: ક્ષણના ચણીબોર : : રવિશંકર મહારાજ : મૂઠી ઊંચેરા માનવી :

જેમનો વાણી વિવેક પૂર્ણત: સમતોલ તથા સ્વસ્થ ગણાય છે તેવા મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ તરફની પોતાની અંતરની લાગણી વ્યક્ત કરતાં જે લખ્યું તેમાં મહારાજની મહત્તા ચારે તરફથી છલકાઇ ઉઠે છે. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં મહારાજની બ્રિટીશ સરકારે ધરપકડ કરી. બાપુએ તા.૩૦-૦૪-૧૯૨૮ના રોજ ધૂળધોયા મહારાજને સ્નેહભાવે લખ્યું : 

ભાઇ શ્રી રવિશંકર,

‘‘ તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેથી સંતુષ્ટ. ટાઢ અને તડકો તમારે મન સરખા. ચીંથરા મળે તો ઢંકાઓ. હવે જેલમાં જવાનું સદ્દભાગ્ય પણ તમને પહેલું. 

જો ઇશ્વર અદલાબદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે અદલાબદલી કરું. 

તમારો અને દેશનો જય હો ! 

  • બાપુના આશીર્વાદ ’’

ગઇ સદીના મહામાનવ જેમના માટે આવા શબ્દોમાં લાગણી વ્યક્ત કરે તેવા રવિશંકર મહારાજ ગાંધીયુગની આકાશગંગાના ઉજ્વળ તારક છે. શિવરાત્રીમાં મહાદેવના શુભ સ્મરણ સાથે રવિશંકર મહારાજની સ્મૃતિ દિલોદિમાગમાં પ્રસન્નતાનો ભાવ લહેરાવી જાય છે. શિવરાત્રીના દિવસે આ રાજ વિનાના મહારાજનો જન્મ થયો હતો. 

સત્ય, પ્રેમ તથા કરુણાના ભાવ જેમની રગેરગમાં ઘૂંટાયા હતા તેવા મહારાજે કહેલી એક વાત ધ્યાનથી સાંભળવા જેવી છે. મહારાજ પાસે થોડા યુવાનો એક દિવસ આવ્યા. મહારાજને આ યુવાનો પૂછે છે : ‘‘મહારાજ, અમે ઇંડા ખાઇએ ? ’’ મહારાજ તેમના ચરોતરી લહેકામાં જવાબ આપે છે :       ‘‘ અલ્યા, તમારે ઇંડા ખાવા કે નહિ તેમાં મને શું પૂછો છો ? તમે ઇંડા મૂકનાર મા ને પૂછોને ! પછી મહારાજ આગળ વાત કહેતા કહે છે કે આ યુવાનોને તેમણે પૂછ્યું કે તેમને ઇંડા શા માટે ખાવા છે. યુવાનો પોતાનો પ્રશ્ન રજૂ કરતા કહે છે કે ઇંડામાં વિટામીન તથા પ્રોટીન હોય છે. અનુભવી મહારાજ સચોટ જવાબ આપે છે. મહારાજ યુવાનોને કહે : ‘‘ તમારી પાસે છે એટલું વિટામીન તો વાપરો. પછી ખૂટે તો વિચારજો ! ’’ માત્ર ખીચડીનો આહાર લઇને માઇલોના માઇલો પગે ચાલનાર મહારાજ ખરેખર મૂઠી ઊંચેરા માનવી હતા. કવિ ઉમાશંકર જોશીએ મહારાજ માટે લખેલા યાદગાર શબ્દો યાદ આવે છે :

મનુષ્યથી ના અદકું કંઇજ

મનુષ્યમાંયે શિર જેનું ઉર્ધ્વ,

મૂર્ધન્ય તે.

બાપુનું ઉત્તમ પ્રમાણપત્ર મેળવવાની પાત્રતા મહારાજની ઘસાઇને ઉજળા થવાની વૃત્તિમાં જોઇ શકાય છે. માનવીનું ગૌરવ જળવાય તે માટે લગભગ એક સદી સુધી ઝઝૂમનાર મહારાજ આપણાં દિલો દિમાગ પર રાજ કરી શકે તેવા સમર્થ તથા સ્વયં પ્રકાશિત છે. સબળ ગદ્યકાર તથા અડીખમ તપસ્વી સ્વામી આનંદ મહારાજને પુણ્યનો પર્વત તથા મૂઠી ઊંચેરા માનવી કહીને થોડામાં ઘણો સંકેત આપતા જાય છે. વિનોબાજી જેમને તુકારામની કોટિના સંત ગણાવે છે તેવા મહારાજ ૧૮૮૪ થી ૧૯૮૪ સુધી એક જ્વલંત તથા દિશાદર્શક પ્રકાશપુંજ બનીને ગુજરાતને તથા દેશને માર્ગદર્શન આપતા રહ્યાં. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય થયા પછી જમીનોના જે કાયદાઓ થયા તેમાં શ્રી ઢેબરભાઇની દ્રષ્ટિ જમીનોના માલિકો – ગિરાસદારો – તથા શ્રમિકો કે ગણોતિયાઓ વચ્ચેના વર્ગવિગ્રહને ઊગે તે પહેલાંજ અટકાવવાનો પ્રયાસ હતો. કાર્ય કપરું હતું અને બન્ને તરફની વિચારધારા – આગ્રહપૂર્વકની તેમજ પ્રસંગોપાત ઝનૂની પણ રહેવા પામી હતી. આ સંજોગોમાં સંત વિનોબાજીના ભૂદાનની પૂર્વભૂમિકા સબળ, સફળ તથા અસરકારક રીતે ઊભી કરવાના મુશ્કેલ કાર્યમાં રવિશંકર દાદા સચ્ચાઇ તથા આત્મનિષ્ઠાના બળે સફળ થયા હતા.  

અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં દાદાની અમીભરી આંખના શિતળ છાયે મહારાજના સ્વાનુભવની અનેક વાતો સાંભળીને મેઘાણીભાઇએ ધન્યતા અનુભવી છે. મહારાજ તથા મેઘાણીભાઇની આ મુલાકાતના પરિણામેજ વિશ્વ સાહિત્યમાં સ્થાન પામી શકે તેવી ‘માણસાઇના દીવા’ ની વાતોએ જગતમાં નૂતન પ્રકાશ પાથર્યો. રુક્ષ તથા અવિચારી દેખાતા કે ઓળખાતા વર્ગની અમીરાતની તેમજ ખમીરની વાતો મહારાજના અમૂલ્ય અંગત અનુભવોમાંથી જગતને  પ્રાપ્ત થઇ. મેઘાણીભાઇ પોતાના જીવન સંગ્રામ સાથે જોડાયેલા પ્રસિધ્ધ ‘‘ફૂલછાબ કાર્ટૂન કેસ’’ ના સંદર્ભમાં અમદાવાદ હતા ત્યારે તેમને સર્વ પ્રથમ રવિ-દર્શન થયું અને આ મંગળ મૂર્તિ કવિના દિલમાં ઊંડી ઊતરી જવા પામી. મેઘાણીભાઇ મહારાજનું pen – picture આપતાં લખે છે : ‘‘પાતળી કાઠીની, અડીખમ, પરિભ્રમણને ટાઢતડકે ત્રાંબાવરણી બનાવી, ટીપીને કોઇ શિલ્પીએ ઘડી હોય તેવી એ માનવમૂર્તિ સ્વચ્છ પોતિયે, બંડીએ અને પીળી ટોપીએ, ઉઘાડે તથા મોટે પગે એવી શોભતી હતી કે મારા અંતરમાં એ હમેશાને માટે વસી ગઇ છે’’ મહારાજ તથા મેઘાણીના ઐતિહાસિક તથા ઉપકારક મિલનને કારણે મહીકાંઠાની જનતાના વિશેષ તેમજ સોંસરવા દર્શનનો તેમજ તેમના જીવનની અદભુત વાતોનો અનુભવ સમગ્ર વિશ્વને થયો. લોકજીવનના કેટલાક હીરલાઓનું ખમીર પણ શબ્દસ્થ થયું. પાટણવાડિયા-બારૈયાના જીવનની તેમજ જીવન સંઘર્ષની અસાધારણ વાતો મહારાજના સ્વમુખે સાંભળીને મેઘાણીભાઇએ જગતના ચોકમાં મૂકી. આ સામાન્ય લાગતાં અને જન્મથીજ ગુનેગારોમાં ખપાવાયેલા લોકોના જીવનના પ્રાણતત્વોનું દર્શન કરીને સારમાણસાઇ તરફથી આપણી શ્રધ્ધા બળવત્તર બને છે. માનવતાની સરવાણીઓ ફૂટતી દેખાય છે. સાહિત્ય જગતના લોકોનો આદર પણ આવા આલેખનને વિશાળ પ્રમાણમાં મળ્યો. મહારાજ પોતે આ ઘટનાઓના કેન્દ્રસ્થાને હોવા છતાં પોતાની જાતને ગૌણપદે રાખીને વાત સમજાવી શકતા હતા તેવું મેઘાણીભાઇનું તારણ કેવું ગરીમાયુક્ત લાગે છે ! મહારાજના વાક્યો મેઘાણીભાઇને સંઘેડાઉતાર લાગ્યા છે. મહારાજની એવી ચિંતા પણ હતી કે આ વાતોના આલેખનથી પોતાની પ્રશસ્તિ થવી જોઇએ નહિ.

ગુજરાત રાજ્યનું એ ગૌરવ છે કે રાજ્યની સ્થાપનામાં ઇન્દુચાચા તથા અસંખ્ય યુવાનોનું લોહી રેડાયેલું છે. આજ રીતે રવિશંકર મહારાજ જેવા પુણ્યશ્લોક મહામાનવના આશીર્વાદ મળેલા છે. ‘‘ ઘસાઇને ઉજવા થવાની ’’ મહારાજની વાત સમજીને અલમમાં મૂકવા જેવી છે.  

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૧/૦૩/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑