: સંસ્કૃતિ : : હીમાલયની દ્રઢતા અને પુષ્પની કોમળતા : : પ્રાધ્યાપક પુરુષોત્તમ ગણેશ માવળંકર :

ભારતની લોકસભાનું ચિત્ર એ સમયે જુદું હતું. (૧૯૭૫) ઘણાં સુખ્યાત રાજકીય નેતાઓની લોકસભામાં ગેરહાજરી હતી. ‘‘જયપ્રકાશ નારાયણ’’ જેવા એક તેજપુંજની વ્યાપક તથા ઊંડી અસર તેઓ જેલમાં હોવા છતાં જનમાનસ ઉપર છવાયેલી હતી. કેન્દ્ર સરકાર કેટલાક બંધારણીય સુધારાઓની દરખાસ્ત લોકસભામાં પસાર કરાવવા માંગતી હતી. આવી દરખાસ્ત લોકસભાના હાજર રહેલા સભ્યોની સર્વાનુમતિથી થાય તેવા સંજોગો હતા. સરકારની પણ આવીજ મહેચ્છા હતી. દરખાસ્ત લોકસભામાં મતદાન માટે રજૂ થઇ ત્યારે ચોક્કસ વિચાર તથા તર્ક સાથે ‘ના’ કહેનાર એકમાત્ર સાંસદ ગુજરાતના હતા તેની નોંધ દેશ તથા દુનિયાના માધ્યમોએ લીધી. ફરી એક વખત મહાભારતના વિકર્ણની સત્ય કહેવાની શક્તિનું જીવંત દર્શન સાબરમતીના એક પનોતા પુત્રએ કરાવ્યું તે એક ભૂંસી ન શકાય તેવી ઉજ્વળ ઘટના હતી. ‘ના’ કહેવાનો પણ એક મત છે તેની પ્રતિતિ કરાવનાર પુ. ગ. માવળંકરની સ્મૃતિ ગુજરાત રાજ્યની સ્થાપના પર્વના આ માસમાં થાય છે. કવિ ઉમાશંકર જોશીની સત્યની આંખે ભાળવાની કસોટીમાંથી આ સાંસદ પાર ઉતર્યા હતા. માવળંકર સાહેબે ગાંધીની કેડીએ નિર્ભયતાથી ડગ માંડ્યા હતા. 

ગાંધીને પગલે પગલે

તું ચાલીશને ગુજરાત ?

સત્ય અહિંસાની આંખે

તું ભાળીશને ગુજરાત ?

ભારતની લોકસભાના પહેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકરના ઉજળા સંસ્કારનું આબેહૂબ દર્શન તેમના હોનહાર પુત્ર પુરુષોત્તમ માવળંકરના જીવનમાં થતું જોવા મળ્યું. મહારાષ્ટ્રનું આ સુવિખ્યાત કુટુંબ ‘સવાઇ ગુજરાતી’ થઇને પ્રજાજીવનમાં ભળી ગયું તે એક ગૌરવશાળી ઘટના છે. 

માવળંકર સાહેબના ઘડતરમાં તેમના માતા-પિતા ઉપરાંત કુટુંબના અનેક વડીલ સભ્યોનો ફાળો છે. તેમના દાદીને બધા પુત્રોમાં આ પુત્ર માટે વિશેષ લગાવ હતો તેમ નોંધાયું છે. સી. એન. વિદ્યાવિહાર જેવી ઉત્તમ શૈક્ષણિક સંસ્થા તથા સંસ્કારમૂર્તિ સમાન ઝીણાભાઇ દેસાઇની અમી નજર હેઠળ માવળંકર સાહેબનું સ્વસ્થ તથા સમતોલ ઘડતર થયું હતું. માવળંકર સાહેબે જે ક્ષેત્રમાં કામ કર્યું ત્યાં પોતાની વિશિષ્ટ છબી ઉપજાવી હતી. 

પ્રાધ્યાપક પુ. ગ. માવળંકર જન્મજાત શિક્ષક હતા. અમદાવાદની એલ. ડી. આર્ટસ કોલેજમાં તેમની શૈક્ષણિક સેવાઓ યાદગાર રહી. આ અધ્યાપક શૈક્ષણિક કાર્યને પૂર્ણ રીતે સમર્પિત હતા. તેઓ એલ.ડી.માં હતા તે સમયની બનેલી એક ઘટના માવળંકર સાહેબની શિક્ષણ કાર્ય તરફની નિષ્ઠા તેમજ નિર્ભયતાનું દર્શન કરાવે છે. એલ. ડી. આર્ટસ કોલેજ પ્રાધ્યાપક માવળંકરના પ્રયાસો તથા સૂચનથી પૂરા દિવસની એટલે કે ડે-કોલેજ તરીકે ચાલતી હતી. પાંચ વર્ષ માટે તેને દિવસની કોલેજ તરીકે ચલાવવાનું નક્કી પણ થયેલું હતું. આ સ્થિતિ હોવા છતાં ૧૯૬૮માં કોલેજના સંચાલક મંડળે કોલેજને ફરી સવારના સમયમાં ચલાવવાનું નક્કી કર્યું. આ ઉપરાંત કોલેજના સંચાલનને લગતા કેટલાક મહત્વના નિર્ણયો સંચાલક મંડળે લીધા. આ નિર્ણય લેવાયો ત્યારે માવળંકર વિદેશ પ્રવાસમાં હતા. આ રીતે આચાર્યની ગેરહાજરીમાં તથા તેમની સાથે ચર્ચા-વિચારણા કર્યા સિવાય આ નિર્ણય કરવામાં આવ્યો. માવળંકર સાહેબે વિદેશ પ્રવાસેથી પાછા આવીને આ બાબત જોઈ. માવળંકર સાહેબની દ્રઢ માન્યતા હતી કે કોલેજના શૈક્ષણિક નિર્ણયોમાં આચાર્યનો મત ધ્યાનમાં લેવાવો જોઇએ. આ કિસ્સામાં તેમ થયું ન હતું. તેમના આગ્રહથી કોલેજના શૈક્ષણિક કાર્યનો જે સમય ફેરફાર થયો હતો તે નિર્ણય પણ ઉલટાવી દેવામાં આવ્યો હતો. મુંગા મોઢે સંચાલકોનો નિર્ણય સ્વીકારી લે તેવા આચાર્ય માવળંકર ન હતા. સંસ્થાના ચેરમેને આ નિર્ણયની પુન: વિચારણા કરવાની વાત માન્ય ન રાખી. બીજા કોઇ આચાર્ય હોત તો આવું અપમાન કદાચ ગળી ગયા હોત. પરંતુ માવળંકર સાહેબે કોલેજના આચાર્યપદેથી રાજીનામું આપ્યું. આચાર્યના સ્વમાન સાથે કોઇ ચેડા થાય તે વાત આ સરસ્વતીના આજીવન ઉપાસકને માન્ય ન હતી. જે કોલેજની સ્થાપનામાં પોતાના પિતા ગણેશ માવળંકરનું મહત્વનું યોગદાન હતું તે સંસ્થા સાથે ક્ષણનાયે વિલંબ સિવાય પ્રાધ્યાપક માવળંકરે છેડો ફાડ્યો. તેમણે આ બાબતમાં ગ્લાનિ જરૂર અનુભવી પરંતુ કોઇ બાંધછોડ કરી નહિ. કોલેજ સાથેના લગભગ અઢી દાયકાના નાતાને સાપ કાંચળી ઉતારે તેવી સહજતાથી ઉતારી નાખ્યો. ‘‘એકલો જાને રે’’ નો અંતર સાદ પારખવામાં માવળંકર કદી પાછા પડ્યા નથી. આજે જ્યારે શૈક્ષણિક સંસ્થાઓના મૂલ્યોના ધોરણોમાં નિરાશાજનક ધોવાણ અનેક કિસ્સાઓમાં જોવા મળે છે ત્યારે માવળંકર સાહેબનો આ કિસ્સો આપણાં ઉજળા શૈક્ષણિક મૂલ્યોની યાદ અપાવે છે. મહાવિદ્યાલયોના મકાનો તથા સવલતો વધી છે પરંતુ શિક્ષણની ગુણવત્તાનો પડકાર વ્યાપક બન્યો છે તેમ સ્વીકારવું પડે તેવી સ્થિતિ છે. પ્રાધ્યાપકો તેમજ સંચાલકોમાં માવળંકરોની નિષ્ઠા પુન: જાગૃત થાય તોજ શૈક્ષણિક ગુણવત્તાનો પ્રશ્ન આપણે ઉકેલી શકીએ. અમદાવાદ તથા ગુજરાતે પુ. ગ. માવળંકર, પ્રોફેસર ફીરોઝ દાવર કે ધીરૂભાઇ ઠાકર જેવા અધ્યાપકોને સ્મરણમાં રાખીને અધ્યાપકો માટેના ધોરણ ફરી નક્કી કરવા પડશે. સ્વતંત્ર રીતે શૈક્ષણિક કાર્ય કરવાની મોકળાશ પણ આવા અધ્યાપકોને આપવી પડશે. સારા અધ્યાપકો સિવાય સક્ષમ ભાવી પેઢીઓનું નિર્માણ કરવું મુશ્કેલ છે. 

સતત અધ્યયન કરતા રહેવાની મહેચ્છામાંથી ૧૯૫૪માં માવળંકર સાહેબે હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટીટ્યૂટની સ્થાપના કરી અધ્યયન તથા અધ્યાપનનો એક અનોખો આનંદ હોય છે તેમ તેઓ હમેશા કહેતા હતા. લગભગ સાડા ચાર દાયકા સુધી હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટીટ્યૂટની પ્રવૃત્તિ ચાલુ રહી. આવી સંસ્થા અમદાવાદમાં ચલાવવામાં આવે છે તેની નોંધ લઇને પંડિત જવાહરલાલ નહેરુએ પોતાની શુભેચ્છાઓ પત્ર લખીને પાઠવી હતી. અધ્યયન કાર્યની આવી સુચારુ વ્યવસ્થા એ અમદાવાદના ગૌરવ સમાન હતી.

અમદાવાદના આ અપક્ષ સાંસદે પોતાના વિચારો લોકસભામાં તેમજ લોકસભાની બહાર નિર્ભયતાથી વ્યક્ત કર્યા. ઇન્દુચાચા પછી તેમનીજ અમદાવાદની બેઠક પરથી લોકસભાના એક સક્રિય સભ્ય તરીકે તેમણે લોક લાગણીને સંસદ ભવનમાં વાચા આપી ૧૪મી માર્ચ-૨૦૦૨ના દિવસે તેઓ ચિર પ્રયાણ કરી ગયા પરંતુ એક અનોખી સુગંધ પ્રસરાવીને ગયા. 

વી.એસ.ગઢવી

ગાંધીનગર.

તા.૦૧/૦૫/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑