વડાપ્રધાનના કાર્યાલયમાં એક વિદ્યાર્થીનો પત્ર આવે છે. પત્ર સુંદર અક્ષરોથી લખાયેલો છે. પત્ર લખનાર વિદ્યાર્થીએ વડાપ્રધાન પાસે સ્કોલરશીપ મેળવવા માટે વિનંતી કરી છે. પ્રધાનમંત્રી પત્ર ઉપરજ સૂચના લખે છે. પોતાના અંગત ટ્રસ્ટમાંથી સહાય આપવા માટે પોતાના સચિવને સૂચના આપે છે. સચિવ એક સરકારી અધિકારી હોવાથી દરેક બાબતમાં ખરાઇ કરવાનો અને જરૂરી પુરાવા મેળવવાનો મત ધરાવે છે. પ્રધાનમંત્રીને તેઓ કહે છે : ‘‘ સહાયની માંગણી કરી છે તે વિદ્યાર્થીએ કોઇ પ્રમાણપત્રો મોકલ્યા નથી. આપણે એ પહેલા મંગાવીએ. વિદ્યાર્થી જે શાળામાં ભણે છે તેના આચાર્યની ભલામણ પણ લઇએ તો સારું.’’ પ્રધાનમંત્રી સત્વરે જવાબ વાળતા કહે છે : ‘‘ વિદ્યાર્થીનો કાગળ પૂરતો છે. આપણે વિશ્વાસ રાખવો તેમાંજ લાભ છે. ’’ પછી ઉમેરે છે : ‘‘ તમે સાંભળ્યું છે ને કે વિશ્વાસે વહાણ ચાલે ! ’’ બે ગુજરાતીઓ વચ્ચેનો આ સંવાદ કેવો અર્થસભર છે ! કહેવાની ભાગ્યેજ જરૂર હોય કે વિશ્વાસની નજરે જગતને જોનારા આ મૂલ્યનિષ્ઠ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇ હતા. તેમના સચિવ એવીજ નિષ્ઠા તથા સૂઝ ધરાવતા હસમુખ શાહ હતા. હસમુખભાઇએ પોતાના સંભારણામાં આ વાત લખી છે. ફેબ્રુઆરી માસમાં હમેશા ટટ્ટાર રહેનાર ગુજરાતના પનોતા પુત્રની સ્મૃતિ તાજી થાય છે. કુતુબમિનાર પર જાણે ગાંધીટોપી ! મોરારજી દેસાઇના વ્યક્તિત્વની આવી ઓળખ કોઇ વિદ્વાને આપી છે તે યથાર્થ છે. અપ્રિય થવાનોડર મોરારજીભાઇને કદી ડગાવી ન શક્યો. સફળતા મેળવવા માટે કદી ટૂંકા રસ્તા આમહામાનવે લીધા નહિ બદલામાં જે નુકસાની ભોગવવાની આવી તે સ્થિર મનથી ભોગવી લીધી. મોરારજી દેસાઇ આપણાં નજીકના ભૂતકાળનું એક ઉજળું તેમજ અવિસ્મરણિય પાત્ર છે. ભારત તથા પાકીસ્તાન એમ બન્ને દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન આ અનોખા ‘અનાવલા’ ને મળેલા છે.
વલસાડ જિલ્લામાં વલસાડથી ત્રણેક માઇલ દૂર આવેલા ભદેલી ગામમાં મોરારજીભાઇનો જન્મ ૧૮૯૬ના ફેબ્રુઆરી માસની ૨૯મી તારીખે થયો હતો. બાળપણના ઘણાં વર્ષો મોસાળમાં વિત્યા હતા. પિતા સૌરાષ્ટ્રના ભાવનગર રાજયમાં શિક્ષકની નોકરી કરતાં હતાં. પિતા સાથે નાનપણમાં ભાવનગર તથા કુંડલામાં તેઓ રહેલા તેવું નોંધાયું છે. પિતા ઘણાં શિસ્તપ્રિય હોવાથી મોરારજીભાઈમાં શિસ્તપાલનના ગુણ ભારોભાર ઉતરેલાં હતાં. અભ્યાસમાં તેઓ આગળ રહેનારા હતાં. મેટ્રિકમાં તેમણે બે વર્ષ કરવા પડ્યા કારણ કે પંદર વર્ષે તેઓ મેટ્રિકની પરીક્ષામાં બેસવા તૈયાર હતા અને સોળ વર્ષ પહેલાં તત્કાલિન નિયમો અનુસાર મેટ્રિકનું ફોર્મ ભરી શકાતું ન હતું. પંદર વર્ષની ઉમ્મરે માતામહે વેવિશાળ કરી નાખ્યું. ૧૯૧૧ના ફ્રેબ્રુઆરીમાં લગ્ન સંપન્ન થયું. પિતાનું અકાળ મૃત્યુ પણ તેજ સમયગાળામાં થતાં બધાં સંતાનોમાં સૌથી મોટા મોરારજી પર માતા તથા ભાઈ બહેનોની સારસંભાળ રાખવાની કપરી જવાબદારી આવી. મુંબઈની વિલ્સન કોલેજમાં તેમનો ઉચ્ચ અભ્યાસ થયો. ઈશ્વરકૃપા થઈ હોય તેમ મુંબઈની ગોકળદાસ તેજપાળ બોર્ડિગમાં ફ્રી ઓફ કોસ્ટ રહેવા મળ્યું. જેથી તેઓ ઉચ્ચ અભ્યાસ આગળ વધારી શક્યા. નાયબ કલેકટર તરીકેની સરકારી નોકરી તેમણે થોડા વર્ષો સુધી કરી. પરંતુ સરકારી નોકરીની મર્યાદાઓમાં સ્થિર થાય એવો આજીવ ન હતો.
પ્રથમ મુંબઇના બાળાસાહેબ ખેર મંત્રીમંડળમાં મોરારજીએ ૧૯૩૭ થી ૧૯૩૯ સુધી કામ કર્યું. ૧૯૫૨ની ચૂંટણી પછી મોરારજીભાઇ મુંબઇ રાજયના મુખ્યમંત્રી બને છે. મુંબઇના મુખ્યમંત્રી તરીકેની તેમની નિર્ણાયક કામગીરીની નોંધ સમગ્ર દેશમાં લેવામાં આવી. એક સમર્થ વહીવટદાર તરીકેની મોરારજીની છાપ દ્રઢ બની. ૧૯૫૮ના માર્ચમાં પંડિત જવાહરલાલ નહેરૂના આગ્રહથી દેશના નાણાંમંત્રી બને છે. દેશની પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. પંડિત નહેરૂને આ યોજનાઓના પરિણામે લોકોની સુખાકારી વધારી શકાશે તેવો વિશ્વાસ હતો. આ યોજનાઓને આકાર આપવામાં તેમજ ડેફિસીટના એ સમયમાં નાણાંકીય સ્ત્રોત ઊભા કરવાનું અઘરૂં કામ મોરારજીએ કર્યું. પ્રધાનમંત્રી આ બાબતમાં મોરારજીની શકિત પારખી શકયા હતા. સાધનોની મર્યાદા ધ્યાનમાં રાખ્યા સિવાય આ યોજનાઓનું કદ બિન જરૂરી રીતે વધી ન જાય તેની મોરારજીભાઇએ ઝીણી નજરે ખાતરી રાખી હતી.
૨૬ જૂન ૧૯૭૫નો ઐતિહાસિક દિવસ. મળસકે ચાર વાગે મોરારજીભાઇને જણાવવામાં આવે છે કે તેઓની ધરપકડ કરવા વોરંટ સાથે પોલીસ પાર્ટી આવી છે. મોરારજીભાઇ લખે છે કે તેમના ચિત્તમાં ધરપકડના આ સમાચારથી લગીરે ખળભળાટ ન થયો. લાભ-હાનિ, જય-પરાજય જેવા સમયમાં એક યોગીને છાજે તેવી મનોસ્થિતિ કદાચ મોરારજીભાઇ સાધનાના બળે વિકસાવી શક્યા હતા.
મોરારજીભાઇને તૈયાર થવા માટે કલાકનો સમય આપવામાં આવ્યો. બે જોડ કપડાં, રેંટિયો તથા બે ત્રણ પુસ્તકો સાથે મોરારજીભાઇ પોલીસની ગાડીમાં કલાકથી પણ ઓછા સમયમાં સહજતાથી ગોઠવાઇ ગયા. અટકાયતના સ્થળે પહોંચ્યા પછી સમાચારપત્રોની માંગણી કરી. ‘‘હુકમ નથી’’ તેવો ટૂંકો જવાબ જેલના સત્તાવાળાઓ તરફથી મળ્યો. ‘‘પરમ દિવસથી જો મને અખબાર નહિ મળે તો ઉપવાસ કરીશ.’’ આત્મબળનું તીર છૂટયું અને અખબારો મળવા શરૂ થઇ ગયા. કાંતવામાં, પદમાસન કરવામાં તથા રામચરિતમાનસ અને ગીતાપાઠ કરવામાં મોરારજીભાઇનો સમય મહૃદઅંશે પસાર થઇ જતો હતો. એક કલાકનું વોકીંગ નિયમિતતાથી થતું હતું. આ મુક્ત આત્માને જેલના બંધન નિયંત્રિત કરી શક્યા નહિ.
એક પ્રસંગ હસમુખભાઇ શાહે ટાંક્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી એક ભાઇનો પત્ર આવે છે. તેમાં તેમણે મોરારજીભાઇને લખ્યું કે તેમની બહેનને કેન્સર થયેલું છે અને ગંભીર હાલત છે. સારવારનો ફાયદો થતો નથી. પત્ર લખનાર ભાઇ પાકિસ્તાન સરકારની નોકરીમાં હતા. મોરારજીભાઇને કોઇ ઉપચાર સૂચવવા વિનંતી હતી. કુદરતી ઉપચારોમાં મોરારજીની શ્રધ્ધા એ જાણીતી વાત હતી. પ્રધાનમંત્રીએ પત્ર લખનાર ભાઇનો ટેલીફોન નંબર પીએમઓ મારફત મેળવ્યો અને પત્ર લખનાર ભાઇ સાથે વિગતે વાત કરી. ઉપચારની સલાહ પણ આપી. આવા કોઇપણ કિસ્સાને પ્રસિધ્ધિ નહિ આપવાની મોરારજીભાઇની સ્પષ્ટ સૂચના હતી. આથી આ વીર ગુજરાતીના અનેક માનવીય ગુણોની જાણ સમાજને કદી થઇ શકી નહિ. મંદિરના કળશની જેમ આ ગુણિયલ ગુજરાતી પ્રધાનમંત્રીની કીર્તિ સદા દિપ્તીમાન રહેશે તે નિ:શંક છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૬/૦૨/૨૦૧૯.
Leave a comment