: વાટે….ઘાટે…. : : ગાંધીજીની પાવક સ્મૃતિ : 

ગીત તુમ્હારે ગાતે ગાતે

હમ તુમકો હી ભૂલ ગયે.

દાંડીકૂચ શરૂ થવાની હતી તેના આગળના દિવસની સાંજે (૧૧ માર્ચ-૧૯૩૦) સાબરમતીના સંતે વિશાળ માનવ મેદનીને સંબોધન કર્યું. હાજર રહેલા લોકો સરળ શબ્દોમાં કહેવામાં આવેલી આ નિરાંડબરી વાત સાંભળીને અંદરથી હલી ગયા. ગાંધીજી કહે છે :      ‘‘ એવું સાવ સંભવિત છે કે આજે તમારી પાસે આ મારું છેલ્લું વ્યાખ્યાન હોય. આવતીકાલે સવારે જો સરકાર મને કૂચ કરવા દેશે તો પણ આ સાબરમતીના પવિત્ર કાંઠે તો આ છેલ્લુંજ ભાષણ હશે અથવા મારી જિંદગીનું પણ આ છેલ્લુંજ ભાષણ હોય. ’’ આ વાત સાચી હતી. સાબરમતીના કીનારે બાપુનું આ છેલ્લું ભાષણ હતું. ગાંધીના મુખેથી કોઇ આર્ષવાણીની જેમ આ શબ્દો સહજ રીતેજ નીકળ્યા હતા. જાણે બુધ્ધના મહાભિનિષ્ક્રમણનું પુનરાવર્તન થઇ રહ્યું હતું. માનવજાતના કલ્યાણ માટે બુધ્ધ નીકળ્યા હતા. આજે ૩૦ કરોડ લોકોની મુક્તિ માટે મહાત્મા ગાંધી નીકળ્યા હતા. ગાંધીજીએ માનવ મેદનીને સમજાવતા કહ્યું કે આજે આશ્રમ તથા સ્વગ્રહની વિદાયની વેળા છે. મા ભોમની મુક્તિ સિવાય પાછા આવવાનો પ્રશ્ન રહેતો નથી. કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ લખ્યું :

આવવું ન આશ્રમે

ના યદી સ્વતંત્રતા

જીવવું મુવા સમાન

ના મળે સ્વતંત્રતા.

દુનિયાભરના લોકોની નજર હિન્દુસ્તાનમાં બનતી આ ઘટના તરફ મંડાયેલી હતી. ગાંધીજીના સાથીઓ કે જેઓ શરૂઆતમાં દાંડીકૂચના વિચારથી ખાસ પ્રભાવિત થયા ન હતા. તેઓ પણ બાપુની દીર્ઘદ્રષ્ટિ હવે જોઇ શક્યા હતા. પ્રચંડ જનજાગૃતિનું મોજુ હિન્દુસ્તાનના દરેક ખૂણે પ્રસરી ગયું હતું. અન્યાયી કર સામેની આ લડત સમગ્ર વિશ્વના સામાન્ય લોકોની લાગણીઓના પડઘા સમાન હતી. આથી બાપુએ સમગ્ર જગતને આ વાતની પ્રતિતિ થાય તેવા પ્રયાસ કર્યા. વિશ્વભરના લોકોની સહાનુભૂતિ આ ન્યાયની લડત માટે મળે તે માટે ગાંધીજીએ તા.૦૫/૦૪/૧૯૩૦ના રોજ લખ્યું : 

“ I want world sympathy in this battle of right against  might. “

ઓક્ટોબર મહીનામાં ગાંધીજીની અનેક સ્મૃતિઓ મનમાં આવવી સ્વાભાવિક છે. દાંડીકૂચની વાત કરીએ ત્યારે પણ અનેક ઘટનાઓ નજર સામે આવે છે. ગાંધીજી દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવેલા એક પ્રવચનમાં કહે છે કે ‘‘ મારે હવે ૬૧ વર્ષે કૂચ કેવી ? જવું જ હોય તો હિમાલયની જાત્રાએ જવાય કે મોક્ષ તો મળે. પણ હું તો ઉલટો ધર્મ શીખ્યો છું. મારે તો દર્શન કૂચ કરીને કરવા છે. પરમેશ્વરના દર્શન તો દોહ્યલા છે પ્રભુ તો ત્રીસ કરોડ દેશવાસીઓના હ્રદયમાં બેઠા છે. તેથી એ હ્રદયો સાથે ઓતપ્રોત થવું જોઇએ. આથી ૬૧ વર્ષે પણ શાંતિ લેવાની નથી તેમ વિચારેલું છે. ’’ 

સામાજિક નેતૃત્વ કરનાર વ્યક્તિની દીર્ઘદ્રષ્ટિ તેમજ આત્મવિશ્વાસ કેવા હોવા જોઇએ તે સમજવા માટે ગાંધી જીવનદર્શન કોઇપણ કાળે સંદર્ભયુક્ત બની રહે તેવું છે. તેમણે કરોડો હિન્દ વાસીઓની શક્તિ તથા સમજમાં શ્રધ્ધા રાખીને દાંડીકૂચ શરૂ કરી હતી. સામા પક્ષે જનતા જનાર્દને પણ ગાંધીની આ શ્રધ્ધાને પોતાના સમર્થન તથા આકરા સમર્પણથી અસાધારણ પ્રતિસાદ આપેલો હતો. ગરીબ તેમજ તવંગર એમ બન્ને વર્ગને લાગુ પડે તેવો મીઠા પરના કરનો નિયમ હતો. ગાંધીએ દાંડીકૂચના અંતે નમક પરના કરના કાયદાનો સવિનય પરંતુ છડેચોક ભંગ કરીને અંગ્રેજ સત્તાના પાયામાં લૂણો લગાડ્યો હતો.

દાંડીકૂચ શરૂ કરતા પહેલા બાપુએ લોર્ડ ઇરવીનને એક પત્ર લખ્યો હતો. આ પત્ર તા.૦૨/૦૩/૧૯૩૦ના રોજ લખવામાં આવ્યો હતો. ગાંધીજી જે લડાઇ લડ્યા તે દરેકમાં જે સામા પક્ષે હોય તેને સમજાવવાની કોશીષ કરતા હતા. મોરચો માંડતા પહેલા સમાધાન થાય તો તે કરવાની તેમની રણનીતિ હતી. ગાંધીનો લોર્ડ ઇરવીનને લખવામાં આવેલો આ પત્ર ઐતિહાસિક હોવા ઉપરાંત સાંપ્રત મૂલ્ય પણ ધરાવે છે. ગાંધીજી વાઇસરોયને લખે છે કે અંગ્રેજોનું શાસન એ ભારત માટે એક આફત કે બલા છે. ગાંધી કહે છે કે રાજ્યે એક એવા પ્રકારનું તંત્ર ગોઠવી દીધું છે કે દેશ તેથી સદૈવ ચૂસાયાજ કરે. આ તંત્રનો દીવાની તથા લશ્કરી ખર્ચ પણ દેશની ગરીબ જનતા પર અસહ્ય પ્રમાણમાં છે તેમ મહાત્માએ લખ્યું છે. હિન્દુસ્તાનના સામાન્ય નાગરિકની સરેરાશ આવક ઇંગ્લાંડના નાગરિકના પ્રમાણમાં ઘણી ઓછી છે તે હકીકત પણ ગાંધીએ વાઇસરોય પરના પત્રમાં લખી છે. 

ગાંધીજીએ વાઇસરોયને લખેલા પત્રની બાબતો જોઇએ તો પ્રથમ દ્રષ્ટિએજ સમજાય છે કે બાપુ બ્રિટીશ શાસનની અન્યાયી પ્રથાના વિરોધી હતા. પ્રથામાં અન્યાય હતો માટે આ દાંડીકૂચ રૂપી ધર્મયુધ્ધનું એલાન હતું. ગાંધીજીની આ વિશાળ દ્રષ્ટિયુક્ત વિચાર કે તેમની આ તંત્ર માટેની ફરિયાદને આજના સંદર્ભમાં પણ ચકાસવા જેવી છે. શાસકોમાં પરિવર્તન એક સુદીર્ઘ લડાઇને અંતે થયું. પરંતુ શાસનની પ્રથા આપણે પ્રજાલક્ષી તથા ઓછી ખર્ચાળ કરી શક્યા નથી તે નિર્વિવાદ છે. જે સુરાજ્યની કલ્પના ગાંધીએ કરી હતી તેને ચરિતાર્થ કરવા માટે પણ સતત સંઘર્ષ જાગૃત નાગરિકોએ કરતા રહેવું પડે તેમ લાગ્યા કરે છે. જે કોઇ સુધારાઓ શાસનમાં કે રાજ્યતંત્રમાં થયા છે તે નોંધપાત્ર હોવા છતાં છેલ્લા માનવીના ફળિયા સુધી સમૃધ્ધિનું કિરણ પહોંચી શક્યું નથી. સમાજમાં વ્યક્તિઓ વચ્ચેની આવકની અસમાનતા તરફ ગાંધીએ લોર્ડ ઇરવીનને લખ્યું છે તે પ્રશ્ન પણ આજે બીહામણા સ્વરૂપે આપણી સામે ઊભો છે. ગાંધીજીની જન્મજયંતિએ આવા અનેક લેખાજોખા આપણે કરવા જરૂરી બને છે. ગાંધી જયંતિની બાહ્ય ઉજવણીઓ તોજ સર્વાંગ પણે સાર્થક બને. એકાદ પણ સારા વિચારના અમલીકરણથીજ ગાંધીની પ્રસન્નતા મળી શકે છે. કવિ ઉમાશંકર જોશીના શબ્દો યાદ આવે છે. 

માર્ગમાં કંટક પડ્યા, સૌને નડ્યા,

બાજુ મૂક્યા ઉચકીને તે દિન નક્કી જન્મ ગાંધીબાપુનો.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૪/૦૯/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑