કોઇપણ સર્જક એ સમાજની સામુહિક સંપતિ છે. સમાજ સર્જકોથી રળિયામણો બને છે. સમાજની ઓળખ પણ આવા સર્જકો કે કવિઓના ઉજળા યોગદાનથી ઊભી થતી હોય છે. આવા સર્જકો કે કવિઓની સ્મૃતિમાં કોઇને કોઇ પ્રસંગે મેળાવડાઓ યોજવાની એક સારી પ્રથા યુરોપના કેટલાક દેશોમાં ઊભી થયેલી જોવા મળે છે. આપણે ત્યાં પણ કોઇ કોઇ સ્થળે કોઇ સર્જકની સ્મૃતિમાં નાના મોટા કાર્યક્રમો થતા રહે છે. આવા આયોજનોમાં સાતત્ય જળવાય તથા તેનો હેતુ જળવાય તેમજ તેની કક્ષા પણ જળવાય તે મહત્વનું છે. આ રીતે જોઇએ તો પૂ. મોરારીબાપુની પ્રેરણાથી શરૂ થયેલો આવો સાતત્યપૂર્ણ ઉપક્રમ એ ‘‘કાગને ફળિયુ કાગની વાતુ’’ નો છે. દોઢ દાયકાથી વધારે સમયથી આ આયોજન નિયમિત રીતે દર વર્ષે થાય છે. દિવસે દિવસે સાહિત્ય પ્રેમીઓની કાગના ફળિયે ઉપસ્થિતિમાં સતત વધારો થયો છે. કવિ દુલા ભાયા કાગના જીવન અને કવનની અનેક વાતો મર્મીઓએ કવિની ભૂમિમાં બેસીને કરી છે. અનેક સુપ્રસિધ્ધ લોક કલાકારોએ અંતરના ઉમળકાથી કવિ કાગની રચનાઓ મોકળે મને તથા બુલંદ કંઠે ગાઇને કવિનું તર્પણ કરેલું છે તેમજ મોરારીબાપુની પ્રસન્નતાના હકદાર બન્યા છે. કવિ કાગની નિર્વાણ તિથિને કેન્દ્રમાં રાખીને યોજાતા આ કાર્યક્રમને માત્ર મોરારીબાપુની પ્રેરણા તથા હૂંફજ નહિ પરંતુ બાપુની નિયમિત ઉપસ્થિતિનો પણ લહાવો મળ્યો છે. મોરારીબાપુ પોતાની અનેક વ્યસ્તતા વચ્ચે પણ કાગપ્રેમીઓની વચ્ચે બેસીને સમગ્ર કાર્યક્રમને માણે છે. કવિ કાગ કે જેને સમાજ ભગતબાપુના સ્નેહ સંબોધનથી ઓળખે છે તેમનું આ ગૌરવયુક્ત અને યથાર્થ તર્પણ છે. ‘‘ બાવન ફૂલડાંના બાગ ’’ ની સોગાદ આપીને અગણિત લોક હ્રદયના સિંહાસન પર બીરાજેલા ભગતબાપુના ભાતીગળ સ્વરૂપનું મજાદર (કાગધામ) ખાતેનું આ સ્મરણ તથા દર્શન અનેક લોકોના મનમાં પ્રસન્નતાનો ભાવ ભરી જાય છે. ૨૦૧૯ના વર્ષનું આ આયોજન તા.૧૦-૦૩-૨૦૧૯ ના રોજ કરવામાં આવેલું છે તેના થકી કાગની સૌરભ પુન: તાજી થાય છે. કવિ હીંગોળદાન નરેલાના શબ્દો યાદ આવે.
મધમધતો મૂકી ગયો
બાવન ફૂલડાનો બાગ
અમ અંતરને આપશે
કાયમ સૌરભ કાગ.
‘‘કાગના ફળિયે કાગની વાતું’’ નો આ ભાતીગળ પ્રસંગ હવે ઘણો જાણીતો બનેલો છે. ભગતબાપુ તરીકે લોકલાગણી પ્રાપ્ત કરનાર કવિ કાગના સાહિત્યપ્રેમી એવા અસંખ્ય લોકો માટે આ પ્રસંગનુ એક આગવું મહત્વ છે. કવિ શ્રી કાગ તથા તેમના સાહિત્યને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવતા કાર્યક્રમોની આ નિયમિત તથા સુઆયોજિત શ્રેણી છે. કવિ કાગ પરિવારના તથા સમગ્ર મજાદર ગામના મહેમાનગતિના ઉજળા સંસ્કારને કારણે આ કાર્યક્રમની ગરિમા સતત વધતી રહી છે. કવિ કાગના સાહિત્યનું આચમન લેવા અનેક સાહિત્યમર્મીઓ પ્રતિ વર્ષ ભગતબાપુની ભૂમિ પર ભાવથી પહોંચી જાય છે. મોરારીબાપુની ઉપસ્થિતિ તથા વક્તવ્યથી સમગ્ર પ્રસંગ દીપી ઉઠે છે.
કોઇ ધન્યનામ સર્જકના અમૂલ્ય સાહિત્યનું આચમન લેવાનું આયોજન દર વર્ષે થાય તે ગૌરવની વાત છે. આવું આયોજન કવિની ચેતના જ્યાં મહોરી હોય તેવી ભૂમિ પર જ થાય તેવી આ વિશિષ્ટ ઘટના બાપુના આશીર્વાદથી પાંગરી છે તેમજ આ પ્રસંગે સંસ્થાગત સ્વરૂપ ધારણ કરેલું છે. કાર્યક્રમની ગરિમા જળવાય અને તેનો હેતુ સરે તેવું આયોજન સર્વશ્રી બળવંત જાની, હરિશ્ચન્દ્ર જોશી જેવા સુજાણ લોકો કરે છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવનાર વિશાળ જન સમૂહને ‘‘આવકારો મીઠો’’ કાગ પરિવારના બાબુભાઇ કાગ તથા સૌ ભાઇઓ તેમજ સમગ્ર મજાદર ગામનો હોય છે. આ કાર્યક્રમના એક ભાગ તરીકે કાગ-સાહિત્યના અનેક મર્મીઓ કવિ કાગના સાહિત્ય તથા ભગતબાપુના જીવનને ઉજાગર કરતા વિવિધ પાસાઓ પર વિચારણીય વક્તવ્યો રજૂ કરે છે. તેની સાથો સાથ લોકસાહિત્યના અનેક સુવિખ્યાત કલાકારો પોતાની કળા મજાદરના આંગણે અંતરના ઉમળકાથી પ્રદર્શિત કરે છે. જેમણે લોકસાહિત્ય-ચારણી સાહિત્યના ક્ષેત્રમાં અલગ-અલગ પ્રકારે નોંધપાત્ર યોગદાન આપેલું હોય તેવા ગુજરાત તથા રાજસ્થાનના પાંચ વ્યક્તિ વિશેષોને પૂજ્ય બાપુ તરફથી દર વર્ષે કાગ-એવોર્ડ આપીને સન્માનવામાં આવે છે. એવોર્ડ અર્પણની રાત્રીએ સમગ્ર માહોલ કાગમય બની જાય છે. કવિ કાગના શબ્દપુષ્પોનો બાગ આજે પણ મહેકી રહેલો હોય તેવી પ્રતિતિ દરેક વ્યક્તિને થાય છે.
ભાઇ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી …..
રંગે રંગના ફૂલડાં
એમાં રામ ચરિતનો ત્રાગજી
એનો ગૂંથે હારલો , કોઇ કંઠ ઘરે બડભાગ…
આપણી ભાષાના કોઇ મોંઘેરા સર્જક અને તેમની રચનાઓને જીવંત અને ધબકતી રાખવાનો કોઇપણ ઉપક્રમ સમાજની સ્વસ્થતાનું નિદર્શન કરાવે છે. તેથી આવું કાર્ય વધાવી લેવાને પાત્ર છે. કવિ કાગ જેવા મહાન સર્જકનું તર્પણ આવા સુગ્રથિત કાર્યક્રમોથી થાય છે. આ પ્રકારના આયોજન થકી ખરા અર્થમાં વિશાળ જનસમૂહ પોતાના સર્જકની યથાર્થ સ્મૃતિવંદના કરી શકે છે.
સામાન્ય રીતે ચારણ કવિઓ કોઇ રાજા રજવાડા સાથે રહીને રાજ્યકવિ તરીકે યોગદાન આપતા હતા. એજ રીતે બ્રહ્માનંદ સ્વામી જેવા ધૂરંધર કવિઓ ભક્તિ રંગે રંગાઇને પોતાનું સમગ્ર વ્યક્તિત્વ ભગવદ્દ ચરણે અર્પણ કરી ચૂક્યા હતા. ક્રાંતિવીર કેશરીસિંહજી બારહઠ્ઠ માતૃભૂમિની મુક્તિ માટે અનેક બલિદાન આપીને નિર્ભયતા તેમજ સ્વાર્પણનો ઝંડો લહેરાવી ગયા હતા. આ ઉજળી પરંપરાની એક મજબૂત કડી સમાન ભગતબાપુ રાજ્ય દરબારને બદલે લોક દરબારમાં ગયા અને પોતાના કાવ્યપુષ્પો જન સમૂહને ચરણે ધર્યા. ભગતબાપુએ ગાંધી-વિનોબાના ગીતો ગાઇને ગુજરાતમાં સર્વોદય તેમજ ભૂમિદાનની ભૂમિકા ઊભી કરવામાં સક્રિય રહ્યા. કવિ કાગ ચારણી સાહિત્યના નવલા પ્રભાતના સમર્થ મશાલચી હતા. ભગતબાપુની ભૂમિ પર અને તેમની ચિરંજીવી ચેતનાની શાક્ષીએ થતાં ‘‘ કાગના ફળિયે કાગની વાતુ ’’ સાંભળવાનો પ્રસંગ મળે તે સદ્દભાગ્યની બાબત છે.
દુલેરાય દેશનો દીવો…
ક્રોડુ જુગ કાગ ભઇ ! જીવો…
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૨/૦૩/૨૦૧૯.
Leave a comment