અભય બંગ તથા તેમના પિતા ઠાકુરદાસ બંગનું નામ જાણીતું છે. અભય બંગનો ઉછેર ગાંધીજીના સેવાગ્રામ આશ્રમમાં થયો હતો. અહીંજ તેમને સામાજિક કાર્યો કરવાના સંસ્કાર નાનપણથીજ મળ્યા હતા. અભય બંગ તથા તેમના પત્ની રાણી માનવ સેવાના કાર્ય માટે સુવિખ્યાત છે. ઠાકુરદાસ બંગ ગાંધીજીના વિચારો અનુસાર દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા અને આકરો જેલવાસ પણ ભોગવ્યો. બીજા વિશ્વયુધ્ધની લગભગ સમાપ્તિનો સમય હતો ત્યારે ઠાકુરદાસ બંગ જેલમાંથી છૂટ્યા. દેશની આઝાદીનો સમય હવે નજીક છે તેમ જણાતું હતું. ઠાકુરદાસ બંગને લાગ્યું કે હવે તેમણે પોતાની અભ્યાસની કારકીર્દિ આગળ વધારવી જોઇએ. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બંગ સાહેબે અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીમાં પ્રવેશ પણ મેળવ્યો. અમેરિકા જતા પહેલા મહાત્માના આશીર્વાદ લેવા ઠાકુરદાસ બંગ બાપુને મળવા ગયા. ગાંધીજી સેવાગ્રામ આશ્રમમાં હતા. બાપુ એક ચટાઇ પર બેસીને કશુંક લખી રહ્યા હતા. ઠાકુરદાસ બંગ મૌનના આવા માહોલમાં વિવેકથી ગાંધીજીને સંબોધન કરીને બોલ્યા : ‘‘ બાપુ, મને જેલમાંથી છોડવામાં આવ્યો છે. હવે હું અર્થશાસ્ત્રના આગળના અભ્યાસ માટે અમેરિકા જઇ રહેલો છું. ’’ અભય બંગ આ પ્રસંગનું આલેખન કરતા આગળ લખે છે કે પાતળી ફ્રેમના ચશ્માવાળો તથા સફેદ મૂછોવાળો બાપુનો ઘઉંવર્ણો ચહેરો સહેજ ઊંચો થયો. બાપુ ફક્ત એક વાક્ય બોલ્યા : ‘‘ તારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો અમેરિકા જવાની જરૂર નથી. ભારતના ગામડાઓમાં જા. ’’ ઠાકુરદાસ બંગ ચૂપચાપ કુટિરમાંથી બહાર નીકળી ગયા. ગાંધીજીના માત્ર એક વાક્યે યુવાન અભ્યાસુના જીવનની આખી દિશાજ બદલી નાખી. આજીવન સામાજિક કાર્યો કરવામાં બંગ સાહેબે પોતાનું જીવતર વ્યતિત કર્યું. ઉપરાંત પોતાના પુત્ર અભય બંગને પણ સામાજિક સેવા કરવાના સંસ્કાર આપ્યા. પોરબંદરના આ પનોતા પુત્રમાં એવું તે કયું જાદુ હતું કે તેમનો એક એક શબ્દ સાંભળનાર હૈયાને આરપાર વિંધી નાખતું હતું ? આ બાબતની સ્પષ્ટતા ગાંધીજીએ એક વખત ડૉ. રામમનોહર લોહિયા સમક્ષ કરી હતી. ગાંધીએ કહેલું કે જેનું આચરણ મેં પોતે ન કર્યું હોય તેવું કરવાનું હું કદી કહેતો નથી. આચરણ ધર્મનો આવો ઊંચો આદર્શ સિધ્ધ થયો હોય તેવા બહુ ઓછા દ્રષ્ટાંતો જગતના ઇતિહાસમાં નોંધાયા હશે. મન – વચન – કર્મનો સંપૂર્ણ સુયોગ મહાત્મા ગાંધીના જીવનમાં સ્પષ્ટ રીતે જોઇ શકાતો હતો. આજ કારણથી દેશમાં બાપુના આગમન પછીનો ચંપારણનો સત્યાગ્રહ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શક્યો હતો. ચંપારણના સત્યાગ્રહની સફળતાથી સમગ્ર દેશના લોકોનું ધ્યાન ગાંધી તરફ ખેંચાયું હતું. હિન્દુસ્તાનમાં આ સત્યાગ્રહ બાદ ગાંધીયુગના મંડાણ થયા હતા. સામાન્ય લોકોના આત્મવિશ્વાસમાં અસાધારણ વધારો થયો હતો. ચંપારણમાં ગળીનો વેપાર કરતાં અને ખેડૂતોનું શોષણ કરતાં વેપારીઓ સામે ન્યાય માટે માથું ઉચકવાની શક્તિ ખેડૂતોને પ્રાપ્ત થઇ હતી. દેશની મુક્તિ માટે અહિસંક રીતે પણ લડાઇ લઇ શકાય છે તે વાત અનેક લોકોના મનમાં સ્પષ્ટ થઇ હતી. ગાંધીજી હવે સમગ્ર લડતના મોભી બન્યા હતા.
ચંપારણ સત્યાગ્રહની ઘટનાને ૧૦૦ વર્ષ પૂરા થયા છે. ચંપારણ (બિહાર)ની કુખ્યાત ‘તીન કઠિયા’ તરીકે ઓળખાતી પ્રથાની વિગત કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં બાપુના ધ્યાનમાં આવી અને શોષણ સામે સંઘર્ષના મંડાણ થયા. ગાંધીજીના ચંપારણ આગમનથી વર્ષોથી દબાયેલા તથા દુભાયેલા કિસાનોમાં એક નવી આશાનો તેમજ નૂતન વિશ્વાસનો સંચાર થયો. ગોરા જમીન માલિકો તેનાથી ચમકી ગયા. ગાંધીજીની તાર્કીક તથા હકીકતબધ્ધ રજૂઆત થકી શ્રમિકોના શોષણની વાત સ્પષ્ટ થતી હતી. સાચી વાત માટે સ્થાનિક તંત્રનો ભય દૂર રાખીને સક્રિય પ્રતિકારનો પાઠ રાજ્યના વિશાળ લોકસમૂહને મળ્યો. બિહાર જાગૃત થયું. સમગ્ર દેશ પણ આ નવી ગતિવિધિથી સચેત થયો. અન્યાયનો અહિંસક પ્રતિકાર થયો. ચંપારણના જંગ થકી સમગ્ર દેશને ગાંધી વિચારનો તથા ગાંધી પ્રભાવના યુગનો તેજસ્વી સૂર્યોદય થતો દેખાયો. સત્યાગ્રહની સાધનશુધ્ધિ તેમજ કોઇના પણ તરફ કડવાશ દેખાડ્યા સિવાય લડાયેલી આ લડતે ગાંધીજીને સમગ્ર દેશના શોષિતોના વહાલેશ્રી તરીકે સ્થાપી દીધા. શસ્ત્રો – દારૂગોળાની સહેજ પણ ખેવના કર્યા સિવાય પ્રેમ તથા અહિંસાના આયુધોથી વિજય મેળવવાના એક નવયુગનો ચંપારણથી આરંભ થયો. ‘‘આમ પણ થઇ શકે’’ તેવી વાત અનેક લોકોની સમજમાં ગાંધી વિચાર થકી ઉતરી. હથિયાર ધારણ કર્યા સિવાય પણ વિજય મેળવવાની એક નૂતન પ્રથાનો ઉદય ગાંધી વિચાર થકી જગતમાં ફેલાયો તથા ફેલાતો રહ્યો. કવિ ભૂદરજી લાલજી જોશીએ લખ્યું છે તેમ લાઠીનો માર ઝીલીને તથા રામનામનું રટણ કરીને આવું વિરોચીત કાર્ય ગાંધી સિવાય કોણ કરી શક્યું હોત ?
તોપ તલવાર નહિ
બંદૂક બારૂદ નહિ
હાથ હથિયાર નહિ
ખૂલ્લે શિર ફિરતે
વિકૃત વિજ્ઞાન નહિ,
બંબર વિમાન નહિ,
તરકટ તોફાન નહિ,
અહિંસા વ્રત વરતે.
ટેંકોકા ત્રાસ નહિ
ઝેરી ગિયાસ નહિ
લાઠીકા સહત માર
રામ રામ રટતે
ભૂદર ભનંત બીન શસ્ત્ર
ઇસ જમાનેમેં ગાંધી બીન
બસૂધામેં કૌન વિજય વરતે.
બાપુ ગયા તે વાતને વર્ષોના વહાણા વાઇ ગયા. પરદેશના શાસકો પણ મને કમને વિદાય થયા છતાં આજે પણ આપણે સ્વસાશનમાં સુશાસનનો અનુભવ કેમ નથી કરી શકતા તેની એક ઊંડી તથા વ્યાપક અનુભૂતિ અનેક લોકોને થયા કરે છે. આ બાબતનો એક ઉકેલ મહાત્માના વિચારોના વાસ્તવિક અમલીકરણમાં છે. ગાંધીના જયજયકારમાં ગાંધીને રસ ન હતો. આવો ઠાલો જયજયકાર કરવામાં આપણો પણ કોઇ લાભ નથી. આથી વિશ્વમાનવ ગાંધીની ૧૫૦મી જન્મ શતાબ્દીના પ્રારંભે ફરી આ અદ્વિતીય બાપુના વિચારો તરફ દ્રઢતા તથા નિષ્ઠાથી વળવાની જરૂર લાગે છે. આપણી આજની અનેકવિધ સમસ્યાઓનો ઉકેલ ગાંધી વિચારમાંથી મળી શકે તેમ છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૦/૦૯/૨૦૧૮.
Leave a comment