ચારણી સાહિત્યની કેટલીક રચનાઓ જે વ્યાપક લોક સ્વીકૃતિ પામી છે તેમાં ભક્ત કવિ સાંયાજી ઝૂલાની પણ કેટલીક સુંદર કૃતિઓ છે. આ કવિ કૃષ્ણભક્તિની રચનાઓ થકી પ્રસિધ્ધ થયેલા છે. કવિનો જન્મ સાબરકાંઠા જિલ્લાના કુવાવા ગામમાં ઝૂલા પરિવારમાં થયો હતો. તેમના જન્મના સમય બાબત ભિન્ન ભિન્ન મત છે, પરંતુ સાંયાજીનો જન્મ સવંત ૧૬૩૨ (ઇ.સ.૧૬૮૮) માં થયો હોવાનો મત વધારે પ્રમાણભૂત ગણવામાં આવે છે. સાંયાજી ઝૂલા લખે છે :
વિહાણે નવે નાથ જાગો વહેલા
હુવા દૌડિયા ધૈન ગોપાલ હેલા
જગાડે જશોદા જદુનાથ જાગો
મહીમાટ ઘૂમે નવે નધ્ધ માગો.
જન્માષ્ટમીના પર્વના આનંદમય દિવસોમાં કૃષ્ણભક્તિમાં તરબતર થયેલી અનેક રચનાઓ વિશેષ યાદ આવે છે. સાંયાજી ઝૂલા નામના સુવિખ્યાત ચારણ ભક્ત-કવિની ઉપરની પંક્તિઓમાં પણ કૃષ્ણભક્તિનો ભાવ તેની તમામ મધુરતા સાથે ઘૂંટાયેલો છે. કવિ તેમની અનન્ય કૃષ્ણભક્તિની રચનાઓ થકી વ્યાપક પ્રસિધ્ધિ અને પ્રશંસા પામેલા છે. કવિની રચનાઓ કાળજયી છે. આજે પણ માણવી ગમે તેવી મધુર તથા અર્થસભર છે. ઉપરની પંક્તિઓમાં નવલા પ્રભાતની જ્યોતિર્મય ક્ષણોમાં માતા યશોદા બાળ કૃષ્ણને જગાડવા માટે પ્રયાસ કરે છે. તે સંદર્ભમાં કવિને આ પંક્તિઓ સ્ફૂરી છે. કવિની એક સુપ્રસિધ્ધ રચના ‘નાગદમણ’ ની શરૂઆત ઉપરની સુંદર પંક્તિઓથી થાય છે. કવિની રચનાના આ શબ્દો વાંચીને મનમાં નરસિંહ મહેતાની સ્મૃતિ થાય છે. ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ જેવી નરસિંહની અમરકૃતિ અનંતકાળ સુધી ગવાતી અને ઝીલાતી રહેવાની છે. સાંયાજી ઝૂલાની ઉપરની પંક્તિઓમાં પણ માતા-પુત્રના સ્નેહભર્યા સંવાદમાં સ્થૂળ રીતે જોઇએ તો નટખટ કાનને ગાયો તથા ગોવાળ સાથે જવા માટે કહેવામાં આવેલું છે. આ સંવાદની તો એક શોભા છેજ પરંતુ અંતરાત્મામાં વસેલા પરમાત્માને ભાવ-ભક્તિથી જગાડવાનો એક વ્યાપક વિચાર પણ તેમાંથી પ્રગટે છે. કવિએ પોતાની દીર્ઘ રચનાના પ્રારંભેજ આ શબ્દો લખીને ભીતરતની ચેતના રૂપી દેવને જાગૃત કરવાનો યજ્ઞ આરંભેલો છે. જીવને શીવત્વ તરફ પ્રયાણ કરવું હોય તો અંતરમાં આવું કૃષ્ણ રૂપી ચેતનાનું જાગરણ થવું જરૂરી છે. આથી કવિની આ રચનાને આત્મ જાગરણની સંહિતા કહેવામાં આવે છે તેમાં સંપૂર્ણ ઔચિત્ય છે. ચેતના પ્રગટે તો અંદર – બહારનો ઉજાસ એ સહજ રીતે પ્રાપ્ત થાય છે અને આવા અંદરના ઉજાસનું એક સવિશેષ મૂલ્ય છે. સ્થૂળ આંખો કદાચ તેના નિરીક્ષણમાં ક્ષતિ કરે પરંતુ જેમને આંતરિક ઉજાસ ઝળહળા હોય તેમનો માર્ગ પછી સ્થૂળ બાબતોની મર્યાદામાં બંધાતો નથી. કવિ માધવ રામાનુજના સુંદર શબ્દો યાદ આવે :
અંદર તો એવું અજવાળું અજવાળું
ટળવળતી હોય આંખ જેને જોવાને
એ મીંચેલી આંખેય ભાળું
અંદર તો એવું અજવાળું આજવાળું.
લોક સાહિત્ય તેમજ ચારણી સાહિત્યના મર્મજ્ઞ ડૉ. પુષ્કર ચંદરવાકરે પણ પોતાના લખાણોમાં ‘નાગદમણ’ નો ઉલ્લેખ કરીને તેના રચનાકારને બીરદાવ્યા છે. ‘વિશેષ કાવ્યાત્મક’ સ્વરૂપે નાગદમણની રચના સાહિત્ય પ્રેમીઓને લોભાવે તેવી છે તેવું ડૉ. ચંદરવાકરનું તારણ ‘નાગદમણ’ ના સંદર્ભમાં ઉચિત છે. એક અભ્યાસુ અને નિષ્ઠાવાન શિક્ષણ કાર્ય કરનાર ડોલરરાય માંકડ ‘નાગદમણ’ ને એક ‘પવાડો’ પણ કહી શકાય તેવું અવલોકન કરે છે અને તેને ઉત્તમ રચના તરીકે પ્રમાણે છે. અભિવ્યક્તિના એક ધારદાર માધ્યમ તરીકે ડિંગળને ઘણાં વિદ્વતજનોએ વધાવી છે. ડિંગળ શૈલીમાં જે રચનાઓ થાય છે તેમાં વીરરસ એ પ્રધાન સ્થાને છે તેવું ડૉ. મોનારિયાનું વિધાન યથાર્થ છે. ‘નાગદમણ’ માં પણ ડિંગળની આ અસરકારકતા સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. સાંયાજીએ કરેલા ચરિત્ર – ચિત્રણની એ વિશેષતા છે કે ભક્તકવિના પોતાના જીવનમાં ક્રમશ: પ્રગટ થતો આધ્યાત્મિકતાનો ઉઘાડ તેમાં અનુભવી શકાય છે તેવું પ્રાધ્યાપક દિલીપભાઇ ચારણ (ઝુલા)નું અવલોકન પણ રચના તથા રચનાકારના સંદર્ભમાં ઉપયુક્ત છે. સમસ્ત ઝુલા પરિવાર તરફથી ‘નાગદમણ’ જેવી કાળજયી રચના તેના સુંદર ભાવાનુવાદ સાથે જુલાઇ-૨૦૧૭ માં પ્રગટ કરવામાં આવી છે તે સાહિતય જગતની એક નોંધપાત્ર ઘટના છે. શ્રી જિતુદાન ગઢવીએ લખ્યું છે કે ‘નાગદમણ’ એ શ્રોતા – વક્તા માટે ભક્તિભાવનો ગ્રંથ છે પરંતુ રચના અનુસાર એ સાંયાજીએ કરેલી પ્રશસ્તિ ગાથા છે. છંદ ભૂજંગીના બંધારણમાં રહીને લખાયેલી આ રચનાની એક એક પંક્તિ કૃષ્ણના સ્વરૂપની જેમજ રસ તથા મધુરતાની ખોબે અને ધોબે લહાણ કરે છે.
હરી હો હરી હો હરી ધેન હાંકે
ઝરૂખે ચડી નંદકુમાર ઝાંકે
અહિરાણિયાં અવ્વલા ઝૂલ આવે
ભગવાનનેધેન ગોપી ભળાવે.
‘હરી ધેન હાંકે’ ની વાત કરતા કવિ કહે છે કે હરિના અવર્ણનીય રૂપની ઝાંખી નંદકુમારો તથા ગોપબાળાઓ કરે છે. કૃષ્ણને પોતાની ગાયો ભળાવે છે. જાણે કે સ્થૂળ પદાર્થને ત્યજીને પરમ પદાર્થની પ્રાપ્તિનો ગોપીજનોનો આ જાગૃત પ્રયાસ છે ! ગાયોને ભળાવવાનું તો એક બહાનું છે. પરંતુ કૃષ્ણમય થવાનો આ અવરસ છે તેને વ્રજવાસીઓ કેવી રીતે જતો કરી શકે ?
મધ્યકાલિન યુગમાં અનેક નામી ભક્તકવિઓ થઇ ગયા. આવા કવિઓની રચનાઓનો ઊંડો પ્રવાહ જે તે કાળખંડ પર હતો. પંથ કે સંપ્રદાયના બંધનોથી મુક્ત રહીને તેમણમે ‘અખંડ ધણી’ની ઉપાસના કરી. કોઇપણ પ્રકારના અંતરાય કે ભેદભાવ સિવાય આ ભક્ત કવિઓ સમગ્ર સમાજ સાથે એકરસ થઇને જીવ્યા. નરસિંહ કે મીરાં જેવા ભક્તોએ કૃષ્ણભક્તિના મહીમા સાથે જીવન વ્યવહારનાન નવા ચિલા પણ પાડ્યા. સંતકવિ ઇસરદાસજીએ ‘હરિરસ’ તથા ‘દેવીયાણ’ ના માધ્યમથી ભક્તિરસના ઉન્નત શિખરનું દર્શન કરાવ્યું. સમાજમાં જે સમત્વ તથા સંવેદનશીલતાનો ભાવ આવ્યો તેમાં આવા સંતકવિઓનો મોટો ફાળો હતો. અનેક ભક્તકવિઓની રચનાઓનો સંદેશ આજે પણ પ્રસ્તુત છે. ભક્ત કવિ સાંયાજીની રચનાઓ પણ કાળના પ્રવાહમાં ઝાંખી પડે તેવી નથી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૦૭/૦૬/૨૦૧૮.
Leave a comment