: વાટે….ઘાટે…. : : મોરબી જળ હોનારતની દર્દભરી દાસ્તાન :

મોરબી માટે ૧૯૭૯ના વર્ષનો ઓગસ્ટ મહીનો ગોઝારો નીકળ્યો. ૧૧મી ઓગસ્ટે નગરપાલિકાના પ્રમુખ તેમજ મોરબીના મામલતદાર વચ્ચે થયેલો સંવાદ કાળજુ કંપાવી નાખે તેવો વિષાદપૂર્ણ છે. 

આ બન્ને જવાબદાર લોકો શહેરમાં મહા પ્રયત્ને જતા હતા અને સામેથી એક બાળક તણાતુ આવ્યું. નગરપાલિકાના પ્રમુખે બાળકને બચાવવાના આશયથી કાળજીપૂર્વક ઊંચકી લીધું. આસપાસ નજર નાખી. બાળકના કોઇ વાલી દેખાયા નહિ. બાળક સામે ધ્યાનથી જોતાં પ્રમુખને ખાતરી થઇ કે બાળકમાં ચેતનાનું નામ ન હતું. પ્રમુખે ઘેર જઇને પોતાના કુટુંબીજનોને બાળક સોંપી દીધું. બાળકના કોઇ વાલી કદાચ આવે તેવી પણ આશા હતી. આથી જરૂરી સમજ – સૂચના ઘરના સભ્યોને આપી. ફરી પાછા મામલતદાર પાસે જવા નીકળ્યા ત્યારે પાણીનો જથ્થો રસ્તાઓ પર વધી ગયો હતો તે તેઓ જોઇ શક્યા. મામલતદાર હતા ત્યાં બજારના મધ્ય ભાગમાં મુશ્કેલીથી પહોંચ્યા. મામલતદાર સ્તબ્ધ હતા. પ્રમુખને જોઇ તેઓ રૂંધાતા અવાજે બોલ્યા : ‘‘ તમે છોકરું મૂકવા ગયા હતા પણ અહીં તો પતી ગયું ! ’’ ગૂંચવાઇને પ્રમુખ કહે :    ‘‘ શું પત્યું ? ’’ ‘‘બધુંજ ’’ મામલતદારના મોઢેથી મહામહેનતે નીકળેલો આ શબ્દ મચ્છુના અફાટ જળરાશી ઉપર દૂર સુધી વિસ્તરતો રહ્યો. અસહાય માનવી કુદરતના પ્રોકાપ સામે ફરી એકવાર વામણો પૂરવાર થયો. ઘટના વિશે અનેક દસ્તાવેજો લખાયા. આ બધામાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના ટોમ વૂટન તથા ઉત્પલ સાંડેસરાએ લખેલો વ્રતાંત એક વિશિષ્ટ તથા યાદગાર દસ્તાવેજ છે. અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકનું શિર્ષક પણ ખૂબજ સૂચક હતું. (No one had a tongue to speak) લેખકોના ઝીણવટભર્યા તેમજ વ્યાપક સંશોધનના આધારે પુસ્તક જીવંત બન્યું છે. નિરંજન સાંડેસરાએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો. ‘‘ ઝીલો રે મચ્છુનો પડકાર ’’ એ પુસ્તક રાજકોટના પ્રવિણ પ્રકાશને પ્રસિધ્ધ કરેલું છે. અમેરિકાના હિસ્ટોરિયન રિચર્ડ વાઇટે આ આલેખનને ઊંડા સંશોધન તેમજ ઊંડી સહાનુભૂતિથી લખાયેલી કથા તરીકે વખાણી છે. વિષયની છણાવટ ભવિષ્યમાં પણ સંદર્ભ તરીકે ઉપયોગી બની રહે તેવી છે. ૨૦૦૬ ના વર્ષમાં ટોમ વૂટન તથા ઉત્પલ સાંડેસરાએ લગભગ ત્રણ મહિના સુધી જાત માહિતી મેળવીને તેમજ દસ્તાવેજોની ચકાસણી કરીને આ મહા વિનાશક ઘટનાની અનેક હકીકતો રોચક શૈલીમાં આલેખી છે. અનેક જાણકાર લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જે અનુભવોની જાણકારી સંશોધકોને આપી તેનાથી આ દસ્તાવેજી કાર્ય સમૃધ્ધ બની શક્યું છે. જળ હોનારતનો ભોગ બનેલા અસંખ્ય લોકોને આ પુસ્તક અર્પણ કરવામાં આવેલું છે. મચ્છુ નદી પરનો બંધ તુટવાની ઘટના કદી વિસ્મૃત થઇ શકે તેવી નથી. 

સૌરાષ્ટ્ર – કચ્છની ઉત્સવપ્રિય તથા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતી પ્રજાને શ્રાવણ માસનું એક વિશેષ મહત્વ છે. આવોજ માહોલ ૧૯૭૯ ના વર્ષના શ્રાવણ માસમાં પણ હતો. સોનામાં સુગંધ ભળે તેમ ૧૯૭૯ માં જન્માષ્ટમી તથા ૧૫મી ઓગસ્ટ બન્ને એકજ દિવસે આવતા હતા. તે સમયમાં રાજકોટ જિલ્લાના મોરબી નગરના લોકો પણ આવાજ ઉમંગ ઉત્સાહથી સાતમ આઠમના તહેવારો માણવા થનગની રહ્યા હતા. મોરબીની ઓળખ મચ્છુકાંઠાના નગર તરીકે સ્થાપિત થયેલી છે. મોરબીને શણગારી મચ્છુ નદી કચ્છના અખાતને મળે છે અને પોતાના અસ્તિત્વને આ ખારાપાટમાં ઓગાળે છે. 

દેશ સ્વતંત્ર થયા બાદ અલગ સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી. સૌરાષ્ટ્ર સરકારે વાંકાનેર નગર પાસે મચ્છુ નદી પર એક ડેમના નિર્માણનો પ્રોજેક્ટ હાથ પર લીધો. આ બંધ મચ્છુ બંધ-૧ તરીકે ઓળખાયો. આ ડેમનું નિર્માણ થયા પછી પણ મચ્છુ નદીના પાણીના પ્રવાહને નિયંત્રિત કરીને બીજો એક બંધ બનાવી શકાય તેવી સ્થિતિ હતી અને વ્યાપક લાગણી પણ હતી. આ રીતે મોરબી પાસે મચ્છુ-ર બંધનો વિચાર થયો. ૧૯૭૨ માં આ બંધનું કામકાજ લગભગ પૂર્ણ કરવામાં આવ્યું. એક એવો ઐતિહાસિક સંદર્ભ ચર્ચામાં રહેલો છે કે ૧૯૨૦ ના દસકામાં મોરબી ઠાકોર લખધીરજી જાડેજાએ એમની રાજધાનીના વિસ્તારના ખેડૂતોના લાભ માટે મચ્છુ નદી પર બંધ બાંધવાનો વિચાર કરેલો. તે સમયના દેશના સુવિખ્યાત તથા વિદ્વાન ઇજનેર સર એમ વિશ્વેસરૈયાની આ બાબતમાં તાંત્રિક સલાહ – માર્ગદર્શન મોરબીના રાજવીએ મેળવેલા હતા. સર વિશ્વેસરૈયાને આ બંધ મોરબી નગરની સલામતી માટે યોગ્ય જણાયો ન હતો. આ સલાહ પરથી બંધ બાંધવાની યોજના જે તે સમયે પડતી મૂકવામાં આવેલી તેમ કહેવાય છે. જો કે સત્તાવાર નોંધ મુજબ જમીનના હક્ક બાબતની ગૂંચવણોને કારણે ઠાકોર લખધીરજીએ બંધ બાંધવાની યોજના પડતી મૂકી હતી. 

આ પુસ્તકના સમીક્ષકોએ પુસ્તકમાં રજૂ થયેલ વિગતો દરેક કાળમાં સાંપ્રત છે તેમ લખ્યુંછે તે યથાર્થ છે. લોકો કામ કરતા જાય અને વેદનાના આંસુ પણ સારતા જાય તેવું વિરલ દ્રશ્ય દુનિયાએ પૂરગ્રસ્ત મોરબીમાં જોયું. અનેક સંસ્થાઓ તથા વ્યક્તિઓ રાહત તથા પુન: નિર્માણના કામમાં સ્વેચ્છાએ જોતરાઇ ગયા. આફતને પણ અવસરમાં પલટી નાખવાનો ગુજરાતીઓનો જુસ્સો જગતે જોયો. રાજ્યની સરકારે મોરબીમાંજ પડાવ પાથરીને ત્વરીત તથા અસરકારક નિર્ણયો કર્યા. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી બાબુભાઇ પટેલની વહીવટમાં જોવા મળતી માનવીય સંવેદનશીલતાનો અનુભવ મોરબીએ કર્યો. આફતનો પ્રતિકાર કરવા માટે આપણે સારી એવી સજ્જતા કેળવી છે. આમ છતાં દરેક કુદરતી આફત સમાજ જીવન ઉપર ઊંડા ઘાવ છોડીને જાય છે. નિર્માણ તથા વિનાશની આ પ્રક્રિયા આપણાં જીવનના અભિન્ન ભાગ બની ગયા છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૨૪/૦૭/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑