: ક્ષણના ચણીબોર : : સૌમ્ય – રૌદ્ર – કરાળ – કોમળ બાપુ અને મેઘાણી :

મહાભારતની કથાનું જાણે પુનરાવર્તન થતું હોય તેવી સ્થિતિ ૧૯૩૧ ના ઓગસ્ટ મહીનામાં થઇ રહી હતી. મહાભારતના કથાનક મુજબ એક તરફ સર્વ સત્તા તેમજ સર્વ સંપત્તિના બની બેઠેલા માલિક સમાન કૌરવકુળના મહારાજા દુર્યોધન હતા. બીજી તરફ અન્યાયના ઓછાયા હેઠળ ગુમનામી દશામાં જીવતા પાંચ પાંડવ તથા દ્રૌપદી અને માતા કુંતી હતા. બન્ને વચ્ચે કડી બનીને ન્યાય મેળવવાની ચિંતા સેવતા યોગેશ્વર કૃષ્ણ હતા. લગભગ આજ રીતે ૧૯૩૧ માં પણ પરાધિનતાની બેડીઓ પહેરીને હિન્દુસ્તાનનો વિશાળ જન સમૂહ શોષણ તથા અપમાનજનક સ્થિતિમાં જીવી રહ્યો હતો. સામા પક્ષે દુનિયાના અનેક પ્રદેશો ઉપર આધિપત્ય ભોગવીને સત્તા તેમજ સમૃધ્ધિનો ઘમંડ ધરાવતું ઇંગ્લાંડ હતું. કરોડો ભારતીયોની મુંગી વેદનાનો દાવાનળ હૈયામાં સંઘરીને ધીમા છતાં મક્કમ પગલા ભરનાર પોતડીધારી મોહન હતા. દુર્યોધન સાથેની મંત્રણાઓનું પરિણામ શૂન્ય હતું. અહીં મહાત્મા ગાંધી પણ અંગ્રેજ સત્તાધિશોની અકારણ અકડાઇની અનુભૂતિ કરીને ખાલી હાથે તથા ભારે હૈયે પાછા ફરી રહેલા હતા. કૃષ્ણ તથા ગાંધીએ કરેલી ન્યાયની વાત બન્ને પ્રસંગોમાં શાસકોના ગળે ઉતરી ન હતી. બન્ને ઘટનાઓમાં સંઘર્ષણના મંડાણ અનિવાર્ય બન્યા હતા. ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહેલું હતું.  

મેઘાણીના જન્મજયંતીના માસમાં તેમની સ્મૃતિ થાય છે. ઓગસ્ટના ઐતિહાસિક માસ સાથે બીજી પણ અનેક યાદગાર ઘટનાઓ સંકળાયેલી છે. દેશની મુક્તિના દ્વાર આ મહિનામાં જ ખુલ્યા. લાલ કિલ્લા પરથી એક નવલા પ્રભાતની પંડિત નહેરૂએ કરેલી ઘોષણામાં દેશના કરોડો માનવીઓની આકાંક્ષાઓનો પ્રતિભાવ પડઘાતો હતો. દેશના ભાગલાની લોહીયાળ ઘટના પણ આજ સમયમાં જગતે જોઈ. અનેક નિર્દોષ લોકોનો અકારણ ભોગ આ વિભિષિકાએ લીધો. આઝાદીનો ઉત્સવ દેશમાં ઉજવાતો હતો ત્યારે આ સોનેરી સ્વતંત્રતાના જનક ગાંધીજી બંગાળમાં ડહોળાયેલી સ્થિતિની વચ્ચે દુ:ખી ભાંડુઓની વચ્ચે જઈને ઊભા હતા. આ માસમાં જ ગુજરાતના સમર્થ સંશોધક-લેખક પત્રકાર તથા લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો. (તા.૨૮ ઓગસ્ટ-૧૮૯૬) કેટકેટલી અસાધારણ ઘટનાઓની સ્મૃતિ ઉરમાં સંઘરીને કાળદેવતા ઊભા હશે !

ગોળમેજી પરિષદમાં બાપુ જતા હોય તેની કથાનો કડીબધ્ધ ઈતિહાસ લખવા સૌરાષ્ટ્રના તે સમયના નિષ્પક્ષ તથા નીડર પત્રકારત્વના મશાલથી અમૃતલાલ શેઠ તલપાપડ થતા હોય તે સ્વાભાવિક છે. તેમના ‘સૌરાષ્ટ્ર’ અખબારના માધ્યમથી ગોળમેજી પરિષદની ઘટના સાથે વણાયેલા અસંખ્ય રાજકીય તાણાંવાણાં ઉકેલીને તે રજૂ કરવાનો શેઠ સાહેબનો પ્રયાસ હતો. પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે સમગ્ર પ્રસંગના કેન્દ્ર સમાન ગાંધીજીના મનોજગતનું ચિત્રણ કોણ કરી શકે ? તંત્રી અમૃતલાલ શેઠ જાણતા હતા કે આ કામ માત્ર મેઘાણી જ કરી શકે ! મેઘાણીભાઈ કવિ હતા. દ્રષ્ટા હતા. અસંખ્ય જનસમુદાયની વેદના ગાંધીની દ્રષ્ટિ મુજબ પારખનારા આ સર્જક હતા. નિહતર ‘‘છેલ્લો કટોરો’’ જેવી ધારદાર તથા અમર રચના કોણ કરી શકે ? તેમની તીક્ષ્ણ અને જાગૃત દ્રષ્ટિએ આ પ્રસંગને અનુરૂપ આ અમર રચનાનું સર્જન થયું. રચના એવી સચોટ કે તે ગાંધીને પણ સ્પર્શી ગઈ તેની પ્રતિતિ મહાદેવભાઈના લખાણ પરથી થાય છે. બાપુની ગોળમેજી પરિષદના પ્રયાણના આખરી સમયે જ ગીત રચાયું. ગીતની કેટલીક પ્રતો કઢાવીને આ ગીતના શબ્દો તાબડતોબ મુંબઈ પહોંચાડવાનો અર્થપૂર્ણ પ્રયાસ અમૃતલાલ શેઠે કર્યો. મુંબઈ બંદર પરથી ગાંધીજીની વિદાયના ટાણે ગીતની પ્રતોની વહેંચણી થઈ. પ્રસંગનું ગાંભીર્ય તો હતું જ. પરંતુ આ ઉજળા પ્રસંગને ચાર ચાંદ લગાડવાનું  વિરાટ કાર્ય મેઘાણીની નીવડેલી કલમે કર્યું. રાષ્ટ્રપિતાના મનોભાવો તથા વેદનાનું આવું ચિત્રણ કદાચ કોઈ પણ ભાષાના પદ્ય કે ગદ્યમાં મળવું મુશ્કેલ છે. સમગ્ર હિન્દુસ્તાન પૂરા આદરથી ગાંધીને ‘ખુદા હાફીઝ’ કહે છે. સત્યની આફરી તાવણી માટે ઝેરનો કટોરો પી જવા માટે કવિ આગ્રહ કરે છે !

છેલ્લો કટોરો ઝેરનો! આ: પી જજો બાપુ

સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો બાપુ

સુર અસુરના આ નવયુગી ઉદધિ- વલોણે

શી છે ગતાગમ રત્નના કામી જનોને !

તું વિના શંભુ ! કોણ પીશે ઝેર દોણે

હૈયા લગી ગરવા ગરલ ઝટ જાઓ રે બાપુ ! 

ઓ સૌમ્ય-રૌદ્ર! કરાળ-કોમલ! જાઓ રે બાપુ !

બાપુની વિરાટ પ્રતિભા મેઘાણીભાઈના શબ્દોમાં કાળા વાદળોની વચ્ચે વિજ ચમકે તેમ આ કૃતિમાં ચમકી રહે છે. ‘રાજપૂતાના’ સ્ટીમરે પંથ ખેડવાનો પ્રારંભ કર્યો તે પછી મહાદેવભાઈ અનેક પત્રો સાથે મેઘાણીભાઈનું આ કાવ્ય પણ બાપુને વાંચવા આપે છે. આ રચના વાંચીને ગાંધીજીએ કહ્યું: ‘‘મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે.’’ આરપાર જોઈ શકવાની આવી કવિ દ્રષ્ટિ જગતે બહુ ઓછા કિસ્સામાં જોઈ હશે. 

ગોળમેજી પરિષદમાં કોઈ ચમત્કારી પરિણામ આવે તેવી આશા ભાગ્યે જ કોઈને હતી. પરંતુ બાપુએ ઈંગ્લેન્ડના વિશાળ માનવ સમુદાયની હિન્દુસ્તાનની મુક્તિ માટેની લડત માટે વ્યાપક સહાનુભૂતિ મેળવી હતી આ એક મોટી સિધ્ધિ હતી. બાપુ જ્યારે ગળમેજી પરિષદમાંથી હિન્દુસ્તાનમાં પાછા આવ્યા ત્યારે પણ મેઘાણીભાઈએ આ ઐતિહાસિક યાત્રાના નાયકને વધાવતી પંક્તિઓ લખી! શાયર ભાવુક થઈને ગાંધી જે માર્ગે આવતા હતા તે સાગરને જાગૃત થવા આહવાન કરે છે. દેશનો ‘પ્રાણધાર’ પાછો આવે છે તેની સુખ-સુવિધા માટે સાગરને ‘હૈયે હિંડોળા બાંધવાની’ વાત આ કવિજ કરી શકે !

સૂતો રે હોય તો જાગજે સાયર!

ઘેર આવે પ્રાણધાર

હૈયે તારે બાંધ હિંડોળા

મોભી મારો ખાય બે ઝોલા….

માતા ! તારો બેટડો આવે

આશાહીન એકલો આવે.

શ્રાવણની ભીનાશ લઈને જન્મેલા આપણા મહાકવિ મેઘાણીની ઓગસ્ટ માસમાં વિશેષ સ્મૃતિ થાય તે સ્વાભાવિક છે. કવિ કાગે તેમને ઉચિત અંજલિ આપતા શબ્દો લખ્યા છે :

લેખક સઘળા લોકની

ટાંકુ તોળાણી

વધી તોલે વાણીયા

તારી લેખણ મેઘાણી.

વી. એસ. ગઢવી

ગાંધીનગર. 

તા.૩૦/૦૭/૨૦૧૮.  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑