: વાટે….ઘાટે…. : : ગાંધીની મંગળ સ્મૃતિ : આપણી દીશાદર્શક :

જગતના ઇતિહાસમાં જ્વલ્લેજ જેનો જોટો મળે તેવી ગાંધીજીના જીવનની અનેક ઘટનાઓ છે. બેરિસ્ટર મોહનદાસને તેમના આફ્રિકાના નિવાસ દરમિયાન પોતાના એક મિત્ર હેનરી પોલાક તરફથી એક પુસ્તક મળે છે. એ પુસ્તકમાં સ્પર્ધાત્મક તેમજ ભૌતિક સવલતો કોઇપણ ભોગે મેળવવા માંગતા સમાજની તીવ્ર આલોચના કરવામાં આવી હતી. આ પુસ્તક હવે તો જગ પ્રસિધ્ધ થયું છે. અર્થશાસ્ત્રી અને વિચારક જ્હોન રસ્કીનના આ પુસ્તકનું મથાળું ‘Un to this last’ હતું એ સુવિદિત છે. આ પુસ્તકમાં લેખકે લખ્યું કે નૈતિક મૂલ્યોના પાયા ઉપર સંકલિત તથા સર્વસમાવેશક અર્થવ્યવસ્થાની રચના થાય તો જ વિશ્વના લોકો ખરા અર્થમાં સુખી થાય. કોઇપણ સમાજની સાચી સમૃધ્ધિ તેના તમામ સભ્યોના ભલામા રહેલી છે. તે વાતનું લેખકે સમર્થન કર્યું. જ્હોન રસ્કિન જાણે કે ‘‘સર્વે ભવન્તુ સુખીન:’’ વાળું ઋષિસૂત્ર દોહરાવી રહ્યા હતા. પરંતુ આ પુસ્તક વાંચતાજ સારી કમાણી તથા શહેરી જીવન છોડીને સમૂહ જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ આ યુવાન બેરિસ્ટરે એક ક્ષણના પણ વિલંબ સિવાય કર્યો. વીજળીના ચમકારે મોતીડા પરોવી લેવાની ગંગાસતીની વાત ગાંધીના જીવનમાં જગતે જોઇ. જે વિચાર આવ્યો તેના અમલ માટેની સુરેખ યોજના પણ તૈયાર થઇ. ડરબન નગરથી દૂર ઝરણા સાથેની વીસ એકર જમીન ગાંધીજીએ એક હજાર પાઉન્ડ ભરીને ખરીદી. સહકારી ધોરણે તથા શ્રમ આધારીત જીવન જીવવાની આ એક નૂતન પધ્ધતિ હતી. ગાંધીના અનેક ગોરા સાથીઓ પણ આ નૂતન પ્રયોગમાં જોડાયા. ગાંધી વસાહતના પિતા અને પાલક બન્યા. કસ્તુરબાનું માનું વાત્સલ્ય ફિનિક્સ વસાહતમાં મહોરી ઊઠ્યું. આશ્રય જીવનનો ખરા અર્થમાં પાયો નખાયો. ફનાગીરીના પંથે વિચારપૂર્વક નીકળેલા આ ભાવિ મહાત્મા જાતે મશાલ થઇને જગત કલ્યાણ માટે ઝળહળી ઊઠ્યા. કવિ હસિત બૂચે લખ્યું છે : 

ફના થઇને ગાનારાંને

યાદ આવશે ગાંધી,

મશાલ જાતે થાનારાંને

સાથ આપશે ગાંધી.

નૂતન વર્ષ ૨૦૧૯ ની ૩૦ જાન્યુઆરીએ કાળને પણ સામી છાતીએ પડકારનાર આ વિશ્વમાનવની અમર ગાથા અનેક માનવીની સ્મૃતિમાં ફરી એક વખત આવશે તથા સુગંધ પ્રસરાવી જશે. પ્રાર્થના સભામાં જઇને સમગ્ર માનવજાતના ભલા માટે અંતરના ઊંડાણથી પ્રાર્થના કરનાર આ વૈષ્ણવ જનની દૈહિક હત્યા કવિ શ્રી બાલમુકુન્દ દવેના હૈયાને હચમચાવી નાખે છે. તેમાંથીજ એક અમર રચનાનું સર્જન થાય છે. 

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો ?

કલંકીએ કોણે કીધાં ઘા ? 

કોણ રે અપરાધી માનવ જાતનો 

જેને સૂઝી અવળા મત આ ? 

રુધિરે રંગાયો હરિનો હંસલો !

પાંખ રે ઢાળિને હંસો પોઢિયો, 

ધોળો ધોળો ધરણીને અંક, 

કરુણા આંજી રે એની આંખડી 

રામની રટણા છે એને કંઠ, 

રુધિરે રંગાયો હરિનો હંસલો. 

હિમાળે સરવર શીળા લેરતાં 

ત્યાંનો રે રહેવાસી આ તો હંસ 

આવી રે ચડેલો જગને ખાબડે 

જાળવી ના જાણ્યો આપણ રંક !

રુધિરે રંગાયો હરિનો હંસલો !

કોઇપણ કાળની સાંપ્રત સ્થિતિને શબ્દસ્થ કરીને અમર થયેલી કેટલીક રચનાઓમાં કવિ શ્રી બાલમુકુન્દ દવેની આ રચનાને અગ્રસ્થાને મૂકવી પડે તેવી છે. ૩૦ જાન્યુઆરી-૧૯૪૮ ના દિવસે ગાંધી મારફત જગતભરની સારમાણસાઇ પર થયેલા હૂમલાની વ્યથા કવિએ ૦૮ ફેબ્રુઆરી-૧૯૪૮ ના રોજ કાગળ પર લોહી નીતરતી કલમે ઉતારી છે. પરલોકમાંથી આવેલા ગાંધી નામના હંસને ‘‘ આપણે સૌ રંક લોકો ’’ સાચવી ન શક્યા તેનો ભરપૂર વસવસો કરીને કવિએ કરોડો વિશ્વનાગરિકોની લાગણીને અસરકારક વાચા સમયસર આપેલી છે.. કોઇ વ્યક્તિએ અન્ય કોઇ વ્યક્તિની તો શું પરંતુ કોઇ સૂક્ષ્મ જીવની પણ હત્યા કરી હોય તો આપણી સંસ્કૃતિમાં તે વાતનું સમર્થન કરવામાં આવેલું નથી. અહીં તો કવિ કહે છે કે જેની નિર્મમ હત્યા થઇ છે તે માનવજાતનો પ્રતિનિધિ હતો. આથી ગાંધીની દૈહિક હત્યા કરનારને કવિએ ખૂબજ અર્થસભર રીતે માનવજાતનો અપરાધી ગણ્યો છે. ગાંધી તેમના સાંપ્રત કાળમાંજ નહિ આજે પણ માનવજાતના માર્ગદર્શક રહેલા છે. ગાંધીને કોઇ વાડા કે વાદમાં સમાવી શકાય તેમ નથી. જ્યારે જ્યારે માનવતા સામે પડકારો ઊભાં થશે ત્યારે લોકો ક્ષિતિજ પર ક્યાંક ગાંધીને શોધવા પ્રયાસો કરશે. એ કાળ કે સંદર્ભ ગમે તે હોય તો પણ વાવાઝોડા સામે ટકે તેવું વ્યક્તિત્વ અને તેવો વિચાર એ ગાંધીજ છે.

ગાંધીજીનો ઉચિત મહીમા કરવા માટે તેમણે બતાવેલા માર્ગે એકાદ બે ડગલા ચાલવાનો નિર્ધાર કરીએ તો ગાંધી નિર્વાણ દીવસની ઉજવણી સાર્થક બની શકે. આજની અજંપાભરી સ્થિતિમાંથી ઉગરવાનો માર્ગ ગાંધી વિચારમાં છે. ગાંધીની પ્રશંસા કરતાં વિશેષ મહત્વ તેમનું યથાશક્તિ અનુસરણ કરવામાં છે. માનવની શક્તિના સર્વોચ્ચ દર્શન ગાંધીજી કરીને ગયા. સામાન્ય જન તરફની સંવેદનશીલતા એજ ગાંધીજીનું તર્પણ છે. માનવીય ગૌરવને ઉજાગર કરવા ગાંધી જીવી ગયા. આ વાત વેડછીના વડલા સમાન જુગતરામ દવેએ અર્થસભર શબ્દોમાં લખી છે : 

એનું જીવન કાર્ય અખંડ તપો 

અમ વચ્ચે બાપુ અમર રહો. 

એણે જીવતાં રામ સદાય રટ્યાં 

એ તો રામ વદીને વિદાય થયાં 

લઘુ માનવમાં મહિમા ભરવા 

નિજ લોહી અશેષ વહાવી ગયા. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૬/૦૧/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑