: વાટે….ઘાટે…. : : શંભુપ્રસાદ દેસાઇ : સરકારી સેવામાં લોકસેવક :

સરકારી સેવામાં રહેલા બહુ ઓછા લોકોને લોક સમૂહ યાદ રાખે છે. તેના અનેક કારણો પણ હોઇ શકે છે. આમ છતાં કેટલાક સરકારી અમલદારોએ પોતાની કાર્ય કરવાની વિશિષ્ટ પધ્ધતિને કારણે લોક સમૂહની સ્મૃતિમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરેલું છે. દેશ આઝાદ થયો તે પહેલા તેમજ આઝાદીનો યુગ શરૂ થયો ત્યારબાદ આવા કેટલાક ધન્યનામ અધિકારીઓના નામ સહેજે સ્મૃતિમાં આવે છે. ગુજરાતના મર્યાદિત સંદર્ભમાં વાત કરીએતો લલિતચન્દ્ર દલાલ, અનીલ શાહ, એમ. જી. શાહ તથા શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇ જેવા અધિકારીઓએ પોતાની કાર્ય કુશળતા તેમજ નિષ્ઠાથી લોક માનસ પર પોતાની કાયમી છાપ અંકીત કરી છે. વહીવટીની આંટીઘૂંટીઓ વચ્ચે આ અધિકારીઓએ લોક કલ્યાણના ધ્યેયને નજર સમક્ષ રાખીને પોતાનું વહીવટી યોગદાન આપેલું છે. માળખાકીય મર્યાદાઓ વચ્ચે પણ તેમણે જનતા જનાર્દન માટે સુવિધા તથા સહાયના નૂતન માર્ગો કંડારેલા છે. આથીજ ઓગસ્ટ માસમાં જેમની જન્મજયંતી આવે છે તેવા શંભુપ્રસાદ દેસાઇ (જૂનાગઢ)ની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. દેસાઇ સાહેબની સ્મૃતિને સંકોરતા સુખમય શંભુપ્રસાદને લીંબડી રાજ્યકવિ શંકરદાનજી દેથાએ ભાવથી યાદ કરેલા છે. કવિરાજ લખે છે : 

સુખમય શંભુપ્રસાદ તેં

હમ-તુમ શંભુપ્રસાદ

શંકર કવિ નિત કીજીયે,

શંકર – શંભુ યાદ.

છઠ્ઠી ઓગસ્ટ, ૧૯૦૮ના રોજ ઘૂઘવતા સાગરના સાંનિધ્યમાં જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે જન્મેલા શંભુપ્રસાદ સાગરપેટા થઇને જીવ્યા. માતાપિતાના સંસ્કાર તો ઉજાળ્યાં પરંતુ રાજયની સેવામાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ માટે નવા માપદંડો સ્થાપીને ગયાં. સત્તાધિશોની શેહ શરમમાં આવ્યા સિવાય જાતના જોખમે પણ તેમને સાચી તથા શાણી સલાહ આપી. માનવ જીવનની ગતિ ભાગ્યેજ સમથળ હોય છે. પરંતુ કટોકટીની પળોમાં જે વ્યક્તિ ધીરજ તેમજ દ્રઢતાથી આગળ વધતા રહે તેમનો ઉલ્લેખ ઇતિહાસના ઉજળા પાન ઉપર સ્થાન પામે છે. દેસાઇ સાહેબે પણ જીવનમાં આવાજ વાવાઝોડાનો સામનો કર્યો અને વિષમ કાળે પોતાની કર્મભૂમિ જૂનાગઢ છોડવાની તેમને ફરજ પડી. દીવાન શાહ નવાઝ ભુટોની ટૂંકી દ્રષ્ટિને કારણે જૂનાગઢ રાજ્યના શાસકોએ ઓગસ્ટ-૧૯૪૭ માં પાકિસ્તાન સાથે જોડાણ કરવાનું આત્મઘાતી તથા અવ્યવહારુ પગલું ભર્યું. તા.૧૫/૦૮/૧૯૪૭ના રોજ સમગ્ર દેશમાં આઝાદીનો ઉમંગ તથા ઉત્સાહની લહેર હતી ત્યારે જૂનાગઢમાં અજંપાભરી શાંતિ હતી. જૂનાગઢથી બહાર જવાનું મુશ્કેલ હતું તેવા કપરા સમયે તેઓ અનેક અડચણો વચ્ચે જૂનાગઢ છોડી અમદાવાદ ગયા. અમદાવાદ આવ્યા ત્યારે ઘર-બાર કે અન્ય મિલકતો લઇને જવું શક્ય ન હતું. સ્નેહ – સંબંધ તથા સુવાસની પાંગરેલી વેલને છોડીને હીજરતી બની રહેવાની આ પળ હતી. દેશના ભાગલાની ભયાનક વિભિષિકામાં અનેક લોકોને સહન કરવાનું આવ્યું હતું. દેસાઇ સાહેબ પણ તેમાના એક હતા. પરંતુ કટોકટીની આ ક્ષણોમાં સ્વસ્થતા જાળવીને કાર્ય કરનાર આ કર્મયોગી કસોટીમાં કંચન થઇને બહાર આવ્યા અને જૂનાગઢનો કબજો હિન્દની સરકારે લીધો. જૂનાગઢ રાજ્યના એક અમલદારને પણ દેશના ભાગલા સમયે કેટલી તકલીફો સહન કરવી પડી તે આશ્ચર્ય થાય તેવી છે. કંચનપ્રસાદ કેશવલાલ છાયાએ આ બધી બાબતોનું સુયોગ્ય સંપાદન કરેલું છે તે પ્રયાસ પ્રશંસાપાત્ર છે.  

શંભુપ્રસાદ દેસાઇએ જાહેર વહીવટના ક્ષેત્રમાં જે ઉજ્વળ કામગીરી કરેલી છે તે ભવિષ્યના અનેક સરકારી અધિકારીઓ માટે પથદર્શક બની રહે તેવી છે. કુશળ વહીવટદાર તેમજ બહુશ્રુત વિદ્વાન શંભુભાઇએ સરકારી સેવામાં રહીને સંશોધનના પણ અનેક ક્ષેત્રોમાં યોગદાન આપ્યું. જૂનાગઢ રાજ્યની સેવાથી શરૂ કરી ભારતીય વહીવટી સેવા (આઇ.એ.એસ.) સુધીની તેમની કારકિર્દી ભાતીગળ છે. એક વહીવટી અધિકારી ઉપરાંત ઇતિહાસના મર્મજ્ઞ તેમજ વિશિષ્ટ કાવ્ય સર્જનશક્તિ પણ ધરાવતા હોય તેવા જૂજ દાખલાઓ હશે. કવિ શ્રી દુલા ભાયા કાગના શંભુભાઇ મિત્ર હતા. ઉપરાંત કવિ શ્રી કાગ તથા લીંબડી રાજ્યકવિ શંકરદાનજી દેથા દેસાઇ સાહેબની કવિત્વ શક્તિની હમેશા મૂકતકંઠે પ્રશંસા કરતા હતા. ઇતિહાસના ઊંડા અભ્યાસુ દેસાઇ સાહેબે સૌરાષ્ટ્ર ઇતિહાસ સંશોધન સભાની સ્થાપના ૧૯૭૪ માં કરી હતી. સુવિખ્યાત પંડિત કે. કા. શાસ્ત્રી શંભુભાઇને સર્વસંગ્રહ જેવો સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખવા માટે અંતરથી બીરદાવે છે. શંભુભાઇની ઇતિહાસ દ્દષ્ટિની મુકતમને પ્રશંસા કરતા સુવિખ્યાત સાક્ષર ડોલરભાઇ માંકડ લખે છે કે શંભુપ્રસાદભાઇની નજર માત્ર ઇતિહાસના વિવિધ સંગ્રામો ઉપર કે હારજીતના કિસ્સાઓ સુધી મર્યાદિત રહી નથી. શંભુભાઇએ તો ઇતિહાસના જે તે કાળના સાહિત્ય, સમાજ, શિલ્પ તેમજ કળાઓ બાબતમાં પણ ઐતિહાસિક જાણકારીનો ધોધ વહાવ્યો છે. છત્રાવાના કવિ શ્રી પિંગળશીભાઇ લીલા તેમની અનોખી શૈલીમાં શંભુભાઇને બિરદાવે છે.

ડગ્યા નથી ડગશે નહિ

મેરૂ તણાં મુકામ

રહેશે કાયમ હરદયમાં

શંભુ તણાં સન્માન.

જૂનાગઢ નવાબની, સૌરાષ્ટ્ર રાજયની તથા દ્વિભાષી મુંબઇ રાજ્ય અને ગુજરાત સરકારની સેવા તેમણે જન સાધારણ તરફના સ્નેહ થકી દીપાવી જાણી. સ્વમાનના ભોગે કોઇ કામ કર્યુ નહિ. કવિઓના તેમજ પ્રજાના માનીતા આ વહીવટદાર વહીવટની એક નવી મીસાલ કાયમ કરતા ગયા. માત્ર છવ્વીસ વર્ષની વયે જૂનાગઢ રાજ્યની સેવામાં જોડાયેલા શંભુભાઇ પોતાના સમગ્ર સેવાકાળ દરમિયાન સમાન પ્રકારે અસરકારક તેમજ અનોખા રહ્યા. ઇતિહાસનું હેતુલક્ષી આલેખન પણ તેમની ઉજળી કારર્કિદીના એક મહત્વના ભાગ સમાન બની રહયું. ગુજરાત રાજયના જાહેર વહીવટના ક્ષેત્રમાં દેસાઇ સાહેબનું યોગદાન ચિરકાળ સુધી માર્ગદર્શક રહેશે. તેમની ઉજળી સ્મૃતિ વિસરી જવા તેવી નથી. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર. 

તા.૦૬/૦૮/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑