આપણે અનેક વખતે આપણી સંસ્કૃતિ કે પરંપરાની વાતો કરતી વખતે માત્ર તેમાંની ગમતી ચીજોને ધ્યાનમાં લઇનેજ મત બાંધી લઇએ છીએ. સારું એટલું આપણું એમ માનીએ તથા મનાવીએ છીએ. ઘણી બધી સારી બાબતો કે સ્વસ્થ પરંપરા દરેક સમાજમાં હોય છે પણ ખરી તેમ કહી શકાય. પરંતુ જે આપણી નબળાઇઓ છે તેના પર નજર નાખ્યા સિવાય માત્ર આપણો જય જયકાર કરવાના હેતુથી કહેવાતી કે લખાતી વાત એ ઇતિહાસની કસોટીએ ઉણી ઉતરે છે. અનેક અવિચારી તથા શોષણકર્તા બાબતો તરફ સમાજ જાણેકે આંખો બંધ કરીને બેસી જાય છે. ભોગીલાલ ગાંધીએ તેમના જીવનમાં આવી એક અનિષ્ટ સામાજિક રૂઢિની બાબતની અનુભૂતિ કરી. રમણલાલ સોનીએ તેમના ભોગીભાઇ વિશેના સંભારણાંઓમાં આ વાત લખી છે. આ ઘટનાની હકીકતો જોતાં આપણી જડ સામાજિક રૂઢિઓના અસ્તિતત્વનો તથા ગાંધીના ગોવાળ ભોગીલાલના ઊંડા તથા સંવેદનશીલ માનવીય અભિગમનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. ગાંધીજી તથા સરદાર સાહેબના વિચારોને અનુસરીને ખરા અર્થમાં ગ્રામસેવા માટે ભોગીલાલ મોડાસા તાલુકાના અંતરિયાળ ગામમાં જઇને બેઠા. આ ગામનું નામ ઓઢા અને પછાતપણામાં અગ્રસ્થાને મૂકી શકાય તેવું હતું. જુગતરામ દવે તથા ભોગીલાલ ગાંધી જેવા કર્મવીરોએ પ્રતિકૂળ સંજોગો છતાં દૂરના ગામડાઓમાં જઇને સેવા યજ્ઞની ધૂણી ધખાવી હતી. ગામના કૂવામાંથી પીવાનું પાણી સૌ ભરે પરંતુ ત્યાં પણ જ્ઞાતિ આધારીત અન્યાયી વલણનું દર્શન ભોગીલાલને થયું. માણસ જેવા માણસને પીવાનું પાણી જાહેર સ્થળેથી લેવા માટે જ્ઞાતિપ્રથાનું બંધન વચ્ચે આવે એ વાતનો સખત પ્રતિકાર ભોગીલાલ તથા તેમના સાથી નરહરિભાઇએ કર્યો. ગામલોકોએ તેમને ગામ છોડી જવા કહ્યું. માનવીના મન જ્યારે કહેવાતી રૂઢિ કે પરંપરાથી કટાઇ ગયા હોય છે ત્યારેજ માણસ આવું અમાનવીય વર્તન કરે છે. પરંતુ ભોગીલાલ ગાંધી જેવા મહાત્માના વિચારોના વાહકોએ આવી બાબતનો મક્કમ પ્રતિકાર કર્યો તે આ ઘટનામાંથી જોવા મળે છે. આ વાતનો ખરો મર્મ એ છે કે કહેવાતા ઉજળિયાત વર્ગના લોકોમાંથીજ ક્રમે ક્રમે કેટલાક લોકો સાચી વાતનો સ્વીકાર કરે છે. ખરું પરિવર્તન આવા કારણોસર થાય ત્યારે તે ટકાઉ તથા મજબૂત હોય છે. કાયદાઓ ઘડવાથી સામાજિક પરિવર્તન આપોઆપ થઇ જતું નથી. ગાંધીજીના અનુયાઇઓ આ વાત બરાબર સમજીને પચાવી શક્યા હતા. આથી તેમણે વિષમ સંજોગોના ઉકળતા પણીમાં વિના સંકોચે જંપલાવ્યું હતું. અયોગ્ય તેમજ અમાનવીય પ્રથાઓને પડકારી હતી અને સામે ચાલીને સંઘર્ષ વહોરી લીધો હતો. નિષ્ઠાપૂર્વકની મહેનતને કારણે મરજીવાની જેમ સફળતા તથા સંતોષના મોતી તેમને આ ડહોળાયેલા જળમાંથી પણ મળ્યા હતા. સ્વાર્થની સાંકડી વાડને અતિક્રમીને ભોગીભાઇએ સર્વાર્થ તથા પરમાર્થની દિશામાં જીવનભર થાક્યા કે હાર્યા સિવાય દોડ લગાવી હતી. ‘‘અપ્પ દીવો ભવ’’ ની વાત પચાવી હશે ત્યારેજ તો કવિ ઉપવાસી (ભોગીલાલ ગાંધી)ની ઘડાયેલી કલમમાંથી આવા અર્થપૂર્ણ અને અમર શબ્દો પ્રગટ્યાહશે. ભોગીભાઇ લખે છે :
તું તારા દિલનો દીવો થાને,
ઓ રે ઓ રે ઓ ભાયા !
રખે કદી તું ઉછીના લેતો
પારકા તેજ ને છાયા
એ રે ઉછીના ખૂટી જશે ને
ઊડી જશે પડછાયા…..ઓ રે ભાયા !
આભમાં સૂરજ ચંદ્ર ને તારા
મોટા મોટા તેજ રાયા,
આતમનો તારો દીવો પેટાવવા,
તું વીણ સર્વ પરાયા… ઓ રે…
ભોગીલાલ ગાંધી જૂન ૨૦૦૧ માં આપણી વચ્ચેથી મહાપ્રયાણ કરી ગયા. ભોગીભાઇની પુણ્યતિથિના આ માસમાં આવે છે તેથી તેમની સ્મૃતિ તાજી કરીને ફરી વંદન કરવાનું મન થાય તે સ્વાભાવિક છે. જ્યાં પણ અનિષ્ટ કે અન્યાય છે ત્યાં તેને મૂળમાંથીજ પડકારવાની ભોગીભાઇની વૃત્તિને પુન: જાગૃત કરવાનો સમય છે. જાગૃત નાગરિકોનો સમુહ સ્વેચ્છાએ સક્રિય થાય અને સામાજિક નિસબતની ખેવના કરે ત્યારેજ ભોગીભાઇને સાચી શ્રધ્ધાંજલિ આપી ગણાય.
જયપ્રકાશ નારાયણની જેમ સમાજવાદ – સામ્યવાદના રંગે રંગાઇ ગયેલા ભોગીભાઇ જીવનના એક વળાંકે ગાંધી વિચારથી પ્રભાવિત થયા. ગાંધીજી પ્રેરીત આચાર વિચારમાં તેમને વંચિતોના હીતનું દર્શન થયું. ભોગીભાઇએ આજીવન એક અડીખમ યોધ્ધાની જેમ સામાજિક ચેતના પ્રગટાવવાનું કાર્ય કર્યું. ગાંધી વિચારને જીવન વ્યવહારમાં ઉતારીને સમાજ જીવનમાં બદલાવ લાવવાની આ પ્રક્રિયા કદાચ ધીમી હોય પરંતુ છેવટે તો આધારભૂત ઉપાય એજ દેખાય છે. વિનોબાજી – જયપ્રકાશ જેવા લોકોએ પણ પડકારરૂપ પરિસ્થિતિમાં પણ આજ કાર્ય કરી બતાવ્યું. ભોગીલાલ ગાંધી આ રાજમાર્ગનાજ એક પ્રબળ પ્રવાસી હતા.
ભોગીભાઇ મૂળભૂત રીતે એક કર્મવીર હોવા ઉપરાંત સતત વિચાર કરનારા ચિંતક પણ હતા. સમાજમાં વિચારોનું પણ એક પ્લેટફોર્મ તૈયાર કરવાનો તેમનો ઉદ્યમ હતો. ‘‘ વિશ્વ માનવ ’’ નામનું એક સામાયિક તેમણે શરુ કરેલું. સમાજની અનેક નબળાઇઓ વિચારશૂન્યતામાંથી જન્મે છે તે વાત આપણાં આ કર્મશીલો બરાબર સમજતા હતા. આવી સ્થિતિના નિરાકરણ માટે તેથીજ તેઓ લોક વિચારને જાગૃત કરવા લોહી – પસીનો એક કરતા હતા. લોક જાગૃતિ એજ આ ગાંધી વિચારકોના મતે સ્થિતિ બદલવા માટેનો આખરી તેમજ અસરકારક ઉપાય હતો.
ભોગીભાઇનું પુણ્યસ્મરણ તેમના અર્ધાંગના સુભદ્રાબહેન (જીજી)ના સ્મરણ સિવાય અધુરું છે. મજૂરોની સ્થિતિ જોઇને તેમને મદદ કરવાના હેતુથી મજૂરોની ચાલીમાંજ રહેવાનું ક્રાંતિકારી કદમ સુભદ્રા ગાંધીજ ભરી શકે. નારી ચેતનાનું પ્રબળ તેજ જીજીના દરેક કાર્યોમાં જોવા મળે છે. આવું તેજ વંચિતોને શીતળતા આપી શકે તેવું છે. સમાજમાં નોખા ચીલા પાડીને જીવતર જીવી જનાર જીજી – ભોગીલાલભાઇ જેવા નામ તેમજ તેમના કામ વિસરી જવાનું સ્વસ્થ સમાજને પાલવે તેવું નથી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૧/૦૫/૨૦૧૮.
Leave a comment