: સંસ્કૃતિ : : લોકહૈયે સદાકાળ વસનારા : બા. જ. પટેલ : 

કેટલાક લોકોની સ્મૃતિ ચિરંજીવી હોય છે. પ્રસંગોપાત આવા લોકોનું સ્મરણ સહેજે સહેજે અનેક લોકોને થયા કરે છે. કદાચ માનવીના જીવનની આ એક ‘Hard earned’ મૂડી છે. જનાબ ગની દહીંવાલાનો શેર યાદ આવે. 

જિંદગીનો એજ સાચેસાચ

પડઘો છે ગની,

કે હોય ના વ્યક્તિને

એનું નામ બોલાયા કરે.

આવા પુણ્યશ્લોક લોકોની યાદી કરવા બેસીએ તો બાબુભાઇ જશભાઇ પટેલનું નામ તરતજ સ્મૃતિમાં આવે છે. ફેબ્રુઆરી માસ એ બા. જ. પટેલની જન્મજયંતિનો માસ છે. ગાંધીયુગની નક્ષત્રગંગાના આ ઉજ્વળ તારકની પાવક સ્મૃતિ હૈયાને હૂંફ આપી રહે છે. દર બે વર્ષે ગાંધીનગરમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત’ નું આયોજન થાય છે. દેશ વિદેશના અનેક લોકો ગુજરાત અને ગાંધીનગરમાં આવે. આવા અનેક મહેમાનોને સહજ રીતેજ ગાંધીનગર શહેરની તથા તેના સુઆયોજનની વાત કરતાં સાંભળ્યા છે. આવા દરેક પ્રસંગે મનમાં ઊંડે ઊંડે પણ સૌજન્યની સાક્ષાત મૂર્તિ સમાન બા. જ. પટેલની યાદ આવ્યા કરે છે. અલબત્ત, ગાંધીનગરમાં છેલ્લા થોડા વર્ષોમાં ઘણી સવલતો ઉમેરાઇ છે. પરંતુ મૂળભૂત રીતે શહેરની બાંધણીનું જે આયોજન હતું તેના કારણે પછીનો વિકાસ શક્ય તથા સરળ બન્યો છે. નગર આયોજનના વિષયના અનેક સુજાણ લોકોનો પણ આવો મત સાંભળવા મળ્યો છે. આથી આ શહેરની સ્થાપના તથા વિકાસના પાયામાં પડેલા બા. જ. પટેલનું નામ અભિન્ન રીતે ગાંધીનગર શહેરના વિકાસની વાતમાં વીજળીના ચમકારા જેમ આવી જાય છે. આવા પાયાના કાર્યો કરનારા લોકો ભૂલાતા નથી. ચરોતરની ભૂમિ એ તો અનેક દિગ્ગજ લોકોની ભેટ સમાજના ચરણે ધરી છે. સરદાર સાહેબ ઉપરાંત રવિશંકર મહારાજ તથા બાબુભાઇ પટેલ પોતાના નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યથી લોકહૈયે બીરાજેલા લોકો છે. આવા લોકોની સ્મૃતિ ટકાવી રાખવા માટે કદાચ કોઇ ખાસ પ્રયાસ ન કરવામાં આવે તો પણ આવા પરગજુ મહાનુભાવોની સ્મૃતિ હમેશા ધૂપની જેમ અદ્રશ્ય રીતે અનેક હૈયામાં સૌરભ પ્રસરાવતી રહે છે. કાળ પણ આવા સુકૃત્યોના કરાનારા લોકોના પગલાની છાપ જતનથી જાળવે છે. કવિ રમેશ પારેખે લખ્યું છે :

‘ એવા કોઇ દરવેશ

કે જેના કાળ સાચવે પગલાં.’

બાબુભાઇ જશભાઇ પટેલ ગુજરાતના સમર્થ તથા લોકપ્રિય મુખ્યમંત્રી હોવા ઉપરાંત ગુજરાત રાજ્યના પાયાના ઘડવૈયા સમાન હતા. ગાંધીનગરની સ્થાપના તથા વિકાસતો તેમની સમગ્ર કારકિર્દીનો એક મહત્વનો છતાં નાનો હિસ્સો છે. જાહેર જીવનમાં બાબુભાઇને આગ્રહ કરીને પ્રવેશ કરાવનાર દ્રષ્ટિવાન મહાપુરુષ સરદાર પટેલનો બાબુભાઇની પસંદગીનો નિર્ણય માત્ર રાજ્યને નહિ પરંતુ દેશને પણ સર્વથા ઉપકારક નિવડ્યો. સમગ્ર દેશના સંદર્ભમાં બાબુભાઇના યોગદાનની પણ એક મહત્વની ભૂમિકા રહી છે. દેશમાં ૧૯૭૫ થી ૧૯૭૭ નો ગાળો તથા તેની અસરો વિશે અવારનવાર ચર્ચા થયા કરે છે. જ્યારે ભારતના અન્ય રાજ્યોમાં નાગરિકોના કેટલાક મૂળભૂત હક્કો પર રાજ્યનું નિયંત્રણ હતું ત્યારે ગુજરાત આ સ્થિતિમાં એક દ્વિપસમાન ઉન્નત શિરે બાબુભાઇની સરકારના વડપણ હેઠળ ઊભું રહ્યું હતું. પુરુષોત્તમ માવળંકર કે સી. ટી. દરૂ જેવા અનેક લોકોએ ગુજરાતના આ અભયારણ્યમાં રહીને બંધારણનું શાસન સર્વોચ્ચ રહે તે માટે અનેક રીતે તર્કબધ્ધ કાનૂની લડાઇ લડી હતી. આવા તમામ પ્રયાસો બા. જ. પટેલની સરકારની ઓથ સિવાય કરવાનું તે સમયે ઘણું મુશ્કેલ હતું. ગુજરાત વિધાનસભાના સુવિખ્યાત અને વિદ્વાન અધ્યક્ષ કુન્દનભાઇ ધોળકીયાએ નોંધેલી એક ઘટના યાદ કરવી ગમે તેવી છે. બાબુભાઇની જીવન પધ્ધતિની સુગંધ તેમાંથી મહોરે છે. કુન્દનભાઇ લખે  છે :

‘‘ ૧ર માર્ચ ૧૯૭૬ના રોજ બાબુભાઇ મુખ્યમંત્રીના પદેથી ઉતરી ગયા. ત્યાર પછીના બે-ચાર દિવસમાંજ તેઓ ગાંધીનગરના બસ સ્ટેન્ડ પર અમદાવાદ જતી બસ પકડવા ઊભા હતા ! હવેની પેઢી માનશે નહિ કે આવો મુખ્ય પ્રધાન સદેહે ગુજરાતમાં જનમ્યો હોય ! ’’ ગાંધીયુગના આ અગ્રણીઓ ખર્ચાળ આયોજનો કે ભપકાથી હમેશા દૂર રહ્યા હતા.

કુદરતની અમૂલ્ય ભેટ સમાન જળ – વાયુ કે જમીનની જાળવણી એ સાંપ્રત વિશ્વ સામે પડકારરૂપ બાબત બની છે. આવા મૂળભૂત તત્વોનો બગાડ કે તેનો દૂર ઉપયોગ એ ગાંધીને મન અક્ષમ્ય અપરાધ સમાન હતું. ગાંધીયુગની અસર હેઠળ વિકસેલા બાબુભાઇ જેવા લોકઆગેવાનના લોહીમાં આ વાત વણાયેલી હતી. રાજકોટ જિલ્લાની મારી કલેકટર તરીકેની કામગીરીના એક ભાગ તરીકે આ બાબત બાબુભાઇના જીવનમાં નજીકથી જોવા તથા અનુભવવાની તક મળી હતી. નર્મદા યોજનાની જમીન સંબંધેના પ્રશ્નો અંગેની એક બેઠક માટે બાબુભાઇ નર્મદા નિગમના ચેરમેન તરીકે રાજકોટ આવ્યા હતા. સરકીટ હાઉસમાં તેમના આગમન પછી પાણીથી છલોછલ ભરેલો એક ગ્લાસ તેમને સ્વાભાવિક ક્રમ તરીકેજ આપવામાં આવ્યો. બાબુભાઇએ તેમની સૌમ્ય તથા સરળ શૈલિમાં  પાણીનો ગ્લાસ લાવનાર સહાયકને સંબોધીને ધીમા સ્વરે કહ્યું : ‘‘ ભાઇ, મહેમાનને પાણીનો ગ્લાસ અડધો આપવો તે વધારે સારી ટેવ ગણાય. ઘણીવાર જરૂરથી વધારે પાણી આપવામાં આવે ત્યારે અડધા પાણીનો બગાડ થવાનો સંભવ છે. ’’ આજના પાણીની વિશ્વવ્યાપી સમસ્યાના મૂળમાં આવી શીખની ઉપયોગિતા વિશેષ સંદર્ભયુક્ત લાગે છે. વાત કદાચ ઘણાને નાની કે ક્ષૂલ્લક પણ લાગે. પરંતુ તેનો સમગ્રતયા વિચાર કરીએ તો આ વાતનું મહત્વ સ્પષ્ટ થયા સિવાય રહે નહિ. પ્રિય બા. જ. પટેલની સ્મૃતિ ગુજરાતીઓના મનમાં સર્વકાળ રહેશે તે નિ:સંદેશ છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૮/૦૧/૨૦૧૯. 

Leave a comment

Blog at WordPress.com.

Up ↑