: સંસ્કૃતિ : : સંવેદનશીલતા : સ્વસ્થ સમાજની પૂર્વશરત :

સમાજમાં સંવેદનશીલતાનો જાણે દુષ્કાળ પડ્યો હોય તેવું કોઇક સમાચાર વાંચતા હોઇએ ત્યારે અનુભવી શકાય છે. કોઇ વ્યક્તિ કોઇક અંગત કારણોસર કે કદાચ વિકૃતિને કારણે નજીકના લોકોનીજ હત્યા કરે ત્યારે માનવતાના મૂળ હચમચી જતા દેખાય છે. દરેક વ્યક્તિને સમૃધ્ધ થવું છે જે આવકાર્ય છે. પરંતુ કોઇપણ રીતે ઝડપભેર સમૃધ્ધ થવાની ઘેલછા ક્યારેક આઘાતજનક તથા અનિષ્ટ પરિણામો લાવે છે. સોસીયલ મીડીયાને કારણે વ્યક્તિઓ વચ્ચેના સમાચારોની આપલે મોટા પ્રમાણમાં વધી છે. પરંતુ તેનાથી એક માનવીનું બીજા માનવી સાથેનું ખરા અર્થમાં જોડાણ વધી શક્યું નથી. કુટુંબના સભ્યો પણ એક છતની નીચે રહેતા હોવા છતાં અંતરના ઉલ્લાસ કે વેદનાની વહેંચણી એકબીજા સાથે કરવા માટે જાણે અસમર્થ થયા છે. એક મોટો વર્ગ તો પેટ પૂરતું ભોજન તથા જીવન જીવી જવા માટેની પ્રાથમિક જરૂરિયાતો ભેગી કરવામાંજ હાંફી જતો હોય તેમ જણાય છે. એક બીજો વર્ગ જે સમૃધ્ધ છે તેની સંવેદનશીલતાની ભીનાશ વંચિતોના મોટા સમૂહ તરફ વહેતી હોય એવું કવચિત્ જ જોવા મળે છે. માનવીનું મન જ્યારે વિક્ષૂબ્ધ હોય ત્યારે સમાજ તથા નગરમાં સ્વસ્થતા તથા સંવાદિતાનુંદર્શન થતું નથી. નિદા ફાઝલીના સુંદર તથા અર્થસભર શબ્દોમાં આ વાતનો નિર્દેશ છે તે સ્મૃતિમાં આવે છે : 

સીનેમે જલન આંખોમેં

તુફાનસા ક્યું હૈ ?

ઇસ શહેરમેં હર શખ્સ

પરેશાન સા ક્યું હૈ ?

આ સંદર્ભમાં ‘‘અનીલ’’ નો પણ એક પ્રસિધ્ધ શેર યાદ આવે છે :

નથી એક માનવ

બીજા માનવ સુધી પહોંચ્યો,

‘અનીલ’ મેં સાંભળ્યું છે

ક્યારનો બંધાય છે રસ્તો.

જો કે સ્થિતિની આ ગંભીરતા વચ્ચે પણ માનવીય સંવેદનાનો ભાવ પૂર્ણત: લૂપ્તપ્રાય થયો નથી તેમ જરૂર કહી શકાય. ખાસ કરીને કોઇક પ્રદેશના લોકો જ્યારે કુદરતી આપત્તિમાં સપડાય છે ત્યારે આજે પણ વિશાળ લોકસમુહની સહાનુભૂતિ અને સહાયનો ધોધ આપત્તિગ્રસ્ત ભાંડુઓ તરફ ખૂબજ ઉદારતાથી વહેતો જોવા મળે છે. આવો ભાવ સાતત્યપૂર્ણ રહે તો આજની સ્થિતિમાં ઘણાં મોટા અને સાચી દિશાના સુધારા માટે અવકાશ રહે છે. દરેક વ્યક્તિ કોઇ મોટું સખાવતી કાર્ય કરે તેવી અપેક્ષા અસ્થાને છે. પરંતુ આપણે સૌ આપણી આસપાસના લોકો તરફ ઉષ્મા તેમજ લાગણીના દ્રષ્ટિબીંદુથી જોતાં તેમજ સમજતા સીખીએ તો પણ જીવતરમાં અમી ઓડકારની પ્રતિતિ કરી શકીએ છીએ. આવી તૃપ્તિ ગમે તેટલા નાણાં ખર્ચીને પણ ખરીદી શકાતી નથી. 

આવી કોઇ વિચાર પ્રક્રિયા વ્યક્તિગત કે સામૂહિક રીતે ચાલતી હોય ત્યારે સહેજે મહાત્મા ગાંધીના આ સંદર્ભના જીવન પ્રસંગો કે ઘટનાઓ યાદ આવે. ગાંધીનું જીવન એ સંવેદનશીલતાના ગુરૂશિખર સમાન હતું. બાપુના આશ્રમમાં રહેતા વિજ્યાબેન મનુભાઇ પંચોળીએ એક પ્રસંગ લખેલો છે જે કાન માંડીને સાંભળવા જેવો છે અને પચાવવા જેવો છે. 

વિજ્યાબેન લખે છે : 

બાપુના સેવાગ્રામ આશ્રમમાં ત્રણ-ચાર કિશોરો કાંતવાનું તથા પીંજવાનું કામ શીખવા માટે આવતા હતા. છોકરાઓ સવારે આવે ત્યારે જમવાનું ટીફીન સાથે લઇને આવે. બપોરના સમયે આશ્રમના કૂવા પાસે બેસીને ભોજન કરે. મનુબહેન એ સમયે ત્યાં કપડા ધોવા માટે જાય. છોકરાઓને મનુબહેન પૂછે કે તેઓ શું ખાય છે. છોકરાઓ જવાબ આપે કે જુવારનો રોટલો તથા બાફેલી દાળ તેઓ ખાય છે. આવો સંવાદ સામાન્ય રીતે દરરોજ થાય. એક વખત બાપુએ મનુબહેનને પૂછ્યું : ‘‘ વિજ્યા, આપણે ત્યાં આશ્રમમાં છાશ હોય છે ? ’’ વિજ્યાબેહેને ઉત્તર આપ્યો કે છાશ તો ઘણી હોય છે. આથી બાપુએ સૂચના આપી : ‘‘ પેલા છોકરાઓ જે કૂવા પાસે બેસીને જમે છે તેમને કાલથી છાશ આપજે. ’’  બાળકો લૂખું થાય અને ગાંધીની સંવેદનશીલતા મૂંગી રહે તેવું કેમ બને ! એકવાર સૂચના આપ્યા પછી ભૂલી જનાર આ મહાત્મા ન હતા. તેમણે ત્રીજા દિવસે મનુબહેનને પૂછ્યું : ‘‘ તું પેલા છોકરાઓને છાશ આપે છેને ? ’’ હવે મનુબહેન મૂંઝવણમાં પડ્યા. તેમણે બાપુની સૂચનાનો અમલ કર્યો ન હતો. મનુબહેને દબાતા સ્વરે જવાબ આપ્યો : ‘‘ ના બાપુ, મેં છોકરાઓને છાશ આપી નથી. હું તો તેમ કરવાનું ભૂલી ગઇ. ’’ હવે આ મહામાનવ ગાંધી જે કહે છે તે સાંભળવા જેવું છે. બાપુ કહે : ‘‘ મનુ, તું ભૂલી તો નથી તારામાં ભૂલવાનો અવગુણ નથી. કારણ કે તું મારી સેવાના દરેક કામ ભૂલ્યા વગર ચોકસાઇથી કરે છે. તું જે ભૂલી છે તે આપણી ગરીબો તરફની બેદરકારી સૂચવે છે. છોકરાઓ લૂખું કે સૂકું ખાય તેમાં આપણે શું ? ’’ ગાંધીના આ શબ્દો અને તેમાં છૂપાયેલી વેદનાને મનુબહેન સારી રીતે સમજી શક્યા, અનુભવી શક્યા. ઘટના કદાચ નાની લાગે પરંતુ તેમાં ગાંધીજીનો સંવેદનશીલતાથી છલોછલ સ્વભાવ નજર સમક્ષ સ્પષ્ટ થાય છે. સમગ્ર મહાભારતના યુધ્ધના નાયક તથા મથુરાના મોહનની યુધ્ધભૂમિમાં રહેલી ટીંટોડીના બચ્ચાને બચાવવાની સંવેદનશીલ વૃત્તિની વાતનું અહીં પોરબંદરના મોહનમાં દર્શન થાય છે. જ્યાં પણ જેટલું કરી શકીએ તેટલું આપણું સંવેદનાયુક્ત વર્તન સમાજની સ્વસ્થતા મજબૂત કરવામાં ઉપયોગી થશે. આવું કાર્ય કરતાં મળતો આપણો સંતોષ એ ચોખ્ખા નફામાં રહેશે.

વી. એસ. ગઢવી 

ગાંધીનગર.

તા.૧૧/૦૬/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑