: સંસ્કૃતિ : : સર્વ સ્વીકૃત લોકનેતા : જયપ્રકાશ :

દેશ આઝાદ થયો ત્યારબાદ લગભગ ત્રણ દાયકા પછી યુવાન સ્વાધીન રાષ્ટ્રની સામે એક નવો પ્રશ્ન ઊભો થયો. ૧૯૭૫ માં તત્કાલિન ભારત સરકારે નાગરિકોના અભિવ્યક્તિના મૂળભૂત હક્ક ઉપર કેટલાક આકરા નિયંત્રણ મૂક્યા. સરકારના ઓચિંતાજ મૂકાયેલા આવા નિયંત્રણો સામે એક આક્રોશ ક્રમશ: ઊભો થતો ગયો. અનેક લોકનેતાઓ જેલમાં હોવા છતાં આવો આક્રોશ સ્વયં પ્રગટ થવા લાગ્યો. આ સમગ્ર ચળવળને દિશા અને નેતૃત્વ પૂરું પાડી શકે તેવા ગાંધી ત્યારે ન હતા. પરંતુ બહુરત્ના વસુંધરાના ગાંધી વિચારોથી રંગાયેલા જયપ્રકાશ નારાયણે લડતનું સુકાન હાથમાં લીધું. જયપ્રકાશ નારાયણને કારણે સમગ્ર આંદોલનને અસરકારકતા તથા વ્યાપકતા પ્રાપ્ત થઇ. ૧૯૪૨ ની લડતના લડવૈયા જે.પી.ને ૧૯૭૫ ની લડતની પણ દોરવણી કરી તે એક અસાધારણ યોગાનુયોગ ગણી શકાય. ૧૯૦૨ ના ઓકટોબરની ૧૧મી તારીખે બિહારમાં જન્મ લેનાર જયપ્રકાશ સમગ્ર દેશના અનેક લોકોના હૈયા પર સ્નેહનું શાસન કરે છે. ઓકટોબર માસમાં તેમની વિશેષ સ્મૃતિ થવી સ્વાભાવિક છે. 

જયપ્રકાશ નારાયણે આજીવન વીરતા સાથે વેદનાની પણ ઊંડી અનુભૂતિ કરી છે. સંપૂર્ણ ક્રાંતિના પ્રણેતા જેપીના અંતરની વેદના તેમણેજ લખેલા નીચેના શબ્દોમાં પ્રગટ થયેલી છે. 

સંપૂર્ણ ક્રાંતિનું મારું સપનું

જમીન પર સાકાર થયેલું

જોવા, હું તો કદાચ આ

દુનિયામાં નહિ રહું

પરંતુ સમાજનો સૌથી

છેલ્લો માણસ જયારે

આબરૂભેર જીવન જીવી

શકશે, પોતાની શકિત

મુજબ મહેનત કરી શકશે

પોતાની આવશ્યકતા મુજબ

મેળવી શકશે ત્યારે મને

સંતોષ થશે.

અભ્યાસ બાદ અમેરીકાથી વતનમાં પાછા ફર્યા બાદ દેશનું તે સમયનું વાતાવરણ જોઇને તેમણે ગાંધીજીની પ્રેરણાથી શરૂ થયેલા આઝાદી મેળવવા માટેના જંગમાં ઝૂકાવ્યું. ભારતના સામ્યવાદી પક્ષ સાથે વૈચારિક મતભેદ થતા તેઓ કોગ્રેસ સાથે જોડાયા. મજૂરોના પ્રશ્ન બાબત ઊંડી સમજ અને તેમની તે તરફની લાગણીને કારણે કોગ્રેસમાં પણ મજૂર વિભાગની જવાબદારી ઉપાડી. સમાજવાદી વિચારધારાનું  મૂળ પણ તેમણે અચ્યુત પટવર્ધન, મીનુ મસાણી, અશોક મહેતા જેવા સુપ્રસિધ્ધ વિચારકો-કર્મશીલો સાથે ચર્ચા-વિચારણા કરીને રોપ્યું જે પછીથી એક મહત્વનું પરિબળ બન્યું.

ગાંધીજીના આજીવન તથા પૂર્ણ અનુયાઇ પ્રભાવતી ખરા પરંતુ જીવનના એક તબક્કે જે.પી. ગાંધી વિચારના આલોચક હતા. વિચારોનું બંધિયારપણું કે કોઇના વિચારોનું અંધ અનુકરણ એ જાણે જયપ્રકાશની પ્રકૃતિમાંજ ન હતું. ગાંધીજીના વ્યક્તિત્વ તરફ જેપીનું ખેંચાણ હતું. સુભાષબાબુની જેમ જેપી પણ એમ માનતા કે દેશમાં જે વ્યાપક લોક આંદોલન પ્રસરી  શક્યું છે તેના મુળમાં ગાંધીજી છે. ગાંધીજીની લોકશક્તિની નાડ પારખવાની શક્તિથી જેપી પ્રભાવિત હતા. પરંતુ તેમ છતાં માકર્સવાદની ઊંડી છાપ જેપીના વિચારો પર એક તબક્કા સુધી સતત રહી હતી. આથી ગાંધીજીના અમુક વિચારો તેમને ઉપયોગી જણાતા ન હતા. તેઓ ગાંધીજીની આકરી આલોચના પણ વિચારભેદના કારણસર કરતા હતા. ગાંધીજીના રામરાજ્ય કે ટ્રસ્ટીશીપના સિધ્ધાંતોની જેપીએ આલોચના કરી હતી. જો કે સમય જતાં જયપ્રકાશના વિચારોનું પવિત્ર ઝરણું બાપુની બે કાંઠે જતી વિચારધારાની ભાગીરથીમાં ભળી ગયું હતું. ગાંધીજીના વ્યક્તિગત જીવનનું તેમને ભારે આકર્ષણ હતું. વિશાળ અને અસરકારક લોક આંદોલનના નિર્માણ માટેની ગાંધીજીની અમાપ શક્તિની જેપીને પ્રતિતિ થયેલી હતી. સમાજવાદ બાબતમાં પણ જેપી તથા તેમના સાથીઓને ગાંધીજી હમેશા કહેતા : ‘‘ તમે લોકો હજી જન્મ્યાયે નહોતા તે પહેલાથી હું સમાજવાદી છું. સમાજવાદ તો પોતાની જાતથી શરૂ થાય છે. સમાજવાદી પોતેજ સમાજવાદનો વ્યવહાર શરૂ કરે છે. સમાજવાદ કંઇ રાજ્યના કહેવાથી નહિ આવી શકે. ’’ સમગ્ર જનતાને ક્રાંતિના આકરા માર્ગે અહિંસક રસ્તે લઇ જવાની બાપુની કલ્પના ક્રાંતિકારીઓને પણ અદ્દભુત લાગતી હતી.

૧૯૪૪-૧૯૪૫ માં ગાંધીજી સહિતના અનેક નેતાઓ જેલમુક્તિ મેળવી ચૂક્યા હતા. પરંતુ બ્રિટીશ સત્તાધિશો જેપીને છોડવા તૈયાર ન હતા. જેપીની અસાધારણ સંઘર્ષ શક્તિ તેમજ અસામાન્ય નૈતિક બળનો અંગ્રેજ સત્તાધિકારીઓને ભય રહેતો હતો. ગાંધીજીએ બ્રિટીશ સત્તાધારીઓ ઉપર જેપી તથા ડૉ. રામમનોહર લોહિયાને જેલમુક્ત કરવા માટે ભારે દબાણ કર્યું હતું. જેપીની કાર્યશક્તિ તથા સાફ હ્રદયની ગાંધીજી પર એક જૂદી છાપ હતી. જેપીમાં નેતૃત્વ કરવાની અનોખી શક્તિનો રાષ્ટ્રપિતાને અહેસાસ હતો. આ વાત પછીના કાળમાં વાસ્તવિક હકીકત તરીકે પ્રગટ થઇ. જેપી માત્ર ગાંધીકાળમાંજ નહિ પરંતુ દેશ આઝાદ થયો ત્યારબાદ પણ યુવાનોના સર્વમાન્ય માર્ગદર્શક રહેલા હતા. સીત્તેરના દાયકામાં કેટલીક જન સામાન્યને સ્પર્શતી ઘટનાઓને કેન્દ્રમાં રાખીને જયપ્રકાશે દેશવ્યાપી આંદોલન ચલાવ્યું હતું. જેપીની પ્રતિભા તેમજ તેમના સત્યના રણકારવાળા શબ્દોની પ્રંચડ અસર ૧૯૪૨ માં યુવાનો પર થતી હતી તેવીજ અસર ત્યારપછીના લગભગ ત્રણ દાયકા બાદ પણ તેમના વચનોની થઇ હતી. જેપી નામધારી આ મશાલ કાળના કપરા પ્રવાહમાં કદી ઝાંખી પાંખી થઇ નથી. જે.પી.નું નામ અવારનવાર દેશના ઉચ્ચ હોદ્દાઓ માટે ચર્ચામાં આવતું હતું. પરંતુ તેઓ કદી સત્તાસ્થાન નજીક પોતાની પસંદગીથી જ ગયા નહિ. ડાકુઓના સમર્પણના કાર્યમાં તેઓએ કાર્યનો સમગ્ર યશ ગાંધીજી અને વિનોબાજીને ખાતે ફાળવ્યો. સંપૂર્ણ આત્મવિશ્વાસ તથા વિચારોની વિશાળતા એ જયપ્રકાશના વ્યક્તિત્વના અભિન્ન ભાગ સમાન હતા. ખેડૂતો તેમજ મજૂરોના પ્રશ્નોના ઉકેલ માટેની તત્પરતા તેમજ તે અંગેની સૂઝ માટે જયપ્રકાશનું નામ હમેશા સ્મૃતિમાં રહેશે.      

જેપીના વીર વ્યક્તિત્વના સંદર્ભમાં રામધારીસિંહજી ‘દિનકરે’ લખેલા શબ્દો ફરી ફરી વાગોળવા ગમે તેવા છે.

કહેતે હૈં ઉસકો જયપ્રકાશ

જો નહિ મરણ સે ડરતા હૈ,

જ્વાલાકો બુઝતે દેખ કુંડ મેં

સ્વયં કૂદ જો પડતા હૈ.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૬/૧૦/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑