: વાટે….ઘાટે…. : : રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલાની પાવન સ્મૃતિ :

ભાવનગર રાજ્યનો ઇતિહાસમાં અનેરો મહીમા છે. ભાવસિંહજી (પહેલા)એ રાજ્યની સ્થાપના કરી અને આતાભાઇએ એક કૂશળ શિલ્પીની જેમ રાજ્યને ઘાટ આપ્યો. રાજવીઓ ઉપરાંત કૂશળ વહીવટદારોની પ્રભાવી પેઢી પણ ભાવનગર રાજ્યના સર્વતોમુખી વિકાસ માટેનું કારણ ગણવામાં આવે છે. ગગા ઓઝાએ રાજ્યનો વિસ્તાર તેમજ પ્રભાવ બન્નેમાં નોંધપાત્ર વૃધ્ધિ કરી. આ ઉજળી કડીના છેલ્લા મણકા પણ જ્યોતિર્ધર સમાન દીવાન સર પટ્ટણીએ રાજ્યને જે મળવા જોઇએ તેવા તમામ અધિકારો બ્રિટીશ સરકાર પાસેથી મેળવ્યા. પટ્ટણી સાહેબ મહાત્મા ગાંધી માટે પણ એક મજબૂત આધાર બનીને ઊભા રહ્યા. રાજવી કૃષ્ણકુમારસિંહજીના સંસ્કારને સંકોરવામાં પણ પ્રભાશંકર પટ્ટણીનું અવિસ્મરણીય યોગદાન રહ્યું. વહીવટદારોના ઉજળા નામો સાથેજ આ રાજ્યમાં કવિઓની એક ભાતીગળ પેઢી પણ સમગ્ર સમાજના ધ્યાને આવી. કવિઓની આ ઉજળી પરંપરામાં ભાવનગર રાજ્યના રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલા એક શ્રેષ્ઠ કવિ ઉપરાંત ઉમદા માનવી હતા. ઓકટોબર (૧૯૫૬) માં કવિશ્રીનો જન્મ થયો હતો. આથી આ સંદર્ભમાં ઓકટોબર માસમાં તેમની વિશેષ સ્મૃતિ થવી સ્વાભાવિક છે. 

કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે ‘‘ પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’ આવા કવિશ્રીનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં થયેલો. તેમના પિતા શ્રી પાતાભાઇ નરેલા પણ ભાવનગર રાજ્યના સુપ્રસિધ્ધ કવિ હતા. શ્રી ચંદ્રવદન મહેતાએ લખ્યું છે કે ભક્તિનો જે દોર નરસિંહ, મીરાં, ભોજલરામ ધીરા તથા દયારામની રચનાઓમાં વણાયેલો હતો એજ દોરમાં પરોવાયેલા હોય તેવા કાવ્યો પિંગળશીભાઇના છે. ઉપરાંત તેઓ પોતાની વાણીના અસ્ખલિત પ્રવાહથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા હતા તેનું સંભારણું પણ સ્વાનુભવેજ ચંદ્રવદન મહેતાએ લખેલું છે. ઝવેરચંદ મેઘાણીએ પણ રાજ્યકવિ પિંગળશીભાઇની વિદ્વતા તેમજ તેમની પ્રતિભાનું વિગતે વર્ણન કરેલું છે. પિંગળશીભાઇની કવિતાઓ પણ શબ્દાડંબર વાળી નહિ પરંતુ મહદ અંશે સરળ ભાષામાં લખાયેલી હતી. કાવ્યની સરળતા તથા વિષય વૈવિધ્યતાને કારણે તેમની ઘણી રચનાઓ લોકપ્રિય થઇ છે. આવી રચનાઓ પાઠ્ય પુસ્તકોના માધ્યમથી આવતી પેઢી સુધી પહોંચી છે. આ પૈકીની નીચેની એક રચના સહેજે સ્મૃતિમાં આવે છે.

ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું ?

મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું ?

દુ:ખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું ?

સુકાયા મોલ  સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું ?

વિચાર્યું નહિ લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું ?

જગતમાં કોઇ નવજાણે જનેતાના જણ્યાથી શું ?

સમય પર લાભ આપ્યો નહિ પછી તે ચાકરીથી શું ?

મળ્યું નહિ દૂધ મહિષીનું, પછી બાંધી બાકરીથી શું ?

ના ખાધું કે ન ખવડાવ્યું દુ:ખી થઇને રળ્યાથી શું ?

કવિ પિંગળ કહે પૈસા મુઆ વખતે મળ્યાથી શું ?

કવિ ખૂબ સરળ છતાં માર્મિક રીતે યોગ્ય સમયે કે સમયસર નિર્ણય કરવામાંજ માનવજીવનની યથાર્થતા છે તે તરફ ધ્યાન દોરે છે. ગંગાસતી પાનબાઇને કહે છે તેમ વીજળીના ચમકારે મોતી પરોવી લેવાની સલાહ કવિશ્રીએ દાખલા – દલીલ સાથે આપી છે. જો સમય ચૂકી જવાય તો કરેલા કાર્યનું મૂલ્ય કે મહત્વ રહેતું નથી. જીવતર જીવવામાં જો સહાનુભૂતિ કે સંવેદનાને બદલે સંઘર્ષ કે પરપિડન વૃત્તિને તાબે થઇને જીવન વ્યતિત કર્યું હોય તો પછી કાશીની યાત્રા કરવી નિરર્થક છે. મધ્યયુગના કવિઓની જેમ કવિ પિંગળશીભાઇએ કથની નહિ પરંતુ કરણી ઉપર વિશેષ ભાર મૂક્યો છે. કવિનો પોતાનો આવકાર પણ ખૂબ ઉજળો હતો. મેઘાણીભાઇએ લખ્યું છે તેમ ભાવનગરની ડેલી (કવિનું રહેવાનું મકાન) કદી સુની જોવા મળતી ન હતી. કવિ હમેશા મહેમાનોની વચ્ચેજ જીવતા હતા, શોભતા હતા. કવિએ ઉજળા જીવતર તેમજ સમયના મહત્વની વાત સહેલાઇથી ગળે ઉતરે તેવા દ્રષ્ટાંતો આપીને આ કાવ્યમાં કરી છે. કવિની આ લોકપ્રિય રચના છે. આપણાં પાઠ્ય પુસ્તકોમાં પણ તેને સમાવી લેવામાં આવી છે. 

રાજ્યકવિ હોવા છતાં સામાન્ય માણસો તરફનો તેમનો વ્યવહાર કરુણાસભર હતો. આથી રાજવી તથા રૈયત વચ્ચેની એક કડી સમાન તેમનું જીવન હતું. કવિરાજની કથની તથા કરણીમાં કદી અંતર જોવા મળતું ન હતું. કવિની પ્રતિષ્ઠા રાજ્યના સીમાડાઓ બહાર પણ વિસ્તરેલી હતી. કવિ પિંગળશીભાઇને શ્રધ્ધાંજલિ આપતા શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું કે કવિ ‘સર્જનશક્તિનો પુંજ’ હતા. કવિરાજનું અવસાન થયું ત્યારે મેઘાણીએ જન્મભૂમિ જૂથના અખબારોમાં એક વિગતપૂર્ણ લેખ લખ્યો હતો. કવિના ભાતીગળ જીવનની વાતો તે લેખમાં આવરી લેવામાં આવી હતી. કવિશ્રી પિંગળશીભાઇના નિધનથી ગરવા ગીરનારનું એક શિખર તૂટી પડ્યું હોય તેવી લાગણી આ લેખમાં વ્યક્ત કરવામાં આવી હતી. કવિશ્રીની સાહિત્ય પ્રસાદી પુસ્તકરૂપે ઘણાં વર્ષો પહેલા પ્રસિધ્ધ કરવામાં આવી હતી. તેની અનેક આવૃત્તિઓ પણ થઇ છે. ‘‘પિંગળવાણી’’ નું પુન: પ્રકાશન થોડા વર્ષો પહેલા પણ કરવામાં આવ્યું હતું. પ્રકાશન થયું તે સમયે પણ અનેક સાહિત્યરસિક લોકો અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. એ બાબત સૂચવે છે કે કવિ તેમની અમર રચનાઓ મારફત આજે પણ લોકહ્રદયમાં જીવંત છે. આઠ દાયકાથી પણ વિશેષ જીવનમાં કવિ પિંગળશીભાઇએ સાહિત્યમાં કદી વિસ્મૃત ન થાય તેવું પ્રદાન કરેલું છે. શ્રોતાસમૂહને કવિની કહેણીના પ્રભાવમાં રસતરબોળ થતો અનેક સમકાલિન સાહિત્યકારોએ જોયેલો છે. મહાકવિ નાનાલાલે કવિ પિંગળશીભાઇને તત્કાલિન ભાવનગર મહારાજાના મુગટના એક અમૂલ્ય હીરા તરીકે ઓળખાવ્યા છે તે યથાર્થ છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૩/૧૦/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑