનાજે જનાજે.

મરણ તો માનવ માત્રના થાય છે. કુદરતનો એજ નિશ્ચિત ક્રમ છે. પરંતુ સંતો-કવિઓ તથા સર્જકો કદી મૃત્યુ પામતા નથી. અવધિ પૂરી થાય ત્યારે શરીરતો તેનો ધર્મ પાળે અને વિલિન થાય પરંતુ સર્જકે કરેલું સાહિત્ય નિર્માણ ચિરકાળ જીવંત રહે છે. ભર્તુહરી મહારાજે પણ આ વાતનું સમર્થન કરતા કહેલું છે કે કવિઓના સર્જનને જરા-મરણનો ભય નથી. આથી ‘સરોદ’ ગયા. આપણાં દુર્ભાગ્યે અણચિંતવ્યા અને ઓચિંતા ગયા.પરંતુ તેમની વિશાળ તથા વૈવિધ્યસભર રચનાઓ થકી આપણી વચ્ચે આજે પણ જીવંત રહેલા છે. મહેકતા અને ગહેકતા રહેલા છે. કવિના સમગ્ર સાહિત્યનું ખંડોમાં પ્રકાશન કરીને ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રશંસનીય કાર્ય કરેલું છે.  ગ્રંથોના સંકલનનું કામ કાળજીપૂર્વક કરનાર સુબોધભાઇ ત્રિવેદી પણ આપણાં અભિનંદનના હક્કદાર છે. વ્યવસાયે આમ તો કાયદાના માણસ પરંતુ ભજન વાણીના સરોદ ઉદગાતા હતા. જયમલ્લ પરમારે તેમને ‘‘સતજુગિયો સાંઇ’’ કહેલા છે. આ સમર્થ સર્જકની કાવ્ય કીર્તિ યુગો સુધી પ્રસરતી રહે તેવી છે. 

સરોદના ભજનો તથા ગઝલો તો લોકગીતોની માફક લોકહૈયે વસેલા છે. અનેક કાર્યક્રમોમાં સરોદની રચનાઓ ગવાતી રહે છે અને સતત ઘૂંટાતી રહે છે. સરોદની કેટલીક વાર્તાઓનો સંગ્રહ ‘‘વેરાનમાં ચંદનવન’’ની વાર્તાઓ જોતા સરોદના સર્જનની એક જુદી પણ અનોખી વાર્તાશૈલીનું દર્શન થાય છે. (પ્રકાશકઃપ્રકાશન પ્રવીણ) સરોદની વાતનો વિષય તથા તેની માંડણી તેમજ નાની સરખી કથાનો સંદેશ પણ માનવ મનના અનેક ભાવ સ્વરૂપોનું ભાતીગળ દર્શન કરાવી જાય છે. ગઝલ તેમજ ભજનો સાથેજ એક વાર્તાકાર તરીકે પણ તેઓની કલમ ઝળહળી ઊઠી છે. આવો સુયોગ ભાગ્યેજ જોવા મળે છે.

સાંઇ મકરંદ તથા સ્વામી આનંદે સરોદનું અનેક રીતે મૂલ્યાંકન કરીને તેમને શબ્દપુષ્પોથી વધાવ્યા છે. કવિશ્રીના ભજનસંગ્રહ ‘રામરસ’ વિશે સ્વામીદાદા કહે છે : 

‘‘ આ નાનકડી ભજનમાળાના અનેક મણકા મેં અપાર ભક્તિરસમાં તરબોળ થઇને ફરી ફરી ફેરવ્યા છે તેમજ તેના ગાનાર ભક્ત કવિની ‘ધન વચન ધન વાણી’ એમ કહીને વારંવાર મનોમન વંદનાઓ કરી છે.’’ આપણાં સુપ્રસિધ્ધ સર્જક ઘાયલ સાહેબે કવિ નીતિન વડગામાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું : 

‘‘ મકરંદ તથા મનુભાઇ (સરોદ) મારા પરમ મિત્રો. અમે અવારનવાર ગોંડલમાં મળતાં. આ બન્ને મિત્રોએ મને કાવ્ય તથા કાવ્યત્વની સમજ આપી. તેથી મારી ગઝલો પુષ્ટ થઇ છે તેમ હું માનું છુ…’’ 

કવિને જે વિરાસત મળી છે તેનું પણ એક અનોખું ગૌરવ કવિને મન છે. સરોદનું વ્યોમ આવા અનેક ધન્યનામ સર્જકોથી હર્યુંભર્યું તેમજ લીલુછમ્મ છે. આથી કવિ તે ઉજ્વળ તેમજ વિશાળ વ્યોમનું વર્ણન કરતાં લખે છે : 

ઓહો મારું વ્યોમ !

સૂર, તુલસી, કબીર, ધનો, દાદૂને રઇદાસ,

નરસી મીરાંદયા, અખો અજવાળે આકાશ

કોઇક ચમકે સૂરજ જેવા કોઇક જાણે સોમ !

ઓહો મારું વ્યોમ !

અનેક ઉજળા સર્જકોના આ સમર્થ વારસદાર કવિ જજ તરીકેની સરકારી કામગીરી સાથે કાવ્યપુષ્પોની સદાકાળ સમૃધ્ધ એવી સૌરભ પાથરીને ગયા. કવિને ‘આઘેરા પરિયાણ’ આદરવાની એક મનોમન ઝંખના હોય તેમ લાગે છે તેનો નિર્દેશ પણ તેમના થોડા શબ્દોમાં જોવા મળે છે. આ ‘પરિયાણ’ વહેલા હતા તેવો અનેકનો વસવસો વાજબી છે. 

આદર્યા આઘેના પરિયાણ

જાણું છું વનરા છે એની એ વાટમાં

માલિક છે એનો એજ.

લેટી પડું હું અહીં થાકીને તોય

મને કહેશે ન વેણ એ સહેજ

જાવું છે દૂર દૂર જોજનના જોજન

ના પોસાશે પળનું રોકાણ

આદર્યા આઘેના પરિયાણ.

સરોદ આપણાં સાંપ્રતકાળના કવિઓમાં ઝળહળતા સીતારા સમાન છે.

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૧૬/૦૩/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑