દાદા ધર્માધિકારીનું પાવન સ્મરણ આ બળબળતા ઉનાળામાં પણ શાંતિ તથા શિતળતાનો અનુભવ કરાવી જાય છે. દાદાએ વ્યથિત થઇને પોતાના જીવનકાળમાં જે લખ્યું તે આજે પણ પ્રસ્તુત છે. દાદા કહેતા કે ઠીંગણા માણસો પેદા થતા જાય છે. પોતપોતાના જિલ્લા – ગામ કે થાણાના માપના આ માણસો છે. તેઓ પોતાનો સંકુચિત વિચાર લઇને દેશની રાજધાની કે રાજ્યોની રાજધાનીમાં જઇને બેસે એટલે ફેર શું પડશે ? મંદિરના શિખર પર બેઠેલો કાગડો ગરુડ થઇ જતો નથી. આવા લોકોના રહેવાના બંગલા તો વિશાળ છે પરંતુ દિલ નાના તથા સાંકડા છે. મહેલમાં રહીને મહેલની વિશાળતાને પામવાનું તેમનું ગજુ નથી. મહેલમાં પણ ઉંદર તો દરમાંજ રહે છે. આથી જાતીયતા, સાંપ્રદાયિકતા તેમજ અન્ય સંકીર્ણતાથી પર એવા શુધ્ધ નાગરિકો થકીજ દેશનું નિર્માણ થઇ શકે છે તેવું દાદા કહેતા હતા. લોકજીવનની જાગૃત ભૂમિકામાંથી લોકરાજ્યનું નિર્માણ થઇ શકે તેવા વિનોબાજીના વિચારના દાદા સમર્થ વાહક હતા. આજે જ્યારે લોકશાહીપ્રક્રિયા અંગે જાગૃત નાગરિકોમાં એક ચિંતાનો ભાવ દેખાય છે ત્યારે વિનોબાજી તથા દાદા ધર્માધિકારીના વિચારો તરફ એકવાર ફરી નજર નાખવાની જરૂર છે.
દાદાના વ્યક્તિત્વના ઘડતરમાં એક મજબૂત તથા સંવેદનશીલ કુટુંબ વ્યવસ્થા હતી. તેમના માતા સરસ્વતીબાઇ પાસેથી અભંગો તથા ગીતાપાઠનો પ્રસાદ શૈશવ કાળમાં મળ્યો હતો. બાળપણમાંજ શિષુમાં સંસ્કારબીજ રોપવાની આ મજબૂત, અસરકારક તથા બીન ખર્ચાળ પધ્ધતિ હતી જેનો લાભ વ્યાપક રીતે થયેલો છે. અનેક કારણોસર બાળકો તથા ઘરના વડીલો વચ્ચેના આ સંવાદની પ્રથા ઓછી કે નામશેષ થવા પામી છે. તેમ થવાના અનેક કારણો હશે અને તેમાંના ઘણાં કારણો બદલાતી વ્યવસ્થામાં વાજબી ગણી શકાય તેવા હશે. પરંતુ આ સંવાદના અભાવની ભારે મોટી ખોટ આપણે આજે ભોગવી રહ્યા છીએ. દાદા ધર્માધિકારીની સ્મૃતિ વિસ્મૃત થઇ શકે તેવી નથી.
મહારાષ્ટ્રના સંત તુકડોજી મહારાજ દાદા ધર્માધિકારી વિશે ભારપૂર્વક કહેતા હતા : ‘‘ મેં મારા જીવનમાં ઘણાં બધા સંત-મહંતો જોયા છે. પરંતુ અમને સહુને શરમાવે તેવા સહજતાના ધણી તો એક દાદા જ છે. ’’ તુકડોજી મહારાજનું આ અવલોકન સંતત્વ – સજ્જનતાના બાહ્ય પરિવેશ સાથેના નાના સરખા પણ અનુસંધાનનો મૂળમાંથી વિચ્છેદ કરે છે. આપણાં વિદુષિ વિમલાતાઇ દાદા વિશે વાત કરતા કહે છે કે દાદા એક ગ્રહસ્થ હતા પરંતુ સન્યાસીઓને પણ શરમાવે તેવો તેમનો વૈરાગ્ય હતો. દાદાના સ્વભાવ સાથે લોહીની જેમ વણાયેલી વત્સલતાનો પણ વિમલાતાઇ ઉલ્લેખ કરે છે. માનવજીવનના ઉચ્ચતમ મૂલ્યોનું દર્શન દાદાના જીવન તથા કર્મોમાં થાય છે. અજાતશત્રુ જેવા તેમના વ્યક્તિત્વના મોહે અનેક લોકો દાદા તરફ ખેંચાતા રહ્યા હતા. દાદા આ લોકને છોડીને ૧૯૮૫ માં અંતિમ પ્રયાણ કરી ગયા. દાદાના જવાથી ગાંધી વિચારની એક મહત્વની અને કદાચ અંતિમ કડી ઉખડી ગઇ તેવું તારા ભાગવતનું વિધાન યથાર્થ લાગે છે. દાદાની પાવક સ્નેહગાથા ‘‘ભૂમિપુત્ર’’ થકી અનેક લોકોને ભગવત્ પ્રસાદની જેમ પહોંચી શકી. જૂન માસમાં સર્વોદયના અનેક વિચારકો –ભાવકોને દાદાની વિશેષ સ્મૃતિ થાય છે. દાદા ધર્માધિકારીનો જન્મ ૧૮૯૯ના જૂન માસની અઢારમી તારીખે થયો હતો. આાથી તેમની આ સમયે વિશેષ સ્મૃતિ થાય છે.
૧૯૫૧ માં આ દેશમાં આઝાદી પછીની એક બીજી મહત્વની અને ઐતિહાસિક ઘટના બની. આ વર્ષમાંજ વિનોબાજીએ ભૂદાનયજ્ઞનો આરંભ કર્યો. છેવાડાના માનવી સુધી સમૃધ્ધિનો એક નાનો એવો અંશ પહોંચાડવાનો આ ભગીરથ પ્રયાસ હતો. ગાંધી વિચારને ભૂમિગત કરવાની આ વિનોબાજીની દુર્લભ દ્રષ્ટિ હતી. દેશ તો આઝાદ થયો પરંતુ તેનાથી વ્યવસ્થા પણ બદલી છે તેવું કોઇ ખાતરીપૂર્વક કહી શકે તેમ ન હતું. આથી જો દેશની સ્વાધિનતા સાથેજ શાસકીય તથા સામાજિક વ્યવસ્થાનો સામાન્ય નાગરિકના હિતમાં બદલાવ ન થાય તો આઝાદ દેશના ફળ સ્વરૂપ લાભ જન જન સુધી પહોંચી શકે નહિ. આવા પરિવર્તન માટે સરકાર સામે જોઇને બેસી રહેવાનું વિનોબાજી જેવા વિચારશીલ કર્મવીરને પાલવે નહિ. આથી વંચિતોના લાભ માટે અને સામાજિક બદલાવને વાસ્તવિકતા આપવા માટે બાબાએ ભૂદાન ચળવળ શરૂ કરી. કવિ કાગે લખ્યું :
અલેકીઓ માંગવા આવ્યો રે
આ તો દેશ દખ્ખણનો બાવો.
દેશ દખ્ખણનો બાવો, કોઇ
દેખ્યો નથી આવો… અલેકીઓ…
વિશ્વના સામાજિક રાજકીય ઇતિહાસમાં બાબાનો આ પ્રયાસ અજોડ તથા ઉપકારક નીવડ્યો છે.
ગાંધીજીના સાનિધ્યમાં ઘડાયેલા કેટલાક તેજસ્વી નામો છે તેમાં દાદા ધર્માધિકારીનું નામ અગ્રસ્થાને મૂકી શકાય. આજે જ્યારે સમૃધ્ધિની ઝાકમઝોળની વાત કરવામાં આવે છે ત્યારે તેની સામે સમાજમાં આવકની અસમાનતાને ઓળંગી ન શકાય તેવી ખાઇ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. સર્વોદયના વિચારોમાં તેનો સચોટ ઉકેલ છે. એ દિશા તરફ અસકારકતાથી નજર નાખવાની જવાબદારી સરકારની સાથે સીવીલ સોસાયટીની રહે છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૧૪/૦૫/૨૦૧૮.
Leave a comment