: સંસ્કૃતિ : : રાજ્યકવિ પિંગળશી પાતાભાઇનું પાવન સ્મરણ :

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ દાયકા પહેલા (૧૯૬૯) કરેલું એક ચિરંજીવી કાર્ય યાદ આવે છે. પચાસ વર્ષનો સમય પસાર થયો છતાં એ પ્રસંગે શાક્ષી બનનાર અનેક લોકોના મનમાંથી એ પ્રસંગની સ્મૃતિ ભૂંસાતી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ વિદ્વાન તથા ખ્યાતિને વરેલા ચારણ કવિઓનું ત્યારે આદરપૂર્વક બહુમાન કરેલું. આ સમગ્ર ગૌરવશાળી ઘટનાનું પ્રેરણાસ્ત્રોત ડોલરભાઇ માંકડ હતા. એક વિદ્વાન તથા દીર્ઘદ્રષ્ટા કુલપતિને છાજે તેવું આ કાર્ય હતું. કવિ દુલા ભાયા કાગ, મેરભા લીલા, શંકરદાનજી દેથા, માવદાનજી રત્નુ તેમજ પિંગળશીભાઇ લીલાનું સન્માન યુનિવર્સિટીએ ગૌરવપૂર્ણ રીતે કરેલું હતું. સમગ્ર કાર્યક્રમનું સુરેખ આયોજન જયમલ્લભાઇ પરમારે કર્યું હતું. આખરે તો વિદ્યાના ધામ સમાન યુનિવર્સિટીની આ પહેલ તમામ સાહીત્ય રસીક લોકોએ બીરદાવી હતી. યુનિવર્સિટીનું પણ ગૌરવ વધે તેવું આ કાર્ય માંકડ સાહેબની સક્રિયતા તેમજ નિસ્બતને કારણે સુયોગ્ય રીતે સંપન્ન થયું. વિદ્વત જનોના આવા સન્માનના ઉપક્રમને એક સ્થાયી સંસ્થાકીય માળખું તેમજ આવા પ્રસંગોની નિયમિતતા આપવાનું આવકારદાયક કાર્ય આજના સમયમાં પૂજ્ય મોરારીબાપુ દ્વારા થાય છે તે સુવિદિત છે. કવિ કાગની સ્મૃતિમાં પણ મોરારીબાપુની પ્રેરણાથી છેલ્લા દોઢ દાયકાથી સુયોગ્ય જનોનું સન્માન થાય છે. સાહિત્ય તથા સંસ્કાર સંવર્ધનનું આ ઉજ્વળ કાર્ય છે. દર વર્ષે કવિ કાગની સ્મૃતિમાં યોજાતા આ કાર્યક્રમમાં વિશાળ લોકસમુહ ભાગીદાર થાય છે. કવિ કાગની જન્મભૂમિ મજાદરમાં આઆયોજન કરવામાં આવે છે.

માર્ચ મહિનામાં એક વટવૃક્ષ સમાન સર્જક અને રાજનીતિજ્ઞ વિભૂતિની વિદાય થઇ હતી તેના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઉપર દર્શાવેલું કાર્ય સ્મૃતિમાં સહેજે આવે છે. માર્ચ-૧૯૩૯ માં પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (રાજ્યકવિ- ભાવનગર)નું અવસાન થયું. ઝવેરચંદ મેઘાણીએ લખ્યું : ‘‘ગરવાનું ટૂક તુટી પડ્યું’’ રાજ્યકવિ પિંગળશીભાઇના જાજ્વલ્યમાન વ્યક્તિત્વને આ ઉચિત શ્રધ્ધાંજલી હતી.

મુલ્ક મશહૂર ડેલીમાં કોઇ યોગીની જેમ ધૂણી ધખાવીને બેઠેલા આ સરસ્વતી પુત્રે બન્ને હાથે અર્પણ કરવાના જ સંસ્કાર મેળવ્યા હતા અને વિશેષ કેળવ્યા હતા. ભગતબાપુએ લખ્યું :

ડેલીએ બેઠો અડિખમ ડુંગરો

દેતાં દેતાં મેં દીઠો….

પિંગળશીને સઘળે સ્થાનકે દીઠો.

મહારાજાઓને ડાયરે ડાયરે

સાચું સંભળાવતો મેં દીઠો.

ઝૂંપડીઓની વણીને વેદના

ગીતમાં ગાતો મેં દીઠો ….

પિંગળશીને સધળે સ્થાનકે દીઠો.

ઇ.સ. ૧૮૫૬ થી ૧૯૩૯ સુધીનું સુદીર્ઘ તથા તંદુરસ્ત આયુષ્ય ભોગવીને કવિરાજ ગયા. આ માસ-ફાગણ માંજ (માર્ચ-૧૯૩૯) જાણે ફાગણની ફોરમ ફેલાવીને કવિએ મહાપ્રયાણ કર્યું. અનેક ખૂમારી-ખમીર તથા ઉદારતાના કિસ્સાઓ કવિના ભાતીગળ જીવન સાથે જોડાયેલા છે. મહાકવિ નાનાલાલે શોકાંજલિ આપતાં લખ્યું કે કવિરાજ પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. કવિ શ્રી નાનાલાલે ઉમેર્યું કે ભાવનગર મહારાજના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. કવિએ જે કાવ્યપુષ્પોનું સર્જન કર્યું છે તે તેમના જીવનના સહજ કર્મોમાંથી પ્રગટ થતી લાગણીની સુંદર અભિવ્યક્તિ છે. શ્રી ચંદ્રવદન મહેતાએ લખ્યું છે કે કવિ પિંગળશીભાઇના કાવ્ય સર્જનના ઉજળા સત્વની પાછળ “ શીલ તેવી શૈલી – વ્યક્તિ તેવું લખાણ ” એ સુત્રનું પ્રમાણ છે. શ્રી મહેતાએ આ રાજકવિને સાધુ રચિત કવિ કહીને નવાજ્યા છે. કવિને ભીતર તથા બહાર એકરંગા હોય તેવા માનવીઓથી વિશેષ પ્રીતી છે. તેમની કહેણી તથા કરણીમાં સામ્યતા જોઇ શકાય છે. તેમના કાવ્યમાં પણ આ જ ભાવ ઘૂંટાયો છે. કવિને પ્રતિતિ થયેલી છે કે મનના મેલને ધોયા સિવાય હરિ શરણ પ્રાપ્ત થતું નથી માત્ર પુજા કે અર્ચન વિધિથી જ પરમતત્વનું સાનિધ્ય પ્રાપ્ત થતું નથી. 

પ્રભુને પૂજયાથી શું થાય,

મેલ ભર્યો મનમાંય ….

પ્રભુને પુજયાથી શું થાય …. જી…

શિયાળામાં નિત્ય સવારે

નીર ઠંડાથી નાય … જી. …

ભ્રાત સગાનું સારું ભાળે તો,

લાગે ઉરમાં લાય …. પ્રભુને પુજયાથી …

ભેળા થઇને રાતે ભજનો,

ગાંજો પીને ગાય….! .. જી..

ધ્યાન ધરે ખોટા ધંધામાં

લલનામાં લલચાય … પ્રભુને પુજયાથી …

મધ્યયુગના સંતોના માર્ગવિહારી જેવા આ મહાકવિની કાવ્ય ભાષા સરળ છતાં ધારદાર છે. સામાન્ય રીતે જાણતા કે અજાણતા પણ આપણે ધર્મને નિશ્ચિત ક્રિયાકાંડ સાથે જોડી દઇએ છીએ. કાળક્રમે મૂળ ધર્મના તત્વ કરતાં પણ આ ક્રિયાકાંડનું મહત્વ વધી જાય છે. માત્ર યાંત્રિક રીતે થતા ક્રિયાકાંડમાં જો ધર્મ-તત્વનું સૌંદર્ય ન હોય તો તેવા ક્રિયાકાંડમાં ચૈતન્ય તત્વનો ક્રમશ: લોપ થતો જાય છે. આપણા કવિ અખાએ આ વાત અસરકારક ઢબે તથા દાખલા-દલીલ સાથે સમજાવી છે. 

એક મુરખને એવી ટેવ,

પથ્થર એટલા પૂજે દેવ.

તુલસી દેખી તોડે પાન,

પાણી દેખી કરે સ્નાન.

કથા સૂણી સૂણી ફૂટ્યાં કાન,

અખા, તો યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

પરમતત્વ તરફની જીવની વૃત્તિને સદ્દવર્તન થકી જ ગતિ મળી શકે છે. બાકી તો માત્ર બાહ્ય દેખાવ માટેની પ્રવૃત્તિ સાધના પથમાં નિરર્થક બની રહે છે. આજના સંદર્ભમાં કવિરાજની વાત વિશેષ પ્રસ્તુત તેમજ દિશાદર્શક બને તેવી છે.

નજીકના ભૂતકાળમાં કવિ કાગ તેમજ શંકરદાનજી દેથા જેવા સર્જકોએ લોકહૈયામાં આદર તથા લાગણીનું સ્થાન મેળવેલું છે. રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલા આ કવિઓ માટે પણ પથદર્શક સમાન હતા. પ્રેરણાનું સ્થાન હતા. ગમતાનો ગુલાલ કરીને ૧૯૩૯ના ફાગણિયા માર્ચમાં મહાપ્રયાણ કરી જનારા આ રાજયકવિની અનેક રચનાઓ લોકહૈયામાં તથા લોકજીભે વસેલી છે. આ રચનાઓ સદાકાળ જીવંત રહેવાની છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૧/૦૨/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑