: સંસ્કૃતિ : : જગદીશ ત્રિવેદી અને બાવન ફૂલડાંનો બાગ :

‘બાવન ફૂલડાંનો બાગ’ એ શબ્દ સાંભળતાંજ જાજ્વલ્યમાન કવિ કાગ (ભગતબાપુ)નું સ્મરણ થાય છે. કોઇને આ દાઢીવાળા આડાભીડ કવિનો પરિચય આપવો પડે નહિ. ભગતબાપુ સાથે જેમની વાત કરવાની છે તે ડૉ. જગદીશ ત્રિવેદી પણ દેશ – વિદેશના તેમના કાર્યક્રમો તેમજ અનેક પુસ્તકોથી સાહિત્ય જગતનું પ્રીતિપાત્ર નામ બન્યા છે. શાહબુદ્દીનભાઇના વારસાને પચાવીને જગદીશ ત્રિવેદીએ તેને દીપાવી જાણ્યો છે. આથીજ વિશાળ જનસમૂહમાં નિર્દોષ તેમજ અર્થસભર હાસ્યરસ પીરસીને જગદીશભાઇ ઝીલાયા છે તથા મુક્તકંઠે વધાવાયા છે. આપણાં લોક ડાયરાઓમાં આ હાસ્ય કલાકારો સહજ રીતે લોકરંજન માટે ખીલી ઉઠે છે. જગદીશભાઇએ બાવન ફૂલડાંના બાગની સૌરભ પણ આકંઠ માણી છે તેમજ ગમતાંનો ગુલાલ કરીને આ મીઠી સોડમ આપણાં સુધી કુશળતાપૂર્વક પ્રસરાવી છે. આમ પણ ભીતરના ભાવથી જે કામ થાય છે તે જૂદું તરી આવે તેવું અસરકારક હોય છે. જગદીશ ત્રિવેદીએ ભીતરના ભાવ તથા કુદરતી હૈયા ઉકલત સાથે ભગતબાપુના બાવન ફૂલડાંના બાગની આરતી ઉતારી છે. પરિણામ સ્વરૂપે ‘‘કાગમાળા’’ સ્વરૂપે નાની પુસ્તીકા (ગૂર્જર પ્રકાશન) આપણાં સુધી પહોંચી છે. પુસ્તીકા જોઇને બાવન ફૂલડાંના બાગના માળીને યાદ કરતા હિંગોળદાન નરેલાનો દૂહો યાદ આવે છે : 

મધમધતો મૂકી ગયો

બાવન ફૂલડાંનો બાગ,

અમ અંતરને આપશે

કાયમ સૌરભ કાગ.

એ બાબત સુવિદિત છે કે ભગતબાપુ રચિત કાગવાણીનો પાંચમો ભાગ ‘બાવન ફૂલડાંનો બાગ’ તરીકે ગદ્ય સ્વરૂપે પ્રગટ થયેલો છે. જગદીશભાઇએ ૨૦૧૮ની ૧૯મી ફેબ્રુઆરીએ કવિ કાગની પુણ્યતિથિ નિમીત્તે કવિ કાગના ગામ મજાદરમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં ‘બાવન ફૂલડાંનો બાગ’ વિશે રસપ્રદ વાતો કરી. મજાદરમાં ઉપસ્થિત રહીને જગદીશ ત્રિવેદીનું કથન સાંભળનારા તમામ લોકો જગદીશભાઇના રસપ્રદ, માહિતીપ્રદ તથા સરળ કથનમાં તણાયા હતા તેમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. એ કહેવાની કદાચ ભાગ્યેજ જરૂર છે કે કાગ ચોથના આ ઐતિહાસિક દિવસે ‘કાગના ફળિયે કાગની વાતુ’ થાય છે. અનેક કાગપ્રેમી સાહિત્ય રસીકો આ નિમીત્તે મજાદર જાય છે. દર વર્ષે યોજવામાં આવતા આ જાણીતા ઉપક્રમને પૂ. મોરારીબાપુની નિયમિત હાજરી તથા હૂંફ મળે છે જેથી કાર્યક્રમને એક અનોખું ગૌરવ તથા ગરિમા પ્રાપ્ત થાય છે. દર વર્ષે આ કાર્યક્રમમાં હાજરી આપનાર લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહે છે. ભગતબાપુની ચેતનાને વંદન કરવા આ પ્રસંગે કાગપ્રેમી સાહિત્યપ્રેમીઓનો જાણે મેળો ભરાય છે.

‘બાવન ફૂલડાંનો બાગ’ ના નામથી પ્રસિધ્ધ થયેલા કાગવાણી ભાગ-પ નું એક વિશેષ મહત્વ છે. ઋષિતુલ્ય પ્રતિભા ધરાવતા વિદ્વાન સાહિત્ય મર્મજ્ઞ પિંગળશીભાઇ પાયક (વાગડ-કચ્છ) બાવન ફૂલડાંનો બાગ વિશે પુસ્તકની પ્રસ્તાવના સ્વરૂપે જે લખે છે તે ફરી ફરી વાંચવું ગમે તેવું સચોટ છે. પાયક સાહેબ લખે છે : 

‘‘ (બાવન ફૂલડાંનો બાગ) પુસ્તકમાં કવિ કાગ કવિના વેશમાં નહિ પરંતુ સીધાસાદા સ્વરૂપમાં દુલા કાગ તરીકે આપણી સન્મુખ આવીને ઊભા રહ્યા છે… આપણાં એક સુહ્રદ તરીકે આપણી સાથે વાતો કરતા જણાય છે. કવિ પોતે સીંચેલી – ઉછેરેલી પુષ્પ–વાટિકામાં એક માળીની નમ્રતાથી આપણને પ્રવેશ કરાવે છે. આ ગ્રંથમાં કવિના પોતાનાજ અનુભવ વાક્યો છે.. અહીં ગ્રંથકાર વિદ્વતાનો ઝભ્ભો પહેરીને પોતાના જ્ઞાનથી કે ભાષા વૈભવથી આપણને આંજી નાખતા નથી… ઉપદેશકના રૂપમાં ઊંચે આસને બેસીને આજ્ઞા કરતા દેખાતા નથી.. દુલા ભગતે ગોળમાં વીંટીને કેટલાંક કડવા સત્યને પણ આપણને સંભળાવ્યા છે.. આપણાં મિથ્યાભિમાનોને ચીમકી આપી છે. ’’ 

ભગતબાપુના આ અનોખા ગદ્ય સર્જનને પિંગળશીભાઇ જેવા બહુશ્રુત વિદ્વાને યથાર્થ વિવેચનથી શણગાર્યો છે. ભગતબાપુનું ગદ્ય કે પદ્ય સાહિત્ય તેની સરળતાથી શોભે છે. 

ભાઇ જગદીશભાઇએ કાગના ફળિયે કાગની વાત કરતા આ મહાકવિના ગદ્ય ભાગ વિશે વાત કરીને એક નવો ચિલો પાડ્યો છે. ભગતબાપુની પદ્ય રચનાઓ ઘણી બળકટ છે તથા લોક સમુહમાં વ્યાપક સ્વીકૃતિ પામી છે. આથી બાપુની આવી રચનાઓ બાબત તો અનેક લોકોએ ભૂતકાળમાં યાદગાર વાતો કરી છે. પરંતુ બાવન ફૂલડાંના બાગ જેવા બાપુના ગદ્ય સર્જનને લઇને જગદીશ ત્રિવેદીએ કરેલી વાત ભગતબાપુના એક અલગ વ્યક્તિત્વનું ભાતીગળ દર્શન કરાવે છે. એ કહેવાની ભાગ્યેજ જરૂર રહે કે આવું દર્શન પણ ભવ્ય છે. મોરારીબાપુ જેમને ‘ઊંબરથી અંબર’ સુધીના કવિ તરીકે ઓળખાવે છે તેવા કવિ દુલા ભાયા કાગ નિજ ભૂમિ સાથે જોડાયેલા રહીને સમગ્ર સાહિત્ય સૃષ્ટિના રમણીય આભમાં વિસ્તરેલા છે. આ બાબતની પુન: પ્રતિતિ બાવન ફૂલડાંના બાગમાંથી પસાર થતાં સહેજે અનુભવી શકાય છે. ‘‘ભગતબાપુનું ગદ્ય એ થીજી ગયેલી કવિતા છે’’ તેવું જગદીશભાઇનું વિધાન યથાર્થ છે. લગભગ અઢી હજારથી વધારે સુવિચારોમાં ભગતબાપુએ જીવનના માર્મીક ચિંતનને નિષ્ણાત કસબીની અદાથી કાગળ પર ઉતારેલું છે. વાંચતાજ ગળે ઉતરી જાય તેવા માર્મીક અવલોકનો અહીં ઠેર ઠેર જોવા મળે છે.

મેઘાણીભાઇએ લખ્યું છે તેમ કવિ કાગ જેવા કવિઓ આત્મજ્ઞાન પચાવીને તેનો ઓડકાર ખાનારા સર્જકો છે. આથીજ કવિ કાગના હૈયામાંથી પાતાળગંગાની જેમ કાવ્યસરવાણી સહજ રીતે ફૂટતી હતી. ભગતબાપુના જીવન – કવનની વાતોનો ઉપક્રમ પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં દર વર્ષે ગોઠવવામાં આવે છે તે ગૌરવપાત્ર ઘટના છે. ૨૦૧૮ નો આવો ઉપક્રમ ડૉ. જગદીશ ત્રિવેદી તથા માયાભાઇ આહીરના કથનથી વિશેષ રળિયામણો બની રહ્યો. કવિ કાગનું સાહિત્ય કાળના કપરા પ્રવાહમાં પણ ઝાંખું પડે તેવું નથી. બાવન ફૂલડાંના બાગના કર્તાને આ સોહામણા બાગના ‘પાણતીયા’ રામમાં વિશ્વાસ છે. 

ભાઇ ! તારો બહેકે ફૂલડાંનો બાગ જી..

બહેકે ફૂલડાંનો બાગ

એનો પાણતીયો રૂડો રામ…ભાઇ..

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૮/૦૬/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑