: વાટે….ઘાટે…. : : ભક્તકવિ સાંયાજી ઝૂલા અને નાગદમણ :

કૃષ્ણભક્તિના અનેક સુંદર પદોમાં કવિ દયારામનું એક અલગ સ્થાન છે. દયારામ કૃષ્ણમય બન્યા છે અને કૃષ્ણનો અભાવ એવી સ્થિતિ તેમને નિરર્થક લાગે છે. તેઓ લખે છે : 

કૃષ્ણ ભજો કૃષ્ણ કહો, 

કૃષ્ણ સુણો પ્રાણી 

કૃષ્ણના સબંધ વિના 

વંધ્યા સૌ વાણી 

દયારામની વાણી કૃષ્ણનો પારસમણી સ્પર્શ પામી છે અને તેથી ધન્ય બની છે. પાકીસ્તાનના એક વહીવટી અમલદાર પરંતુ કૃષ્ણપ્રેમી ક્વયિત્રી પરવીન શાકીર પણ ચોમેર કૃષ્ણમય જગતનું દર્શન કરે છે. 

આજ બન ઉપવનમેં

ચંચલ મેરે મનમેં

મોહન મુરલીધારી.

મહાભારતના આ મહાનાયક કૃષ્ણની ખૂબી છે કે ભિષણ યુધ્ધનું નેતૃત્વ તેઓ જે કુશળતાથી કરે છે તેવીજ કુશળતાથી ગોપાલક ભેરૂબંધોની ભાઇબંધી નિભાવે છે. વ્રજના ભોળા ગોપાલકોની સ્મૃતિમાં રાજવી કૃષ્ણ સતત ઝૂર્યા કરે છે. કવિ કાગ આવા કૃષ્ણ સ્વરૂપનું વર્ણન કરતા લખે છે : 

સાંભર્યો જમનાનો કિનારો

વ્રજવારો મુને સાંભર્યો

દ્વારીકાની મેડીઓમાં

અગ્નિ છે ભાર્યો,

સારો હતો ગોકુળિયાનો ગારો

રે વ્રજવારો મુને સાંભર્યો.

સુપ્રસિધ્ધ ચારણ કવિઓમાં કૃષ્ણ ભક્તિને સંબંધિત સાંયાજી ઝૂલાની ‘નાગદમણ’ રચના ખૂબજ લોકપ્રિય થઇ છે. કવિ લખે છે : 

વિહાણે નવે નાથ જાગો વહેલા

હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા

જગાડે જશોદા જદુનાથ જાગો

મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો.

જન્માષ્ટમીના પાવન પર્વે કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. સાંયાજીનો જન્મ સંવત ૧૬૩૨ (ઇ.સ. ૧૬૮૮) માં થયો હોવાનો મત વધારે પ્રમાણભૂત ગણાય છે. કવિ સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ઝુલા પરિવારમાં થયા પરંતુ તેમની અનન્ય કૃષ્ણભક્તિની રચનાઓ થકી વ્યાપક પ્રસિધ્ધિ અને પ્રશંસા પામેલા છે. નવલા પ્રભાતની જ્યોતિર્મય ક્ષણોમાં માતા યશોદા બાળ કૃષ્ણને જગાડવા માટે પ્રયાસ કરે છે. તે સંદર્ભમાં કવિને આ પંક્તિઓ સ્ફૂરી છે. કવિની એક સુપ્રસિધ્ધ રચના ‘નાગદમણ’ ની શરૂઆત ઉપરની સુંદર પંક્તિઓથી થાય છે. કવિની રચનાના આ શબ્દો વાંચીને મનમાં નરસિંહ મહેતાની સ્મૃતિ થાય છે. ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ જેવી નરસિંહની અમરકૃતિ અનંતકાળ સુધી ગવાતી અને ઝીલાતી રહેવાની છે. સાંયાજી ઝૂલાની ઉપરની પંક્તિઓમાં પણ માતા-પુત્રના સ્નેહભર્યા સંવાદમાં સ્થૂળ રીતે જોઇએ તો નટખટ કાનને ગાયો તથા ગોવાળ સાથે જવા માટે કહેવામાં આવેલું છે. આ સંવાદની તો એક શોભા છેજ પરંતુ અંતરાત્મામાં વસેલા પરમાત્માને ભાવ-ભક્તિથી જગાડવાનો એક વ્યાપક વિચાર પણ તેમાંથી પ્રગટે છે. કવિએ પોતાની દીર્ઘ રચનાના પ્રારંભેજ આ શબ્દો લખીને ભીતરતની ચેતના રૂપી દેવને જાગૃત કરવાનો યજ્ઞ આરંભેલો છે. જીવને શીવત્વ તરફ પ્રયાણ કરવું હોય તો અંતરમાં આવું કૃષ્ણ રૂપી ચેતનાનું જાગરણ થવું જરૂરી છે. આથી કવિની આ રચનાને આત્મ જાગરણની સંહિતા કહેવામાં આવે છે તેમાં સંપૂર્ણ ઔચિત્ય છે. જે રીતે આ રચનાનો ઉઘાડ થયો છે તે ભાતીગળ શબ્દોથી રળિયામણી બની છે. ઉપરાંત તેમાં અંતરનો ઉજાસ પ્રગટાવવાની વાત અભિપ્રેત છે. ચેતના પ્રગટે તો અંદર – બહારનો ઉજાસ એ સહજ રીતે પ્રાપ્ત થાય છે અને આવા અંદરના ઉજાસનું એક સવિશેષ મૂલ્ય છે. સ્થૂળ આંખો કદાચ તેના નિરીક્ષણમાં ક્ષતિ કરે પરંતુ જેમને આંતરિક ઉજાસ ઝળહળા હોય તેમનો માર્ગ પછી સ્થૂળ બાબતોની મર્યાદામાં બંધાતો નથી. કવિ માધવ રામાનુજના સુંદર શબ્દો યાદ આવે : 

અંદર તો એવું અજવાળું અજવાળું

ટળવળતી હોય આંખ જેને જોવાને

એ મીંચેલી આંખેય ભાળું

અંદર તો એવું અજવાળું આજવાળું.

સાંયાજીએ પોતાની રચનાઓમાં કૃષ્ણભક્તિને પ્રાધાન્ય આપેલું છે. કવિની બે દીર્ઘ રચનાઓ – ‘નાગદમણ’ તથા ‘રૂક્ષ્મણીહરણ’ લોકખ્યાતિને વરેલા છે. ડિંગળ શૈલિમાં જે રચનાઓ ચારણો કે ચારણેતર કવિઓએ કરી છે તેનું એક આગવું મૂલ્ય તેમજ સૌદર્ય છે. આ પદોમાં શબ્દોની ઝાકઝમાળ મનમોહક અને ધારદાર હોય છે. ડિંગળ રચનાઓમાં વીરરસ પ્રાધાન્ય જણાય છે. આવી ઝાકઝમાળનું દર્શન ‘નાગદમણ’ માં પણ સહેજે થાય છે. ડિંગળની રચનાઓ મૌલિક છે. આ રચનાઓની છટાદાર રજૂઆત કોઇ કરે ત્યારે શ્રોતાઓ તેના પ્રવાહમાં તણાતા હોય તેવો અનુભવ આજે પણ થાય છે. ડિંગળ રચનાઓએ શાસ્ત્રનો આધાર લીધો હશે પરંતુ તેનો રચનાકાર મોટાભાગે સ્વતંત્ર, મૌલિક તેમજ કાવ્યરચનાની આંતરસૂઝ ધરાવતો હોય તેમ જોવા મળે છે. સાહિત્યના મર્મજ્ઞ ડૉ. પુષ્કર ચંદરવાકરે લખ્યું છે તેમ ભક્તકવિ સાંયાજી તથા આપણાં ભાગવતકારે બાલકૃષ્ણની સુમધુર લીલાને ધ્યાનમાં રાખીને પોતાના પદોમાં મધુરતાનો ધોધ વહાવેલો છે. સાંયાજી ઝૂલા એ વિશેષ કાવ્યાત્મક છે જ્યારે ભાગવતકાર વિશેષ ચરિત્રાત્મક છે તેવું ચંદરવાકર સાહેબનું તારણ ધ્યાન ખેંચે તેવું છે. સાંયાજી ઝૂલાની કાવ્યભોમમાં વિહરતા હોઇએ ત્યારે ભક્તકવિ સુરદાસની સદાકાળ જીવંત રચનાઓ સ્મૃતિમાં આવે છે. આવી રચનાઓ સરળ, સરપૂર્ણ તથા ભાવ સમૃધ્ધ હોવાથી લોકભોગ્ય બની છે.  

હિન્દુસ્તાનના સાહિત્યના ઇતિહાસમાં ભક્તિ આંદોલનનું એક વિશેષ સ્થાન છે. ‘‘ ભાગવત ’’ એ અનેક રચનાઓનો સ્ત્રોત છે. ભક્તિ માર્ગ ભક્તિ પ્રાધાન્ય રહેલો છે. ભક્તિ આંદોલને દક્ષિણ ભારતમાં પોતાનો પ્રભાવ ઊભો કર્યો એ પ્રભાવ સમગ્ર દેશમાં વિસ્તર્યો. મધ્યકાલિન સાહિત્યમાં નરસિંહ, ભાલણ, પ્રેમાનંદ, દયારામ, દાસી જીવણ વગેરેની વ્યાપક અસર ગુજરાતમાં પણ ઊભી થવા પામી. ચારણી સાહિત્યમાં પણ ભક્ત કવિ ઇસરદાસજી જેમ ભક્તકવિ સાંયાજી ઝૂલાએ ભક્તિમાર્ગે કાવ્યધોધ વહાવ્યો છે. કવિની ભાષા પ્રાસાદિક છે. સાંયાજીના સર્જનોમાં ડિંગળી ભાષાની કોઇ ક્લિષ્ટતા જોવા મળતી નથી. ઝવેરચંદ મેઘાણીએ પણ કવિની ભાષાની આ સરળતા અને અકૃત્રિમતાનો ઉલ્લેખ કરેલો છે. શ્રાવણના સરવડા ઝીલીને યોગેશ્વર કૃષ્ણના કર્મયોગના માર્ગે પ્રવૃત્ત થવાનો નિર્ધાર કરવા જેવો છે. આ માર્ગ કદી દુર્ગતિ તરફ લઇ જતો નથી.       

વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૧૮/૦૮/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑