૭મી જૂન – ૧૯૧૬ નો એ દિવસ હતો. આ દિવસે અમદાવાદના રેલ્વે સ્ટેશને એક અજાણ્યો યુવાન મુસાફર ઉતરે છે. પોતાનો સામાન ઉચકી રસ્તો પૂછતા પૂછતા એલિસબ્રીજ પહોંચે છે. યુવાનને જેની તલાશ હતી તે કોચરબ આશ્રમ અહીંજ છે. આશ્રમ પ્રવેશ કરીને બાપુને મળવું છે તેવી વિનંતી કરે છે. બાપુનું કહેણ આવે છે એટલે ઉત્સુક્તાથી આ યુવાન બાપુ પાસે જાય છે. જઇને જૂએ છે તો બાપુ શાક સમારતા હતા. યુવાન કહે છે મને આ જોઇને નવાઇ લાગી. દેશના આટલા મોટા નેતા અને શાક સમારે ! પછી યુવાન કહે છે પરંતુ ‘‘ મને તો શ્રમનો પાઠ સહેજે મળી ગયો ’’ જે બાબતના પ્રશ્નો આ નવયુવાનમાં ઉઠતા રહેતા હતા તે તમામ બાબતોનું સામાધાન તેને કોચરબ આશ્રમના આ મહાત્મામાં દેખાયું. હવે બાપુ પાસેથી દૂર જવાનો પ્રશ્ન રહેતો નથી. સમુદ્રને મળવા વેગથી ગયેલી કોઇ નદી ક્યારે પાછી ફરે છે ? બાપુના જીવન કાર્યમાં આ યુવાને પોતાનું જીવન સ્વાહા કર્યું. આ શાક સમારનાર એજ વ્યક્તિ છે જેણે થોડા સમય પહેલાજ બનારસ હિન્દુ યુનિવર્સિટીના શિલાન્યાસ (૧૯૧૬) પ્રસંગે મોટા અંગ્રેજ અમલદારો અને આભૂષણોથી લદાયેલા રાજવીઓને મોઢા મોઢ તેમની નબળાઇની વાત જાહેર પ્રવચનમાં કરી હતી. આવું સત્ય વિધાન કરતી વખતે આ શાક સમારતા વીર પુરુષની વાણીમાં કડવાશ ન હતી તથા ભારોભાર નિર્ભયતા ટપકતી હતી તે વાતનો પ્રભાવ આ પ્રવાસી યુવાનના માનસ પર ઘવાયેલો હતો. મહાત્મા ગાંધીમાં આ યુવાનને હિમાલયની શાંતિ તથા બંગાળની ક્રાંતિના બેવડા ગુણોનું સંયોજન દેખાયું. જ્યારે આ યુવાન બાબતમાં એક પત્ર ગાંધીજી યુવાનના પિતાને થોડા દિવસ પછી લખે છે તે ગાંધીની દીર્ઘદર્શિતાના પુરાવા સમાન છે. બાપુ યુવાનના પિતાને લખે છે : ‘‘ તમારો પુત્ર મારી સાથે છે. નાની ઉમ્મરમાંજ જે તેજસ્વિતા તથા વૈરાગ્ય તેણે કેળવ્યા છે તે કેળવતા મને વર્ષો લાગ્યા હતા. ’’ આજ યુવાન વિશે બાપુ દીનબંધુ એન્ડ્રુઝને લખે છે : ‘‘ આ યુવાન આશ્રમના દુર્લભ રત્નોમાંનો એક છે. આ યુવાન પામવા નહિ આપવા આવ્યો છે. ’’ વીરતા, તેજસ્વિતા અને જ્ઞાને સાથે મળીને જ્યારે અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું હશે ત્યારે વિનોબાજીનું અવતરણ થયું હશે. વિનોબા સિવાય બાપુના આવા પ્રમાણપત્રો કોણ મેળવી શકે ? ૧૧મી સપ્ટેમ્બર (૧૮૯૫)ના દિવસે મહારાષ્ટ્રમાં જન્મ લેનાર આ દાઢીવાળા બાવાની પાવક સ્મૃતિ આ માસમાં અનેક લોકોને વિશેષ રીતે થતી હશે. તરવારના ધારકોને થંભી જવાની વીરહાક વિનોબાજી સિવાય કોણ મારી શકે ? કવિ કાગ લખે છે :
થંભી જાજો હો તરવારીઆ !
કાં તરવાર સજાવો ?
તેગ તોપને ખાંડો ખાંડણીએ
દાતરડાં નિપજાવો..
અલેકીઓ માગવા આવ્યો રે..
આ તો દેશ દખણનો બાવો.
ગઇ સદીના મહામાનવ બાપુ તથા વિનોબા વચ્ચેના અનેક સંવાદો હૈયામાં મઢીને રાખવા જેવા છે. બાપુની આત્મકથા ‘‘સત્યના પ્રયોગો’’ છપાતી હતી ત્યારે વિનોબાએ બાપુને પૂછ્યું. : ‘‘ તમે સત્યવાદી છો એટલે ખોટું તો કશું નહિ લખો. તમારા લખાણથી કોઇ નુકશાન પણ થશે નહિ. પરંતુ તેનાથી ફાયદો શો થશે તેની ખબર નથી. કેમકે તે કથામાંથી જેને જે લેવું હશે તેજ લેશે. ’’ બાપુ ત્વરિત જવાબ વાળે છે. ‘‘ તારા પ્રશ્નમાંજ જવાબ આવી જાય છે. (આત્મકથાથી) નુકશાન નહિ થાય એટલું પૂરતું છે. જ્યાં સુધી ફાયદાને લાગે વળગે છે ત્યાં સુધી આપણાં બધા કામોનું પરિણામ મીંડું છે. આપણે તો સેવા કરી છૂટીએ ’’ વિનોબાજી કહે છે આ જવાબથી મને બાપુના સમગ્ર તત્વજ્ઞાનનું દર્શન થયું. કર્તાભાવના અભાવ સાથે નિષ્કામ કર્મયોગની ભાગવતના મોહનની વાતનો પડઘો જાણે પોરબંદરની ધરતી પર જન્મ લેનારા મોહનની વાતમાં આબેહૂબ રીતે પડે છે. જીવનને કર્મપ્રધાન બનાવીને બાપુએ કર્મયોગ સાથેનો આપણો મજબૂત સંબંધ પુન: પ્રસ્થાપિત કર્યો છે.
દેશની મુક્તિ માટેની ચળવળ ચાલતી હતી તેવા ગાળામાં ૧૯૪૦ માં બાપુ તરફથી વિનોબાને સંદેશો મળ્યો. બાપુએ કહેણ મોકલ્યું કે વિનોબાની સેવાની તેમને જરૂર છે. વ્યક્તિગત સત્યાગ્રહના બાપુના વિચારનો અમલ કરવા માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે બાપુની પસંદગી વિનોબાજી પર ઢળી હતી. બાપુના કહેણના સંદર્ભમાં વિનોદ કરતાં વિનોબાજી બાપુને કહે છે : ‘‘ મારા માટે તમારું અને યમરાજનું તેડું એમ સમાન છે. તેને ના કહી શકાય નહિ. ’’ આ લડતના પ્રથમ સત્યાગ્રહી બનીને વિનોબાજીએ સમગ્ર લડતની દોરવણી કરી.
ભૂદાનની ચળવળના આ સંતે હજારો વ્યાખ્યાનો તથા અનેક પુસ્તકો લખીને આજીવન એક લોકશિક્ષકનું કામ કર્યું. ‘‘ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ્ મા પ્રમદિત્યેવમ્ ’’ વાળું ઉપનિષદ સૂત્ર વિનોબાજી પોતાના જીવનકાર્યથી સાર્થક કરતા ગયા. વિનોબાજી એક વિરલ વિભૂતિ હતા. વિજ્ઞાન અને ધર્મ વિશે એક નૂતન દ્રષ્ટિ તેમણે આપી. દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ ગાંધીના ચીંધેલા માર્ગે લોકશક્તિ નિર્માણનું વિરાટ કાર્ય તેમણે કર્યું. જાગૃત અને સભાન લોકશક્તિજ અમર્યાદિત બની જતી રાજ્યશક્તિને નિયંત્રણમાં રાખી શકે છે તે વાત આ ગાંધીના અનુયાઇ બરાબર સમજતા હતા. જીવનમાં જે કંઇ કરવાની પ્રેરણા મળી તે શંકરાચાર્ય, જ્ઞાનદેવ અને ગાંધી પાસેથી મળી તેવા બાબાના કથનમાં ભારોભાર વિવેક અને સ્વસ્થતાનું દર્શન થાય છે. સમાજ ઘડતરના કાર્ય માટે તેમજ જગતના ઇતિહાસમાં અનોખા કહી શકાય તેવા ભૂદાન કાર્ય માટે વિનોબાજી સદાકાળ યાદ રહેશે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૭/૦૮/૨૦૧૮.
Leave a comment