: હરિરસ : ભક્ત કવિ ઇસરદાસજીની કાળજયી રચના :

સંત સાહિત્યનો દબદબો મધ્યયુગથી શરૂ કરીને આજ સુધી અકબંધ રહેલો છે તેમ કહી શકાય. નરસિંહ કે મીરાં, કબીર કે તુલસીના નામો લોકજીભે તથા લોકહૈયે સ્થાન પામેલા છે. અનેક પ્રકારના બાહ્ય કે આંતરિક સાંસ્કૃતિક આક્રમણો સામે સંત સાહિત્યના વાહકોએ સમાજના હીર તથા ખમીરને જીવંત તથા ધબકતા રાખેલા છે. સંત સાહિત્યની રચનાઓમાં કેટલાક ચારણ કવિઓની રચના સુવિખ્યાત થયેલી છે. ચારણી સાહિત્યની આ કાળની રચનાઓમાં ભક્ત કવિ ઇસરદાસજી રચીત ‘હરિરસ’ ગ્રંથનો સમાવેશ થાય છે. ભક્ત કવિ ઇસરદાસજીએ રાજસ્થાનના – ભાદરેસ ગામમાં જન્મ લઇને ગુજરાતમાં દ્વારકાધીશને રીઝવ્યા હતા. 

સંત ઇસરદાસજીની અનેક રચનાઓ છે. પરમ તત્વ સાથેના અનુસંધાન તથા અપાર શ્રધ્ધાના કારણે સંતકવિની વાણી બળકટ બનેલી છે. ભાવનગર રાજ્યના વિદ્વાન દિવાન સર પ્રભાશંકર પટ્ટણીએ ૧૯૨૮માં શંકરદાનજી દેથાએ સંપાદિત કરેલ હરિરસ ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું હતું કે ઇસરદાસનું મુખ્ય લક્ષણ તેમની શ્રધ્ધા છે. આવી શ્રધ્ધા જેનામાં હોય તેઓ ઇસરદાસને વધારે સારી રીતે સમજી શકશે. ભક્ત કવિ ઇસરદાસજીની અનેક ઉત્તમ રચનાઓમાં હરિરસ તેમજ દેવિયાણનો સમાવેશ થાય છે. જગત નિયંતાની મોટાઇને વંદન કરતા કવિ લખે છે કે ઇશ્વર કૃપા હોય તોજ ખરા અર્થમાં માનવીને મોટાઇ પ્રાપ્ત થાય છે.

સાંયા તુજ બડો ધણી

તુજસો બડો ન કોઇ

તું જેના શિર હથ્થ દે

સો જગમે બડ હોય.

સંત સાહિત્યમાં નામ સ્મરણનો મોટો મહીમા છે. તુલસીદાસજીએ પણ દરેક કાળમાં નામ સ્મરણના સાધનનેજ જીવનમાં પ્રાધાન્ય આપવા કહેલું છે. ઇસરદાસજીએ પણ નામ સ્મરણના મહીમાનો બુલંદ પડઘો પોતાની વાણીમાં ઝલ્યો છે.

હરિ હરિ કર પરહર અવર

હરિ રૌ નામ રતન્ન !

પાંચો પાંડવ તારીયા

કર દાગિયો કરન્ન.

નામ સ્મરણમાં અતુટ શ્રધ્ધાના બળે પાંડવ પુત્રો અનેક વિપત્તિઓમાં પણ નખશીખ સલામત રહી શકયા. શબરીએ સમગ્ર જીવન નામ સ્મરણની અને દર્શનની અખૂટ શ્રધ્ધાના બળે પસાર કર્યું. ગઇ સદીના વિશ્વ માનવ ગાંધીએ જીવનની અંતિન કસોટીની ક્ષણે પણ નામ સ્મરણ કરીને પરલોકમાં પ્રયાણ કર્યું. આથી ઇસરદાસજીએ પણ         ‘‘હરિરસ’’ ગ્રંથમાં લખ્યું : 

નામ સમોવડ કો નહિ

જપ તપ તીરથ જોગ,

નામે પાતક છૂટશે,

નામે નાસે રોગ.

જ્યાં જાગે ત્યાં રામ જપ

સૂતા રામ સંભાર

ઉઠત બૈઠત આતમા

ચાલંતા રામ ચિતાર.

હરિરસનો જ્ઞાન વૈભવ પરમ પવિત્ર ગ્રંથ શ્રીમદ્દ ભાગવત જોડાજોડ મૂકી શકાય તેવો છે. ભક્ત કવિ ઇસરદાસજીના અધ્યાત્મ ઉન્નતિ અર્થે થયેલા જીવન પ્રવાસમાંથી લોકહિતાર્થે હરિરસની રચના થઇ છે. પરમતત્વની ઉપાસનાનું આવું સચોટ નિરુપણ ભાગ્યેજ જોવા મળે તેવું છે. હરિરસ તથા દેવીયાંણ એ ઇસરદાસજીના સુપ્રસિધ્ધ ગ્રંથોની સરાહના રાજ્યકવિ શ્રી શંકરદાનજી દેથાએ સુંદર તથા અર્થસભર શબ્દોમાં કરી છે.

વાંચો શ્રીમદ્ ભાગવત

મોટો ગ્રંથ મહાન

કે આ હરિરસ નીત પઢો

શુભ ફળદાયી સમાન

વાંચો દુર્ગા સપ્ત શતી,

યા વાંચો દેવીયાંણ

શ્રોતા-પાઠીકો પરમ

સુખપ્રદ ઉભય સમાન.

ભકત કવિએ વિચારયુકત સલાહ તથા ચેતવણી સૌને આપી છે. જે ગતિથી જીવન વ્યતિત થતું રહે છે તેમાં હરિસ્મરણ થતું નથી તેનું પુન: સ્મરણ ભક્ત કવિ કરાવે છે. વીજળીના ચમકારે મોતી પરોવવાની પાનબાઇની લાગણીનું પણ અહી દર્શન થાય છે. ઇસરદાસજીએ લખ્યું છેઃ

અવધ નિર તન અંજળી

ટપકત શ્વાસ ઉશ્વાસ
હરિ ભજ્યા વિણ જાત હૈ

અવસર ઇસરદાસ.

મહાત્‍મા ઇસરદાસજીએ હરિરસ ઉપરાંત વિપુલ સાહિત્‍યનું સર્જન તેમના જીવનકાળ દરમ્‍યાન કર્યું. તેમનું સાહિત્‍ય ગુજરાત તથા રાજસ્‍થાનની સહિયારી સંપત્તિ છે. મધ્‍યકાલિન યુગમાં જ્ઞાન, વૈરાગ્‍ય અને સંસ્‍કારના ફેલાવા માટે વિવિધ પ્રદેશોમાં થયેલા ઇસરદાસજી જેવા સંત-ભક્તોએ ખૂબજ મહત્‍વનો ફાળો આપ્‍યો છે. લોકો સમજી શકે તેવી સરળ ભાષા અને શૈલીમાં તેમણે સચોટ ઉદાહરણો સાથે વેદો અને ઉપનિષદોમાં પ્રબોધેલું જ્ઞાન લોકો સુધી પહોચતું કર્યું. મેઘાણીભાઇના મત મુજબ આપણાં આ સંતકવિઓ, ભક્તકવિઓએ શ્લોક તથા લોક વચ્‍ચેનું અસરકારક અનુસંધાન કરેલું છે. રામાયણ કે મહાભારત જેવા આપણા મૂલ્‍યવાન ગ્રંથોમાં ગ્રંથસ્‍થ થયેલી વાતો તેમજ તેનું વિચારતત્‍વ આપણાં સંતકવિઓના માધ્‍યમને કારણેજ મુખ્‍યત્‍વે લોક સુધી પહોચ્‍યું. આ બધા ભક્તકવિઓએ સંસારમાં રહીને તથા લોકો વચ્‍ચે ઉજળા જીવન જીવીને સહજ રીતે તથા સરળ ભાષામાં જ્ઞાનનો પ્રવાહ લોક સુધી પહોંચાડ્યો. સંતકવિઓનું સમાજને આ સૌથી મોટું તથા મહત્‍વનું પ્રદાન છે. ‘હરિરસ’ ના પાઠ આજે પણ ઘણાં ઘરોમાં નિયમિત રીતે થાય છે. ‘હરિરસ’ ની ગ્રંથયાત્રાનો પણ એક પ્રયાસ થોડા વર્ષો પહેલા થયો હતો જેને વ્યાપક લોક પ્રતિસાદ મળ્યો હતો. ‘હરિરસ’ એ સંત ઇસરદાસજીનું અમર સર્જન છે. 

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૨૦/૦૬/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑