પુસ્તક મેળવાનું આયોજન એ કોઇપણ શહેરને ગૌરવ અપાવે તેવી ઘટના છે. હમેશા આવકારદાયક ગણાય તેવી આ બાબત છે. કેટલાક લોકોની એવી માન્યતા છે કે પુસ્તકોની ખરીદી ઘણી ઓછી થાય છે. પુસ્તકો ઓછા વંચાય છે, પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે સાચી લાગતી નથી. અમદાવાદ કે રાજકોટના પુસ્તકમેળાના ઉત્સાહી આયોજકો જે વાત કરે છે તે ઉત્સાહપ્રેરક છે. તેઓ કહે છે કે જે ધારણા હતી તેના કરતા ઘણાં વધારે લોકો પુસ્તકમેળામાં આવે છે. પુસ્તકમેળામાં યોજવામાં આવતા વ્યાખ્યાનોમાં પણ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. જે એક મહત્વની વાત ગણી શકાય. પુસ્તકોનું વેચાણ પણ સારા એવા પ્રમાણમાં થાય છે. પુસ્તકમેળાના અઘરા આયોજન પછી પણ તેના આયોજકો ભવિષ્યમાં નિયમિત રીતે આવા આયોજનો કરવાનું વિચારે છે. આ બાબત આવા આયોજનની સફળતાનું જીવંત પ્રમાણ છે. રાજકોટમાં પણ ‘વાસંતી વાયરા’ વચ્ચે પુસ્તક મેળાનું સુંદર આયોજન થયું તે વધાવી લેવા જેવી ઘટના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રાજકોટ મહાનગરપાલિકા આપણાં અભિનંદનના હક્કદાર છે. પુસ્તક પરબ કે પુસ્તક મેળાના આયોજનને લોકનો મજબૂત પ્રતિસાદ મળે છે તે સૂચવે છે કે આવા પ્રયાસો કરવાની જરૂર છે. લોકો તો સારી બાબતોને આવકારવા ઉત્સુક હોય છે. આપણેજ એક સમાજ કે તંત્ર તરીકે આવી વ્યવસ્થા કે આયોજનો કરવામાં કાચા પડીએ છીએ. એક સુંદર પંક્તિ જે આપણે વારંવાર સાંભળી છે તેનો ઉલ્લેખ અહીં યથાસ્થાને છે.
ઝમાના તો બડે
શૌખસે સુન રહાથા,
હમહી સો ગયે
દાસ્તાં કહતે કહતે.
લોકોના ઉત્સાહના આવા માહોલમાં પુસ્તકમેળા દરમિયાન લોકજીવન વિશે વ્યાખ્યાન થાય તેવો આયોજકોનો વિચાર યથાર્થ હતો. આખરે તો આવા તમામ જાહેર આયોજનોમાં લોક તેમજ લોકની વાત કેન્દ્રસ્થાને રહે તો સફળતાના વિશેષ સંજોગો સર્જાય છે. લોકજીવનના અનેક ભાતીગળ રંગોની વાતો પદમ શ્રી જોરાવરસિંહ જાદવે કરી તેથી આ બાબત વિશેષ રોચક અને માણવા જેવી બની રહી. જયમલ્લ પરમારથી જોરાવરસિંહ જાદવ સુધીના આ સમયગાળામાં તેમજ તેઓ બન્નેની નિષ્ઠાથી લોકજીવન કે લોકસાહિત્યના સંશોધન – સંવર્ધન તેમજ તેના સુયોગ્ય દસ્તાવેજીકરણનું મહત્વનું કામ થયું છે. કચ્છમાં આવું જ્વલંત કાર્ય દુલેરાય કારાણી જેવા ધૂળધોયા લોકોએ કરેલું છે. આજે પણ લોકજીવનના આ મેઘધનુષી રંગોનું અનેરું આકર્ષણ અનેક લોકોને રહેલું છે. લોકજીવન કે લોકકલાની વાતો લોકોને પોતાના મૂળ સાથે જોડે છે માટે તેનું આકર્ષણ રહે છે.
લોકકલાઓના નવરંગ થાળમાં અનેક કળાઓ છે તેમાં લોકગીતોનું અનેરુ સ્થાન છે. લોકગીત એ સહજ રીતેજ જનજીવનમાંથી પ્રગટ થતી ભાવનાઓ-લાગણીઓની ઉત્કૃષ્ટ રચના છે. તેમાં કળાનું-ભાવનું-લાગણીનું અનોખું ગૂંથણ છે. આ પ્રાચીનતાના સૂરો આપણને પરંપરા દર્શન તો કરાવેજ છે પરંતુ આપણાં વર્તમાન જીવનમાં પણ ભાતીગળ રંગો ઉમેરે છે. લોકગીતો ખરા અર્થમાં આપણી પ્રજાની શાશ્વત સંપત્તિ સમાન છે. હજુ તો ધરતી અષાઢ – શ્રાવણની ભીનાશ ઝીલે ન ઝીલે ત્યાંજ સમીસાંજે સંધ્યાકાળે કે રસઝરતી ચાંદનીના નીતરતા અજવાળામાં ગોપગોવાળો મસ્તીમાં સૂરો છેડે છે.
અમે મૈયારે ગોકુળ ગામના
મારે મહી વેચવાને જાવા……. મૈયારા રે……
ગોકુળ ગામના.
રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરુખડે દીવા બળે રે લોલ
રાધા ગોરી ગરબે રમવા આવો
સાહેલી સહુ ટોળે મળી રે લોલ
ગરબાઓ તેમજ લોકગીતોના આ સ્વરોના કોઇ ચોક્કસ રચનાકારો નથી. તેના તળપદા શબ્દોના કોઇ વ્યક્તિગત જનક નથી. દયારામ કે પ્રેમાનંદ પહેલાથી આ સ્વરો અવિરત આવ્યા કરે છે, ઝીલાયા કરે છે. રણજીતરામ વાવાભાઇ મહેતા જેવા વિદ્વાનો આથીજ લોકગીતોના ઉષાકાળને સાહિત્યનો ઉષાકાળ ગણાવે છે. કાકા સાહેબ લખે છે તેમ કૃત્રિમતાનું કવચ આપણે આ લોકસાહિત્યના અધ્યયન તથા પુનરુત્થાનથીજ તોડી શકીશું. સાહજિકતામાં ધબકતું આ સાહિત્ય છે. કારણ કે આખરે તો લોકજીવન પણ સાહજિકતામાંજ ધબકતું રહે છે.
લોકસંગીતનો પણ એક અનોખો દબદબો સતત રહેલો છે. લોકસંગીતના ઢાળને ઝીલીને રચાયેલા કેટલાક ફિલ્મી ગીતો ભારે લોકપ્રિયતાને વરેલા છે તે સુવિદિત છે. લોકસંગીતની પણ એક આગવી અસરકારકતા લોકજીવનમાં જોવા મળે છે. લોકસંગીતના ભાવોને અભિવ્યક્ત કરવામાં પૂરક બને તેવા સાદા વાદ્યો પણ મહદ્અંશે આવી પ્રસ્તુતિમાં વપરાય છે. ઢોલ, ઢોલક, બંસી, પાવો, એકતારો, મંજીરા કે રાવણ હથ્થો જેવા લોકોને સહજ ઉપલબ્ધ તેમજ પ્રમાણમાં ઓછા ખર્ચાળ સાધનોએ લોકસંગીતની પ્રસ્તુતિમાં પ્રાણ પૂર્યા છે. જીવાતા જીવનના વિવિધ વ્યવહારોમાંથી પ્રગટ થતું આ ગીતસંગીત છે અને તેથી તેનો મૂળ સંબંધ સહજતા સાધે છે. બાળકને હાલરડુ ગાઇને સુવરાવતી માતા, નાનાભાઇને જોડકણું સંભળાવીને રાજી કરવા મથતી બહેન, ડુંગરગાળા ગજાવતો આપણો ગોપ-ગોવાળ કે પ્રભાતિયા ગાઇને યશોદા નંદનને જગાડતી દિકરી કે ઘરની લક્ષ્મીના ગળાની મીઠાશ તથા તેની પ્રસન્ન ઊર્મિનો આવેગ આ ગીત-સંગીતમાં સુપેરે ઝીલાયેલા છે. બાળગીતોથી માંડી મૃત્યુ બાદ ગવાતા મરશિયા સુધીનો વિશાળ વ્યાપ લોકસંગીત – લોકગીતોનો છે. દરેક અવસરે તેની પ્રાસંગિક્તા છે. રાજકોટ રેડિયો સ્ટેશનમાં હેમુ ગઢવીના કંઠે ગવાયેલા લોકગીતોની મીઠાશ તથા તેમાંથી પ્રગટ થતા ભાવ આજે પણ જનસમુહ એટલીજ ઉત્કંઠાથી માણે છે. ગુજરાતી ફિલ્મોમાં તો લોકસંગીતે પ્રાણ પૂરેલા છે તેવી વાત ઉપેન્દ્ર ત્રિવેદી અનેક વખત કરતા હતા. જેસલ તોરલ નામની ફિલ્મના ગીતોમાં ઘૂંટાઇને પડેલો ઇસ્માઇલ વાલેરા કે દીવાળીબેન ભીલનો કંઠ સદાકાળ લીલાછમ રહેવા સર્જાયેલા છે.
લોકજીવન સાથેજ જોડાયેલી ખાનપાનની પ્રથાઓનું પણ એક આગવું મૂલ્ય છે. આવા ખાનપાનમાં રોચકતા સાથેજ એક પોષક મૂલ્ય પણ હતું. આજ રીતે લોકોક્તિઓ તેમજ પોષાકના આયોજનમાં પણ લોકજીવનની એક જુદી સોડમ અનુભવી શકાતી હતી. રાજકોટના પુસ્તક મેળામાં લોકજીવનની આવી મનોહર વાતોનું આયોજન યથાર્થ હતું. લોકસમુહે તેને માણ્યું હતું.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૧/૦૨/૨૦૧૯.
Leave a comment