કેટલાક ‘માથા ફરેલ’ લોકો વ્યવહારુ જગતના બંધનોમાં બંધાતા નથી. આવા લોકો જે તે ક્ષણે જે સત્યનું દર્શન કરે છે તેનીજ વાત બેજીજક જગત સામે ધરીને પોતાનું સહજ કર્તવ્ય નીભાવી જાય છે. મનની જે અનુભૂતિ હોય તેનેજ પ્રગટ કરવાની આવી શક્તિ ધરાવનારા લોકોને સમાજ આદરથી યાદ કરતો રહે છે. મહાભારતની કથામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે અનેક વિદ્વાન તથા શક્તિશાળી લોકો હાજર હોય છે. આ બધા મહારથીઓ પોતાનાજ ઊભા કરેલા બંધનોમાં જકડાઇને નજર સામેના સત્યને નજર અંદાજ કરે છે. પરંતુ દૂર્યોધનનો એક ભાઇ વિકર્ણ આ પ્રસંગે સત્ય વચન સંભળાવીને દૂશાસનને દ્રૌપદી વસ્ત્રાહરણનું દૂષ્કર્મ કરતા રોકવાનો પ્રયાસ કરે છે. જગતના ઇતિહાસમાં આવી વિકર્ણ વૃત્તિ ધરાવતા લોકો અમરત્વને વરેલા છે. આપણાં દેશમાં કટોકટી લાદવા માટે બંધારણમાં જરૂરી ફેરફાર કરવા માટેનું બીલ ભારતની લોકસભામાં રજૂ કરવામાં આવ્યું (૧૯૭૫) તે વાતની સ્મૃતિ હજુ પણ ઘણાં લોકોના મનમાં તાજી હશે. સરકારી ખરડો લોકસભામાં સર્વાનુમતે પસાર થાય તેવા તત્કાલિન ભારત સરકારના પ્રયાસ પણ હોય તે સ્વાભાવિક છે. પરંતુ અહીં પણ ગાંધી આશ્રમવાળા નગર અમદાવાદના પ્રતિનિધિ તેમજ તે કાળના સાંસદ પુરુષોત્તમ માવળંકરે કટોકટીના ખરડાની વિરૂધ્ધમાં મત આપીને ફરી વિકર્ણ વૃત્તિને ચેતનવંતી કરી હતી. વ્યવહારુ જગતની સલાહ આવી વૃત્તિ ધરાવનાર લોકોને કદી રોકી શકતી નથી. આવાજ એક સ્વતંત્ર મીજાજ ધરાવતા કવિની સત્ય ઘટના આપણી ભાષાની શોભા વધારી જનાર સર્જક મુકુન્દરાય પરાશર્યે લખી છે. આ કવિનો જન્મ ૨૩મી સપ્ટેમ્બરે ૧૮૬૫માં ભાવનગર જિલ્લાના મહુવામાં થયો હતો. આથી સપ્ટેમ્બર માસમાં આ કવિની સ્મૃતિને વંદન કરવાનું મન અનેક લોકોને થતું હશે. કવિનું નામ ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદી હતું. નિજાનંદી તોરમાં ખુમારી પૂર્વક જીવન જીવનારા આ કવિ ‘‘મસ્તકવિ’’ તરીકે પણ જાણીતા થયા હતા. કવિ લાઠીના રાજવી કવિ કલાપીના સ્નેહી હતા. કવિ તરફ કલાપીને આદર તથા પ્રીતિ હતા. કલાપીની ભલામણને કારણે ભાવનગર મહારાજાએ કવિનું પેન્શન નક્કી કરીને આર્થિક સવલત કરી આપી હતી. જે રાજ્યની ઉદારતાને કારણે પેન્શન મળતું હોય તે રાજ્યની કોઇ અપેક્ષા પેન્શન મેળવનાર વ્યક્તિ પાસે હોય તો તેને યથાશક્તિ પૂર્ણ કરવી જોઇએ તેવી વ્યવહારુ જગતની માન્યતા હોય તે સ્વાભાવિક છે. આ સંદર્ભમાં આ અનોખા ‘મસ્તકવિ’ ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદીનો એક બનેલો પ્રસંગ કાન માંડીને સાંભળવા જેવો છે.
મહારાજા ભાવસિંહજીના શાસનનો આ સમય હતો. (ઇ.સ.૧૮૭૫ થી ૧૯૧૯) તે સમયે મહારાણી નંદકુંવરબા પોતાના તંત્રીપદે ‘‘બ્રિટિશ અને હિન્દી વિક્રમ’’ નામે સામયિક ચલાવતા. એકવાર મહારાણીએ મસ્તકવિને બોલાવીને સૂચના આપી કે તેમણે આ સામયિક માટે કાવ્યો લખી આપવા. આમ તો આ બાબત સામાન્ય ગણાય. કવિને કવિકર્મ માટેનું નિમંત્રણ હતું. એક રીતે જોઇએ તો આ કવિની સર્જન શક્તિનો સ્વીકાર હતો. પરંતુ કોઇ સત્તાવાહી રીતે કવિને સર્જન કરવાનો આદેશ આપી શકે તે વાત આ સ્વતંત્ર મીજાજના સર્જકના ગળે ઉતરે તેવી ન હતી. આ નિજાનંદી કવિના દોર દમામ અલગ હતા. કાવ્ય તો અંતઃસ્ફૂરણા થાય તોજ લખાય તેમ તેઓ દ્રઢપણે માનતા હતા. આથી કવિએ તરતજ અને મોઢામોઢ મહારાણીને કાવ્ય લખવા બાબત સ્પષ્ટ નનૈયો ભણ્યો. ત્યાં હાજર હતા અને વ્યવહારુ ડાપણ ધરાવતા હતા તેવા એક અમલદારે ગર્ભિત ધમકી સાથે આ ‘અવ્યવહારુ’ કવિને સમજાવવા પ્રયાસ કર્યો. એ અધિકારી કહે છેઃ ‘‘ મહારાણીને ના ન કહેવાય. તમારે કાવ્યો લખી દેવા જોઇએ. તમે રાજ્યના પેન્શનર છો.’’ આ વાત તથા તેનો સૂચિચાર્થ સમજીને શાંત બેઠેલા કવિ ક્રોધ કરીને તથા હાથમાં રહેલો ડંગોરો પછાડીને તાડૂક્યા. ‘‘પેન્શન આપનારો તું કોણ છે ? આંચકી લે તારું પેન્શન. કોઇના કહેવાથી હું કંઇ ન લખું.’’ આટલું કહી સંભળાવી ગુસ્સે થયેલા કવિએ ચાલતી પકડી. વ્યવહારું જગતનું ગણતરી ભરેલું ડહાપણ આ કવિની આસપાસ કદી ફરકયું પણ નહિ. જોકે શાણપણ તથા ઉદારતાના અધિપતિ એવા મહારાજા ભાવસિંહે કવિને વિવેક તથા સ્નેહથી સમજાવ્યા ત્યારે કવિનો ગુસ્સો ઓસર્યો.
જીવનમાં માત્ર મૂલ્યોને વળગીને જીવી ગયેલા આ કવિ શબ્દને ઉન્નત કરીને ગયા. આવા કવિની યશગાથા કાળના કપરા પ્રવાહમાં પણ ઝાંખી પડતી નથી. મસ્તકવિ જેવા તેજસ્વી મનિષિઓના સંદર્ભમાં સર પ્રભાશંકર પટ્ટણીના લખેલા શબ્દો યાદ આવે.
અમે મસ્તાન વેરાગી
નહિ સંસારના રાગી
જગતનાં બાદશાહોની
અમારે શી પડી પરવા?
ભાવનગર જેવા મોટા રાજ્યના મહારાણીની સૂચનાનો અનાદર કરનાર આ સ્વમાની કવિ કોઇના સ્નેહ સામે હારી જનારા હતા. કવિ કલાપીએ જ્યારે અકાળે આ જગતમાંથી ચિર વિદાય લીધી ત્યારે ‘મસ્તકવિ’ એ આજીવન કલાપીનો શોક પાળ્યો. ઉપરાંત ‘કલાપીનો વિરહ’ એવું દીર્ઘકાવ્ય લખી પોતાની ઊંડી વેદનાને વાચા આપી. મહાકવિ નાનાલાલે આ વિરહ ગ્રંથની પ્રસ્તાવના લખી અને કવિની સર્જન શક્તિને બીરદાવી.
કવિના પિતાનું અવસાન વહેલું થયું હતું. પરંતુ કવિના માતા અમૃતબાઇએ માતા તથા પિતાની ભૂમિકા સંપૂર્ણ રીતે બજાવી. કઠોર પરિશ્રમ કરીને આ વિધવા માતાએ પોતાના બાળકોનો ઉછેર કર્યો. માતાએ કરેલી સખત મજૂરીએ બાળકોમાં પરિશ્રમ તેમજ કપરા કાળમાં પણ સ્વમાન સાચવીને જીવવાની શક્તિનો વિકાસ થયો. કામકાજ કરતી માતાના કંઠેથી સતત વહેતો રહેલો ભજન તેમજ સારી પદ રચનાઓના પ્રભાવે બાળકોમાં જાણે કવિત્વ શક્તિનું બીજ અંકુરીત કર્યું. સ્વામાનથી જીવતર જીવીને ઉજળા મૃત્યુને વરનાર કવિ કદી પણ પોતાના ઊંચા ધોરણો કે મૂલ્યોથી અળગા થયા નહિ. સર પટ્ટણીએ લખ્યું છે તેમ ગંગાનું પણ મલીન જળ ત્યજી દેનાર આ રાજહંસો હતા.
સ્નેહી સાથે સુનમ્ર
ધૂર્ત બકને જેનું માથું ન નમે
ગંગાનુંય મલિન પાણી તજીએ
તે રાજહંસો અમે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૪/૦૯/૨૦૧૮.
Leave a comment