ગાંધીયુગની આકાશગંગા તરફ નજર કરીએ ત્યારે અનેક ઉજ્વળ તારાઓ – નક્ષત્રો તરફ ધ્યાન જાય છે. સમયની કદાચ એ બલિહારી હશે કે ગાંધીજી સાથેજ લોકોના સમુહને જેમનામાં ઊંડી શ્રધ્ધા હોય તેવા અનેક આગેવાનો તે સમયે નેતૃત્વની બાગડોર સમર્થ રીતે સંભાળતા હતા. લોકો સાથેનું આ આગેવાનોનું જોડાણ પણ અદ્દભુત હતું. લોકોની નાડ તેઓ પારખતા હતા. લોકો પણ ગાંધીયુગના આ નેતાઓના શબ્દ ઉપર કપરામાં કપરી સ્થિતિનો સામનો કરવા તૈયાર થઇ જતા હતા. પડકારોને પણ સામી છાતીએ પડકારનારા ઇન્દુલાલ યાજ્ઞિક આવાજ એક દિગ્ગજ નેતા હતા. ઇન્દુચાચાના જીવનમાં નર્મદનો ‘યાહોમ કરીને પડો’ એ મંત્ર કોરાયો હતો. ફત્તેહ તો મળેજતેવો છલોછલ આત્મવિશ્વાસ હતો. દિલ્હીના અનેક મોટા માથાઓ સામે આ વીર ગુજરાતી ટટ્ટાર થઇને ઊભા રહ્યા હતા. મહાગુજરાતની ઝંખના સાથે આ ફકીર બાદશાહ અદ્દભુત અદાઓથી ઝઝૂમ્યા હતા. કિસાનો તથા મજદૂરોના નાનામાં નાના પ્રશ્નોના ઉકેલ માટે જાગૃત એવા ઇન્દુચાચાનું સ્થાન ગાંધીના ગુજરાતમાં નર્મદની સમકક્ષ છે. લોક જાગૃતિ તથા ખમીર પ્રગટાવવામાં ઇન્દુચાચાની તોલે મૂકી શકાય તેવા બહુ ઓછા લોક આગેવાનો છે. મહાત્મા ગાંધી તરફની સંપૂર્ણ શ્રધ્ધા છતાં પોતાનો સ્વતંત્ર મત તથા મીજાજ પ્રગટ કરનારા આ તેજાબી વ્યક્તિત્વને ગુજરાત કદી ભૂલી શકશે નહિ. ફેબ્રુઆરી માસમાં ઇન્દુચાચાની જન્મજયંતિ આવે છે. (૨૨/૦૨/૧૮૯૨) આજના આ શીતળ માહોલમાં પણ ઇન્દુચાચાની હૂંફાળી સ્મૃતિ મનમાં તાજગી પ્રસરાવી જાય છે. ઇન્દુચાચાની આત્મકથાની પુન: પ્રસિધ્ધિ માટે આપણે સનતભાઇ મહેતાના ઋણી છીએ.
અમદાવાદ શહેરને ચાચા દિલોજાનથી ચાહતા હતા. દરેક સંસ્થાઓ સાથે તેમનો જીવંત સંપર્ક હતો. હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટીટ્યૂટ (અમદાવાદ)માં ચાચાએ પોતાના ૭૯મા જન્મ દિવસે ૧૯૭૦ માં પ્રવચન આપ્યું. માવળંકર સાહેબે નોંધ કરી છે કે તે દિવસે તેમણે લાસ્કી ઇન્સ્ટીટ્યૂટની વીઝીટર્સ બુકમાં લખ્યું : ‘‘ગાંધીજીનો જીવન સંદેશ દરેકે પોતાની અલ્પશક્તિ તથા અલ્પમતિ મુજબ પાર પાડવો જોઇએ.’’ ગાંધીવિચારની માત્ર રટણા નહિ પરંતુ તેના વાસ્તવિક અમલની ઊંડી ખેવના આ અમીર શહેરના ફકીર બાદશાહના મનમાં રહેતી હતી. અમલ અંગે ગંભીરતા સિવાયની ગાંધી સ્મૃતિના સમારંભો કે કાર્યોમાં આ લડવૈયાને રસ ન હતો. કબીરદાસે લખ્યું છે : ‘‘અમલ કરે સો પાવે, અવધુ ! અમલ કરે સો પાવે’’ ગાંધી વિચારના વાસ્તવિક અમલ માટેની આપણી વ્યાપક ઉદાસીનતા તરફ ચાચાના દિલમાં ચિંતાનો ભાવ હતો.
ઇન્દુચાચાના સ્વભાવની કેટલીક જુદીજ વિશેષતાઓ હતો. પરંતુ આ અલગારી આદમી કોઇ લોભ કે લાભના કારણે નિજાનંદી વિચાર પ્રવાહને વળાંક આપે તેવા ન હતા. મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલસ્વભાવનું વર્ણન કરતા લખે છે :
“ મારા વિશે કેટલાંકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત તો ઊંચો હોત. હનુમાનની માફક હૂપાહૂપ કરું છું તેથી કંઇ મેળવી શકતો નથી, પરંતુ હું કાર્ય રાજકીય દ્રષ્ટિથી નહિ પરંતુ માનવતાની દ્રષ્ટિથી કરું છું… મારો ધર્મ બજાવવામાં અંતરાયરૂપ લાગતાં મેં સંસ્થાઓ અને હોદ્દાનો ત્યાગ કર્યો છે. હું મૂર્તિપૂજક નથી …. પરંતુ છાતી ઠોકીને કહી શકું છું કે કદી રાજરજવાડાં, જમીનદાર કે શેઠ શાહુકારની ગોદ કે ઓથ લીધી નથી. ” આથી જ આ વણથાક્યા પથિકે કોંગ્રેસ છોડી ત્યારે સરદાર વલ્લભભાઇએ પૂછ્યું કે હવે શું કરશો ? તેનો જવાબ વાળતા આ એકલવીર કહે છે : “હવે એકલા હાથે સેવા કરીશ.” નર્મદની ‘યાહોમ કરીને પડો’ ની ચાચામાં જીવતી વૃત્તિનું અહીં પુન: પ્રગટીકરણ થાય છે. ગમે તેવા તોફાની સમુદ્રમાં પણ પોતાની નાવ શ્રધ્ધા તથા નિષ્ઠાના બળે ઝૂકાવનાર ઇન્દુચાચાની જીવનગાથા યુવાનોના ખમીરને પ્રગટાવે તેવી શક્તિશાળી તથા જવલંત છે.
ઇન્દુચાચાનું વ્યક્તિત્વ બહુઆયામી હતું. નાટકો-ફિલ્મોના ક્ષેત્રમાં તેમની કામગીરીની પણ એક અલગ કથા લખી શકાય તેવી ભાતીગળ છે. તેમનું ભાષા પરનું પ્રભુત્વ સાક્ષરોને પણ પ્રભાવીત કરે તેવું હતું. પોતાની આત્મકથા લખીને તેમણે આપણાં પર ઋણ ચડાવેલું છે. શ્રી સનતભાઇ લખે છે તેમ સત્તાએ કદી ઇન્દુચાચાને લોભાવ્યા નથી. તેમના જીવનમાં ગાંધીના ગુણોની અસર સ્પષ્ટ રીતે જોઇ શકાતી હતી. મહાગુજરાત આંદોલનના મજબૂત માધ્યમથી કરોડો ગુજરાતીઓના દિલ પર આ ફકીરે શાસન કરેલું છે. દેશ સ્વાધિન થયા બાદ એક મહાઆંદોલનને દિશા તથા નેતૃત્વ પૂરું પાડીને તેઓએ ઇતિહાસમાં પોતાનું અનોખું સ્થાન તથા આદર મેળવ્યા છે. મહાગુજરાત ચળવળની વિજયની ક્ષણે જ આ મહામાનવે જાહેર કર્યું કે મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે. આપણું ધ્યેય સત્તાપ્રાપ્તિનું નહિ પરંતુ મહાગુજરાતના નિર્માણનું હતું ! સત્તાની દેવીને કુમકુમ તિલક કરતા રોકીને ઇન્દુચાચાએ એક અદ્વિતિય ઇતિહાસનું સર્જન કર્યું. ઇન્દુચાચાજ આવો નિર્ણય કરીને તેને વળગી રહી શકે. ઇતિહાસે નોંધેલી આ એક અજોડ ઘટના છે.
ઇન્દુચાચાએ પોતાના વિશે વાત કરતાં પોતાની આત્મકથાની પ્રસ્તાવનામાં લખ્યું છે : ‘‘ મારા સાઠ વર્ષ પૂરા થવા આવ્યા ત્યારે ર. વ. દેસાઇને મળવા વડોદરા ગયો. ર. વ. દેસાઇ ઇન્દુચાચાને કહે છે : મહાગુજરાતના ઘડતર વિષે મેં મુંબઇ યુનિવર્સિટીની વ્યાખ્યાનમાળામાં ક. મા. મુનશીને પ્રતિભાશાળી સિધ્ધપુરૂષ તરીકે અને તમને – ઇન્દુચાચાને – અસ્થિર મનના ફકીર તરીકે વર્ણવેલા છે. ’’ ઇન્દુચાચા લખે છે કે આ શબ્દો સાંભળીને તેઓ જરા ઝંખવાઇ ગયા. પરંતુ પછી ચાચા કહે છે કે મારા પોતાના જીવનકાળની ગતિવિધિઓ તેમજ ઘટનાઓ જોઇને તેમનો ર. વ. દેસાઇના આ કથન તરફનો કચવાટ સરી ગયો. પોતાની જાતનું પણ ઊંડા ઉતરીને ઓડિટ કરનાર મહાગુજરાતના આ ગરવા ગુજરાતીને વિશ્વનિવાસી ગુજરાતીઓ હમેશા આદર તથા ગૌરવ સહ યાદ કરશે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૩/૦૧/૨૦૧૯.
Leave a comment