: સંસ્કૃતિ : : ડૉ. પી. સી. વૈદ્ય : શિક્ષણ ક્ષેત્રનું ગુરુશિખર :

સર થિઓડોર હોપ તેમજ કવિ દલપતરામની દ્રષ્ટિને કારણે અમદાવાદની ગુજરાત કોલેજનું બીજ રોપવામાં આવ્યું. દેશ આઝાદ થયો તે પહેલા લગભગ નવ દાયકા અગાઉ આ પ્રયાસ થયો હતો. અમદાવાદ શહેરની ઉજળી શ્રેષ્ઠી પરંપરાને કારણે કોલેજની શરૂઆતને આર્થિક બળ મળ્યું હતું. આવી ઐતિહાસિક કોલેજમાં ૧૯૫૫ માં બનેલી એક ઘટના ફરી ફરી સાંભળવી ગમે તેવી છે. ગુજરાત ભરમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવવાનું પસંદ કરતા હતા. અધ્યાપકોને પણ પોતાની કોલેજનું ગૌરવ હતું. આ કોલેજમાં ૧૯૫૫ ના વર્ષમાં એક નવા અધ્યાપક જોડાયા. કોલેજમાં કોઇ નવા અધ્યાપકની નિમણૂંક થાય તે આમતો કોઇ અસામાન્ય ઘટના કહેવાય નહિ. છતાં પણ આ નવા જોડાયેલા અધ્યાપકની વાત થોડી જુદી હતી. નવા આવેલા અધ્યાપક વર્ગ-૧ માં જોડાયા હતા. તે સમયે આવા ઊંચા વર્ગના દરેક પ્રાધ્યાપકો સામાન્ય રીતે કોટ – પેન્ટ – ટાઇમાં સુસજ્જ થઇને કોલેજમાં અધ્યાયન કાર્ય માટે આવતા હતા. પરંતુ કોલેજમાં નવા દાખલ થયેલા આ ગણિતના પ્રાધ્યાપક પહેરવેશની આ ઘરેડમાં પડેલા ન હતા. તેઓ તો શુધ્ધ ખાદીના કફની તથા લેંઘો પહેરીને ગણિત શીખવવા આવતા હતા. ઘરેડમાં પડેલી તમામ આંખો આ અધ્યાપકના ‘નવા વેશ’ ને જોઇને આશ્ચર્યમાં ગરકાવ થઇ જતી હતી. ઉપરાંત આ અધ્યાપક પાછા સાયકલ લઇને કોલેજમાં આવતા હતા. પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓમાં વાત પ્રસરી ગઇ : ‘‘ કોઇ વિચિત્ર અધ્યાપક ગણિત ભણાવવા માટે કોલેજમાં નવા નવા જોડાયેલા છે. ’’ મહાત્મા ગાંધી આફ્રિકાથી પાછા આવ્યા અને મુંબઇમાં એક જાહેર કાર્યક્રમમાં દેશી પોષાક પહેરીને હાજરી આપી ત્યારે પણ હાજર રહેલા લોકોને મહાત્માનો આ પોષાક ઘરેડ મુજબનો નથી તેવું લાગ્યું હતું. આજ વાત અને સરખીજ મનોદશાનું અહીં પણ પુનરાવર્તન થતું જોઇ શકાય છે. આ ‘વિચિત્ર’ મનાતા સાહેબ પોતાનો પ્રથમ વર્ગ લેવા માટે ક્લાસરૂમમાં પ્રવેશ કરે છે. ક્લાસમાં વિદ્યાર્થીઓ શાંતિથી બેઠા છે પરંતુ ક્લાસના બ્લેકબોર્ડ ઉપર કોઇએ નવા પ્રાધ્યાપકના પહેરવેશ અંગે કટાક્ષ કરતાં લખ્યું છે : ‘‘ સાહેબ તો લેંઘો પહેરીને આવે છે. ’’ વિદ્યાર્થીઓની ધારણા હતી કે આવું મજાક ભરેલું વાક્ય વાંચતાંજ નવા આવેલા અધ્યાપકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જશે. પરંતુ ખરેખર શું બન્યું તે જાણવું રસપ્રદ છે. સાહેબે એ વાક્ય જોયું અને સૌને સંભળાય તેમ મોટેથી વાંચ્યું પણ ખરું. સાહેબ લેંઘો પહેરીને આવે છે તે વાક્યનું મોટેથી પુનરાવર્તન કરીને પછી ઉમેરે છે : ‘‘ તમારી ઇચ્છા હશે તો કાલથી લેંઘો ઉતારીને આવીશ ’’ હાજર રહેલા વિદ્યાર્થીઓમાં હાસ્ય ફેલાઇ ગયું અને તાળીઓના ગડગડાટથી તેમણે આ નૂતન અધ્યાપકની તીવ્ર વિનોદશક્તિનો અંતરથી આદર કર્યો. આ અધ્યાપક એટલે પ્રહલાદરાય ચુનીલાલ વૈદ્ય. દેશમાં અનેક લોકો તેમને પી. સી. વૈદ્ય તરીકે ઓળખે છે અને આદર કરે છે. વૈદ્ય સાહેબનો જન્મ મે-૧૯૧૮ માં થયો હતો તેથી ૨૦૧૮ નું વર્ષ એ તેમની જન્મ શતાબ્દીનું વર્ષ ગણી શકાય. ગાંધી અને ગણિત વાળા આ ગુજરાતીની સ્મૃતિને વંદન કરતા ગૌરવનો અનુભવ થવો સ્વાભાવિક છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી અરુણ વૈદ્ય લિખિત એક પુસ્તકનું પ્રકાશન ‘આપણી મોંઘેરી ધરોહર’ તરીકે થયેલું છે. જેમાં વૈદ્ય સાહેબના જીવનની અનેક વાતોનું રુચિપૂર્ણ રીતે આલેખન કરવામાં આવેલું છે. વૈદ્ય સાહેબના ભાતીગળ વ્યક્તિત્વને જન જન સુધી પહોંચાડવાના આ સ્તુત્ય પ્રયાસ માટે આપણે અરુણભાઇ તેમજ વિશ્વકોશ ટ્રસ્ટના ઋણી છીએ. ગુજરાત પોતાના ધનપતિ શ્રેષ્ઠીઓ માટે ગૌરવનો ભાવ અનુભવે તે સકારણ છે. પરંતુ આ ધરતી પર જન્મેલા કેટલાક સાક્ષરોએ સરસ્વતી સાધનાનું કરેલું કાર્ય પણ વિરલ તેમજ વિશિષ્ટ છે. ગુજરાતની આ ધરતીએજ નાનાભાઇ ભટ્ટ અને ગિજુભાઇ બધેકાની ભેટ જગતને આપી છે. મનુભાઇ પંચોળી ‘દર્શક’ જેવા જ્ઞાન સમૃધ્ધ શિક્ષક જગતને આપેલા છે. ડોલરરાય માંકડ, ઉમાશંકર જોશી તેમજ વિશ્વકોશના સર્જક ધીરુભાઇ ઠાકરની અમૂલ્ય ભેટ વિશ્વ સમાજના ચરણે ધરેલી છે. વૈદ્ય સાહેબ પણ આ ઉજળી પરંપરાનીજ એક મહત્વની કડી સમાન છે. 

કોલેજના વર્ગોમાં વૈદ્ય સાહેબને સાંભળવા અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ પણ આવીને બેસતા હતા. હમણાંજ આપણી વચ્ચેથી વિદાય થયેલા કવિ નિરંજન ભગતના વર્ગોમાં પણ આમજ થતું હતું તેમ કહેવામાં આવે છે. ગુજરાતમાં ગણિત શિક્ષકોમાં ડૉકટરેટ મેળવનાર વૈદ્ય સાહેબ પહેલા હતા તેમ માનવામાં આવે છે. આથી વિદ્યા વર્તુળમાં તેમનું નામ ખૂબ જાણીતું તેમજ માનીતું બન્યું હતું. ગણિતશાસ્ત્ર ઉપરાંત ભૌતિકશાસ્ત્રમાં સાપેક્ષતાવાદમાં પણ તેમણે મહત્વના પરિણામો મેળવ્યા હતા અને જે ખૂબ જાણીતા થયા હતા. અનેક જગાઓએ સાહેબના પ્રવચનો ગોઠવાતા અને લોકો તેમની વાત રસપૂર્વક સાંભળતા હતા. તેમની શબ્દો પરની પકડ તેમજ વિનોદવૃત્તિ અસામાન્ય હતી. વૈદ્ય સાહેબને તેમના સંશોધન કાર્યમાં બનારસ સ્થિત સુપ્રસિધ્ધ પ્રાધ્યાપક નારલિકરનું સતત માર્ગદર્શન મળ્યું હતું. વૈદ્ય સાહેબ જીવનભર એક સંશોધક બનીને જીવ્યા હતા. તેઓ ખરા અર્થમાં અધ્યાપક હતા. 

ગુજરતતમાં રાષ્ટ્રપતિ શાસન હતું તેવા સમયે ગુજરાત પબ્લીક સર્વીસ કમીશનના અધ્યક્ષ તરીકે વૈદ્ય સાહેબની પસંદગી કરવામાં આવી. ૧૯૭૭ સુધી તેઓ તે જગા પર કામ કરતા રહ્યા. લાલ દરવાજા ખાતે તે સમયે બેસતી આયોગની કચેરીમાંથી ઉતરીને એએમટીએસની બસમાં સવારી કરીને ઘરે પહોંચનાર આ અધ્યક્ષ આયોગની કામગીરીમાં પણ અનેક ગુણાત્મક પરિવર્તનો કરી શક્યા. ગુજરાત પબ્લીક સર્વીસ કમીશનમાંથી નિવૃત્ત થયા બાદ ભારત સરકારે તેમને યુપીએસસીના સભ્ય તરીકે પસંદ કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકેના અનેક ભાતીગળ નામોમાં પી. સી. વૈદ્ય સાહેબનો સમાવેશ થાય છે. 

સાંપ્રત સમયમાં જ્યારે શિક્ષણની ગુણવત્તા સબંધમાં અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે ત્યારે પ્ર. ચુ. વૈદ્ય જેવા કર્મઠ કેળવણીકારની ખોટ અનેક પ્રસંગોએ અનુભવી શકાય છે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૬/૦૯/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑