: ક્ષણના ચણીબોર : : કુશળ વહીવટકર્તાના અતીતનો આનંદ : 

હરિલાલ સોમજીભાઇ છાયાના દુ:ખદ નિધનના સમાચાર તાજેતરમાંજ ‘કચ્છમિત્ર’માં વાંચવા મળ્યા. કચ્છના દેશી રજવાડામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીની દરબારી નોકરીમાં સતત ફેરબદલી તેમજ બીજા પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ૧૯૩૦ થી ૧૯૮૦ સુધીની તેમની કારકીર્દિ ભાતીગળ રહી છે. ૧૯૧૫ના અષાઢી બીજના દિવસે જન્મેલા આ વહીવટદારની નિરંતર પ્રગતિ બીજના ચંદ્ર જેવીજ મનોહર તેમજ પ્રભાવી રહી છે. તેમનું આત્મકથાનક ‘અતીતનો આનંદ’માંથી પસાર થતા લખાણની તેમની રોચક, પ્રવાહી તેમજ બીનઆડંબરયુક્ત શૈલિના દર્શન થાય છે. પોતાના વહીવટી અનુભવો લખીને છાયા સાહેબે તત્કાલિન સમય અંગે ઉપયોગી માહિતી પૂરી પાડી છે. હરિલાલભાઇનું આ પુસ્તક માહિતી વિભાગના નિવૃત્ત અધિકારી શાંતિભાઇ સોની મારફત કચ્છમિત્રના સબ એડિટર નરેશ અંતાણી પાસેથી મળી શક્યું તેનો આનંદ થયો. અંગ્રેજીમાં સનદી સેવાના આત્મકથા સ્વરૂપના પુસ્તકો મોટી સંખ્યામાં મળે છે. ગુજરાતીમાં પણ લલિતચંદ્ર દલાલ, કુલિનચંદ્ર યાજ્ઞિક તથા હસમુખ શાહના આ પ્રકારના લખાણો નોંધપાત્ર છે. હાલમાં પ્રવિણભાઇ લહેરી પણ ‘અખંડઆનંદ’ માસિકમાં સેવાકાળના સ્વાનુભાવો રસાળ શૈલિમાં આલેખે છે. છાયા સાહેબના અતીતનો આનંદ માણવા જેવો તથા વહેંચવો ગમે તેવો છે. છાયા સાહેબે લખેલા પ્રસંગોમાંથી કેટલાક ફરી ફરી યાદ કરવા ગમે તેવા છે. 

કચ્છ – સૌરાષ્ટ્રમાં મોટાભાગે શ્રાવણ માસમાં અનેક મેળાઓનું આયોજન થાય છે. છલોછલ લોક ઉત્સાહ તથા લોકભાગીદારીને કારણે આ મેળાઓ ભાતીગળ તથા જીવંત હોય છે. ‘‘ મેળે મેળે સૌ મળે એ મેળો ’’ એવી ઉક્તિ ખરી છે. કારણકે મેળામાં મહાલવા માટે કોઇ આમંત્રણ મોકલવાના હોતા નથી. સ્વયં ઉત્સાહથી આ મેળાઓ ભરાય છે અને વિખેરાય છે. રાપરના આવા એક મેળામાં પોતાના શાળા જીવન દરમિયાનના સ્વાનુભવને હરિલાલભાઇએ ટાંક્યો છે જે રમૂજ સાથે તે સમયની વાસ્તવિક સ્થિતિ તરફ ધ્યાન દોરે છે. હરિભાઇએ ભવાઇના ખેલના એક પ્રસંગનું આલેખન કર્યું છે :

ભવાઇનો ખેલ બરાબર જામ્યો હતો. ખેલના વિષય અભિમન્યુના ચક્રવ્યૂહ ભેદવાને સંબંધિત હતો. અભિમન્યુ પ્રચંડ શક્તિથી ઝૂઝી રહ્યો હતો. તેની મદદમાં ભીમ વગેરે યોધ્ધાઓ હતા. છ કોઠાને બહાદુરીપૂર્વક ભેદીને અભિમન્યુ સાતમે કોઠે પહોંચ્યો. પ્રેક્ષકો આગળના દ્રષ્યો જોવા આતુર હતા. પરંતુ અચાનક અભિમન્યુ તેના હથિયારો સાથે જમીન પર બેસી ગયો. તેના મદદગાર યોધ્ધાઓ પણ બેસી ગયા. પૂછપરછ થતાં અભિમન્યુએ ખુલાસો કરતાં જણાવ્યું કે તેમની ખાધાખોરાકીનો બંદોબસ્ત થયો ન હતો. આથી તેઓ થાકી ગયા છે. ખેલ જોનારા સૌ ચમકી ગયા. બાળકોએ ધમાલ કરીને વડીલોને જણાવ્યું કે જલ્દી ખેલ ચાલુ કરાવો. અંતે ગામના વેપારીઓએ સીધા સામાનની વ્યવસ્થા કરવા માટેની હૈયાધારણ કલાકારોને આપી. ફરી અભિમન્યુ જોશભેર ઊભો થયો. કૌરવોને પડકારીને સાતમો કોઠો વિંધવા જંગે ચડ્યો. કથા મુજબ આ યુધ્ધમાં જોકે અભિમન્યુનું મૃત્યુ થયું. હરિલાલનું બાળમાનસ વિચારે છે કે જો ખોરાકીનો બંદોબસ્ત નથયો હોત તો સારું થાત. કમસે કમ અભિમન્યુ તો બચી ગયો હોત ! 

‘અતીતના આનંદ’ ને વાગોળતા છાયા સાહેબેતેમની મુંદ્રા ખાતેની વહીવટદાર તરીકેની નિમણુંકની વાત લખી છે. હાલના સંદર્ભમાં જોઇએ તો મામલતદાર જેવી આ જગા ગણાય. પરંતુ વાહન વ્યવહારના આજના ઝડપી યુગમાં ભૂજથી મુંદ્રા પહોંચવામાં જે મુસાફરીનું વર્ણન લેખકે કર્યું છે તે લગભગ પરીકથા સમાન લાગે છે. મુંદ્રા વહીવટદાર તરીકે લેખકે જુલાઇ-૧૯૪૪ થી ઓક્ટોબર-૧૯૪૭ સુધી ફરજ બજાવી હતી. ભૂજથી મુંદ્રા પહોંચવા માટે બસની સવલત હતી, પરંતુ ભારે વરસાદને કારણે મુંદ્રાની બસ બંધ હતી. આવા સંજોગોમાં હરિભાઇ પ્રથમ મુંદ્રાથી કેરા સુધી બસમાં મુસાફરી કરે છે. કેરા રાતવાસો કરે છે. બીજા દિવસે મુંદ્રા સુધી પહોંચી શકાશે કે નહિ તેની અનિશ્ચિતતા સાથે બસ કેરાથી મુંદ્રાતરફ છાયા સાહેબને લઇને પ્રયાણ કરે છે. મુંદ્રા થોડે દૂર હતું ત્યારે બરાયા પાસેની નદી કાંઠે બસને નદીમાં પાણી તથા કીચડ હોવાથી થોભવું પડે છે. નદીના સામા કાંઠે પહોંચી શકાય તો બીજી બસ તૈયાર હતી જે મુંદ્રા પહોંચાડી શકે. વહીવટદાર સાહેબ આ વિસ્તારના અનુભવી ગ્રામ્યજનો તેમજ પોતાના કુટુંબના સભ્યો (ધર્મપત્ની તથા બે નાની પુત્રીઓ) સાથે નદી પગે ચાલીને પાર કરવાનો પ્રયાસ કરે છે. ઘુંટણ સુધીનું પાણી હોવાથી આ નદીમાં ચાલીને જવાનું શક્ય હતું. ચાલવાનું શરૂ કર્યું. નદીમાં અડધા રસ્તે પહોંચ્યા ત્યારે એક ઘોડેસ્વાર મળ્યો. આ ઘોડેસ્વાર વહીવટદાર સાહેબને લેવા માટે આવેલો હતો તેમજ સાહેબને શોધતો હતો. હવે સાહેબને મદદરૂપ થઇને રાજ્યના ઘોડેસ્વારે જળમાર્ગની મુસાફરી હેમખેમ પૂરી કરવામાં મદદ કરી ! નદીના સામા કાંઠે બીજી બસ ઊભી હતી તેમાં બેસીને અંતે મુંદ્રા પહોંચ્યા. વહીવટદારની કચેરીના કર્મચારીઓએ સ્નેહપૂર્વક શાતા પૂછીને સાહેબને આવકાર્યા. આજના ‘નેટીજનો’ ને આ વાત ગળે ઉતરે કે નહિ તે અલગ વાત છે. પરંતુ મુંદ્રા તાલુકાની અનેક લીલીછમ્મ વાડીઓમાં દેખાતી લીલોતરીના મૂળમાં ઊંડે આવી જીવતી નદીઓની વિશાળ જળરાશી જરૂર સંગ્રહાયેલી પડી હશે. આજે સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓની સહાયથી બંધાતા નાના મોટા ચેકડેમો આ ભૂતકાળની નદીઓને નાની સ્મરણાંજલિ સમાન છે. 

છાયા સાહેબની વહીવટી નિષ્ઠા તેમજ વ્યવહારુ કુશળતાને કારણે નિરંતર પદોન્નતિ થતી ગઇ. ગુજરાત રાજ્યની સ્થાપના પછી કલેકટર સુરત તરીકે તેમણે ૧૯૬૨-૬૩ માં કામગીરી કરી. સુરત – વલસાડ તથા ડાંગ જિલ્લાઓના તેઓ એકમાત્ર કલેકટર હતા ! આજે ઘણાં જિલ્લા – તાલુકાઓમાં આ પ્રદેશ વહેંચાયેલો છે. સુરત કલેકટર તરીકેના તેમના સ્મરણોમાં તત્કાલિન કર્મઠ મુખ્યમંત્રી જીવરાજ મહેતાની મુલાકાત અંગેની નોંધ અહોભાવ થાય તેવી છે. દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં નહેરોની સુવિધાઓ લાંબા સમયથી હતી. પરંતુ સુરત જિલ્લાની આ નહેરો બાબતની અનેક ફરિયાદો મુખ્યમંત્રીને મળી હતી. છાયા સાહેબ લખે છે કે જૈફ ઉમ્મરે પણ યુવાનને શરમાવે તેવી ગતિથી નહેરોના વિસ્તારમાં મુખ્યમંત્રી લાંબે સુધી પગે ચાલીને ફર્યા તથા લોકોની ફરિયાદો તેમજ સૂચનો શાંતિથી સાંભળ્યા. લોકોના પ્રશ્નોની ઊંડી સમજ તેમજ ઉચિત નિર્ણય કરવાની ત્વરીત શક્તિને કારણે જીવરાજભાઇની મુલાકાતો હમેશા ફળદાયી રહેતી હતી. વૈભવી ઠઠારાનો સંદતર અભાવ તેમજ લોકો તરફની સંવેદનશીલતા એ આ ગાંધીયુગના આગેવાનોના હોલમાર્ક સમાન હતા. ઝાકઝમાળ કચેરીઓ કે આધુનિક સુવિધાઓ તંત્રની સંવેદનશીલતાનું સ્થાન લઇ શકે નહિ તે વાતની પ્રતિતિ છાયા સાહેબે લખેલા લેખો વાંચતા સતત થયા કરે છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૫/૦૧/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑