સંતવાણી એ આપણી ઉજળી ધરોહર છે. ભજનોના અસરકારક તથા આકર્ષક માધ્યમથી સંતોની વાણી જન જન સુધી પહોંચી છે. જન સામાન્યને તેનું એક અનોખું આકર્ષણ રહેતું હોય છે. ખરેખર તો શાસ્ત્રોની વાણી આ સંતવાણી મારફત લોક સુધી વિસ્તરી છે. આ રીતે શ્લોક તથા લોકનું અનુસંધાન એ ભજનવાણી થકી થાય છે. સમગ્ર જીવન લોકસાહિત્યના સંશોધન પાછળ ખર્ચીને ઝવેરચંદ મેઘાણી અંતે તો સંતોની વાણી તરફ ઢળ્યા હતા. સંત સાહિત્ય ઉપર તેમનું પુસ્તક આજે પણ તાજગી આપે તેવું રમણિય છે. કુદરતે તેમને થોડું વધારે આયુષ્ય આપ્યું હોત તો ભજનના બીજા પુસ્તકો પણ સમાજને મળી શક્યા હોત. ભજનવાણીની આ અજાયબ દુનિયામાં બીજું એક નામ કવિ દુલા ભાયા કાગનું છે. મેઘાણીના મિત્ર કવિ કાગે ભજનોની ગંગાનો મનોહર રસ સમાજને ચરણે ધર્યો છે. કવિ કાગની ઓળખ દુલેરાય કારાણી (કચ્છ)ના શબ્દોમાં માણવી ગમે તેવી છે. કારાણીએ લખ્યું છે :
કાગના દેશમાં આજ આ વેશમાં
માન સરવર તણો હંસ આવ્યો
મધુર ટહૂકારથી રાગ રણકારથી
ભલો તે સર્વને મન ભાવ્યો
લોકના થોકમાં લોક સાહિત્યની
મુક્ત મનથી કરી મુક્ત લહાણી
શારદા માતનો મધુરો મોરલો
કાગ ટહૂકી ગયો કાગવાણી.
ફેબ્રુઆરી માસમાં કવિ દુલા ભાયા કાગની વિશેષ સ્મૃતિ થાય છે. ફેબ્રુઆરી-૧૯૭૭ માં કવિ દુલા ભાયા કાગે મોટું ગામતરું કર્યું. મોરારીબાપુ કવિ કાગ (ભગતબાપુ)ને ઉંબરથી અંબર સુધીના કવિ તરીકે યથાર્થ રીતે ઓળખાવે છે. તળ ધરા સાથે જોડાયેલા કવિ કાગે સાહિત્ય સર્જનની દુનિયામાં આકાશને આંબે તેવું ઉડ્ડયન કર્યું હતું.
જગત આજે વૈજ્ઞાનિક શોધો તથા આધુનિક સાધનોથી સુસજ્જ થયું છે તેમાં કોઇ શંકા નથી. આમ છતાં એક માનવીના બીજા માનવ સાથેના સ્નેહાળ સબંધોની કડી નબળી પડી હોય તેવી પણ પ્રતિતિ થયા કરે છે. બીજા વિશ્વયુધ્ધની ભિષણ વિભિષિકા પછી પણ અનેક નાના મોટા સંઘર્ષોને કારણે જગતની શાંતી ડહોળાયા કરે છે. આપણાં ઘર આંગણે પણ સાંપ્રત કાળમાં અનેક નાના મોટા પ્રસંગોએ સામાજિક તણાવ ઊભા થતા જોવા મળે છે. નગણ્ય બાબતો કે ટૂંકી દ્રષ્ટિ આવા સંઘર્ષોની પાછળ સંચાલક બળ જેવું કામ કરે છે. જગતના માનવીઓ વચ્ચે સમજપૂર્વકના સ્નેહનો સેતુ બંધાય અને અકબંધ રહે તેવી સુંદર તથા સાંપ્રત સંદર્ભમાં ઉપયોગી થઇ પડે તેવી વાત કવિ કાગની એક સુંદર તથા જાણીતી રચનામાં થઇ છે. કવિ સમાજના તમામ વર્ગોને તળાવના પાણીનું રૂપક આપીને એકસંપ થઇને જીવવાનું સૂચવે છે. ભગતબાપુ લખે છે :
પ્રેમી તળાવ તણાં હે પાણી !
સાથ મળી સંપી રહેજો…
આફળજો હસતાં હસતાં પણ,
પાળ તણું રક્ષણ કરજો…
બંધન તોડી સ્વચ્છંદી થશો તો,
ક્ષણ ઉછળી ક્ષણ દોડી જશો…
આશ્રિત જીવનો નાશ થશેને,
નાશ તમારો નોતરશો…
કાદવ ઉરમાં સંઘરશોતો,
ડોળાં થશો છીછરાં બનશો…
હંસ કિનારા છોડી જશે પછી,
તન ધોળા બકને મળશો…
કોઇ પીએ કોઇ મેલ ધુએ પણ,
તમે તમારે પંથ જજો…
સ્વારથ છિદ્ર ઉઠાવે અવળાં,
પાણતીઆને કહી દેજો…
નીર નવા ને સ્થાન તમારું,
સોંપી સાગરને મળજો…
સૂર્ય તણે ચૂલે સળગીને,
‘‘કાગ’’ ફરીથી આવી જજો.
સ્વસ્થ સમાજ સંપના પાયા ઉપરજ રચી શકાય છે. કવિની આ પ્રતિતિ અનેક પ્રકારના સુયોગ્ય રૂપકથી સરળ ભાષામાં વ્યક્ત થઇ છે. આથી કવિ શ્રી કાગની આ એક લોકપ્રિય રચના છે. સમાજ છે ત્યાં મતભેદ પણ હોઇ શકે પરંતુ મતભેદને કારણે સાંધી ન શકાય તેવું અંતર ઊભું કરી દેવા સામે કવિ લાલબત્તી ધરે છે. વાસણ હોય તો ખખડે એવી એક ઉક્તિ આપણે ત્યાં છે. અહીં પણ કવિ કહે છે કે જેમ વાસણ સહેજે ખખડે તેમ આફળવાના પ્રસંગો પણ ઊભા થઇ શકે છે. પરંતુ આવા પ્રસંગોએ પણ જીવનમાં કડવાશના અંકૂર ન ફૂટવા જોઇએ. સમાજ જીવનના કેટલાક બંધનો અનિવાર્ય તથા વ્યાપક રીતે સામાજિક હિતની ખેવના કરનારા છે. આવા બંધન કદી અપ્રસ્તુત થતા નથી. સમાજ સ્વચ્છંદી બને તો ક્ષણભરના ઉન્માદ પછી તેની આકરી કિંમત ચૂકવવી પડે છે. ભારતના પવિત્ર બંધારણે આપેલા અનેક અમૂલ્ય હક્કની સામે નાગરિકો પાસેથી જવાબદારી તથા જાગૃતિ સાથેની ફરજોનું પાલન કરવા પર સરખોજ ભાર મૂકવામાં આવેલો છે. મનની નિર્મળતા જાળવી રાખવા પર કવિ ભાર મૂકે છે. એ હકિકત સુવિદિત છે કે તળાવ કે બંધમાં જેટલા કાદવનો ભરાવો થાય તેટલા અંશે પાણી ડોળાં અને છીછરાં થતાં જાય છે. સમય પ્રમાણે નવા વિચાર – નવા નીરને સ્થાન આપીને સતત વહેતા રહેવાની વાત પણ ખૂબ માર્મિક છે. શાસ્ત્રોએ ‘‘ કૃતેચ પ્રતિ કર્તવ્યં, એષ: ધર્મ સનાતન ’’ ની વાત કરીને કૃતજ્ઞતાની ભાવના મજબૂત કરવા સમજ આપી છે. ડહોળાયેલા આજના વૈશ્વિક સંદર્ભમાં કવિ શ્રી કાગની આ રચના વધારે પ્રસ્તુત બની છે. શત્રુ કે અહિત કરનાર પર પણ કટુતા નહિ દાખવીને જીવવાનું ઉમદા ઉદાહરણ મહાત્મા ગાંધી આપીને ગયા છે. સર પ્રભાશંકર પટ્ટણીએ પણ આ બાબતમાં દિલની ઉમદા લાગણી સુંદર શબ્દોમાં વ્યક્ત કરી છે. સુંદર મંદાક્રાંતા છંદમાં આ શબ્દો મઢાયેલા છે.
મારી આખી અવનિ પરની
જિંદગાની વિશે મેં
રાખી હોય મુજ રિપુ પરે
દ્રષ્ટિ જે રીતની મેં
તેવી યે જો મુજ પર
તું રાખશે શ્રી મુરારી !
તોયે તારો અનૃણિ થઇને
પાડ માનીશ ભારી.
સંતકવિઓની ભજનવાણી એ સદૈવ ઉપલબ્ધ ઉપલબ્ધએવી અકસીર સંજીવની છે. આ વાણીની સરળતા તેમજ તેમજ તેની અર્થસભરતાને કારણે કાળના દરેક વળાંકે તેણે સમાજને દિશાદર્શન કરાવેલું છે. ભગતબાપુની આ અર્થપૂર્ણ રચના વિસ્મૃત થાય તેવી નથી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૯/૦૧/૨૦૧૯.
Leave a comment