: ક્ષણના ચણીબોર : : કવિ કાગ વ્યાખ્યાનમાળા : શુભારંભનો આનંદ :

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ તથા શ્રી ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના સહીયારા પ્રયાસોથી ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગ વ્યાખ્યાનમાળાનો શુભારંભ થયો એ અનેક સાહિત્ય પ્રેમી લોકો માટે આનંદના સમાચાર છે. ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર, રાજકોટને કવિ શ્રી દુલા ભાયા કાગ એવોર્ડ ૨૦૧૮ ના વર્ષ માટે આપવામાં આવ્યો છે. પૂજ્ય મોરારીબાપુ પ્રેરીત આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. આ સંદર્ભમાં આ વ્યાખ્યાનમાળાના પ્રથમ મણકામાં ચારણી સાહિત્યના આપણાં ઉજ્વળ વારસા વિશે વાત કરવામાં આવી. યોગાનુયોગ મેઘાણીભાઇ, કવિ કાગ તથા ચારણી સાહિત્યનો સંવાદ એ ત્રિવેણી સંગમ જેવી દર્શનીય ઘટના ગણી શકાય.

જીવનમાં માત્ર અઢી દાયકા જેટલોજ સમય સાહિત્ય સર્જન માટે કાળ દેવતાએ ઝવેરચંદ મેઘાણીને આપ્યો. પરંતુ આ અઢી દાયકામાં આ સમર્થ સર્જક તથા સંશોધક એક યુગકાર્ય કરીને ગયા. લોકસાહિત્યના ધૂળધોયા તરીકે મેઘાણીની સ્મૃતિ અમર રહેવાની છે. આજ રીતે મેઘાણીભાઇના મિત્ર કવિ દુલા ભાયા કાગ પણ પોતાની અનેક રચનાઓના માધ્યમથી સૌરાષ્ટ્ર – કચ્છના ગામે ગામ સુધી વિસ્તરીને રહ્યા છે. આજે પણ અનેક ગામોમાં ભાંગતી રાતે ભજનના સુર-શબ્દ સંભળાય છે તેમાં કવિ કાગની અનેક અમર રચનાઓ સાંભળવા મળે છે. ‘‘પગ મને ધોવા ધ્યો રઘુરાય જી’’ જેવી રચના જાણે લોક રામાયણનો એક ભાગ બની ગઇ છે. નગરોના મંચ ઉપરથી પણ લોકસાહિત્યના આરાધકો ભગતબાપુ (કવિ કાગ)ની અનેક રચનાઓ રજૂ કરે છે. વિશાળ લોક સમુદાયમાં ભગતબાપુની રચનાઓ સુપેરે ઝીલાય છે. 

મેઘાણીભાઇએ જીવતરના અનેક ઉતાર – ચઢાવ જોયા. આસપાસના જગતને ઝીણી નજરે જોયું તથા તેની ઊંડી અનુભૂતિ કરી. એક તરફ બીડીઓ વાળનાર શ્રમિક મહિલાની વેદના અને બીજી તરફ માતા ઝીઝાબાઇના શૌર્યતાથી છલોછલ હાલરડાની તેઓએ અનુભૂતિ કરી અને ત્યારબાદ તેના ભાવ આપણાં સુધી પહોંચાડ્યા. યુવાનોના મનોભાવ પણ મેઘાણી કુશળતાથી ઝીલી શક્યા અને અનેક કાવ્ય કણિકાઓમાં કંડારી શક્યા. આ તમામ સાહિત્ય સર્જન ઉપરાંત ગુરુદેવ ટાગોરની રચનાઓ મેઘાણી આપણી ભાષામાં લાવ્યા તથા આ રચનાઓ પણ ખૂબજ લોકભોગ્ય બની. 

ગુરુદેવના બંગાળી ભાષામાં સર્જાયેલા કાવ્યોને જતનપૂર્વક આપણી ભાષામાં ઉતારવાનું ખરા અર્થમાં ભગીરથ કાર્ય મેઘાણીભાઇએ કર્યું. શ્રી ભોળાભાઇ પટેલના મત પ્રમાણે મેઘાણીના ‘‘રવીન્દ્ર વીણા’’ ના અનુવાદો કવિશ્વર ટાગોરના કાવ્યોના ગુજરાતીમાં થયેલા અનુવાદોમાં સૌથી વધારે લોકપ્રિય થયા છે. લોકની નાડ પારખનાર આ લોક કવિએ ભાવાનુવાદનું આ ગંગા-અવતરણ જેવું કાર્ય પણ ખરી ખૂબી અને ખંતથી કર્યું ! 

પ્રકૃતિ તથા મનુષ્યની વિચ્છેદ ન કરી શકાય તેવી આકર્ષક તથા અનિવાર્ય એકતા એ ગુરુદેવની ઘણી બધી રચનાઓના પાયામાં રહેલી વાત છે. અહીં પાંચાળની પવિત્ર ધરતીમાં ચોટીલા ડુંગરની રમણિય તળેટીમાં જન્મ લેનાર કવિ મેઘાણીએ કુદરતની રમ્યતા અને ભયાનકતા બન્ને નાનપણથીજ નિહાળ્યા છે. આથીજ આપણાં આ લોકકવિને પોતાના ‘Moutain spirit’ નો સતત અનુભવ થયા કરે છે. જેમ રવીન્દ્રનાથની વાણી એ ‘સાર્વભોમ હ્રદયવાણી’ હતી તેમજ મેઘાણી પણ સમાજ જીવનના જટીલ તાણાવાણામાં ગૂંથાઇને પ્રત્યેક વ્યક્તિના ભાવ જગત સુધી પહોંચ્યા હતા. આથી ટાગોરના કાવ્યોની સુંદરતાનું ભવ્ય ઉતરાણ કરાવવા માટે આપણાં આ લોકકવિએ પૂરી સજ્જતા પ્રાપ્ત કરી હતી. કલકત્તાની એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતા કરતા કલકત્તાની બજારોમાં સાઇનબોર્ડ વાંચી વાંચીને આપણાં કવિ બંગાળીનો પરિચય મેળવવા લાગ્યા. બંગાળી ભાષામાં ભજવાતા નાટકો તથા બ્રહ્મો સમાજની બેઠકોમાં હાજર રહીને તેઓ બંગાળી ભાષાની ખૂબી, તેનું સૌંદર્ય સમજતા થયા. કલકત્તાનું આ ત્રણેક વર્ષનું રોકાણ વિધિની કોઇ ચોક્કસ યોજના મુજબનુંજ હશે. એમ ન હોત તો આ મહાકવિ ટાગોરની રચનાઓનો સુંદરતમ આસ્વાદ આપણાં સુધી કેવી રીતે પહોંચ શકત ? કાલિદાસ, ભવભૂતિ અને જયદેવ જેવા મહાકવિઓની હરોળમાં બેસી શકે તેવા ગુરુદેવ ટાગોરના કાવ્યોને આપણી ભાષામાં લાવવાનું કાર્ય એ કદાચ મેઘાણીભાઇના અનેક ઉત્તમ કાર્યો પૈકીનું એક અગ્રજ કાર્ય છે. શાંતિનિકેતનથી મેઘાણીભાઇના સ્નેહી દલપતભાઇ કોઠારીએ ‘‘સંચયિતા’’ નામનો કવિવરનો કાવ્ય સંગ્રહ તેમને મોકલ્યો તે દિવસથીજ આ કાવ્યોને પોતાની માતૃભાષામાં લઇ જવાનો સંકલ્પ મેઘાણીભાઇએ કરી લીધો ! ઉપરાંત ‘‘સંચયિતા’’ માં જેનો સંગ્રહ થયો છે તે રચનાઓને ગુરુદેવે જાતે પણ પ્રમાણિત કરેલી છે. ‘‘સંચયિતા’’ નું પરિશીલન કવિએ કર્યું તેનું જ્વલંત પરિણામ પણ જોવા મળ્યું. પરભોમની આ કૃતિઓનું સુયોગ્ય અવરતરણ એ એક પડકારરૂપ કાર્ય હતું. મેઘાણીભાઇ લખે છે કે આ અનુવાદિત રચનાઓ વાંચનારને પરકીયતાનો ભાવ પેદા નહિ થાય. કારણ કે તેની મૂળ કૃતિઓને આત્મસાત કર્યા પછીજ તેમણે નવલો અવતાર ધારણ કરેલો છે. મૂળ રચનાઓની સર્વજનગ્રાહિતા જાણે કે આબેહૂબ અનુવાદિત રચનાઓમાં પણ ઉતરી છે. ટૂંકા આયખામાં આ વિરાટ પગલું માંડીને મેઘાણીએ સમાજને સદા-સર્વદા માટે ઋણી બનાવ્યો છે. આથીજ પ્રાધ્યાપક દાવરે આ અનુવાદિત રચનાઓને ‘ટ્રાન્સલેશન’ નહિ પણ ‘ટ્રન્સફ્યુઝન’ કહી છે. અસલ કૃતિને હૈયામાં એકાકાર કરીને સર્જન કરેલ આ નવી કૃતિઓ છે. આ કૃતિઓની પોતાના કાવ્યત્વની એક આગવી તથા સ્વતંત્ર છટા છે.

એક તરફ સમર્થ સર્જક ઝવેરચંદ મેઘાણીની અજોડ શૈલી છે. બીજી તરફ કવિ દુલા ભાયા કાગની વાણીનો કુદરતી ઝરણા જેવો પ્રવાહ છે. વ્યાખ્યાનમાળાના આ લાંબા ગાળાના સુઆયોજન થકી આપણાં પોતીકા સાહિત્યની સેવા થશે તેવી લાગણી આ વ્યાખ્યાનમાળાના શુભારંભે થાય તે સ્વાભાવિક છે.   

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૧૦/૦૫/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑