: ક્ષણના ચણીબોર : : મેઘાણી, મહારાજ અને માણસાઇના દિવા :

સમગ્ર ગુજરાત જેમને રાજ વિનાના મહારાજ તરીકે ઓળખે છે તેઓ લોક હ્રદયના સિંહાસને બીરાજેલા મહામાનવ છે. ગાંધી તથા ગરીબીના નિભાડામાં ખરા થઇને આવેલા મહારાજ વીસમી સદીના બીજા દાયકામાં મહીકાંઠાના વિકરાળ પ્રદેશમાં અનેક પડકારો વચ્ચે ગાંધી મહાત્માના ખેપીયા તરીકે પ્રવેશ કરે છે. આ વિસ્તારનાજ સરસવણી ગામના રવિશંકર મહારાજ બારૈયા, પાટણવાડિયા ઇત્યાદિ લોકોને તેમની સંપૂર્ણતામાં જૂએ છે તેમજ સમજે છે. મહીકાંઠાના આ લોકોની નબળી બાજુને ઉત્તેજન આપનારા આ ગોર મહારાજ નથી. જાગૃત થવાની કે પરિવર્તન કરવાની કોઇ સૂફિયાણી સલાહ આપ્યા સિવાય મહારાજ આ સમાજ સાથે એકરૂપ થઇને જીવે છે. આ કોમના તમામ લોકો ગુનેગાર છે તેવી આંધળી સરકારી માન્યતા સાથે જે હાજરી પોલીસ સ્ટેશનમાં લેવાય છે તેની ઊંડી વેદના મહારાજ અનુભવી શકે છે. પોતાની નિષ્ઠાના બળે અન્યાયી હોય તેવી કાનૂની પ્રથાઓ હડિયાપાટી કરીને દૂર કરાવે છે. આથી મેઘાણીના માણસાઇના દિવાની કથાઓ દરેક કાળમાં સંદર્ભયુક્ત બની રહે તેવી છે. 

રવિશંકર મહારાજના મુખમાંથી અમૃત સ્વરૂપે સહજ રીતે સરેલા શબ્દો મેઘાણીભાઇ કાળજીથી નોંધે છે. ‘મૂઠી ઊંચેરા’ મહારાજની અનુભવજન્ય વાતો સામાન્ય નથી. સરળ તથા સહજ શબ્દો અને કર્તાભાવનો સદંતર અભાવ એ રવિશંકર મહારાજની વાણીના ભૂષણ સમાન છે. મહારાજની વાણીમાં માનવીય મનની અમીરાત ટપકતી દેખાય છે. આપણે સમાજનાજ કેટલાક લોકો તરફનો પૂર્વગ્રહ બાંધી લઇએ છીએ. ત્યારબાદ તે વર્ગ તરફ આવા પૂર્વગ્રહના ચશ્મા પહેરીનેજ નજર કરીએ છીએ. મહાસાગરના મથાળે કદાચ કૂડો – કચરો દેખાતા હોય તેમ બને. પરંતુ તેને અતીક્રમીને મહાસાગરના તળિયા તપાસનારને મોંઘામૂલા મોતીની પ્રાપ્તિ થાય છે. મહાસાગરની એ યુગો પર્યન્તની વેદના રહી હશે કે લોકો તેનો તોલ તથા મોલ ઉપર દેખાતા કૂડા કચરાને જોઇને કરે છે. રામજી વાણીયાએ સાગરના હૈયાની આ વ્યથા સુંદર શબ્દોમાં વ્યક્ત કરી છે. મરજીવાને સાગર કહે છે : 

જળ ખારા જાણી કરી

મરજીવા ફેરવીશ નહિ મોં,

અમારા તળિયા તપાસી જો

તને કુબેર કંગાળ લાગશે.

ગાંધી તેમજ વિનોબા તથા મહારાજ માણસના ભીતરની માણસાઇને તાગનારા તેમજ જગાડનારા હતા. આવા લોકોની તટસ્થ કથનીને કારણેજ મહરાજ કથિત અને મેઘાણી આલેખિત ‘માણસાઇના દિવા’ ની કથા  જગતના સાહિત્યમાં સ્થાન તથા સન્માન મેળવી શકે તેવી ભવ્ય છે. મહારાજ એક પ્રસંગ ટાંકતા કહે છે કે પાટણવાડિયાની પુત્રી અને જાજરમાન માતા સ્વરૂપ જીબા પોતાના પતિ મથુરના મૃત્યુ નીમિત્તે ગામલોકોને ભેગા કરે છે અને મથુરની સ્મૃતિમાં ગામના હિતમાં હોય તેવું કોઇ કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. સીધા સાદા ગામલોકો કહે છે : ‘‘ ગામમાં પંખીઓ માટે કાયમી ચણની વ્યવસ્થા થાય તો   સારું ’’ લોહી અને પરસેવો એક કરીને બચાવેલી તથા અથાક શ્રમ કરીને જાળવેલી પોતાની સૌથી સારી અને ફળદ્રુપ ચાર વીઘા જમીન પંખીઓના ચણ માટે જૈફ ઉમ્મરના જીબા બેજીજક અર્પણ કરે છે. આમાં માંગણી કરનાર ગ્રામજનોનું મંગળમય દર્શન તથા આપનારની અસાધારણ ગરવાઇના એવેરેસ્ટનું તેજોમય દર્શન થાય છે. બ્રિટીશ સત્તાધિશોએ ગુનાહિત જાહેર કરેલા સમાજના આ ઉજળા પાત્રોની સારી તથા નબળી વાતો મહારાજ અને મેઘાણી થકી જગત સમક્ષ પહોંચી શકી. સ્નેહયુક્ત સદ્દભાવના માત્ર માનવ સમાજ પુરતીજ નહિ પરંતુ તમામ ચૈતન્યયુક્ત જીવો માટે હોવાનો એક અમૂલ્ય અભિગમ માનવતા અને માનવીય મૂલ્યો તરફની આપણી શ્રધ્ધાને ટકાવી રાખે છે તથા દ્રઢ કરે છે. આથીજ કદાચ મહારાજે આ અંધારી રાતના તારલાઓની વાતો કહેવા તેમજ લખવા સંમતિ આપી હશે. સદ્દભાવના – સહિષ્ણુતા તેમજ નિર્ભયતાનુ સિંચન લોકમાનસમાં તથા વિશેષ કરીને બાળમાનસમાં થાય તો એક સ્વસ્થ દ્રષ્ટિકોણ ધરાવતા સમાજનુ નિર્માણ કરવુ તે અઘરું હોય તો પણ અશક્ય કાર્ય નથી.

ખાસ કરીને ‘માણસાઇના દિવા’ જેવી તકલીફોમાં વણાતા માનવગરીમાના તાણાવાણાની કથાઓ બાળમાનસને વિશેષ પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. પોરબંદરના બાળક મોહનને પણ હરિશ્ચંદ્ર તથા શ્રવણની કથાઓ સાંભળીને પોતાનું જીવન પણ તે દિશામાં વાળવાની મહેચ્છા જાગે છે. જેમની જન્મશતાબ્દીનું વર્ષ ચાલે છે તેવા ડૉ. પી. સી. વૈદ્યનો પણ આવોજ અનુભવ છે. વૈદ્ય સાહેબ કહે છે કે બાળપણમાં તેમણે પિતાને સંભળાવવા વાંચેલી ગાંધીજીની આત્મકથા તેમના જીવનમાં સદાકાળ પ્રેરણારૂપ બની રહી. 

ગાંધી – લીંકન – મંડેલા કે મહારાજ જેવા દિગ્ગજ નેતાઓ વિશ્વને મળ્યા તે લોકનું સદ્દભાગ્ય છે. આ બધા વચ્ચે પણ જગતે બે ભિષણ મહાયુધ્ધ જોયા તે માનવમનની અનેક મર્યાદાઓ અને મલિનતાને આભારી છે. વિનોબાજીની દ્રષ્ટિએ સંત તુકારામની હરોળમાં બેસી શકે તેવા મહારાજનો વિચાર વારસો અંધારામાં પણ અજવાળું ફેલાવે તેવો છે. નવી પેઢી સુધી મહામૂલા મહારાજની વાતો લઇ જવા જેવી છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૧૧/૦૬/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑